નાના હતા ત્યારથી ગાતા હતા 'મામાનું ઘર કેટલે , દીવો બળે એટલે ..'
સામે જે ઘર દેખાય છે કે જ્યાં દીવો બળી રહ્યો છે તે મામાનું ઘર એવો સીધો સાદો અર્થ ત્યારે ને અત્યારે પણ સમજાય છે.
પણ ક્યારેક લાગે કે જ્યાં આપણા માટે કાયમ દીવો બળે છે, એટલે કે પ્રહ્લાદ પારેખે શીખવ્યું છે તે પ્રમાણે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે તે ઘર એટલે મામાનું ઘર. જે ઘર  આપણામાં માટે કાયમ ખુલ્લું હોય તે મામાનું ઘર .. જે ઘરના દીવડાનો પ્રકાશ આપણાં આંગણાને અજવાળવા આવી ચડે તે મામાનું ઘર ..
આપણામાં માટે કાયમ ખુલ્લું હોય તે મામાનું ઘર .. જે ઘરના દીવડાનો પ્રકાશ આપણાં આંગણાને અજવાળવા આવી ચડે તે મામાનું ઘર ..
બાળપણથી મામાના ઘરનું ભારે આકર્ષણ. વેકેશનના પહેલા જ દિવસે અમારી પલટન મામાના ઘરે જવા ઉપડે ને છેલ્લે દિવસ ઢીલા ચહેરા સાથે પરત ફરે. આખ્ખું વેકેશન મામાના ઘરે મજા કરવાની. ઘરથી પણ વિશેષ લાડકોડ. પોતાના સંતાનોને છાસ આપે પણ મામી મને તો સાંજે વાળુમાં દૂધ જ આપે. ત્રણ મામા સાથે ને પાસે પાસે રહે. સુવાનું તો કોઈ એક મામાના ઘરે પણ ઊઠીને ચા ત્રણેય મામાના ઘરે રકાબી રકાબી પીવાની. ને એમાં પણ ખતુમામી એટલે કે નાના મામીની મીઠી ચા આપણી સ્પેશિયલ. મામી-ભાણેજ અલક-મલકની વાતો કરતાં ચાની ચુસ્કી લીધાં કરીએ.
આમ તો મોસાળનું ગામ ખેડોઈ. કચ્છભરમાં જ્યાંની વાડીઓ વખણાય તે ગામની પાદરે કચ્છ ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવતા અંજારના સીધીક મામાના ખટારામાંથી ઉતરીએ ત્યારે નાની રાહ જોઈને જ બેઠાં હોય. આંખે ઝાંખપ આવ્યાં પછી દૂરથી અમને જોવા નાની આંખ પર હાથની છાંયડી કરે. અમને જોઈને મુખ હરખાઈ ઊઠે ને આંખ છલકાઈ ઊઠે. ચૂમીઓનો વરસાદ વરસી પડે ભલે ને ગમે તે ઋતુ હોય !
નાનાને તો આ આંખોએ ક્યારે જોયા નથી પણ નાનીનાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે એમની ખોટ પણ ક્યારે ય વરતાઈ નથી. હું નાનીના ગળાડૂબ પ્રેમમાં છું. એમના વિશે તો વિગતે ચરિત્રલેખ કરવાની ભાવના છે. એમના કરચલીયાળી ચામડીવાળા હાથ પર હું હાથ ફેરવતો. મને એમ કરવું બહુ ગમતું. વૃદ્ધત્વનું તેજ મેં એમની આંખોમાં ને બોલાતા પ્રત્યેક શબ્દમાં અનુભવ્યું છે. હજી ઘણીવાર પુછાઈ જાય છે કે નાની કેમ છે ?
મામા જ સઘળા લાડ કરવાની જગ્યા. નવાં કપડાં બાર મહિને એક કે બે વાર મામાના ઘરેથી જ મળે. બાકી તો વાણિયાઓએ આપેલાં કપડાં પહેરવાના. ચંપલ પણ મામા લઈ આપે. મામાના ભાઈબંધની દુકાનેથી અમે બધું લઈ આવીએ, 'હિસાબ હું મામા સાથે સમજી લઈશ' એમ કહેતા દુકાનદાર ભાઈના વાક્યો અત્યારે યાદ આવે છે ત્યારે થાય છે કે મામા આ હિસાબ કઈ રીતે સમજતા હશે. પણ ત્યારે તો કપડાંની સીવેલી થેલીમાં સામાન લઈ રાજી થતા થતા ઘરે આવતા. મામા તો માત્ર ભલે લઈ આવ્યા એટલું જ બોલતા.

નાના ઈશાકમામાની ઘોડાગાડીમાં બેસીને વાડીએ જવાની કંઈક અલગ જ મજા આવતી. વાડીઓની વચ્ચેથી નીકળતી ગાડા વાટે ચાલતી ઘોડાગાડીમાં બેસવાની તો મજા આવે જ પણ એથી પણ વધુ મજા આવતી ચીકુ, કેરી ને જામફળના લચી પડેલા બગીચાઓમાંથી મન પડે તે ખાવાની. મને બરાબર યાદ છે કે એકેય વાડીમાં તારની વાડ નહિ ને કોઈની રોક ટોક પણ નહીં. વેચાતાં ફળ લેવાની ત્રેવડ તો ક્યાંથી હોય એટલે મામાના ગામની વાડીઓમાં ધરાઈને ફળ ખાઈ લેતા, વરસ ભરના સામટા.
વાડીઓની સરહદ પૂરી થાય ને થોડાં બાવળની સીમને વટાવી અમારી સવારી મામાના ઈંટોના ભઠ્ઠા પર પહોંચતી. કુંભારની માટી સાથેની નિસબત બરાબર અનુભવાતી. ઈંટ જો પકવવા મૂકી હોય તો એની એક વિશિષ્ટ સુગંધ નાકને ઘેરી લેતી. હું કામમાં મદદ કરાવવા જાઉં તો એ પણ રમત જેવું લાગતું. વાડીમાં લાલ લાલ તરબૂચ નિંદામણની ખુરપીથી જ ચાર ટુકડા કરીને ખાઈ જતા. પછીથી મામા સપરિવાર વાડીએ રહેવા આવી ગયા ત્યારે દિવસો સુધી આ મજા માણી છે.
હમણાં વેકેશનમાં બે દિવસ મામાના ઘરે જઈ ફરી એ દિવસો પાછા જીવી આવ્યા. માનો વર્ગ એવા ઈસ્માઈલમામા, ઈશાકમામા ને ખુદાને પ્યારા બની ગયેલા દાઉદમામા તરફથી મળેલા અસીમ પ્રેમના પ્રવાહને વહેતો રાખી શકું તો ઘણું !
મારા મામાનું ઘર હવે મારી ભીતર જ બંધાઈ ગયું છે ! અંદર દીવો બળ્યા કરશે ત્યાં સુધી એ ઘર સાવ નિકટ ઝળહળ્યા કરશે !
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર
 


 યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ સંવાહકો અને વિશ્વભરમાંથી જોડાયેલાં સૌ સ્વજનો, સૌને પ્રણામ; – જય જગત.
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ સંવાહકો અને વિશ્વભરમાંથી જોડાયેલાં સૌ સ્વજનો, સૌને પ્રણામ; – જય જગત.
 વિનોબાનો શબ્દવૈભવ પાણી પર તરતી હિમશીલા જેવો છે; ઉપર દેખાય છે તેથી ઘણો મોટો ભાગ અંદર છે, અછતો છે. વિનોબાએ જ આ વાતને  ટેકો આપતા કહ્યું છે કે ‘મારું જીવન તમે સપાટી પર જુઓ છો એટલું જ નથી, હું જુદી જ દુનિયાનો માણસ છું.’ આશ્રમમાં આકાશવાણીના કોઈ પ્રતિનિધિ તેમની સાથેનો વાર્તાલાપ ધ્વનિમુદ્રિત (રેકોર્ડ) કરવા આવ્યા ત્યારે બાબાએ કહેલું કે, ‘મને બ્રોડકાસ્ટમાં નહીં, ડીપકાસ્ટમાં રસ છે.’ ને પછી હસતાં હસતાં પૂછેલું કે, ‘તમારું ટેપરેકોર્ડર મારું બોલેલું તો રેકોર્ડ કરી લેશે, પણ શું એને મારું મૌન રેકોર્ડ કરતા આવડશે ?’ (વિનોબા ચિંતન- પ્રસાદ, સં. – રમેશ સંઘવી, અંતિમ પૃષ્ઠ)
વિનોબાનો શબ્દવૈભવ પાણી પર તરતી હિમશીલા જેવો છે; ઉપર દેખાય છે તેથી ઘણો મોટો ભાગ અંદર છે, અછતો છે. વિનોબાએ જ આ વાતને  ટેકો આપતા કહ્યું છે કે ‘મારું જીવન તમે સપાટી પર જુઓ છો એટલું જ નથી, હું જુદી જ દુનિયાનો માણસ છું.’ આશ્રમમાં આકાશવાણીના કોઈ પ્રતિનિધિ તેમની સાથેનો વાર્તાલાપ ધ્વનિમુદ્રિત (રેકોર્ડ) કરવા આવ્યા ત્યારે બાબાએ કહેલું કે, ‘મને બ્રોડકાસ્ટમાં નહીં, ડીપકાસ્ટમાં રસ છે.’ ને પછી હસતાં હસતાં પૂછેલું કે, ‘તમારું ટેપરેકોર્ડર મારું બોલેલું તો રેકોર્ડ કરી લેશે, પણ શું એને મારું મૌન રેકોર્ડ કરતા આવડશે ?’ (વિનોબા ચિંતન- પ્રસાદ, સં. – રમેશ સંઘવી, અંતિમ પૃષ્ઠ)

