૧૯૫૦-૧૯૫૨નાં વર્ષોમાં કનૈયાલાલ મુનશી ભારતના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન હતા. કૃષિ પ્રધાન તરીકે તેમણે ભારત સ્વાવલંબી બને એટલું અનાજ ઉગાડવાનું હતું અને પુરવઠા પ્રધાન તરીકે ભારતના દરેક નાગરિકને ધાન મળી રહે એની તજવીજ કરવાની હતી. બન્ને પડકારો મોટા હતા. એક તાત્કાલિક હતો અને બીજો લાંબા ગાળાનો હતો. રોજ સવારે મુનશી જ્યારે તેમનાં દફતરમાં જતા ત્યારે પોતાના પ્રાંતની વિકટ પરિસ્થિતિ વર્ણવીને વધુ અનાજ માટેની વિનંતી કરતા ઓછામાં ઓછા આઠ-દસ પત્રો તેમના ટેબલ પર પડ્યા જ હોય. પત્ર લખનારા જે તે રાજ્યોના મુખ્ય પ્રધાનો હોય અને ઉપરથી કેન્દ્રના પ્રધાનોની અને કૉન્ગ્રેસના માંધાતાઓની જોડચીઠી હોય. આમાંથી કોની વિનંતી સ્વીકારવી અને કોની ન સ્વીકારવી અને દરેકની વિનંતી સ્વીકારવા જેટલું અનાજ લાવવું ક્યાંથી, એ મુનશી માટેનો રોજનો પ્રશ્ન હતો. મેં ‘મુનશી પેપર્સ’માં એ પત્રો જોયા છે જે સેંકડોની સંખ્યામાં છે.
હું જ્યારે મુનશીની જગ્યાએ મારી જાતને મુકું છું, ત્યારે શરીરમાં લખલખું પસાર થઈ જાય છે. કેવી કારમી સ્થિતિ હતી અને કેવા મોટા પડકાર હતા. એક પણ માણસ જો ભૂખ્યો મરે તો દેશની આઝાદી લાજે અને જગત હસે! બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે અને બીજાઓએ આપણને ટોણો મારતા કહ્યું પણ હતું કે, ‘તમે આઝાદીનાં સપનાં તો જુઓ છો, પણ ભોગવી નહીં શકો. બે ચીજ બનવાની છે. એક તો તમે સંપીને સાથે નહીં રહી શકો અને બીજું ગરીબ લોકોનું પેટ નહીં ભરી શકો.’ કોઈ પણ સંજોગોમાં વાંકદેખાઓની ભવિષ્યવાણી સાચી ન પડવી જોઈએ. એ માટે મુનશીએ શું ઉપાય યોજ્યા એ આજની ચર્ચાનો વિષય નથી, પણ એટલું નોંધવું જોઈએ કે મુનશીને સલામ કરવી પડે એટલું પાયાનું કામ તેમણે કર્યું હતું. આજે દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર છે એમાં મુનશીનો પણ ફાળો છે.
આમ છતાં ય આજે સાત દાયકા પછી પણ ભારતમાંથી ગરીબી નાબૂદ નથી થઈ. વંચિતો અને શોષિતોની સંખ્યા ઘણી મોટી છે. દેશની ત્રીજા ભાગની પ્રજા ગરીબીની રેખા નીચે જીવે છે. ગરીબીની રેખાની વ્યાખ્યા સાથે ચેડાં કરવામાં આવ્યા છે, એટલે તેના સરકારી આંકડાઓની કોઈ કિંમત નથી. આજે જેમને આદરણીય વડા પ્રધાન તરીકે જોવામાં આવે છે એ ડૉ. મનમોહન સિંહ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે ગરીબીની રેખાની વ્યાખ્યા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ગામડાંમાં આરોગ્ય કેન્દ્રો નથી અને છે તો તબીબો નથી. દવાઓ લોકો સુધી પહોંચતી નથી અને વચ્ચેથી ચોરાઈ જાય છે. આવી જ સ્થિતિ શિક્ષણની બાબતમાં છે. ટૂંકમાં સિત્તેર વરસ પછી પણ આપણી સમસ્યાઓનો અંત નથી આવ્યો.
જો આઝાદી પછીના સિત્તેર વરસે પણ આપણે સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ તો એના બે જ નિષ્કર્ષ નીકળી શકે. એક શક્યતા એવી છે સમસ્યા ખૂબ વિકટ અને જટિલ છે એટલે સાત દાયકામાં આપણે તેને ઉકેલી શક્યા નથી. બીજો નિષ્કર્ષ એવો નીકળે કે દેશમાં અત્યાર સુધી શાસન કરનારા નેતાઓમાં શાસન કરવાની આવડત નહોતી. આ બન્ને કારણ એક સાથે હોઈ શકે, પરંતુ તે સિવાયનું બીજું કોઈ કારણ સંભવી શકે નહીં.
તમને શું લાગે છે? તમે કોઈ પણ અભિપ્રાય ધરાવતા હોય તેની સામે કોઈ વાંધો નથી. જવાહરલાલ નેહરુથી લઈને ડૉ. મનમોહન સિંહ સુધીના કોઈ પણ શાસકમાં આવડત નહોતી અથવા તો તેઓ પ્રામાણિક નહોતા કે પછી તેઓ દેશને જોઈએ એટલો પ્રેમ કરતા નહોતા એમ તમે માનતા હો તો પણ વાંધો નથી. અને જો કોઈ એમ માનતું હોય કે સમસ્યા જલદી ઉકલે નહીં એવી વિકટ છે તો એનાથી પણ કોઈ ફરક પડતો નથી.
સવાલ એ છે કે તમે જો આજે દેશના શાસક હો અને તમને નેહરુથી લઈને ડૉ. મનમોહન સિંહ સુધીના ફૂહડ શાસકોએ પેદા કરેલી વિકટ સમસ્યાનો વારસો મળ્યો હોય અથવા નેહરુથી લઈને ડૉ. મનમોહન સિંહ સુધીના આવડતવાળા શાસકોએ અથાક પ્રયત્નો કર્યા હોવા છતાં ઉકલી નથી શકી એવી જટિલ સમસ્યાનો વારસો મળ્યો હોય તો તમે શું કરો? ઘડીભર દેશની વાત બાજુએ મૂકીને તેની જગ્યાએ આપણા પોતાના ઘરની કોઈ સમસ્યાનો વિચાર કરો. કલ્પના કરો કે ઘરની કોઈ સમસ્યા લોકોને મોઢું બતાડતા શરમ આવે એવી સાત દાયકા જૂની છે અને તેનો કોઈ ઉકેલ નથી આવતો તો તમે શું કરો?
પ્રજાવત્સલ ડાહ્યા શાસકો અથવા કુટુંબવત્સલ ડાહ્યો વડીલ એક જ માર્ગ અપનાવે. આદુ ખાઈને સમસ્યાને ઉકેલવાના કામમાં તે લાગી જશે. જો તેને એમ લાગતું હોય કે અત્યાર સુધીના શાસકો કે કુટુંબના વડીલ આવડત વિનાના કે અપ્રામાણિક હતા તો વિશેષ પ્રયાસ કરવાનો રહેતો નથી, તેની આવડત અને પ્રામાણિકતા જ પૂરતાં નીવડશે. જેનો અભાવ હતો તેની પૂર્તિ થઈ જશે. અને જો સમસ્યા વિકટ લાગતી હોય તો તે તેને ઉકેલવામાં મદદ કરી શકે એવા લાયકાત ધરાવતા લોકોનું માર્ગદર્શન મેળવશે અને તેમનો સાથ લેશે. જે કરવું જોઈએ એ બધું જ કરી છૂટશે. હાથ-પગ જોડશે, વિનય-અનુનય કરશે; પણ મદદ મેળવશે કારણ કે સમસ્યા અઘરી છે અને ઉકેલવી જરૂરી છે. ઘણું થયું. સત્તર વરસ થઈ ગયાં. જગતમાં કે સમાજમાં માથું ઊંચું રાખીને જીવી ન શકાય એ શરમનો તો નિવેડો આવ્યે જ છૂટકો. પ્રજાવસ્તલ શાસક કે કુટુંબવત્સલ વડીલ આ માર્ગ ન અપનાવે એવું બને?
હવે આજના શાસકોનું મૂલ્યાંકન કરો. આવું કાંઈ બની રહ્યું હોય એમ તમને લાગે છે? સાત દાયકા જૂની સમસ્યા ઉકેલવા માટેની પ્રામાણિક જદ્દોજહદ નજરે પડે છે? જો સમસ્યા વિકટ હોય તો કોઈની મદદ લેવામાં આવતી હોય એવું જોવા મળે છે? જો સમસ્યા જટિલ હોય તો રાષ્ટ્રીય સર્વસંમતિ વિકસાવવા માટેના કોઈ પ્રયાસ નજરે પડે છે?
જો એવા કોઈ પ્રયાસ નજરે નથી પડતા તો એનું શું કારણ છે? તમે પોતે જ વિચારો અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરો.
ભારત આઝાદ થયો એ પછીનાં બે-ત્રણ દાયકા સુધી શાસકો શરમાતા હતા અને અજંપાભરી જદ્દોજહદ કરતા હતા. કનૈયાલાલ મુનશીનો પ્રસંગ ઉપર ટાંક્યો છે. આ શરમ અને જદ્દોજહદ છેલ્લા ચાર દાયકાથી નજરે પડતાં નથી, પછી સરકાર કૉન્ગ્રેસની હોય કે ભા.જ.પ.ની. શા માટે? શું કોઈ જદ્દોજહદ કરતાં રોકી રહ્યું છે? આ પ્રશ્ન ગર્ભિત છે એટલે તેનો જવાબ પણ શોધજો.
25 સપ્ટેમ્બર 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 સપ્ટેમ્બર 2019