
રમેશ ઓઝા
દલાઈ લામા ૯૦ વરસના થયા. જે દેશની લશ્કરી અને આર્થિક હેસિયત ન હોય, જે દેશનો બીજા દેશોને વ્યૂહાત્મક ખપ ન હોય, જે દેશનું નામ પણ લોકોએ ન સાંભળ્યું હોય, જે દેશનો નેતા ૬૫ વરસથી દેશવટો ભોગવતો હોય અને ૬૫ વરસની લાંબી અવધિમાં વિશ્વદેશોએ વચ્ચે પડવું પડે એવો કોઈ બેત ન રચ્યો હોય તો એવા માણસને જગત ભૂલી જતું હોય છે અથવા ઉપેક્ષા કરતું હોય છે. પણ દલાઈ લામા આમાં અપવાદ છે. તેમને જગત સાંભળે છે. તેમને જગત આદર આપે છે. ગાંધીજી પછી તેમણે માણસાઈને એક નવી ઊંચાઈ આપી છે. તેઓ અહિંસક માર્ગે અને વિવેક જાળવી રાખીને ચીન સામે ઊભા છે. સોક્રેટિસની બગાઈની જેમ ચીન દલાઈ લામાથી જેટલું પરેશાન છે એટલું જગતના બીજા કોઈ પણ શક્તિશાળી દેશથી પરેશાન નથી.
પણ હવે દલાઈ લામા ૯૦ વરસના થયા છે અને તબિયત પણ લથડી છે. સોવિયેત સંઘના પતન પછી તેઓ હંમેશાં કહેતા રહ્યા છે કે તેમની જિંદગી અને ચીની સામ્યવાદી સરમુખત્યારી વચ્ચે કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. કોની રેત પહેલાં ખૂટી જશે અને અંત આવશે એ કહેવું મુશ્કેલ છે. ૨૦૧૦ સુધી આ લખનારને એમ લાગતું હતું કે ચીની સામ્યવાદી સરમુખત્યારીની રેત પહેલાં ખૂટી જશે. દલાઈ લામાને મળવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે મેં તેમને આમ કહ્યું પણ હતું. પણ હવે એમ લાગે છે કે દલાઈ લામા આ સંસારમાંથી પહેલા વિદાય લેશે અને વર્ણસંકર ચીની સામ્યવાદી સરમુખત્યારી ૨૧મી સદીમાં કમ સે કમ ૨૦૫૦ સુધી વર્ચસ ભોગવશે.
સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે.
વર્તમાન દલાઈ લામા ૧૪માં દલાઈ લામા છે. દલાઈ લામાના અવતારને પસંદ કરવાની એક વિચિત્ર અને અટપટી પ્રક્રિયા છે જેમાં જવાની અહીં જરૂર નથી, પણ એટલું નોંધવું જરૂરી છે કે તિબેટીઓ માટે દલાઈ લામા ધાર્મિક-આધ્યાત્મિક-રાજકીય-સામાજિક એમ દરેક રીતે સર્વોપરી છે. ચીનને આ કઠે છે. ચીન કોઈ આંગળિયાત લામાને દલાઈ લામા તરીકે બેસાડે તો પ્રજા સ્વીકારે નહીં અને જો વર્તમાન દલાઈ લામા તેમના વારસ આપતા જાય તો ચીન ગળી ગયેલા તિબેટને જે રીતે હજમ કરવા માગે છે એ કરી શકે નહીં. સાત દાયકાથી ચીન તિબેટને ગળીને બેઠું છે પણ હજમ કરી શકતું નથી અને તેનો પૂરો શ્રેય દલાઈ લામાને જાય છે. દલાઈ લામા કહે છે કે અમને ચીનનો હિસ્સો બનવા સામે કોઈ વાંધો નથી, ચીન ગળી જાય અને અમારું સાંસ્કૃતિક અસ્તિત્વ મિટાવી દે તેની સામે વાંધો છે.
ચીન પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી જે રીતે કાશ્મીરીઓ કે સીમાડે વસતી ભારતની બીજી પ્રજાઓ ભારતના વર્તમાન શાસકોને આ પ્રશ્ન પૂછે ત્યારે તેમની પાસે કોઈ જવાબ હોતો નથી. અમને ભારતનો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ અમારી સંસ્કૃતિને શા માટે મીટાવવાનો આગ્રહ રાખો છો? એક દેશ એક સંસ્કૃતિ એ ભ્રમણા છે, વાસ્તવિકતા નથી. દલાઈ લામા આનો વેશ્વિક અવાજ છે અને એટલે એ મહાપુરુષ છે. તિબેટનું કોઈ જાગતિક અસ્તિત્વ નથી, પણ દલાઈ લામા વિરાટ પુરુષ છે.
એક બાજુ દલાઈ લામાની જીવનસંધ્યા બેઠી છે અને બીજી બાજુ ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ઓપરેશન સિંદૂર ચાર દિવસમાં સંકેલી લેવું પડ્યું એ ચીનના કારણે. માત્ર દક્ષિણ એશિયામાં નહીં, આખા જગતમાં ચીનનો દબદબો છે. હવે જ્યારે દલાઈ લામા નહીં હોય અને મૃત્યુ પૂર્વે તેઓ જો ૧૫માં દલાઈ લામા આપતા જશે તો ચીન કેવું વલણ અપનાવશે અને ભારત શું કરશે? અત્યારે જ ભારત ચીનથી ડરી રહ્યું છે. પૂરી મુદ્દત વડા પ્રધાનપદ ભોગવનારા ભારતના વડા પ્રધાનોમાં નરેન્દ્ર મોદી એક માત્ર એવા વડા પ્રધાન છે જે ત્રીજી મુદ્દત ચાલતી હોવા છતાં એક પણ વાર દલાઈ લામાને મળ્યા નથી, કારણ કે ચીન ઈચ્છતું નથી. મુલાકાત માગવા છતાં આપવામાં આવી નથી. આમ તો ભડવીર છે, પણ ડરે છે.
જવાહરલાલ નેહરુએ આવો ડર નહોતો અનુભવ્યો, કારણ કે નૈતિક ભૂમિકામાં વિસંગતી નહોતી. નેહરુ એ જ ફિલસૂફીમાં માનતા હતા જેમાં દલાઈ લામા માને છે. “અમને તમારો હિસ્સો બનવામાં વાંધો નથી, પણ તમે અમને ગળી જઈને હજમ કરી જાઓ અને અમારા સાંસ્કૃતિક અસ્તિત્વને જ મિટાવી દો એ અમને સ્વીકાર્ય નથી” એવી દલાઈ લામાની ભૂમિકા ભારતનાં વિવિધ પ્રદેશોના દલાઈ લામાઓ ધરાવતા હતા અને નેહરુ તેનો આદર કરતા હતા. આ નેહરુની નબળાઈ નહોતી, દૂરંદેશી હતી. આઝાદી પછી તરત સરદાર પટેલે જવાહરલાલ નેહરુને લખેલા એ પત્રની યાદ વારંવાર આપવામાં આવે છે. સરદારે નેહરુને સલાહ આપી હતી કે ચીનથી સાવધાન રહેવાની જરૂર છે અને તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહે એ ભારતના હિતમાં છે. વાત તો સાચી પણ તિબેટને બફર સ્ટેટ તરીકે કઈ રીતે ટકાવી રાખવું એનો કોઈ ઉપાય સરદારે એ પત્રમાં સૂચવ્યો છે? તમારી સગી આંખે તપાસી લો. કનૈયાલાલ મુનશીએ પણ નેહરુને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો, પણ કોઈ ઉપાય સૂચવ્યો નહોતો. વિકલ્પ વિનાની ચેતવણીનો કશો અર્થ રહેતો નથી.
જવાહરલાલ નેહરુ જાણતા હતા કે ભારત પાસે પણ એક ડઝન જેટલા તિબેટ છે અને ત્યાંની પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે. ભારત જો જુલમ અને જબરદસ્તીવાળો ચીનનો માર્ગ અપનાવે તો ચીન જ ભારતની સામે તેનો લાભ લે, કારણ કે ભારતનાં તિબેટો (કાશ્મીરથી લીને અરુણાચલ પ્રદેશ સુધીનાં) ચીનની (તિબેટની) સરહદે છે. ભારતનાં વર્તમાન શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે અને તેનો વિરોધ કરનારાઓ સામે કડક હાથે કામ લેવામાં માને છે. ડિટ્ટો ચીનની પોલીસી. ચીને આ જ પોલીસીને અનુસરીને લડાખમાં કેટલાક હિસ્સા પર કબજો કર્યો છે અને અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો છે. ચીને અરુણાચલ પ્રદેશનું નામ બદલી નાખ્યું છે, અરુણાચલ પ્રદેશનાં શહેરો, કસબાઓ અને પ્રદેશોનાં નામ બદલી નાખ્યાં છે, ચીનના નકશામાં તેને ભેળવી દીધું છે, અરુણાચલ પ્રદેશની સરહદ સુધી રસ્તાઓ બાંધ્યા છે, અરુણાચલ પ્રદેશની પ્રજાને ચીનનું ભલે ગેરહાજરીવાળું નાગરિકત્વ આપ્યું છે, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સરહદે ભારતના કોમ્યુનિકેશનને બ્લોક કરવા પ્રચંડ શક્તિશાળી જામર લગાડવામાં આવ્યાં છે અને ભારત ચૂપ છે!
બન્ને તરફના શાસકો એક રાષ્ટ્ર એક સંસ્કૃતિમાં માને છે, કડક હાથે કામ લેવામાં માને છે, પણ તાકાતમાં ફરક છે. ચીન ક્યારે ય આટલું હાવી નહોતું થયું જેટલું નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયું છે એનું કારણ આ છે. ચીનને ભારતમાં જેવા શાસકો જોઈતા હતા એવા મળી ગયા છે. માણસાઈ સામે નાગાઈ ગમે એટલી તાકાત હોય તો પણ ઝાંખી પડે પણ નાગાઈ સામે નાગાઈમાં તાકાત જ નિર્ણાયક હોય છે. એમાં વળી જ્યારે દલાઈ લામા નહીં હોય ત્યારે ચીન હજુ વધુ નાગાઈ અપનાવશે. ચીનના બૃહદ્દ તિબેટમાં આખા અરુણાચલ પ્રદેશનો, લડાખનો અને સિક્કિમના કેટલાક પ્રદેશનો સમાવેશ થાય છે.
ભારત પાસે બે જ વિકલ્પ છે: કાં ચીનને ટક્કર આપે. ચીને ભારતથી ડરવું પડે એવો તાકાતવાન દેશ બનાવવામાં આવે અથવા નેહરુ અને દલાઈ લામાનો માર્ગ અપનાવે. વર્તમાન શાસકોને મનગમતો એવો પહેલો વિકલ્પ અપનાવી શકાય એમ છે, પણ એને માટે હિંદુ-મુસ્લિમની ચૂંટણીકીય સત્તાલક્ષી રમત છોડીને દેશહિતનું શાસન કરવું પડે. સત્તા અલગ ચીજ છે અને શાસન અલગ ચીજ છે. સત્તા માટે પ્રજાને એકબીજા સામે લડાવી શકાય પણ જો શાસન કરવું હોય તો પ્રજાકીય એકતા અને શાંતિ જરૂરી હોય છે. ઇઝરાયેલ અને ચીને નાગાઈ અપનાવી છે, પણ પ્રજાકીય વિભાજન નથી કર્યું.
કમનસીબે વગર શાસન કર્યે સત્તા ભોગવનારા સત્તાધીશો વચ્ચે વચ્ચે પ્રજાને મળતા રહે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જુલાઈ 2025