વિનાયક દામોદર સાવરકર અને હિન્દુત્વવાદીઓ કહે છે કે આપણી સમસ્યા માણસાઈની છે, કહો કે માણસાઈના અતિરેકની છે. એમાં વળી, ઓછામાં પૂરું હિંદુઓની સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રવાદની કલ્પના હજુ તો હાથ લાગી ન લાગી એટલામાં માણસાઈના મેરુ સમાન મોહનદાસ કરમચંદ ગાંધી પેદા થયો અને એણે તો માણસાઈને એક અપૂર્વ ઊંચાઈ આપી. આશ્રમની ઝૂંપડીમાં બેસીને સંતોની જેમ ગાંધીજીએ કશું કર્યા વિના માણસાઈનો ઉપદેશ આપ્યો હોત તો ગાંધીજીને તેમણે વધાવી લીધા હોત. કહેવા થાત કે જુઓ આપણે કેટલા મહાન છીએ અને કેવા મહાન વિચારો ધરાવીએ છીએ. ગાંધીજીના પગમાં સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કર્યા હોત અને ખૂન કરવાની તો જરૂર જ ન પડી હોત. પણ ગાંધીજીએ તો ગામના ઉતાર જેવા રાજકારણમાં માણસાઈને દાખલ કરી. આ ધરતી ઉપર આ અપૂર્વ પ્રયોગ હતો અને હું ગર્વ સાથે કહી શકું કે આવું માત્ર ભારતમાં જ બની શકે. હવે માણસાઈના મેરુ સમાન કોઈ માણસ રાજકારણમાં માણસાઈને દાખલ કરે તો પછી તેને બદનામ પણ કરવો પડે અને ખૂન પણ કરવું પડે. હિંદુ રાષ્ટ્રવાદી રાજકારણની એ જરૂરિયાત ત્યારે પણ હતી અને આજે પણ છે. રોજેરોજ તેને બદનામ કરીને તેને રસ્તામાંથી ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમને ગાંધીજી સામે કોઈ અંગત વાંધો નથી, તેમને માણસાઈયુક્ત રાજકારણ સામે વાંધો છે અને આ જગત એ ડોસાનું કૌતુક કરતાં થાકતું નથી!
અહીં રાજકારણને તેના બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં સમજી લેવાની જરૂર છે. રાજકારણ એટલે ટકી રહેવાની જદ્દોજહદ. આ ધરતી ઉપર દરેક જીવ રાજકારણ કરે છે અને એ અર્થમાં રાજકારણી છે. સાપ રેતીમાં પોતાના દેહને છૂપાવીને માત્ર મુંડી બહાર રાખીને શિકાર શોધે એ સાપનું રાજકારણ છે. કાચિંડો રંગ બદલીને પોતાને શિકારીની નજરથી બચાવે એ કાચિંડાનું રાજકારણ છે. દરેકે દરેક જીવ ટકી રહેવાની જદ્દોજહદ કરે છે. આમાં માણસે પોતાની ટકી રહેવાની જદ્દોજહદ વિસ્તારી છે. તે માત્ર જીવ ટકાવી રાખવા નથી માગતો; કુટુંબમાં અને સમાજમાં સ્થાન ટકાવી રાખવા માગે છે, હાથ લાગેલું સુખ ટકાવી રાખવા માગે છે, હાથ લાગેલો દબદબો, પ્રતિષ્ઠા અથવા વગ કે સત્તા ટકાવી રાખવા માગે છે, વગેરે. માણસ અહીં પણ અટકતો નથી. તે તેમાં વધારો કરવા ઈચ્છે છે. ટકવું છે, ટકાવી રાખવું છે, વધારે પ્રમાણમાં ટકાવી રાખવું છે, લાંબો સમય ટકાવી રાખવું અને જો શક્ય હોય તો કાયમ માટે ટકાવી રાખવું છે. બીજા જીવ માત્ર જીવ ટકાવી રાખવાનું રાજકારણ કરે છે, જ્યારે માનવીનું રાજકારણ એનાથી ઘણું વધારે છે. સ્વાભાવિક છે કે સુખ વધારે જોઈતું હોય અને તે લાંબા સમય માટે જોઈતું હોય તો બીજાનું છીનવી લેવું પડે અને બીજો છીનવે નહીં એનાથી સાવધાન પણ રહેવું પડે.

સ્વાભાવિકપણે માણસ જાતે મેળવવાના, મેળવેલું ટકાવી રાખવાના, બીજાનું છીનવી લેવાના અને બીજો છીનવી ન લે એ માટે સાવધ રહેવાના રસ્તાઓ શોધ્યા છે. બાવડાંના બળ અને પથ્થરથી લઈને અણુબોંબ સુધીના અનેક આયુધો માણસે વિકસાવ્યા છે. આ જગતમાં સતયુગ ક્યારે ય નહોતો. સતયુગ એ દરેક અર્થમાં ભલા માણસ બની રહીને જીવવાની આપણી અધૂરી રહેલી મહેચ્છાની પરીકથા છે. અથવા એમ કહો કે દરેક અર્થમાં માનવ બની રહીને ક્યારેક કોઈ જીવતું હતું એની માનવમને કરેલી મીઠી કલ્પના છે. સતયુગ ક્યારે ય હતો જ નહીં. દરેક યુગમાં માણસ ટકી રહેવાની જદ્દોજહદ કરતો હતો જેમાં મોકો મળે તો બીજાનું છીનવી લેવું અને બીજાથી સાવધાન રહેવાનો સમાવેશ થાય છે. સુજ્ઞ વાચકના ધ્યાનમાં એક વાત આવી જ ગઈ હશે કે ‘આપણે’ સામે ‘બીજા’નો ભેદ આદિકાળથી છે.
આ જદ્દોજહદના રાજકારણમાં આધુનિક યુગમાં બે તત્ત્વો ઉમેરાયાં અને તેણે સતયુગની કલ્પના તો બાજુએ રહી, જગતને વાસ્તવમાં નર્ક બનાવી નાખ્યું. એ બે તત્ત્વો છે ‘આપણે’ની માફક આવે એવી વિકસાવવામાં આવેલી ઓળખ અને ‘આપણો’ અને’ બીજા’નો માફક આવે એવો મનભાવક ઇતિહાસ. આ બે ચીજ અણુબોમ્બ અથવા જૈવિક શસ્ત્રોથી પણ ખતરનાક છે. આ બે કીડા એકવાર દિમાગમાં ઘૂસી ગયા પછી તેને મારવા મુશ્કેલ છે અને ઉપરથી તે રોજેરોજ બચ્ચાંઓને જન્મ આપતા રહે છે. એમાં આજના વોટ્સેપના યુગમાં આ બે કીડાનાં બચ્ચાંઓનો જન્મ એટલી ઝડપથી થાય છે કે ‘આપણે’ અને ‘બીજા’ઓમાં માનનારાઓના દિમાગ ઝેરી કીડાઓથી ખદબદે છે. આજના યુગમાં અભૂતપૂર્વ અશાંતિ જોવા મળે છે એનું કારણ આ બે કીડા છે, જે માનવીએ આધુનિક યુગમાં પેદા કર્યા છે અને અત્યારે તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે.
યાદ રહે, આપણી પાસે જિંદગી એક જ છે અને તે કેમ જીવવી જોઈએ એ બતાવવા અત્યંત નિર્ણાયક ઘડીએ વિનાયક દામોદર સાવરકર અને મોહનદાસ કરમચંદ ગાંધી એક સાથે સમકાલીન બનીને આવ્યા. જગતભરના સાવરકરો સામે ગાંધીનું થવું એ યોગાનુયોગ નહોતો, સમયની જરૂરિયાત હતી. માનવી આજે ત્રિભેટે ઊભો છે અને તેણે કયો માર્ગ અપનાવવો એનો નિર્ણય લેવાનો છે. એક છે, વિનાયક દામોદર સાવરકર માર્ગ અને બીજો છે મોહનદાસ કરમચંદ ગાંધી માર્ગ.
જિંદગી એક જ મળી છે ત્યારે કયો માર્ગ અપનાવશો? માર્ગ પસંગ કરતાં પહેલાં તેનાં લેખાજોખાં કરી લેવા જોઈએ. મૂલ્યવાન આયખું એળે ન જવું જોઈએ.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2021
![]()


ભારતી પ્રવીણ પવાર નામનાં કોઈ બહેન કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં પ્રધાન છે, અને તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે કોવીડ સંક્રમણના બીજા આક્રમણ દરમ્યાન ઓક્સીજનના અભાવમાં દેશમાં એક પણ દરદીનું મૃત્યુ થયું નહોતું. બોલો. આને કહેવાય હિંમત. સાચું બોલવામાં તો હિંમત જોઈએ એવો આપણો અનુભવ છે, પણ એક હદથી વધારે ખોટું બોલવા માટે પણ હિંમત જોઈએ. કાચાપોચાનું કામ નથી. કોઈ વળી કહેશે કે આને નિર્લજ્જતા કેહવાય તો નિર્લજ્જ બનવા માટે પણ હિંમત જોઈએ. કોઈ શું કહેશે અને કોઈ આપણને કેમ મુલવશે એની ચિતા ન હોય, એ લોકો જ આવું ઉઘાડું અસત્ય બોલી શકે અને આ હિંમતનું કામ છે. ગાંધીજી ખરેખર નમાલા હતા. 
એ વાત સાચી કે કઢીચટ્ટાઓ જૂઠને સ્વીકારી લે છે અને કેટલાક જો તેને સ્વીકારતા નથી તો પડકારતા પણ નથી. ના, તેઓ બેવકૂફ નથી, તેઓ કઢીને વફાદાર હોય છે. જે કઢી ચટાડે તેને વેચાવા તેઓ તૈયાર રહે છે. કઢીચટ્ટાઓ બે પ્રકારના છે. એક એ જેઓ જૂઠને સત્ય તરીકે પીરસે અને એ પણ બુલંદ અવાજ અને આત્મવિશ્વાસ સાથે. એમાં વડા પ્રધાનને પણ ટપી જાય. ઉપરથી બચાવ પણ કરે અને કોઈ શંકા કરે તો તેને બોલવા જ ન દે. બીજા એ જેઓ બુલંદ રણકારનો ઉમેરો કર્યા વિના જૂઠને એમને એમ પીરસે, પણ શંકા ન કરે. પડકારવાનો તો સવાલ જ નથી. જૂઠ બોલનારાઓને ખબર છે કે જૂઠ ગમે તેવું હોય, આ કઢીચટ્ટાઓ તેને સવાલ કર્યા વિના પીરસવાના છે અને ઉપરથી બચાવ પણ કરવાના છે. કોને પીરસશે? બે પ્રકારના નાગરિકોને. એક એ જેઓ હિંદુ કોમવાદી છે અને બીજા એ જેઓ બેવકૂફ છે અને આ બન્ને મળીને ચૂંટણી જીતાડી આપશે. હિંદુ કોમવાદીઓમાં મુસ્લિમવિરોધી ઝેર એટલું ઠાંસીઠાંસીને ભર્યું છે કે જો મુસ્લિમનું બુરું થતું હોય તો પોતાની સાત પેઢીને તે બરબાદ કરવા તૈયાર છે. બીજો વર્ગ બેવકૂફોનો છે જેને વિચારતા આવડતું જ નથી. જે વિચારે નહીં એ શંકા ન કરે ત્યાં સવાલ તો બહુ દૂરની વાત છે. સ્વાભાવિકપણે તેઓ વફાદાર અને સંગઠિત છે.