
રમેશ ઓઝા
૧૯૯૮ના મે મહિનામાં ભારતે પોખરણ ખાતે બીજી વાર વિસ્ફોટ કરીને અણુચકાસણી કરી ત્યારે અમિત શાહે કંઈક ગુસ્સામાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો કે ભારતે અણુવિસ્ફોટ કરીને મોટી ભૂલ કરી છે. હવે ક્યારે ય પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું નહીં બની શકે. કારણ? કારણ કે પાકિસ્તાને ભારતના જવાબમાં અણુવિસ્ફોટ કરીને દુનિયાને સત્તાવારપણે જણાવી દીધું હતું કે પાકિસ્તાન પણ અણુતાકાત ધરાવે છે અણુશસ્ત્રો ધરાવતા દેશોની ક્લબના દરવાજે ઉંબરે ઊભું છે. આ જ અમિત શાહે ૨૦૨૩ના ડિસેમ્બરમાં લોકસભામાં કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ૨૬ બેઠકો પાકિસ્તાનના કબજ હેઠળના કાશ્મીર માટે અનામત રાખવામાં આવી છે, કારણ કે એ ભૂમિ આપણી છે અને એક દિવસ આપણે તે મેળવીને રહીશું.
૧૯૯૮માં અમિત શાહ અટલ બિહારી વાજપેયીને લખે છે કે અણુવિસ્ફોટ કરીને ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને છોડાવવાની તક કાયમ માટે ગુમાવી દીધી છે અને ૨૦૨૩માં કહે છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને તે મેળવીને રહેશે. વિધાનસભામાં ૨૬ બેઠકો તેની છે. ભારત બાકીનું કાશ્મીર મેળવીને જ રહેશે એવું તો એ પછી અમિત શાહ છેલ્લા એક વરસમાં ચાર-પાંચ વાર બોલ્યા છે.
ક્યા અમિત શાહ સાચા? ૧૯૯૮માં હતાશા વ્યક્ત કરનારા કે પછી ૨૦૨૩થી અત્યાર સુધી હુંકાર કરનારા? શા માટે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને મુક્ત કરવા સુધી આગળ નહીં લઈ જવામાં આવ્યું? ઉન્માદ તો એવો હતો કે જ્યાં સુધી ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને નહીં છોડાવે ત્યાં સુધી નહીં અટકે. એની જગ્યાએ માત્ર ત્રણ દિવસમાં કહેવાતું યુદ્ધ શમી ગયું. ભારતના ઇતિહાસનું સૌથી ટૂંકુ અને અનિર્ણાયક યુદ્ધ. યુદ્ધવિરામની ઘોષણા પણ કોઈ ત્રીજો દેશ કરે એ તો વળી વિચિત્ર અને શરમજનક ઘટના હતી. કાઁગ્રેસે લાગ જોઇને ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની હેડલાઈન બતાવતું ક્લીપીંગ દુનિયાને બતાવ્યું હતું. ૧૯૭૧ના ડિસેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને યુનો અમેરિકા સહિત દુનિયાના દેશો ભારત પર યુદ્ધવિરામ માટે દબાણ કરતા હતા. ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વિશ્વદેશોની ભાવનાની વિરુદ્ધ જઈ રહ્યા છે અને ટસના મસ થતા નથી એમ અખબારની હેડલાઈન ચીસો પાડીને કહેતી હતી.
એવો દેશ જે વિશ્વનું પાંચમાં ક્રમનું મોટું અર્થતંત્ર નહોતું. એવો દેશ જે ગરીબ હતો અને મોટા ભાગની પ્રજા અશિક્ષિત હતી. એવો દેશ જે હજુ બે-ત્રણ વરસ પહેલાં જ પી.એલ.-૪૮૦ હેઠળ મફતના અમેરિકન ઘઉં ખાવાથી મુક્ત થયો હતો. એવો દેશ જેની પાસે આજ જેટલી લશ્કરી તાકાત નહોતી. એવો દેશ જેના આઈ.આઈ.ટી. જેવી શિક્ષણ સંસ્થાઓએ પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સોએ વિશ્વના કોર્પોરેટ જગતમાં મહત્ત્વનું સ્થાન નહોતું બનાવ્યું. એવો દેશ જેના એન.આર.આઈ.ઝ(અનિવાસી ભારતીય)ની જગતમાં આજ જેવી કોઈ વગ નહોતી. એવો દેશ જેની પાસે અણુશક્તિ નહોતી. આ સિવાય યુદ્ધમાં પાકિસ્તાનની તરફેણમાં ભારતને ઘેરવા અમેરિકાએ તેનો સાતમો કાફલો બંગાળના અખાતમાં રવાના કર્યો હતો અને બંગાળના અખાતની નજીક પહોંચી પણ ગયો હતો. ચીન પાકિસ્તાનની પડખે હતું. આમ છતાં ઇન્દિરા ગાંધી ટસના મસ નહોતાં થતાં, અમેરિકા સહિતના વિશ્વદેશોના દબાવની ઐસીતૈસી કરતાં હતાં અને ત્યાં સુધી યુદ્ધવિરામ નહોતું કર્યું જ્યાં સુધી પાકિસ્તાનનાં બે ફાડિયા ન કરી નાખ્યાં. યુદ્ધવિરામ પણ ભારતે સામેથી પોતાની શરતે જાહેર કર્યું હતું. અમેરિકાએ કે બીજા કોઈ દેશે તેની જાહેરાત નહોતી કરી.
કઈ તાકાત હતી એ? ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વની હતી કે પછી અણુશસ્ત્રોના ન હોવાની હતી જેના વિષે અમિત શાહે ૧૯૯૮માં નારાજગી વ્યક્ત કરી હતી.
એમાં કોઈ શંકા નથી કે ઇન્દિરા ગાંધીએ જે કુનેહ અને બુલંદ ઈરાદા સાથે નેતૃત્વ કર્યું હતું એ જોઇને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જનરલ અયુબ ખાન સામે પ્રજાનું અંદોલન, ૧૯૬૯ની સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબર રહેમાનના પક્ષ અવામી લીગને મળેલી બહુમતી, પશ્ચિમ પાકિસ્તાનના નેતાઓની અવળચંડાઈ, પૂર્વ બંગાળમાં આંદોલન અને શેખ મુજીબુર રહેમાનની ધરપકડ વગેરે જોઇને ઇન્દિરા ગાંધીને સમજાઈ ગયું હતું કે હવે પાકિસ્તાનનું વિભાજન શક્ય છે. તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી. અને કેવા લોકો તેમની ટીમમાં હતા? પી.એન. હકસર, ટી.એન. કૌલ, ડી.પી. ધર, પી.એન. ધર, આર.એન. કાઓ વગેરે એકથી એક દંતકથારૂપ અધિકારીઓ તેમની ટીમમાં હતા. તેમણે જયપ્રકાશ નારાયણનો ભારતની તરફેણમાં મત બનાવવા માટે ઉપયોગ કર્યો હતો અને વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેતા હતા. જગત સમક્ષ રોકકળ કરવામાં તેમને શરમ નહોતી આવતી અને બહાદુરીની ખોટી અને કારણ વિનાની ડંફાશ તેઓ મારતાં નહોતાં. આત્મવિશ્વાસ ગજબનો હતો અને લઘુતાગ્રંથિ નામની નહોતી એટલે તેમનાથી સવાયાઓની સેવા લેવામાં સંકોચ નહોતો. આ સિવાય ધીરજ પણ ગજબની હતી. હતાં. ધીરજ વિચક્ષણ રાજપુરુષનો ગુણ છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે જો અત્યારે ઇન્દિરા ગાંધી હોત તો તેમણે યુદ્ધ કરતાં પહેલાં યુદ્ધ માટેની તક પાકવા દીધી હોત.
પણ એ સાથે એ વાતમાં પણ કોઈ શંકા નથી કે જો ૧૯૭૧માં પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું હોત તો ઇન્દિરા ગાંધીને અને ભારતને એવો નિર્ણાયક વિજય ન મળ્યો હોત જે ત્યારે મળ્યો હતો. અણુની સંહારકશક્તિ આપણી કલ્પનાની બહાર છે અને માણસ એક એવું પ્રાણી છે જેની માણસાઈ વિષે ખાતરીપૂર્વક કોઈ ન કહી શકે. સર્વોચ્ચ જવાબદારીવાળી જગ્યાએ ગાંડા અને વિકૃત માણસો પણ પહોંચી શકે છે એમ બર્ટ્રાન્ડ રસેલે તેમના ‘પાવર’ નામનાં પુસ્તકમાં લખ્યું છે. મરતા ક્યા નહીં કરતા એ તો તમે સાંભળ્યું હશે.
તો વાતનો સાર એ કે અમિત શાહે ૧૯૯૮માં વાજપેયીને જે લખ્યું હતું એ વાતમાં દમ હતો. યુદ્ધમાં હાર-જીત થતી હતી એ દિવસો ગયા. તાકાતની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લડ્યા વિના કે હિંસા કર્યા વિના તમે બીજાને કેટલું નુકસાન પહોંચાડી શકો છો એના પર તાકત આંકી શકાય છે. ચીન આનો જીવતોજાગતો દાખલો છે. આમાં ફાયદો એ છે કે નુકસાન નહીં પહોંચડવા જેટલી ઉદારતા દાખવીને અને એ રીતે ઉપકાર કરીને પણ તમે બીજા સામે તાકાત બતાવી શકો છો. આ શક્તિ હથિયારમાં કે બાવડાંમાં નથી.
ભારતે સાચી તાકાત ઓળખવી જોઈએ અને વિકસાવવી જોઈએ. પણ એ તાકાત દેશની અંદર પ્રજાકીય વિભાજન કરીને કે કોઈને અન્યાય કરીને ન વિકસી શકે. પાકિસ્તાન એનું ઉદાહરણ છે. ૧૯૪૭થી પાકિસ્તાનના શાસકોએ અને ઇસ્લામના ઠેકેદારોએ પાકિસ્તાનની પ્રજાને (મુસલમાનો સહિત) ઈસ્લામને ત્રાજવે તોળીતોળીને બરબાદ કરી નાખ્યું. આ ત્રાજવાત્રેવડ અપનાવવા જેવી નથી એમ પાકિસ્તાનનો ઇતિહાસ કહે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 મે 2025