
રમેશ ઓઝા
વર્તમાન શાસકો ધાર્યું નહોતું એટલા પ્રમાણમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને પ્રાસંગિક બનાવી રહ્યા છે. જેને તેઓ ગાળો આપે છે અને બદનામ કરે છે તેમની જ તેઓ સેવા કરી રહ્યા છે. ચીન અને તિબેટના પ્રશ્ને આ જોવા મળ્યું અને હવે હિન્દી ભાષાના પ્રશ્ને આ જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં લોકો અંગ્રેજીમાં બોલવામાં શરમ અનુભવશે. રાષ્ટ્રનિર્માણ માટે એક રાષ્ટ્ર એક ભાષા અનિવાર્ય છે અને હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રવાદની આ વિભાવના છે અને તેને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક શાળામાં હિન્દીને ફરજિયાત કરી. કરી તો કરી, બીજા દિવસે રાજ્યભરમાં હોબાળો થયો અને ત્રીજા દિવસે નિર્ણય પાછો લીધો. ચૂંટણી હારવાનો અને સત્તા ગુમાવવાનો તેમને ડર છે.
અહી બે સવાલ છે. રાષ્ટ્રવાદની રૂઢ કલ્પના એમ કહે છે કે રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી ઘટકોમાં એક ઘટક ભાષા છે. બહુમતી પ્રજા જે ભાષા બોલતી હોય એ ભાષા બાકીની પ્રજાએ અપનાવવી જોઈએ. દેશનું શાસન અને વ્યવહાર એ ભાષામાં ચાલવાં જોઈએ. અંગત વ્યવહાર અને ભારત જેવા બહુભાષિક દેશમાં રાજ્ય સ્તરે શાસકીય વ્યવહાર સ્થાનિક ભાષામાં ચાલી શકે. આ યુરોપમાં વિકસિત થયેલી રાષ્ટ્રવાદની કલ્પના છે જે યુરોપની ગુલામીથી આઝાદ થવા માગનારા દેશોએ અપનાવી હતી. આઝાદ થવું હોય તો ગુલામ પ્રજાની અંદર રાષ્ટ્રીય ચેતના જગાડવી પડે અને પ્રજાને એક સૂત્રે બાંધવા માટે ભાષા કામની છે. પણ હમણાં કહ્યું એમ રાષ્ટ્રવાદની આ કલ્પના યુરોપમાં વિકસી હતી જ્યાંનો સમાજ જૂદો હતો અને જરૂરિયાત જૂદી હતી. એ દેશોમાં વિવિધતા ઓછી હતી એટલે વિભિન્ન સૂર ઓછા હતા એટલે બીજા સાથે અસમંત થવાનું કે તેની રાષ્ટ્રનિષ્ઠા વિષે શંકા કરવાનું ઓછું બનતું હતું.
યુરોપથી ઊલટું એશિયા અને આફ્રિકાના દેશોમાં વિવિધતા અનેકગણી છે અને ભારતમાં તો હજાર ગણી છે. વિશ્વનો પહેલા નંબરનો વિવિધતાવાળો દેશ. આ સ્થિતિમાં યુરોપનો રાષ્ટ્રવાદ એના એ સ્વરૂપમાં એશિયા અને આફ્રિકાના દેશોમાં ચાલી શકે નહીં અને ભારતમાં તો જરા પણ ન ચાલે. એ દેશોમાં કેટલાક લોકોએ પોતાની જરૂરિયાત મુજબ માફક આવે એવો રાષ્ટ્રવાદ અપનાવ્યો જેને કંપોઝીટ નેશનાલિઝમ (સેન્દ્રીય રાષ્ટ્રવાદ) તરીકે ઓળખાવવામાં આવે છે. આ સેન્દ્રીય રાષ્ટ્રવાદમાં બહુમતી પ્રજાનો આગ્રહ નહોતો. દાદાગીરીનો તો સવાલ જ નહોતો. રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વિષે શંકા કરવામાં નહોતી આવતી, પણ અલગ વાતને સાંભળવામાં આવતી હતી. આ ઉપરાંત સંવાદ કરવામાં આવતો હતો અને આપલેની ભાવના હતી. આખરે એક પરિવાર છે જેમાં કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. સૌહાર્દ કેન્દ્રમાં હોવો જોઈએ. તેમને ખબર હતી કે બહુ તાણવામાં તૂટી જવાનો સંભવ છે અને દેશમાં અરાજકતા પેદા થાય અને વખતે દેશના ટૂકડા પણ થાય.
બીજી બાજુ સામે પક્ષે એક જમાત એવી હતી જે સહિયારાની જગ્યાએ બહુમતી રાષ્ટ્રવાદમાં માનતી હતી. લઘુમતીએ બહુમતી પ્રજાની આશા અને એષણાનો આદર કરવો જોઈએ, તેમને અનુકૂળ થવું જોઈએ, તેમની સંસ્કૃતિ, ભાષા વગેરે અપનાવવાં જોઈએ, થોડી બાંધછોડ કરવી જોઈએ. આખરે દેશ માટે આટલું ન કરી શકો? તમે જો બહુમતીમાં હોત તો અમે તમને અનુસર્યા હોત.
રાષ્ટ્રવાદનો આ બીજો માર્ગ પણ તમને પહેલી નજરે ગળે ઉતરે એવો લાગશે, પણ સવાલ અભિગમનો છે. લઘુમતી જો બહુમતીને અનુકૂળ ન થયા તો? તો યાદ રહે અમે બહુમતીમાં છીએ. સમસ્યા અહીંથી શરૂ થાય છે. પાશ્ચાત્ય બહુમતી રાષ્ટ્રવાદ હિન્દુત્વવાદીઓએ એટલા માટે અપનાવ્યો કે તે મુસલમાનોને દબાવવા માટે કામનો છે. ઇતિહાસની સાચીખોટી ઘટનાઓનું વેર વાળવા માટે કામનો છે. ખોટો ઇતિહાસ ભણાવીને હિંદુઓની અંદર મિથ્યા ગર્વ અને અભિમાન પેદા કરવા માટે કામનો છે. હિંદુમાનસમાં તામસિકતા પેદા કરવા માટે કામનો છે. જેઓ દાદાગીરી કરનારું તામસિક માનસ ધારાવે છે તેને વાડામાં પૂરી રાખવા માટે કામનો છે. આ દ્વારા તેઓ પોતાને હિંદુરક્ષક તરીકે સ્થાપિત કરી શકે.
હવે એક નજર રાષ્ટ્રપટ પર કરો. આ દેશમાં તમને હિંદુરક્ષક મળશે અને હિંદુસેવક પણ મળશે. મુસલમાનોમાં ઇસ્લામ રક્ષક મળશે અને ઇસ્લામનો સેવક પણ મળશે. આ દેશમાં જે તે ધર્મનો ધર્મસેવક મળશે અને ધર્મરક્ષક પણ મળશે. આ દેશમાં દેશરક્ષક મળશે અને દેશસેવક પણ મળશે. આ દેશમાં હિન્દીરક્ષક મળશે અને હિન્દીસેવક પણ મળશે. સંસ્કૃતસેવક અને સંસ્કૃતરક્ષક મળશે. આ દેશમાં ગોરક્ષક મળશે અને ગોસેવક પણ મળશે. મરાઠી રક્ષક અને સેવક બન્ને મળશે. દ્રવિડસેવક અને રક્ષક મળશે. મરાઠા કે પટેલ સેવક અને રક્ષક મળશે. સ્ત્રીની ગરિમાનો આદર કરનાર સ્ત્રીસેવક મળશે અને સ્ત્રીરક્ષક પણ મળશે. ગમે તે સમાજની કલ્પના કરો, સેવક અને રક્ષક બન્ને મળશે.
હવે એ તો દેખીતી વાત છે કે સેવક અને રક્ષકનો માર્ગ ભિન્ન હોવાનો અને આ મુદ્દાને બહુ વિસ્તારથી સમજાવવાની જરૂર નથી. ભાષાની વાત કરીએ તો અનેક લોકોએ પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવાનો, વ્યાકરણને લોકસુલભ બનાવવાનો, લિપિ સુધારવાનો, સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો, અન્ય ભાષાના અમર સાહિત્યનો અનુવાદ કરીને સ્વ-ભાષિક પ્રજાનાં જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવાનો, શબ્દકોશ તૈયાર કરવાનો, સભા સેમીનાર, પુરસ્કાર, પ્રોત્સાહન કે ફોલોશીપ આપવાનો વગેરે વગેરે પ્રકારના પ્રયાસ કરશે. આ સેવકોનો અભિગમ છે. ગોસેવક ગોશાળા બાંધશે, નસ્લના સંવર્ધન માટે કામ કરશે, તેનાં આરોગ્ય માટે કામ કરશે, ગોવિજ્ઞાન વિકસાવશે, રખડતી ગાયોને ખીલે બાંધશે વગેરે. આ ગોસેવકનો અભિગમ હશે. આ જ વાત અલગ અલગ રીતે ધર્મ, દેશ અને બીજી દરેક વાતને લાગું પડશે. સેવકોના અભિગમમાં રચનાત્મકતા જોવા મળશે.
રક્ષકોનો માર્ગ જૂદો છે. હિન્દીસેવક બનવું હોય તો શુદ્ધ ભાષા આવડવી જોઈએ, વાંચન કરવું જોઈએ, ઉચ્ચારશુદ્ધિ કેળવવી જોઈએ, ભાવક તરીકે રસિકતા કેળવવી જોઈએ, બીજા હિન્દીભાષીકોની રૂચી કેળવવા કામ કરવું જોઈએ પણ રક્ષક બનવા માટે આમાંની કશી ચીજની જરૂર હોતી નથી. એને માટે દંડુકો પૂરતો છે. જગતમાં અનેક પ્રકારનાં ટીચિંગ માટે કોર્સ વિકસ્યા છે, પણ ગુરખા ટ્રેનીંગ ઇન્સ્ટિટયૂટ જોવા નહીં મળે. ગુરખો બનવા માટે ભણવાની જરૂર જ પડતી નથી. બાવડાનું બળ, સંખ્યાનું બળ અને સત્તાનું બળ દંડુકાના પ્રકાર છે. જાડી બુદ્ધિ ધરાવનારા અભણ અને અસંવેદનશીલ લોકોનું આ ક્ષેત્ર છે. આ જગતમાં દરેક જગ્યાએ સ્વઘોષિત રક્ષકોએ કાળો કેર વરસાવ્યો છે.
અને છેલ્લે એક નજર તમારી આસપાસ કરો. કોણે તમારા પરિવારને, તમારા સમાજને, તમારા પ્રદેશને, તમારી ભાષાને, તમારી સંસ્કૃતિને, તમારી જ્ઞાતિની સ્ત્રીઓને, તમારે ત્યાંના પછાત વર્ગને, ગરીબોને ઉપર ઉઠાવવામાં યોગદાન આપ્યું છે? યાદી કરશો તો જોવા મળશે કે દરેક સેવક હશે, રક્ષક એક પણ નહીં હોય. દાદાગીરી-જોહુકમી અને વાત્સલ્ય એક સાથે ન રહી શકે. અને હજુ એક વાત. રક્ષકો પરાયા ઉપર જેટલી નજર રાખે છે એનાં કરતાં પોતાનાંઓ પર વધુ નજર રાખે છે. આ આપણો થઈને પરાયાનું ઉપરાણું તો નથી લેતો ને? એ પરાયાને તો સતાવતો સતાવશે, પોતાનાંને વધારે સતાવશે. તેના પર વધુ નજર રાખશે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી હિંદુરક્ષકો મુસલમાનો કરતાં હિંદુઓ પર વધારે નજર રાખે છે અને તેમને નાસ્તિક, ફિરંગીની ઓલાદ, મેકોલેની ઓલાદ, દેશદ્રોહી, ધર્મદ્રોહી, અર્બન નક્સલ વગેરે લેબલ લગાડીને સતાવે છે.
રક્ષકનો આ સ્વભાવ છે. રક્ષક સેવક ન બની શકે. એટલે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું યોગદાન નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025