
રમેશ ઓઝા
“દેશનાં બંધારણે જેમને બંધારણીય જવાબદારી સોંપી છે એ માણસ જો કેટલીક જવાબદારીનું વહન ન કરે અને નહીં કરવા પાછળનું કોઈ કાઈ કારણ પણ ન આપે તો શું સર્વોચ્ચ અદાલતે કશું નહીં કરવાનું? શું તેના હાથ બંધાયેલા છે?”
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ આર.એસ. ગવઈએ આ સોંસરો સવાલ ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યો હતો અને હંમેશ મુજબ સોલિસિટર જનરલે કોઈ સીધો જવાબ નહોતો આપ્યો.
સર્વોચ્ચ અદાલતમાં પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ સમક્ષ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માગેલા માર્ગદર્શન વિષે સુનાવણી ચાલી રહી છે જેને અંગ્રેજીમાં પ્રેસિડેન્ટશિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. ગયા એપ્રિલ મહિનામાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યોના ગવર્નર અનુક્રમે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખરડાને જો મંજૂરીની મહોર પણ ન મારે અને કારણ આપીને પાછો પણ ન કરે તો એવા સંજોગોમાં ત્રણ મહિના પછી એ ખરડાને કે પ્રસ્તાવને મંજૂર થયેલો ગણવો. સર્વોચ્ચ અદાલતે આવો ચુકાદો એટલા માટે આપ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કેટલાક રાજ્યપાલો વરસો સુધી ખરડાઓને નથી મંજૂરી આપતા કે નથી કારણ બતાવીને પાછો કરતા. બસ નિર્ણય લીધા વિના બેસી રહે છે. જેમ કે તામિલનાડુના રાજ્યપાલ પાંચ વરસથી રાજ્ય વિધાનસભાએ મંજૂર કરેલા ખરડાને નહોતા મંજૂરી આપતા કે નહોતા કારણ આપીને પાછો કરતા. બીજાં વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પણ રાજ્યપાલો આવું જ કરે છે જેની અવધિ બેથી ત્રણ વરસની છે. આની સામે ત્રણ રાજ્યોની સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી અને અપીલના પ્રતિસાદમાં સર્વોચ્ચ અદાલતે ઉક્ત ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પછી રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાસેથી માર્ગદર્શન માગ્યું હતું. સર્વોચ્ચ અદાલતમાં એ બાબતે સુનાવણી ચાલી રહી છે.
બંધારણીય જોગવાઈ એવી છે કે સંસદ કે રાજ્યોની વિધાનસભા ખરડો પસાર કરે એ પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે તેને મંજૂરી આપવાની હોય છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ખરડો નામંજૂર કરવાનો અધિકાર છે, પણ એને માટે કારણ આપવું જરૂરી છે. બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ખરડો પાછો કરે અને સંસદ અથવા વિધાનસભા એ ખરડાને ફરી વાર પસાર કરે તો એ સંજોગોમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેને મંજૂરી આપવા બંધાયેલા છે. બીજી વાર તેને નામંજૂર રાખવાનો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને અધિકાર નથી. બંધારણમાં એક ત્રુટિ પણ છે. રાષ્ટ્રપતિએ કે રાજ્યપાલે કેટલા વખતમાં ખરડો પાછો કરવો એ વિષે કોઈ સમયાવધિ બતાવવામાં આવી નથી.
રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર કામકાજ ન કરી શકે એવા હલકા ઉદ્દેશથી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલો ખરડાઓને મંજૂરી આપતા નથી, મંજૂરી નહીં આપવા માટેનાં કારણ આપીને તેને પાછો પણ કરતા નથી અને સમયાવધિની અસ્પષ્ટતાનો લાભ લઈને તેના પર બેસી રહે છે. આમ કરીને વર્તમાન શાસકો જે તે રાજ્યોની પ્રજાને મેસેજ આપે છે કે શાસન તો માત્ર અમે જ કરીશું અને જો બીજા પક્ષોને શાસન કરવા ચૂંટી કાઢશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. જો પોતાનું અને રાજ્યનું ભલું ઈચ્છતા હો તો અમને ચૂંટો. તેઓ નાગરિકોને વિકલ્પહિન કરવા માગે છે. એકપક્ષીય શાસન ઈચ્છે છે. વડા પ્રધાન કહે છે એમ “મધર ઓફ ડેમોક્રસી”ની આ સ્થિતિ છે.
ભારત સમવાય સંઘ છે જેનું સતાવાર નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ એ સતાવારપણે સંઘ સરકાર છે અર્થાત્ યુનિયન ગવર્ન્મેન્ટ. એમાં રાજ્યો ઘટક છે અને તેનાં સ્પષ્ટ અધિકારો છે. ભારતના નાગરિકોને પોતાની પસંદગીના પક્ષને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે ભારતનો નાગરિક લોકસભાની ચૂંટણીમાં એક પક્ષને મત આપે અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બીજા પક્ષને મત આપે. દિલ્હીમાં આવું વ્યાપકપણે જોવા મળ્યું હતું. લોકશાહીની આ જ તો ખૂબી છે. પણ વર્તમાન શાસકો લોકશાહીને ખતમ કરવા માગે છે. ડબલ એન્જીન સરકારનો મતલબ જ આ થાય છે. ઉજવળ ભવિષ્ય જોઈતું હોય તો અમને મત આપીને ચૂંટો અને જો બીજાને તક આપશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. અમારા ખાંધિય દરેક રાજ્યમાં બેઠા છે.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અત્યારે માણસાઈ, સભ્યતા, ગરિમા જેવા ગુણોની ખૂબ યાદ આવતી હશે. પણ આ એ જ માણસ છે જે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારનો ખાંધિયો હતો. તેઓ પશ્ચિમ બંગાળની સરકરને કામ જ કરવા નહોતા દેતા. ખરડા મંજૂર નહોતા કરતા અને નહોતા મંજૂર નહીં કરવા પાછળનું કારણ આપતા. મર્યાદાની બહાર જઇને રાજ્ય સરકારની ટીકા કરતા હતા. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની અધ્યક્ષતા કરે છે અને તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષોને બોલવા નહોતા દેતા અને અપમાન કરતા હતા. તેમનું વર્તન એક ઉદ્દંડ ખાંધિયાનું હતું. એટલે જ્યારે તેમને અપમાનપૂર્વક રાજીનામું આપવું પડ્યું ત્યારે કોઈએ ખેદ પણ વ્યક્ત નહોતો કર્યો. એ ખાંધિયા ધનખડે ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી થોડો સમય ઉપાડો લીધો હતો એ કદાચ યાદ હશે. તેઓ કહેતા હતા કે ન્યાયતંત્ર કરતાં લોકપ્રતિનિધિ ગૃહ સર્વોપરી છે, કારણ કે તે નાગરિકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. ઈરાદો સ્વતંત્ર ન્યાયતંત્રને ખતમ કરવાનો હતો અને તેઓ આ બકવાસ તેમના આક્કાઓના કહેવાથી કરતા હતા. અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે જો લોકપ્રતિનિધિગૃહ સર્વોપરી છે તો રાજ્યોની વિધાનસભા શું છે? શું એ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી? જવાબ બહુ સ્પષ્ટ છે, બી.જી.પી.ના લોકપ્રતિનિધિ સર્વોપરી છે બીજા નહીં.
આખો સંઘપરિવાર લઘુતાગ્રંથિથી પીડાતો મનોરૂગ્ણ છે. ભયભીત છે. તાનાશાહોના આ જ સ્વભાવલક્ષણો હોય છે. તેઓ ડરેલા હોય છે.
અહી ૧૯૮૦ના દાયકાના ભારતીય જનતા પક્ષની યાદ આવે છે જ્યારે તે લોકશાહીનો પૂજારી હતો. કેન્દ્ર સરકારે રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેના સંબંધો વિષે અભ્યાસ કરવા, રાજ્યપાલોની ભૂમિકા સ્પષ્ટ કરવા અને સમવાય ભારતનો ઢાંચો મજબૂત બને એ માટે જરૂરી ભલામણો કરવા ન્યાયમૂર્તિ આર.એસ. સરકારિયાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોના એક પંચની રચના કરી હતી. ૧૯૮૮માં જ્યારે સરકારિયા પંચનો સંપૂર્ણ અહેવાલ આવ્યો ત્યારે લોકસભામાં ભારતીય જનતા પક્ષ માત્ર બે બેઠકો ધરાવતો હતો. દેખીતી રીતે ત્યારે ભા.જ.પ.ને લોકતંત્રની ખૂબ જરૂર હતી. વાજપેયી-અડવાણી ત્યારે સરકારિયા પંચનો અહેવાલ માથે લઈને નાચતા હતા. આખો સંઘપરિવાર સરકારિયા પંચનો પૂજારી હતો. ખાતરી કરવી હોય તો સંઘ પરિવારના મુખપત્રો, ભા.જ.પ.ના ઠરાવો, સંસદમાંની ચર્ચાઓ અને જાહેર વક્તવ્યો તપાસી જાઓ. ત્યારે સીડી ચડવી હતી એટેલ લોકશાહીનો ખપ હતો. અત્યારે સીડી ચડી ગયા પછી ઉતરવું નથી એટલે લોકશાહી, ફેડરલ ઇન્ડિયા અને સ્વતંત્ર ન્યાયતંત્ર કઠે છે.
અને હા, આ લેખના પ્રારંભમાં મુખ્ય ન્યાયમૂર્તિનો જે સવાલ ટાંક્યો છે એનો જવાબ સોલિસિટર જનરલે શું આપ્યો? બૌદ્ધિક દરિદ્રતા અને બૌદ્ધિક અપ્રમાણિકતાનું એમાં દૃષ્ટાંત જોવા મળશે. બંધારણમાં ક્યાં સમયમર્યાદા બતાવી છે? બંધારણમાં ઘણી ચીજો વિવેક પર છોડવામાં આવી છે જેનો અવિવેકીઓ લાભ લે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2025