બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશોને એમ લાગ્યું હતું કે જો રોટલાનો અથવા પેટનો ખાડો પૂરવાનો સંબંધ એકબીજા સાથે જોડવામાં આવે તો ત્રીજું વિશ્વયુદ્ધ ટાળી શકાય. આર્થિક સંબંધોના તાણાવાણા એવી રીતે ગૂંથવા કે અલગ પડવું જ મુશ્કેલ બને. પરસ્પર નિર્ભરતા એટલી વિકસાવવી કે તેમાં લડીને દૂર જવું કે એકબીજાને તારાજ કરવા એ દૂરની વાત ગણાશે. આમાંથી યુરોપના સંઘની કલ્પના વિકસી હતી. યુરોપની એક મજિયારી બજાર હોય, બધા દેશોમાં ચાલે એવું એકસમાન ચલણ હોય, વેપાર-વાણિજ્યની એકસમાન સંહિતા હોય, નિયમનો કરનારી એજન્સી હોય, લોકો પાસપોર્ટ અને વીઝા વિના એકથી બીજા દેશમાં જઈ શકતા હોય, બધા દેશોની એક સંસદ હોય, વગેરે વગેરે.
યુરોપની મજિયારી બજાર તો બની હતી, પરંતુ પૂર્વ યુરોપ હજુ સામ્યવાદી હોવાથી જે અસ્સલ કલ્પના કરવામાં આવી હતી એ સાકાર નહોતી થઈ. ૧૯૯૦ પછી પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનો અંત આવ્યો અને જેવા યુરોપ સંઘની કલ્પના કરવામાં આવી હતી એવું યુરોપ લગભગ સાકાર થયું. એમ તો તુર્કી પણ યુરોપનો દેશ છે, પરંતુ તુર્કી મુસ્લિમ દેશ હોવાથી તેને યુરોપ સંઘમાં સભ્યપદ આપવામાં આવતું નથી.
ભૌગોલિક રાજકીય એકતા માટે યુરોપ એક દીવાદાંડી સમાન હતું, પણ ત્યાં સુધી જ્યાં સુધી આર્થિક વિકાસનું ગાડું અટકી નહોતું પડ્યું. સ્વાભાવિક છે, જ્યાં સુધી રોટલો રળવામાં મુશ્કેલી ન આવતી હોય ત્યાં સુધી. ત્યાં સુધી જો ખાવામાં બે મોઢાનો વધારો થાય તો કોઈને ભારે નથી પડતું, પરંતુ જ્યારે પડતી થાય ત્યારે પ્રેમ અને ઉદારતાનું બાષ્પીભવન થઈ જાય છે. ૨૦૦૮ પછીથી યુરોપ અને અમેરિકાના અર્થતંત્ર પર સાડાસતી બેઠી છે. નેગેટિવથી લઈને માત્ર ૧.૯ (જર્મની) ટકાનો વિકાસદર છે. પ્રજામાં હતાશા વધવા લાગી ત્યારે આપણે અને બહારનાની માનસિકતા વિકસવા લાગી. જમણેરી રૂઢિચુસ્તો કહેવાતા દેશપ્રેમનું રાષ્ટ્રવાદી રાજકારણ તો કરતા જ હતા તેમાં તેમને હતાશાને વાચા આપનારા સોશ્યલ મીડિયાનો સહારો મળ્યો. સોશ્યલ મીડિયા દ્વારા એવો ઉન્માદ પેદા કરવામાં આવ્યો કે બે વરસ પહેલાં ૨૩મી જૂન ૨૦૧૬ના રોજ બ્રિટન યુરોપના સંઘમાંથી બહાર નીકળી ગયું.
આગળ કહ્યું એમ યુરોપનો સંઘ દાયકાઓની મથામણ પછી રચાયો હતો. મજિયારી બજારથી લઈને મજિયારું ચલણ અને મજિયારી સંસદ સુધી વિકાસ કર્યો છે. યુરોપિયન સંઘના બંધારણની ધારા ૫૦ હેઠળ કોઈ પણ દેશ બહાર નીકળી શકે છે, પરંતુ તેની પ્રક્રિયા અટપટી છે. મન ફાવે ત્યારે કોઈ કમંડલ લઈને બહાર ન નીકળી શકે. અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે અને એમાં મુશ્કેલીઓ આવી રહી છે. સૌથી મોટી મુશ્કેલી કોર્પોરેટ કંપનીઓએ પેદા કરી છે. કંપનીઓ કહે છે કે બ્રિટન યુરોપમાં રહે કે બહાર; અમને એ જ સરળતા, સ્પષ્ટતા અને કાયદાકીય તેમ જ નાણાકીય એક સરખાપણું અને જોઈએ છે જે યુરોપિયન સંઘમાં છે. જો બ્રિટન અલગ નીતિનિયમો બનાવશે તો એર બસ, લેન્ડ રોવર, બી.એમ.ડબલ્યુ. જેવી કેટલીક કંપનીઓએ બ્રિટન છોડી જવાની ધમકી આપી છે.
જ્યારે બ્રેક્ઝિટનો લોકમત લેવાયો અને બ્રિટન યુરોપમાંથી બહાર નીકળી ગયું ત્યારે બ્રિટનમાં સોપો પડી ગયો હતો. એ સમયના વડા પ્રધાન ડેવિડ કેમેરુન અને બીજા નેતાઓને લાગવા માંડ્યું હતું કે બ્રિટનનું અર્થતંત્ર તૂટી પડશે. પાઉન્ડ માર ખાશે અને વિકાસદર પા-અડધો ટકો કે પછી નેગેટિવ પણ થઈ શકે છે. એ ભય ઘણે અંશે ખોટો સાબિત થયો છે, એટલે દેશપ્રેમી રાષ્ટ્રવાદીઓ ગેલમાં આવી ગયા છે. બ્રિટિશ વડાં પ્રધાન ટેરિસા મે પહેલા બ્રેક્ઝિટના વિરોધી હતાં, પરંતુ હવે પાઉન્ડ અને વિકાસદર (૧.૭ ટકા, જર્મનીથી માત્ર ૦.૨ ટકા પાછળ) જળવાઈ રહ્યો છે, એટલે તેઓ પણ બ્રેક્ઝિટની તરફેણ કરવા લાગ્યાં છે. આમાં એક કારણ એ પણ છે કે તેમના ટોરી પક્ષમાંના જમણેરી રૂઢિચુસ્તો વધુને વધુ દબાણ લાવીને ટેરિસા મેને ભીંત સોંસરવા ધકેલી રહ્યાં છે.
મેના પ્રધાનમંડળમાં બ્રેક્ઝિટનો હવાલો સંભાળનારા ડેવિડ ડેવિસે રાજીનામું આપી દીધું એ પછી તરત જ ટેરિસા મે પર વધુ દબાણ લાવવા વિદેશ પ્રધાન બોરિસ જ્હોનસને રાજીનામું આપ્યું છે. હજુ વધુ પ્રધાનો રાજીનામાં આપવાના છે એમ કહેવામાં આવે છે. હકીકતમાં બોરિસ જ્હોન્સન વડા પ્રધાન બનવા માંગે છે. વરસ પહેલાં કારણ વિના ટેરિસા મેએ વચગાળાની ચૂંટણી યોજીને પોતાની સ્થિતિ નબળી કરી છે, અને અત્યારે હવે વધુ નબળી થઈ રહી છે. તેઓ આત્મવિશ્વાસનો દેખાવ કરી રહ્યાં છે, પરંતુ અંદરથી દિશાહીન છે.
બ્રેક્ઝિટ પછી જે ભય સેવવામાં આવ્યો હતો, એ સાચો ન નીવડ્યો એનો અર્થ શું અનુકૂળતા છે અને અત્યારે અર્થતંત્રમાં જે મામૂલી અનુકૂળતા નજરે પડે છે એ જળવાઈ રહેશે? હજુ તો બ્રિટન યુરોપમાંથી વિધિવત્ બહાર નીકળ્યું નથી. વિભાજનની વિધિ નક્કી થઈ રહી છે અને એ વાટાઘાટો આ વરસના અંત સુધી ચાલવાની છે. બ્રિટન આવતા વરસના માર્ચ મહિનામાં યુરોપિયન સંઘમાંથી બહાર પડશે. અર્થતંત્રમાં જે અનુકૂળતા નજરે પડી રહી છે એ વચગાળાની છે, અને જેવું બ્રિટન બહાર નીકળશે કે તરત અવળી અસર થશે એમ જાણકારો કહે છે. બીજું કોર્પોરેટ કંપનીઓનું દબાણ પુષ્કળ છે અને તેને ખાળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્રીજું જો ઉગ્ર રાષ્ટ્રવાદીઓ સત્તા ખાતર રાજકીય અસ્થિરતા પેદા કરશે તો હજુ વધુ નુકસાન થઈ શકે એમ છે. તો પછી શું પૂર્વ યુરોપના ગરીબ દેશોના (મુખ્યત્વે પોલેન્ડના) નાગરિકો બ્રિટનમાં ઘૂસે છે, એટલે યુરોપમાંથી નીકળી જવાનું? આ તો બેવકૂફી કહેવાય અને બ્રિટનમાં એ જ બની રહ્યું છે. આનું નામ રાષ્ટ્રવાદ. જટિલ પ્રશ્નોનું સરલીકરણ કરવાનું અને પછી જટિલ પ્રશ્નને વધારે જટિલ બનાવવાનો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 14 જુલાઈ 2018