એક વિચિત્ર સ્થિતિ છે. મુસલમાનો વિચારોમાં કટ્ટર છે, પણ આચાર અને વ્યવહારમાં ઉદાર છે. મુસલમાન કોઈની પણ સાથે રોટી-બેટી વ્યવહાર રાખશે. તેને હિંદુના કે બીજા કોઈના ઘરે જમવામાં વાંધો નહીં આવે. બીજી બાજુ હિંદુ વિચારોમાં ઉદાર છે પણ આચારમાં રૂઢિચૂસ્ત છે. આ આખું જગત બ્રહ્મમય છે અને મુસલમાન, ખ્રિસ્તી કે નાસ્તિક સહિત દરેક વ્યક્તિ તેનો અંશ છે, પિંડે તે બ્રહ્માંડે એમ હિંદુ બેધડક કહેશે. જો શક્ય હોત તો અલ્લાહને પણ હિંદુઓએ વિષ્ણુના અવતાર માની લીધા હોત.
અસહકારનાં અંદોલન વખતે ગાંધીજી અને અલીબંધુ તરીકે ઓળખાતા મૌલાના મહમદઅલી અને શૌકતઅલી વચ્ચે દોસ્તી થઈ હતી. ૧૮૫૭ના વિદ્રોહ પછી પહેલીવાર હિંદુમુસ્લિમ એકતા તેની ચરમ સીમાએ હતી અને એ સીમા હજુ સુધી ઉલ્લંઘાઈ નથી. આમ છતાં ગાંધીજીને અને મૌલાના મહમદઅલીને એ જ અનુભવ થયો હતો જે ઉપર કહ્યો છે. મૌલાના મહમદઅલીને પૂછવામાં આવ્યું હતું કે તમે પેગંબરના અનુયાયી છો કે ગાંધીજીના? હિંદુમુસ્લિમ એકતાની વાત તો કરો છો તો શું બન્ને ધર્મ સમાન છે? મૌલાના મહમદઅલી આ બે પ્રશ્નોના ઉત્તર આપવામાં ફસાઈ ગયા હતા. તેઓ જો અનુયાયી પેગંબરના હોય તો તેમની પહેલી વફાદારી ઇસ્લામ માટેની હોવી જોઈએ. બીજું જગતનો સર્વશ્રેષ્ઠ ધર્મ ઇસ્લામ છે એમ જો દરેક મુસલમાને સ્વીકારવાનું હોય તો તેમણે હિંદુઓને અને ગાંધીજીને ઇસ્લામનો સ્વીકાર કરવા કહેવું જોઈએ. ત્યાં સુધી કે ગાંધીજી ભલે ગમે તેટલા ચારિત્ર્યવાન હોય, પણ જ્યાં સુધી તેઓ ઇસ્લામનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી તેમને મુક્તિ મળવાની નથી એમ પણ ગાંધીજીને કહેવું જોઈએ. મૌલાના આનો નકાર કરી શક્યા નહોતા.
બીજી બાજુ ગાંધીજીને મુસલમાનોને ઘરે અને મુસલમાનોની સાથે જમતા જોઈને અનેક હિંદુઓ ભડક્યા હતા. ગાંધીજી ઇસ્લામના ગુણગાન ગાય અથવા અલ્લાહને હિંદુઓના ઈશ્વરના જેવા જ એક સ્વરૂપ તરીકે જુએ તેની સામે હિંદુઓને ખાસ વાંધો નહોતો, પણ મુસલમાનો સાથે રોટીવ્યવહાર કઈ રીતે હોઈ શકે? આજે જો રોટીનો વ્યવહાર શરૂ કરવામાં આવે તો કાલે બેટી સુધી વ્યવહાર પહોંચે અને પછી તો સનાતન ધર્મનું પતન થાય. તેમને મન સનાતન ધર્મ સ્થૂળ આચરણ અને કર્મકાંડમાં સમાયેલો છે.
આમ વ્યવહાર વિસ્તારીને ધર્મને વિસ્તારવો એ મુસલમાનોનું સ્વભાવ લક્ષણ છે અને માત્ર આચારમાં કે કર્મકાંડમાં જ સત્ શોધીને તેને જાળવી રાખવું અને તે દ્વારા પોતાના ધર્મને આચાર-વ્યવહારના સુરક્ષિત કોચલામાં બીડી રાખવો એ હિંદુઓનું સ્વભાવ લક્ષણ છે.
ભારતમાં ઇસ્લામ આવ્યો અને હિંદુઓ અને મુસલમાનો એકબીજાના પરિચયમાં આવ્યા ત્યારથી સ્વભાવ લક્ષણની આ સમસ્યા નડે છે. મુસલમાનોમાં મનની ઉદારતા નથી અને હિંદુઓમાં વ્યવહારની ઉદારતા નથી. આમીર ખુસરોથી લઈને અંતિમ મધ્યકાલીન ગુજરાતી કવિ દયારામ સુધીના સંતો અને સૂફીઓએ આ બે બાબત હાથ ધરવાની હતી. ધરવી પડી હતી. લગભગ છસો વરસના કાલખંડના સંતો અને સૂફીઓએ આ પ્રશ્ન હાથ ધર્યો છે. એટલે તમે જો કબીરને તપાસશો તો એમાં તેણે હિંદુઓને તેની રૂઢિચુસ્તતા માટે ટપાર્યા છે અને મુસલમાનોને તેની અનુદારતા માટે. બીજા કવિઓએ પણ આમ કર્યું છે. ખુદા કે ઈશ્વર સાથે મસ્તીમાં રહેતા કવિઓ પણ વખત આવ્યે ટપારવાનું ચૂક્યા નથી.
મારી સામે સમસ્યા એ છે કે લગભગ છસો વરસનો કાલખંડ છે જે નાનોસૂનો ન કહેવાય. એ કાલખંડમાં ભારતમાં પ્રાદેશિક ભાષાઓ વિસ્તરવા લાગી હતી એટલે લગભગ દોઢ ડઝન ભાષાઓમાં મધ્યકાલીન સંતો અને સૂફીઓએ કામ કર્યું છે. ખરું પૂછો તો પ્રાંતીય ભાષાઓ વિકસાવવામાં સંતો અને સૂફીઓનો મોટો ફાળો છે. બોલચાલની વ્યવહારભાષા સર્જકતાથી સમૃદ્ધ થતી હોય છે. આટલા લાંબા કાલખંડમાં અને દોઢ ડઝન ભાષામાં કામ કરી ગયેલા સંતો અને સૂફીઓની સંખ્યા સેંકડોમાં છે. એ કાલખંડમાં દ્વૈત-અદ્વેત વેદાંતોની શાખા-ઉપશાખાઓ વિકસી હતી જેનો એક તરફ સંતો અને સૂફીઓ એમ બન્ને પર પ્રભાવ પડ્યો હતો અને તો બીજી બાજુ સંતોનો તેમની સાથે ઝઘડો પણ થયો છે.
બીજું, આપણે ત્યાં મધ્યકાલીન સંતો અને સૂફીઓ વિષે જે કામ થયું છે એ મુખ્યત્વે જ્ઞાન, ભક્તિ અને સાધનાને લઈને થયું છે. દ્વૈત-અદ્વેત, નિરંજન-નિરાકર, સગુણ-નિર્ગુણની ખૂબ ચર્ચા જોવા મળશે. એક એક સંતને લઈને તેમાં આ બધાં તત્ત્વો તપાસાતા જોવા મળશે. ગુરુ-શિષ્ય પરંપરાના ભાગરૂપે તેમાંથી જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાની ધારાઓ પણ વિકસી છે. આ સિવાય મધ્યકાલીન સંતો અને સૂફીઓ વિષે જે વાત થઈ છે એ મુખ્યત્વે જે તે ભાષાઓમાં થઈ છે. સમગ્ર ભારતના મધ્યકાલીન કાલખંડનો એક સમગ્ર કેનવાસ મળતો નથી, જયારે કે તેની ખાસ જરૂરિયાત છે. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગંગા-જમની સંસ્કૃતિનો ભારતીય માનસનો એક પીંડ ઘડાઈ રહ્યો હતો અને અંગ્રેજો ન આવ્યા હોત તો કદાચ એ પીંડ નક્કર સ્વરૂપમાં આકાર પામ્યો પણ હોત. સમગ્ર ભારતના મધ્યકાલીન સંતો અને સૂફીઓની સર્જકતાને અને તેમના વૈચારિક આંદોલનોને સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં તપાસવાની જરૂર છે.
મધ્યકાલીન ભારતના માત્ર મોટા ગજાના કહી શકાય એવા સંતો અને સૂફીઓની યાદી કરવામાં આવે તો એ પણ સો કરતાં વધુની થશે. એક ડઝન તો એકલા ગુજરાતમાં મળી આવશે. આમ એક એક સંત કે સૂફી વિષે વિગતે વાત કરવી શક્ય નથી. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા સિવાયની બીજી ભાષાઓની જાણકારી પણ આ લખનાર ધરાવતો નથી.
આ સ્થિતિમાં મારી વાચકોને સલાહ છે કે તેમણે સૂફીઓ અને સંતોને વાંચતી વખતે તેમાં રહેલી આધ્યાત્મિકતા ઉપરાંત ઘડાઈ રહેલા ભારતીય માનસને પણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રારંભમાં કહ્યું એમ ઉદાર માનસ અને કટ્ટર રૂઢિચુસ્તતા ધરાવતા હિંદુ અને અનુદાર માનસ અને ઉદાર વ્યવહાર ધરાવતા મુસલમાનને તેમણે કઈ રીતે મૂલવ્યા છે એ તપાસવાનું ચૂકતા નહીં. તેઓ એકબીજાના સંપર્કમાં નહીં હોવા છતાં અને રૂઢ અર્થમાં સમકાલીન નહીં હોવા છતાં સાર્વત્રિક રીતે તેઓ હિંદુની રૂઢિચુસ્તતા અને મુસલમાનની માનસિક અનુદારતા છોડાવવા મથતા હતા.
વ્યાપક કેનવાસ પર મધ્યકાલીન ભારતને સૂફીઓ અને સંતોના સાહિત્ય દ્વારા મૂલવવાની જરૂર છે, પણ અહીં એ શક્ય નથી એટલે આગળ વધીશું.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 નવેમ્બર 2019
 ![]()


બ્રાહ્મણ એટલે હિંદુસ્તાનની સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ, બધા જ ગુણ તેમનામાં છે એમ તેઓ માને છે. તેમને એટલે કે હિંદુસ્તાનના સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ લોકોને અડધા કરતાં વધુ હિંદુસ્તાન પર રાજ કરવાનો મોકો મળ્યો હતો, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહીં, એ વાતનો ચચરાટ મહારાષ્ટ્રના બ્રાહ્મણો અનુભવતા હતા અને આજે પણ અનુભવે છે. પેશ્વાઓએ સામ્રાજ્યની રચના તો નહોતી કરી; પરંતુ ચોથાઈ લઈને તે પૈસા દ્વારા બ્રાહ્મણ શાસકો વિલાસી જીવન જીવતા હતા, તેમનું શાસન દરેક અર્થમાં બ્રાહ્મણી સનાતની હતું, તેઓ આપસમાં કાવાદાવા કરતા હતા, વિશ્વાસઘાત કરતા હતા, પોતે જ પોતાને કમજોર કરતા હતા અને શાસકમાં હોવી જોઈતી દીર્ઘ દૃષ્ટિ નામની હતી.