
રમેશ ઓઝા
ગ્રૉક [Grok] નામનું આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) ચેટબૉટ બજારમાં આવ્યું છે ત્યારથી ઉદારમતવાદીઓ ગેલમાં છે. તેમને એમ લાગે છે કે અસત્યના વાદળો છંટાઈ જશે અને સત્યનો સૂર્ય ફરી પાછો આકાશમાં ઝળહળવા લાગશે. બેવકૂફ ભક્તોની આંખના આંજણ ભૂંસાઈ જશે અને તેઓ નરવી આંખે સત્ય જોવા લાગશે. જોવું પડશે, કારણ કે અસત્યના તો ભૂકા બોલી ગયા હશે. ગોદી મીડિયા અને અર્નબ ગોસ્વામીઓને તો મોઢું છૂપાવવા કોઠીમાં પણ જગ્યા નહીં મળે. કોઈ કાંઈ પણ કહે જાવ ગ્રૉક કે એવા કોઈ પણ તમારી પસંદના એ.આઈ. ચેટબૉટ પાસે અને સાચી જાણકારી મેળવી લો. હવે મહમ્મદ ઝુબિર જેવા ફેકટ-ચેકરોને જેલમાં પણ નહીં મોકલી શકાય, કારણ કે એ.આઈ. ચેટબૉટ માનવીનું બનાવેલું છે, પણ માનવરહિત છે. દંડો કોને? કોઈ નિરાકાર સત્યવ્રતી સત્યવદન કરવાનો છે અને જૂઠનો પ્રચાર કરનારા પામરો આશ્રય માટે દોડાદોડ કરશે. કરાગ્રહે વસતે સત્યના દિવસો આવ્યા છે.
ધ્રુવ રાઠી, આકાશ બેનર્જી અને એવા બીજા યુ ટ્યુબરોનાં બુલેટિન્સ સાંભળ્યાં અને ડિજીટલ ન્યુઝ પોર્ટરો પર કેટલાક લેખો વાંચ્યા, ત્યારે મનમાં આવી એક છાપ બની અને પછી મનમાં એક પ્રશ્ન પણ જાગ્યો જેના વિષે આજે અહીં વાત કરવી છે. સમસ્યા શ્રદ્ધેય કહી શકાય એવા માહિતિના સ્રોતના અભાવની છે કે પછી બૌદ્ધિક પ્રમાદની છે કે પછી જરૂરી શોધખોળ કરવા માટે આવશ્યક આવડતના અભાવની છે? ઘણા એમ માનીને ચાલે છે કે સામાન્ય લોકોમાં શોધખોળ કરવાની આવડત હોતી નથી, બિચારા પાસે એના માટે સમય પણ હોતો નથી, કારણ કે એ તો જીવનની આપાધાપીમાં અટવાયેલો રહે છે અને સૌથી મોટી વાત તો એ કે તેની પાસે માહિતિનો કોઈ સ્રોત હોતો નથી અને જો કોઈ સ્રોતમાંથી તેને માહિતિ આપવામાં આવે છે તો તે તેની શ્રદ્ધેયતા કેટલી એ બિચારો જાણતો હોતો નથી. જૂઠ ફેલાવનારાઓ આનો લાભ લે છે. સામાન્ય માણસ બાપડો ક્યાં સાચાખોટાની ખાતરી કરવા જવાનો છે!
આ વાત સાચી છે, પણ સાવ સાચી નથી. મોટી સંખ્યામાં એવા લોકો પણ હોય છે જે પોતાને સાંભળવું ગમે એવી વાત શોધવા માટે જહેમત ઉઠાવતા હોય છે. એની પાસે સમય પણ છે અને આવડત પણ છે. એ ત્યાં જઇને ઠરે છે જ્યાં તેને જે જોઈતું હોય એ મળી રહે. એક તંત્રી મિત્ર સત્યાન્વેશી જ્ઞાનપિપાસુ હોવાનો ડોળ કરીને મને મળવા આવે છે અને પછી ગાંધીજી, નેહરુ, કાઁગ્રેસ વિષે વાત કરે. તેમનો રસ એ લોકોએ શું ભૂલ કરી એ જાણવામાં હોય છે. ફેરવી ફેરવીને પૃચ્છા કરે. બીજા એક સાહિત્યકાર મિત્ર કોઈકના મેસેજ ફોરવર્ડ કરીને પૂછે કે શું આ સાચું હશે. તમારી પાસેથી સત્ય જાણવાની ઈચ્છા છે. આપણને લાગે કે આ ભાઈને સત્ય જાણવાની કેવી તાલાવેલી છે. હકીકતમાં આ લોકો તેમણે માફક આવે એવું ‘સત્ય’ શોધતા હોય છે. તમે જો કહો કે આમાં આંશિક સત્ય છે તો તેઓ એ આંશિકને પૂર્ણ કરી નાખે. તમે ગમે તેટલા તથ્યો સામે મુકશો તો પણ તે પોતાની વાત નહીં છોડે. બેહુદી દલીલો કરશે અને છેવટે દલીલના અભાવમાં મૂંગો રહેશે, પણ પોતાની વાત નહીં છોડે. તેઓ પોતાની માન્યતા, ગૃહીતો કે પૂર્વધારણાઓ છોડવા તૈયાર નથી હોતા. તેઓ પોતાને અનુકૂળ આવે એવા મિત્રો, સમૂહો કે માધ્યમો શોધતા રહે છે. તેઓ અર્નબ ગોસ્વામીને એટલા માટે નથી સાંભળતા કે તેમનામાં બુદ્ધિ કે સમજણ ઓછી છે, તેમને અર્નબ ગોસ્વામી જે કહે એ જ સાંભળવું છે. આવા પ્રકારના લોકો સત્યના દુ:શ્મનો છે અને એ દરેક વિચારધારામાં છે. એ લોકો જાણીબૂજીને છેતરાય છે અને બીજાને છેતરે છે. એ તેમનો એજન્ડા છે.
જે પ્રજામાનસ પર કબજો જમાવવા માગે છે એ લોકો આવા પ્રકારના છેતરાનારા અને છેતરનારા લોકોની એક કેડર તૈયાર કરે છે જે એજન્ડા વિનાના સાવ સામાન્ય માણસને ભ્રમિત કરે છે. ભારતમાં તેમણે આવા છેતરાનારા અને છેતરનારા લોકોની બે કે ત્રણ પરત (લેયર્સ) તૈયાર કરી છે. ગ્રોક હોય કે બીજું કોઈ પણ ચેટબૉટ હોય, તે આ પરત તોડી નહીં શકે. બીજી બાજુ એજન્ડા વિનાનો સામાન્ય માણસ જ્યાં સત્યને સામે રાખવામાં આવે છે ત્યાં પહોંચી નહીં શકે. તેને માટે ચેટીંગ પણ એક લક્ઝરી છે.
મેં આ સવાલ કે મૂંઝવણ ગ્રોકને જ વિસ્તારથી જણાવી અને પૂછ્યું કે એમાં તું શું કરી શકે? ગ્રોકનો જવાબ સૂચક હતો. આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2025