ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીજીએ આપેલ ફાળો અમૂલ્ય છે. જે એક સ્થાપિત સત્ય છે. ગાંધીજીના અહિંસા તથા અસહકાર તેમ જ સત્યાગ્રહ જેવા અત્યંત ઓરિજીનલ લાગતા સિદ્ધાંતોના મૂળ સ્ત્રીજાતના વિચાર અને વર્તનમાં હતા, તેમ બાપુએ પોતે સ્વીકાર્યું છે. પરંતુ સ્ત્રીજાતના આ વિશેષ વર્તન-વ્યવહારનું સૂક્ષ્મપણે વિશ્લેષણ કરી તેમાંથી ઉચિત વર્તનને અસહકાર કે સત્યાગ્રહ જેવા સિદ્ધાંતરૂપે અપનાવવાનો તથા સ્થાપવાનો યશ ચોક્કસ ગાંધીજીને જાય. એ સિદ્ધાંતોનો ઉપયોગ ગાંધીજીએ વિવેક, ક્ષમતા તથા હિંમત સાથે જે પ્રમાણે કર્યો તે કોઈ વીરલો જ કરી શકે ! આમ કરવાની સાથે તેમણે ઘરની ચાર દિવાલોમાં જીવી રહેલ ભારતીય સ્ત્રીને ઘરનો ઉંમરો ઓળંગીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવવાની હાકલ કરી. માતૃભૂમિની સ્વતંત્રતાના સંગ્રામમાં સ્ત્રી શું ? અને પુરુષ શું ? બંને એક સરખા ભાગીદાર. બંનેએ માતૃભૂમિ માટે બનતું સઘળુંયે કરવાની તક ઝડપી લેવી જોઈએ. આવો વિચાર જ્યારે બાપુએ વહેતો કર્યો ત્યારે પ્રમાણમાં જુનવાણી તેમ જ પિતૃસત્તાક ભારતીય સમાજે તેને સહર્ષ વધાવી લીધો. અને ભારતીય સ્ત્રીએ ઘરનો ઉંમરો ઓળંગીને સ્વતંત્રતા આંદોલનની સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું પ્રારંભ્યું. પછી તો ઉત્તરોત્તર તેઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશતી ગઈ. પરંતુ સૌ પ્રથમ વાર ભારતીય સ્ત્રીને જાહેર કામકાજમાં ભાગીદારીની તક ગાંધીજીએ મેળવી આપી. આમ ભારતીય નારીના સશક્તિકરણના પાયામાં ગાંધીજીનું આગવું પ્રદાન રહેલું છે.
ભારતીય સ્ત્રીઓની પ્રતિનિધિ તેવી સરોજિની નાયડુ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન, દુર્ગાબાઈ દેશમુખ, વિજયાલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ, રેણુકા રે, સુચેતા કૃપલાની, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી અગણિત વિદૂષી સ્ત્રીઓએ પોતાનાં જાહેર વક્તવ્યો, લેખન તેમ જ પત્રોમાં ગાંધીજી પ્રત્યેનું ઋણ સ્વીકાર્યું છે. ગાંધીજીના જન્મના 150માં વર્ષના પ્રારંભ નિમિત્તે તેમનું સ્મરણ સ્વાભાવિક છે. ગાંધી યુગની સ્ત્રીઓનાં આત્મકથા લેખનમાં પણ ગાંધીજીની અવિસ્મરણીય છબિ સુપેરે ઝીલાઈ છે. જેની એક ઝલક આ વખતની વિશેષ ગાંધી જયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે.
સ્વતંત્રતા આંદોલનનો 1947 પૂર્વેનો એ જમાનો એવો હતો કે જ્યારે ગાંધીજી પ્રત્યેક સુસંસ્કૃત, જાગ્રત ભારતીય પરિવારમાં એક સદસ્યનું સ્થાન ધરાવતા. અંગ્રેજી સાહિત્યના ખ્યાતનામ કવયિત્રી કમલા દાસની આત્મકથા 'માય સ્ટોરી’(1976)માં પોતાનાં બાલ્યકાળનું વર્ણન કરતાં સ્મરે છે કે, તેમની માતાના સાહિત્યકાર મામા કેરળમાં પોતાના નાલપત હાઉસમાં એશોઆરામભરી જિંદગી જીવતા. કમલા દાસની માતા તથા તેમનાં બાળકો પણ નાલપત હાઉસના જ સભ્ય હતાં. કિશોરી કમલા સ્મરે છે કે, "અમારા એ નાલપત હાઉસમાં જ્યારે કોઈપણ નિર્ણય લેવાતો ત્યારે તેને અન્ય વડીલોની સાથોસાથ બાપુની પરવાનગી મળશે કે કેમ તેનો પણ ખ્યાલ રખાતો. આ 'બાપુ' એટલે પરિવારના કોઈ વડીલ સદસ્ય નહીં, પરંતુ એ મહાલયના દિવાનખાનાની દિવાલ પર શોભતી મહાત્મા ગાંધીજીની છબિ !" આ છબિ જાણે ઘરની મુખ્ય વડીલ હતી. આવો હતો એ જમાનો !
………
મોતીલાલ નેહરુનાં મોટાં દીકરી અને જવાહરલાલજીના બહેન પંડિત વિજયાલક્ષ્મીની આત્મકથા 'ધ સ્કોપ ઓફ હેપિનેસ'(1979)માં ગાંધીજીની વાત સતત થાય છે. નેહરુ પરિવારમાં ગાંધીજીનો દરજ્જો એક અતિપ્રિય વડીલનો હતો. વિજયાલક્ષ્મીજીના પ્રેમલગ્ન વખતે પણ ગાંધીજીની પરવાનગી લેવાયેલી. ગાંધીજીએ પોતાને હાથે કાંતેલ, વણેલ તથા રંગેલ ખાદીની સાડી પહેરીને વિજયાલક્ષ્મીજી લગ્નના માંયરામાં બેઠાં હતાં. લગ્ન બાદ તરત નવપરિણીત યુગલ બાપુના આશીર્વાદ લેવા આનંદભવન ખાતેના બાપુના રૂમમાં ગયેલું અને ત્યાં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલન કરીને દેશ ખાતર જીવન સમર્પિત કરવાની વાત કરેલી. આ પ્રસંગને સ્મરતા વિજયાલક્ષ્મીજી લખે છે, મેં બાપુને તરત કહ્યું, "જો તમારે અમને આવા જ આશીર્વાદ આપવા હતા તો અમને પરણવાની પરવાનગી શા માટે આપી ? આવા લગ્નનો શો અર્થ ? બાપુ માફ કરજો તમારી આ વાત મને સ્વીકાર્ય નથી."
………
તો વળી વિજયાલક્ષ્મી પંડિતનાં નાનાં બહેન તથા અમદાવાદના હઠીસિંહ પરિવારના પુત્ર રાજા હઠીસિંહનાં પત્ની કૃષ્ણા હઠીસિંહ પોતાની આત્મકથા 'વિથ નો રિગ્રેટ્સ'(1943)માં બાપુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની સરસ છણાવટ કરે છે. તેઓ પણ પોતાના લગ્નના પ્રસંગનું સ્મરણ કરીને તે વખતે બાપુએ આપેલ આશીર્વાદ વિશે લખે છે, "બાપુએ મને કહેલું, હવે તારો પુનઃજન્મ થઈ રહ્યો છે… તારી નાનીબહેન સ્વરૂપ કાઠિયાવાડમાં નવવધૂ બનીને આવી ખરી, પણ તેણે પોતાના પતિને અલ્હાબાદ આવીને વસવા માટે સમજાવી લીધો… પરંતુ તારામાં અને સ્વરૂપમાં ઘણો ફેર છે. હું સમજું છું કે તું રાજાને અમદાવાદથી દૂર ખેંચી લઈ જવા પ્રયત્ન નહીં કરે… હું આશા રાખું છું કે તું ગુજરાતને તારું ઘર બનાવીશ."
………
પદ્મવિભૂષણ દુર્ગાબાઈ દેશમુખની આત્મકથા 'ચિંતામન એન આઈ'(1980)માં તેઓ ગાંધીજીને પોતાની કિશોરાવસ્થાના એક માત્ર પ્રેરણાદાયી બળ તરીકે સ્મરે છે. દુર્ગાબાઈ દેશમુખ નાનપણથી જ સ્વતંત્રતા સેનાની તથા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાં. 11 વર્ષની ઉંમરે તેમણે ગાંધીજીની એક પ્રવચનસભાનું આયોજન પોતાના ગામમાં કરેલું. અને આ પ્રવચન માટે રૂપિયા પાંચ હજારનું ઉઘરાણું કરવામાં તેઓ સફળ નીવડેલાં. ગાંધીજીની આ સભા દરમિયાન તેમણે કોઈપણ પૂર્વ આયોજન વગર ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કરેલું. જેને કારણે તેઓ આજીવન હિન્દીના પ્રખર સમર્થક તેમ જ પ્રચારક રહેલાં. પોતાની ઉપરોકત આત્મકથામાં તેઓ એક યાદગાર પ્રસંગ સ્મરે છે. સ્વતંત્રતા પૂર્વેના એક કૉન્ગ્રેસ અધિવેશન દરમિયાન સ્વયંસેવિકા દુર્ગાબાઈને ગાંધીજીએ એ સમારંભ માટે સ્ટેજ પર આવી રહેલ દરેક મહાનુભાવના કાર્ડ તપાસવાનું કામ સોંપ્યું. યુવા દુર્ગાબાઈ પોતાનું કામ ખંતપૂર્વક કરવા માંડી. એક પછી એક જનનેતાઓ પાસ બતાવીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. એટલામાં નેહરુજી આવી પહોંચ્યા. બેફિકર નેહરુજી સ્ટેજ પર જવા પગથિયાં પર પગ માંડે ત્યાં તો યુવા સ્વયંસેવિકાએ તેમને ટોક્યા અને પાસ બતાવવા કહ્યું. નેહરુજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "હું નેહરુ, મને નથી ઓળખતા?" વળતો જવાબ મળ્યો, "હા જી, ઓળખું છું, પરંતુ બાપુએ પાસ લઈને આવનારને જ સ્ટેજ પર જવા દેવાનો આદેશ આપ્યો છે. તેથી હું મજબૂર છું." સ્મિત સાથે નેહરુજીએ પાસની વ્યવસ્થા કરી અને પછી એ યુવતીને પાસ બતાવીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા.
………
જન્મે બ્રિટિશ અને કર્મે મહાત્મા ગાંધીને તથા સ્વતંત્રતા આંદોલનને સમર્પિત એવાં મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેનની આત્મકથા 'ધ સ્પિરીટ્સ પિલગ્રીમેજ'(1949)માં પોતે ગાંધીજીના પ્રભાવથી અંજાઈને સર્વસ્વ ત્યજીને જે પ્રમાણે અમદાવાદના હરિજન આશ્રમમાં આવીને વસેલાં તેની વાત કરે છે. તેમનાં આત્મલેખનનું કેન્દ્ર ગાંધીજીનું સ્નેહમયી વ્યક્તિત્વ છે. પરંતુ તેની સાથોસાથ એક અત્યંત કડક એવા નિયામકની છબિ પણ મીરાબહેનનું લેખન ઉપસાવે છે. લંડનથી આવેલ મિસ સ્લેડને ગાંધીજીએ મીરા નામ આપેલું. તેમને આશ્રમ પરિસર પર 8 X 8 ફૂટની નાનકડી ઓરડી આપેલી. જે આજે પણ સાબરમતી આશ્રમમાં મિસ સ્લેડના રહેવાસ તરીકે જોઈ શકાય તેમ છે. આ બ્રિટિશ મહિલાની ખાણી-પીણી, પહેરવેશ, રીત-રિવાજ સઘળું આશ્રમે બદલી નાખ્યું હતું. અધૂરામાં પૂરું ગાંધીજીએ આજ્ઞા કરી કે આ સોહામણી યુવતીએ વાળ ન રાખવા ! આ તે કેવો આદેશ ? ગાંધીજીનો તર્ક હતો કે આશ્રમવાસી પુરુષોમાં યુવતીઓ પ્રત્યે કામના જાગ્રત ન થાય તે માટે આશ્રમમાં વસતી યુવતીઓએ માથાં મુંડાવી નાખવાં ! મીરાબહેને બાપુની આજ્ઞાનું પાલન કર્યું. માથું મુંડાવીને ખાદીની સફેદ સાડીમાં આશ્રમની કોઈ સુવિધા વગરની નાનકડી ઓરડીમાં તેમણે વર્ષો ગાળ્યાં. અને ત્યાં રહીને બાપુની તેમ જ સ્વતંત્રતા આંદોલનની સહાય કરી.
………
આવી જ ઘટના ગુજરાતના પૂર્વ ગવર્નર શ્રી શ્રીમન્નનારાયણજીનાં પત્ની શ્રીમતી મદાલસાબહેને પણ નોંધી છે. ગાંધીના રંગે રંગાયેલ યુવા મદાલસાબહેન લગ્ન પૂર્વે ગાંધીઆશ્રમમાં રહેતાં. મુરતિયારૂપે શ્રીમન્નનારાયણજી તેમને 'જોવા' આશ્રમ ગયેલા. અને ત્યાં માથું મુંડાવેલ કન્યાને જોઈને આઘાત પામી ગયેલા ! ભાવિ પત્ની સાથેની પ્રથમ મુલાકાતમાં તેમણે માત્ર એટલું જ પૂછેલું, "જો લગ્ન થાય તો લગ્ન બાદ તમે વાળ રાખશો ને ?"
તા.ક. ગાંધી જયંતી નિમિત્તે ગાંધી યુગની ભારતીય સ્ત્રીના મનમાં વસેલ અને તેની લેખની દ્વારા તેમની આત્મકથાના પૃષ્ઠો પર ઉતરેલ ગાંધીજીને આવી ખાટી-મીઠી યાદો સાથે શ્રદ્ધાંજલિ.
Email : ranjanaharish@gmail.com
[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 નવેમ્બર 2018]
![]()


ફરિયાદ એવી હતી કે પારસી સમાજ દ્વારા ચલાવાતા વલસાડ પારસી ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખતા નોન પારસી પુરુષને પરણેલ આ યુવતીને પારસી અગિયારી કે પારસી સ્મશાનગૃહમાં જવા પર નિષેધ ફરમાવ્યો હતો. પારસી સમાજના નિયમ પ્રમાણે તેમના ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાનો હક ફક્ત પારસીઓને જ હોય છે. નોન પારસીમાં પરણેલ દીકરીઓને લગ્ન બાદ ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક રહેતો નથી. દેખીતું જ છે કે ગુલરુખનો લગ્ન બાદ ધર્મ બદલાઈ ગયો હતો. તેણે પતિનો ધર્મ અંગિકાર કર્યો હતો. અને તેથી હવે તે પારસી રહેતી નથી. પારસી ન હોવાને કારણે હવે તેને પારસી ધર્મસ્થાન કે પારસી સ્મશાનગૃહમાં પ્રવેશવાનો હક રહેતો નથી. અને તેથી ગુલરુખ પોતાના વૃદ્ધ માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે નહીં ! પારસી ટ્રસ્ટના આ નિર્ણય વિરુદ્ધ ગુલરુખે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. સુનાવણીને અંતે ગુલરુખના પ્રતિપક્ષીઓ જીતી ગયા. હાઈકોર્ટે ગુલરુખને સ્મશાનગૃહમાં પ્રવેશીને માતા-પિતાની અંતિમક્રિયાના હક ન આપ્યા !
કેનેડામાં સ્થાયી થયેલ ઇન્ડો આફ્રિકન મૂળ ધરાવતા લોકપ્રિય સમકાલીન નવલકથાકાર એમ.જી. વસનજીનું સાહિત્ય જગત એટલે જાણે કેનેડાના બંધારણે પોતાને માટે પ્રયોજેલ મેટાફર 'મોઝેઈક'નું પ્રત્યક્ષ રૂપ. કેનેડાએ સપ્રેમ અપનાવેલ 'મલ્ટીકલ્ચરાલિઝમ'ની પોલિસી ત્યાં વસતી પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજાને પોતાની વિશેષ આઈડેન્ટિટી સાથે જીવવાનો અધિકાર આપે છે. પોતાના વતનની જીવન પદ્ધતિ, વિચારધારા, ધર્મ ઇત્યાદિને અકબંધ રાખીને કેનેડામાં વસતી વિવિધ પ્રજાઓ એક એવું કેનેડા ઘડે છે કે જેમાં આ સમગ્ર પ્રજાઓનું વિવિધરંગી સુચારુ ભાતીગળ 'મોઝેઇક' બનીને ઉપસે છે.
'ધ મેજિક ઓફ સાયદા'(2012)નો પ્રારંભ સમગ્ર નવલકથાના ઘટનાક્રમના અંતથી થાય છે. પુસ્તકની 'પ્રોલોગ'માં નવલકથાનો પીઢ નાયક ડો. કમલ પૂંજા આફ્રિકાના દારેસલામની એક હોસ્પિટલના બેડ પર પડ્યો છે. કેનેડાથી ઇસ્ટ આફ્રિકા આવેલ ભારતીય મૂળ ધરાવતા પરંતુ અશ્વેત દેખાતા કમલ પૂંજાને અનાયાસે મળી ગયેલ માર્ટિન કિગોમા એક તાન્ઝાનિયન પ્રકાશક છે. જે કાંઈ બની રહ્યું છે તે જોઈ રહ્યો છે. કમલનો પુત્ર તથા પુત્રી કેનેડાથી દારેસલામ આવીને પિતાની ખબર કાઢીને પાછા ચાલી ગયા છે. પિતાને તેમણે સાથે લઈ જવાનો આગ્રહ કરેલો પરંતુ તેમણે તે સ્વીકાર્યો નહીં. તેમનું કહેવું હતું કે, જો મોત આવવાનું હોય તો તેમની પોતાની ધરતી પર, એટલે કે આફ્રિકામાં જ ભલે આવે. પરંતુ કમલ ક્યાં આફ્રિકન છે ? દેખીતી રીતે તે અહીંનો છે જ નહીં. કિગોમાને આશ્ચર્ય થાય છે. કેનેડાના આલ્બર્ટા નગરથી આ ડોક્ટર 35 વર્ષ બાદ અહીં આફ્રિકા આવ્યો છે, આવીને માંદો પડ્યો છે, અને તેને પાછા જવું નથી ! છેવટે તે કમલને પૂછી નાખે છે, 'શું થયું તમને ? તમે કેનેડા છોડીને અહીંયા, આ પછાત દેશમાં, કેમ આવી ચઢ્યા ?' જવાબમાં ડો. કમલ હસીને કહે છે, 'મારા આ બેહાલ કોઈ વન્ય વનસ્પતિના અર્કને લીધે થયા છે … પેલીએ મને એ પીણું પરાણે પાઈ દીધું. પીધા વગર મારો છૂટકો ન હતો. હું કેનેડા છોડીને જે મિશન પર અહીં આવ્યો છું તે મિશન ખાતર કંઈ પણ કરી શકાય … હું અહીંયા સાયદાની ખોજ માટે આવ્યો છું. મેં તેને વર્ષો પહેલાં પ્રોમીસ આપેલું કે હું પાછો ફરીશ .. પણ પાછા ફરતા ઘણું મોડું થઈ ગયું … નાનપણમાં હું સાયદાને ઓળખતો હતો. પણ 11 વર્ષની ઉંમરે મને ઇન્ડિયન બનવા માટે મોકલી દેવાયો … આટલાં વર્ષે હું તેને શોધવા પાછો ફર્યો છું. મારા ગળામાં તેણે મને નાનપણમાં આપેલ તાવીજ આજે પણ છે.'
નવલકથાનો બીજો 'ખંડ ઓફ ધ કમિંગ ઓફ ધ મોર્ડન એજ' કહેવાતા કવિ ઝી બિન ઓમારીની કલમે લખાયેલ ઇસ્ટ આફ્રિકન ઇતિહાસના તાણાંવાણાં વણે છે. દોમ દોમ સાહ્યબી તથા માન-અકરામથી ટેવાયેલ ઝી બિન ઓમારી સતત એક ગિલ્ટ સાથે જીવે છે. કેમ કે જે કાવ્યો માટે તે સમ્માન પામે છે તે કાવ્યો તેના છે જ નહીં. છેવટે ઝી બિન ઓમારીનો ભાઈ અબ્દુલકરીમ પકડાય છે. જર્મન શાસકોની દૃષ્ટિએ અપરાધી એવા સ્વતંત્રતાસેનાની અબ્દુલકરીમ તથા પૂંજા દેવરાજને ફાંસી થાય છે. આ ફાંસી સાયદાના દાદા ઝી બિન ઓમારીને લગભગ ગાંડા કરી મૂકે છે. એક રાતે તેઓ પોતાનાં સઘળા સાહિત્યને એક સંદૂકમાં મૂકીને ગામની મધ્યે આવેલ 'મૃત્યુવૃક્ષ' નીચે દફનાવી દે છે. તેમને હતું કે આમ કરવાથી તેમના દુષ્કૃત્યનો પાર આવી જશે, પરંતુ તેમ બનતું નથી. ગમગીન એવો પીઢ કવિ હવે કલમ છોડી દે છે. ગામમાં ચર્ચા છે કે કવિશ્રીના કાગળ ખૂટી પડ્યા છે. નાનકડા ભૂલકા સાયદા તથા કમલ શું જાણે કે સાચી વાત શું છે ? તે બંને પોતાની નોટોના કાગળ ફાડીને દાદાને આપવા જાય છે. તો ય દાદા કવિતા લખતા નથી ! કાવ્ય ન લખી શકનાર દાદા અને તેથી અત્યંત ઉદાસ બનેલી સાયદા તથા તેના પરિવારને છોડીને લગભગ આ જ વખત દરમિયાન કમલની મા કમલને કોઈ અજાણ્યા સગાઓ સાથે ક્યાંક મોકલી આપે છે. મા કહે છે કે એ લોકો કમલના સગા છે. તથા દારેસલામ લઈ જઈને તેઓ કમલને પૂરેપૂરો ઇન્ડિયન બનાવી દેશે ! કમલને ઘણી આપત્તિ છે. તે બોલી ઊઠે છે, 'હું આફ્રિકન છું. મા હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો. ઇન્ડિયનો તો દાળ ખાય. હું ક્યાં દાળ ખાઉં છું ?' 'ના તું ઇન્ડિયન છે … સાંભળ દીકરા, ઇન્ડિયન બને તો સુલતાન બનાય. પરદાદા પૂંજા દેવરાજની જેમ મોટા માણસ બનાય. ' (27) એમ કહીને મા તેને પટાવીને વિદાય કરે છે.