આ કોલમમાં આ પહેલાના લેખમાં મેં જે વિવેચન કર્યું હતું એને ક્રિસ્ટોફ જૅફફરલોટ ‘થિયરી ઑફ સ્ટીગમેટાઈઝેશન એન્ડ ઍમ્યુલેશન’ તરીકે ઓળખાવે છે. આપણે તો બહુ ભલા છીએ, પણ બીજા નઠારા છે તેનું શું? આપણો ઇતિહાસ અને પરંપરા ભલમનસાઈનાં છે, પરંતુ બીજાઓનો ઇતિહાસ અને પરંપરા નફ્ફટાઈનાં છે તેનું શું? આપણે ખાનદાન છીએ પણ બીજા નીચ છે તેનું શું? આપણે દરેક રીતે કલંકમુક્ત છીએ, પણ સામેવાળા દરેક પ્રકારના કલંક (સ્ટીગમા) ધરાવે છે ત્યારે આપણે બાપડાએ શું કરવું? ક્યાં જવું? કેમ જીવવું?
તેમની દૃષ્ટિએ આનો એક માત્ર ઉપાય છે અનુકરણ નકલ (એમ્યુલેશન) એટલે કે તેમના જેવા થવું. જેવા સાથે તેવા થવું. જો તે શઠ છે તો શઠ થવું. નીચ છે તો નીચ થવું. હિંસક છે તો હિંસક થવું. શિવાજી મહારાજે તેમના હિંદુ સિપાઈઓને મુસ્લિમ સિપાઈઓની સ્ત્રીઓ સાથે નીચ વ્યવહાર કરવાની છૂટ ન આપી એ વાતનો તો રોષ છે આપણા મહાન સાવરકરને! આપણે આપણાપણું છોડવું અને બીજાનું બીજાપણું અથવા જેવાનું જેવાપણું અપનાવવું. માટે જૅફ્ફરલોટ તેને અનુકરણ (એમ્યુલેશન) તરીકે ઓળખાવે છે. આનો અર્થ એ થયો કે હિંદુઓએ માના ધાવણમાંથી જે સંસ્કાર મળ્યા છે એ છોડવા. વેદોમાં, ઉપનિષદોમાં, સાંખ્યસૂત્રોમાં, યોગસૂત્રોમાં, જૈનદર્શનમાં, બૌદ્ધદર્શનમાં, મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનોમાં, મહાકાવ્યોમાં, કાવ્યશાસ્ત્રમાં, બીજાં ઓછાં જાણીતા દર્શનોમાં, આધુનિક સંતોનાં વચનોમાં, ગ્રંથો અને પરંપરાઓમાં જે કાંઈ માણસાઈની વાત કહેવાઈ છે તેને છોડવી.
આનો અર્થ એવો પણ નથી કે આપણા પ્રાચીન ગ્રંથોમાં અને પરંપરામાં કલંકિત અથવા શરમાવું પડે એવું કાંઈ જ નથી. વર્ણવ્યવસ્થા અને દલિતો સાથે અછૂતપણાનો વ્યવહાર આપણું કલંક છે. સ્ત્રી સાથે કરવામાં આવેલો અને હજુ પણ કરવામાં આવતો અન્યાય આપણું કલંક છે. આવાં બીજાં પણ અનેક કલંક છે. સાચા હિન્દુએ આપણાં કલંકિત ઇતિહાસ અને પરંપરાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ, શરમ અનુભવવી જોઈએ અને બને એટલી ત્વરાએ કલંકિત પ્રથાને દૂર કરવી જોઈએ. હકીકત એ પણ છે કે આ જગતમાં કોઈ પ્રજા, કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ સભ્યતા કલંકમુક્ત નથી. દરેકનાં પોતપોતાનાં કલંક છે અને પોતપોતાનાં પાપ છે અને દરેકે તેનો સ્વીકાર કરીને શરમાવું જોઈએ. જગતની પ્રજા જ્યારે પોતપોતાનાં કલંકોનો સ્વીકાર કરતી થઈ જશે અને શરમ અનુભવીને તેને છોડવા માંડશે ત્યારે દુનિયામાં રામરાજ્ય અવતરશે.
આમ છતાં ય હું આગ્રહપૂર્વક કહું છું કે દલિતોએ અને અન્યાયનો ભોગ બનેલા અન્ય લોકોએ એ વાત સ્વીકારવી જોઈએ કે એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે. હું જ્યારે ભારતીય શબ્દ વાપરું છું ત્યારે તેમાં હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, સૂફીઓએ વિકસાવેલ ભારતીય ઇસ્લામને માનનારા મુસલમાનો, પ્રકૃતિપૂજા કરનારા આદિવાસીઓ અને નાસ્તિકોનો સમાવેશ થાય છે. તેમણે મળીને છેલ્લા પાંચ હજાર વર્ષ દરમ્યાન જે પરંપરા વિકસાવી છે તે સહિયારી ભારતીય પરંપરા છે. એમાં શરમાવાપણું જરૂર છે, પણ ગર્વ લેવાપણું ઘણું વધારે છે. જો સાર કાઢવામાં આવે તો આગળ કહ્યું એમ એકંદરે ભારતીય પરંપરા ઉદારતાની છે.
તો સવાલ એ છે કે આપણી સહિયારી પરંપરામાં (જેમાં હિંદુઓનો પ્રભાવ અને હિસ્સો ઘણો મોટો છે.) જે માણસાઈની વાત કહેવાઈ છે તેને પોતીકી ગણીને તેના વારસદાર તરીકે આપણે ગર્વ લેવો જોઈએ અને તેને હજુ વધુ સમૃદ્ધ કરવી જોઈએ કે પછી તેને છોડવી જોઈએ? સાચા હિંદુએ શું કરવું જોઈએ? તમે મને સલાહ આપો તો શું આપો? તમારે તમારાં સંતાનને સલાહ આપવી હોય તો શું સલાહ આપો? તમે પોતે કયો માર્ગ પસંદ કરો અથવા કર્યો છે? અહીંથી આગળ વધતા પહેલાં ક્ષણભર થોભીને વિચારી લો કે તમે તમારાં સંતાનને શી સલાહ આપીને જશો? માના ધાવણ જેવી, આપણી પોતાની, ગળથૂથીમાં મળેલી માણસાઈની પરંપરાને સ્વીકારવાની સલાહ આપીને જશો કે પછી જેવા સાથે તેવા થવા માટે તેને છોડવાની? વિચારો. સાચા ટકોરાબંધ હિન્દુએ શું કરવું જોઈએ?
હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી પરંપરામાં જે માણસાઈનો અતિરેક છે એ આપણી સમસ્યા છે. વિનાયક દામોદર સાવરકરે આમ અનેકવાર અનેક ઠેકાણે કહ્યું છે અને તેઓ જ હિન્દુત્વવાદીઓના એક માત્ર વિચારક છે. કોઈને પ્રમાણની જરૂર હોય તો મરાઠી ભાષામાં સમગ્ર સાવરકર ૧૦ ખંડમાં ઉપલબ્ધ છે એ જોઈ જાય. એમાંનાં કેટલાંક લખાણ ગુજરાતીમાં અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ પણ હશે. પરંતુ બિચારા સાવરકર પણ ક્યાં ઓછા કમનસીબ માણસ છે! તેમના વિરોધીઓએ પણ એક વાત સ્વીકારવી જોઈએ કે તેઓ તેમનો અભિપ્રાય સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. ઇતિહાસ અને પ્રમાણો સાથે ચેડાં કરશે અને ‘કાલ્પનિક તથ્યો’ પેદા કરશે, પણ અભિપ્રાય શરમાયા વિના આપશે. સ્ત્રીઓને તેમના વિચારો સાંભળીને ઘૃણા થાય એવા વિચારો પણ તેમણે શરમાયા વિના હિંમતપૂર્વક વ્યક્ત કર્યા છે. પણ સાવરકર બિચારા કમનસીબ માણસ છે. તેમના અનુયાયીઓ તેમની વાત સામી છાતીએ મુખરપણે કહેતા નથી, પણ એ જ વાત છાને ખૂણે કહે છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો સાવરકર આજે હયાત હોત તો તેમણે ‘શબવાહિની ગંગા’ નામની બહુચર્ચિત કવિતાના રચયિતા પારુલબહેન ખખ્ખરની ટીકા પોતાના નામ સાથે, બિન્ધાસ્તપણે, સ્ત્રીઓના મનમાં ઘૃણા પેદા થાય એવી ભાષામાં કરી હોત, ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક વિષ્ણુ પંડ્યાની માફક નનામો લેખ લખીને ગોળગોળ ભાષામાં ન કરી હોત. જિંદગીમાં અનેક વાર માફી માગનારા સાવરકર કમ સે કમ અભિપ્રાય તો સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવાની હિંમત ધરાવતા હતા. બીજી બાજુ પારુલબહેનને છોડવામાં પણ નહોતાં આવ્યાં. અજાણ્યા હિન્દુત્વવાદી ટ્રોલ્સે પારૂલબહેનને અશ્લીલ ગાળો આપીને છાને ખૂણે કહી દીધું હતું કે માણસાઈનો અતિરેક ત્યાજ્ય છે. બહુ માણસાઈના જાપ જપશો તો જેવા સાથે તેવા નહીં થવાય.
બોલો શું કરવું જોઈએ? આપણી પોતાની માતાનાં ધાવણને વફાદાર રહેવું જોઈએ કે પછી જેવા સાથે તેવા થવું જોઈએ?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2021
![]()


૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં ગોદીમીડિયા અને મતદાતાઓના મૂડનો અભ્યાસ કરનારી ભરોસાપાત્ર સર્વેક્ષણ-સંસ્થાઓ પણ હતી. બી.જે.પી.ના નેતાઓને પણ ભરોસો નહોતો કે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની બેઠકોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થશે. જ્યારે પરિણામ આવ્યાં ત્યારે બી.જે.પી. સહિત તમામ રાજકીય પક્ષોને અને રાજકીય નિરીક્ષકોને આશ્ચર્ય થયું હતું.
આનું એક કારણ એ છે કે ભારતીય દાર્શનિક પરંપરાનું મહિમામંડન કરે તો સ્વાભાવિકપણે માણસાઈનું મહિમામંડન કરવું પડે. વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે, એકોહમ બહુસ્યામ(એક જ ઈશ્વર અનેક સ્વરૂપે દર્શન દે છે) નું મહિમામંડન કરવું પડે, આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:…(ચારે દિશાએથી અમને ભદ્ર વિચારો પ્રાપ્ત થાઓ)નું મહિમામંડન કરવું પડે, ભદ્રં કર્ણેભિ: શ્રુણયામ દેવા… (હે દેવો અમે કાનેથી માત્ર ભદ્ર વચન જ સાંભળીએ)નું મહિમામંડન કરવું પડે, વગેરે વગેરે. અહીં બે-ચાર કથનો દૃષ્ટાંત તરીકે ટાંક્યા છે. બાકી વેદોથી લઈને ૧૮મી સદી સુધીના મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનો તપાસશો તો એમાં ક્યાં ય હલકી વાત જોવા નહીં મળે. આખી ભારતીય પરંપરા (જેમાં બ્રાહ્મણ ધર્મનો, શ્રમણ ધર્મોનો, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો તેમ જ સાહિત્ય, કાવ્યશાસ્ત્ર, રસસૂત્રનો વગેરેનો સામવેશ થાય છે.) ભદ્રતાથી ભરેલી છે. આ પરંપરાના કેન્દ્રમાં મુખ્યત્વે માણસાઈ છે.