ગુજરાતી ભાષા અને એનું સમગ્ર સાહિત્ય આજે કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છે; આમ છતાં, જેને અંગે વિશેષ ચિંતા થવી જોઈએ અને જેને અંગે વિશેષ ચિંતન થવું જોઈએ તે ‘બાળસાહિત્ય’ પરત્વે ઘોર ઉદાસીનતાની સ્થિતિ જોવા મળે છે. બાળસાહિત્યની આ પ્રકારની ઉપેક્ષા આપણને ઘણી મોંઘી પડવાની છે. પણ એ અંગે લગભગ શાહમૃગી વૃત્તિમાંથી આપણે છૂટી શકતાં નથી. (ચર્ચવા જોગ) મુદ્દાઓમાંથી કેવળ વિષયવસ્તુ સામેના પડકારો વિશે મારે કશુંક કહેવું છે.
ગુજરાતી બાળસાહિત્યની પ્રથમ પેઢીના લેખકોએ આપણા સાંસ્કૃિતક ગ્રંથો ‘રામાયણ’ અને ‘મહાભારત’ તેમ જ ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’ જેવા અન્ય પ્રાચીન ગ્રંથોમાંથી વિષયવસ્તુ લઈને ગુજરાતી બાળસાહિત્યનો પાયો નાખ્યો. એ સમયે આમ કરવાનું જરૂરી પણ હતું. આપણી સંસ્કૃિતના આધારભૂત ગ્રંથોનો સંદેશ સરળ ભાષામાં બાળકો સુધી પહોંચે તે અવશ્ય ઇચ્છનીય હતું. પણ પછીની પેઢીના લેખકો માટે પણ સાહિત્યસર્જનનો મોટો આધાર પ્રાચીન સાહિત્ય બની રહ્યું, તે કોઈ રીતે સ્વીકાર્ય બની શકે નહીં. અલબત્ત, પ્રાચીન સાહિત્યની નાની સરવાણી સતત વહેતી રહે એમાં કશું ખોટું ન ગણાય; પણ, બાળસાહિત્યનો મોટો પ્રવાહ તો મૌલિક સાહિત્યનો વહેવો જોઈતો હતો. આપણું પ્રાચીન સાહિત્ય જ નહીં પણ પરદેશની લોકકથાઓ અને ઈસપની નીતિકથાઓના ગ્રંથો પણ આપણા બાળસાહિત્યને પોષવામાં ઉપયોગમાં લેવાતાં રહ્યાં પરિણામે મોટેરાંઓ માટેના ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાની આબોહવાનો અનુભવ થતો રહ્યો છે, તેવો અનુભવ આપણા બાળસાહિત્યમાં બહુ ઓછો થયો. આ ખરે જ ચિંતાની બાબત છે. આપણા બાળસાહિત્યના લેખકો તેમ જ હિતચિંતકો આ બાબત અંગે સભાન છે; તેમ છતાં, આ દિશામાં ગુણાત્મક ફેરફાર કરી શકાયો નથી. ગિજુભાઈની બાળવાર્તાઓ વિશ્વ બાળસાહિત્ય કક્ષાની અવશ્ય છે; પણ, એ વાર્તાઓ પણ મૌલિક નથી. લોકોમાં કંઠોપકંઠ કહેવાતી રહેલી બાળવાર્તાઓનું જ નવું રૂપ છે. અલબત્ત, ગિજુભાઈની વિરલ સર્જકતાના પારસસ્પર્શે એમાં નવો પ્રાણ રેડ્યો છે એમાં ના નથી. વીસમી સદીના અંત ભાગથી આ પરિસ્થિતિમાં ફેરફાર થતો જોવા મળ્યો છે. મૌલિક કથાવસ્તુ ધરાવતી બાળવાર્તાઓ, વિજ્ઞાનને વિષયવસ્તુ તરીકે ઉપયોગમાં લઈને લખાયેલી વાર્તાઓ આ સમયમાં આપણને અવશ્ય મળી છે; તેમ છતાં, આ પ્રકારની વાર્તાઓનું પ્રમાણ આપણને સંતોષ આપે એટલું નથી, એ સખેદ નોંધવું રહ્યું.
આપણા ગુજરાતી બાળસાહિત્યમાં તાત્ત્વિક રીતે જેને શિશુસાહિત્ય કહેવાય તેનું પ્રમાણ નહિવત્ છે. એ જ રીતે તાત્ત્વિક રીતે જેને કિશોર – સાહિત્ય કહેવાય, એનું પ્રમાણ પણ સંતોષકારક નથી. આ બંને બાબતો અંગે અત્યારે તો કેવળ અંગુલીનિર્દેશ કરીને સંતોષ માનીશું.
રસદૃષ્ટિએ બાળકોને રસ પડે એવું સાહિત્ય કયું ગણાય, એ અંગે આપણે ત્યાં ઊંડી વિચારણા થઈ નથી. એમ લાગે છે કે બાળકોને કેવળ વીરરસ અને હાસ્યરસના સાહિત્યમાં વિશેષ રસ પડે છે. બાળકોને હસવું ગમે છે અને કથાનાયકોનાં પરાક્રમોમાં એમને ખૂબ રસ પડે છે. એ જ રીતે બાળસાહિત્યમાં શૃંગારરસ અને ઘેરો કરુણરસ વર્જ્ય ગણાય. શૃંગારરસની વાત તરત જ સ્વીકાર્ય બને એવી છે; પણ, કરુણરસ અંગે મતમતાંતર હોવાની શક્યતા છે. આમ છતાં પ્રસિદ્ધ કેળવણીકાર મૂળશંકર મો. ભટ્ટ કહેતા તે વાત બાળસાહિત્યના લેખકોએ અપનાવવા જેવી છે. મૂળશંકરભાઈ કહેતાં કે બાળકો હબક ખાઈ જાય એવા મૃત્યુનાં કે અન્ય પ્રકારનાં ઘેરાં વર્ણનોવાળું સાહિત્ય બાળકો માટે વિઘાતક નીવડે છે. ભારતીય બંધારણે દેશના તમામ નાગરિકોને સમાન કક્ષાએ સ્વીકાર્યા છે, ત્યારે ઊંચનીચના ભેદભાવો દર્શાવતી કે કોઈ જ્ઞાતિ-જાતિની મજાક-મશ્કરી કરતી વાર્તાઓ આજે કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં એ વાત બાળસાહિત્યના લેખકોએ અંકે કરવા જેવી છે. એટલે સ્વ. ગિજુભાઈ માટેના પૂરા આદર-સન્માન સાથે પણ એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ગિજુભાઈની બધી જ બાળવાર્તાઓ આજે સ્વીકાર્ય બની શકે નહીં. ગિજુભાઈની વાર્તાઓ પર કોઈનો હવે કૉપીરાઇટ ન હોવા છતાં એમની કેટલીક વાર્તાઓ કાયમ માટે રદ કરી દેવાનો નિર્ણય બાળસાહિત્યના લેખકો અને બાળકેળવણીકારોએ કરવો જોઈએ. ગિજુભાઈની જે ઉત્તમ વાર્તાઓ પસંદ કરીએ, તેમાં પણ ભાષાકીય સંપાદન (Language Editing) જરૂરી બનશે. પરંતુ આવું કરતી વખતે ગિજુભાઈની વાર્તાઓના મૂળ પાઠ (text) સાથે સહેજે ચેડાં ન થાય એ અંગે પૂરી સાવધતા રાખવી જોઈશે.
બાળસાહિત્યના લેખકોએ સ્વ. મોહનભાઈ શં. પટેલની એક વાત હંમેશ માટે યાદ રાખવી ઘટે. મોહનભાઈ કહેતાં કે પશુ-પંખીઓ પરત્વે બાળકોનાં મનમાં પૂર્વગ્રહો બંધાય તે પ્રકારનું બાળસાહિત્ય બાળકો માટે હિતકારક નથી. શિયાળ ચતુર હોય, ગધેડો મૂર્ખ હોય – એ પ્રકારની માન્યતાઓ બાળકોનાં મનમાં રૂઢ થઈ જાય એવું ન થવું જોઈએ. સમગ્ર જીવસૃષ્ટિ સાથે બાળકોને આત્મીયતા બંધાય તેવું આપણે ઇચ્છીએ છીએ. પૂર્વગ્રહોયુક્ત નિરૂપણ આપણા ધ્યેયને સિદ્ધ કરવામાં બાધારૂપ નીવડે છે.
[શ્રી યશવંત મહેતાના વડપણ હેઠળ ગુજરાતી બાળસાહિત્ય અંગે ચિંતા અને ચિંતન કરતી ‘બાળસાહિત્ય અકાદમી’ના એક પરિસંવાદ માટેના વક્તવ્યની નોંધમાંથી]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 12-13