આ સરકાર માત્ર લોકશાહી અને ધર્મનિરપેક્ષતાના મુદ્દે જ બચાવની મુદ્રામાં નથી, બલકે અર્થતંત્ર, ખાસ કરીને ખેડૂતો અને બેરોજગારના મુદ્દે પણ ખોંખારીને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. આ બંને મુદ્દે સરકારની સ્થિતિ અત્યંત ખરાબ હોવા છતાં તે જુદી જ વાતો કરી રહી છે. આ બે મુદ્દામાંથી ખેતીની સમસ્યા વધારે વિકરાળ છે અને લોકોમાં આ મુદ્દે અસંતોષ-આક્રોશ જોવા મળી રહ્યો છે.
સામાન્યપણે ભા.જ.પ. ક્યારે ય ખેડૂતોનો હમદર્દ પક્ષ મનાયો નથી. ખેડૂતો પણ ભા.જ.પ.ને પોતાનો પક્ષ માનતા આવ્યા નથી. હા, ૨૦૧૪ તો અપવાદ સર્જાયેલો. હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટા ભાગના ખેડૂતોએ પહેલી વાર ભા.જ.પ.ને મત આપેલો, કારણ કે તેમને ભા.જ.પ. માટે આશા બંધાઈ હતી અને ભા.જ.પ. થકી તેમનો વિકાસ થશે એવી અપેક્ષાઓ ઊભી થઈ હતી. પણ પછી તો આશા-અપેક્ષાઓ ધીમે ધીમે નિરાશામાં પલટાતી ગઈ. સામાન્ય ખેડૂતોને પણ ખાતરી થતી ગઈ કે આ તેમના માટે કામ કરતો પક્ષ નથી.
બેરોજગારી પણ એક પ્રખર મુદ્દો છે, પરંતુ ખેડૂતોની સમસ્યાને રાજકીય મહત્ત્વ મળે છે, એટલું તેને મળતું નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં તો આ સમસ્યાનું આંશિક પ્રતિબિંબ જ જોવા મળે છે. રાજસ્થાનમાં કૉંગ્રેસને ૧૫૦થી ૧૬૦ બેઠકો મળવી જોઈતી હતી, પરંતુ મળી માંડ ૧૦૦. આમ, લોકોમાં રોષ છે, પરિવર્તન કરવાની ઇચ્છા છે, પરંતુ તેને મતમાં પરિવર્તિત કરી શકે એવા પરિબળનો અભાવ જણાયો. કદાચ ખેડૂતોને વિશ્વાસપાત્ર વિકલ્પ ન મળ્યો. એવો વિકલ્પ પેદા થયો હોત તો નક્કર પરિણામો મળ્યાં હોત. ગ્રામીણ વિસ્તારોમાં તો ભા.જ.પ. વિરોધી લહેર પેદા થઈ શકે એવો માહોલ જોવા મળ્યો. અત્યારે શું સ્થિતિ છે, એ ન કહી શકાય, પરંતુ આવી સંભાવના જરૂર જોવા મળી.
રાજકારણમાં ખેડૂતોના મુદ્દાનો જબરદસ્ત પ્રભાવ પડ્યો હોય, એવી ચૂંટણીની વાત કરવી હોય તો મને વર્ષ ૧૯૮૮ની ચૂંટણી યાદ આવે છે, જ્યારે છેલ્લી વખત ખેડૂતોના મુદ્દા રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના કેન્દ્રસ્થાને હતા. એ વખતે મહેન્દ્રસિંહ ટિકૈતની મહારેલી યોજાયેલી, એ જ વખતે એમ.ડી. નંજુંદાસ્વામીએ કર્ણાટકમાં અને શરદ જોશીએ મહારાષ્ટ્રમાં વ્યાપક સ્તરે દેખાવો યોજેલા. બાકી, કઈ સામાન્ય ચૂંટણીમાં ખેડૂતોનો મુદ્દો મુખ્ય મુદ્દો બનેલો?! છેલ્લી પંદર સામાન્ય ચૂંટણીઓમાંથી મને નથી લાગતું કે એકેય ચૂંટણીમાં ગ્રામીણ, ખેતી કે ખેડૂતના મુદ્દાઓ કેન્દ્રીય મુદ્દા બન્યા હોય. હા, અમુક વિધાનસભા ચૂંટણીઓમાં ખેડૂતના મુદ્દાની મોટી ભૂમિકા રહી હશે, જેમ કે, વર્ષ ૧૯૮૭માં ચૌધરી દેવીલાલે ખેડૂતોનાં દેવામાફીનું વચન આપેલું અને સત્તા પર આવેલા … પરંતુ રાષ્ટ્રીય સ્તરે એકેય ચૂંટણીમાં એવો પ્રભાવ દેખાયો નથી. આ અર્થમાં જોઈએ તો આ ચૂંટણીમાં એક રોમાંચક ઘટના બનવા જઈ રહી છે કે ઘણા લાંબા સમય પછી એવી સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ખેડૂતો અને બેરોજગારીની સમસ્યાના મુદ્દા ચર્ચામાં આવ્યા છે. આ સૌથી મોટું પરિવર્તન છે.
આવું પરિવર્તન અત્યારે જ કેમ જોવા મળી રહ્યું છે, એવો સવાલ થઈ શકે. જો કે, રાજકારણમાં પુરવઠા અને માંગ વચ્ચે ભાગ્યે જ તાલમેલ જોઈ શકાય છે. જ્યાં સૌથી વિકરાળ સમસ્યા હોય ત્યાં જ સૌથી વધારે રોષ જોવા મળે, એવું માનવું ભૂલભરેલું છે. દાખલા તરીકે, ખેડૂતોની દુર્દશાને આત્મહત્યાના આંકડા સાથે જોડીને જોવામાં આવે છે. પણ, જ્યાં ખેડૂતો સૌથી વધારે હાડમારી ભોગવે છે, ત્યાં આત્મહત્યા વધારે થાય છે, એવું પણ નથી, એ પણ હકીકત છે. દેશમાં ખેતીની હાલત અત્યંત ખરાબ છે, એવા વિસ્તારોમાં બુંદેલખંડ, રાયલસીમાનો અમુક વિસ્તાર, મરાઠવાડાનો અમુક વિસ્તાર, ગુજરાત અને રાજસ્થાનના અમુક પ્રદેશો, બિહારના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે, પરંતુ અહીં ખેડૂત આત્મહત્યાનો આંકડો અત્યંત નીચો છે. આમ, આત્મહત્યાને અને ખેડૂતોની દુર્દશાને સીધી રીતે જોડી ન શકાય, એ જ રીતે ખેડૂતોની દુર્દશા અને ખેડૂતોનાં આંદોલનોને પણ સીધી રીતે જોડી શકાય નહીં.
મોદી શાસન દરમિયાન બે વર્ષ દુષ્કાળ પડ્યો અને એ પછી વૈશ્વિક અને સ્થાનિક ધોરણે ખેતપેદાશોના ભાવ ગગડ્યા. દુષ્કાળ પડે છે ત્યારે ખેડૂતો પોતાના ભાગ્ય કે ભગવાનને દોષ આપીને શાંત રહેતા હોય છે, પણ જ્યારે ત્રીજા વર્ષે સારો પાક થયો ત્યારે ભાવ ગગડી ગયા ને ખેડૂતોના હાથમાં કશું ન આવ્યું ત્યારે તેમની ધીરજ ખૂટી પડી અને એ પછી ખેડૂતો આંદોલન માટે રસ્તા પર ઉતરી આવ્યા.
ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી અંતર્ગત દેશભરનાં ૨૦૦થી વધારે ખેડૂત સંગઠનો એક મંચ પર આવ્યાં. તામિલનાડુ, હિમાચલ, ગુજરાત, આસામ એમ દેશનાં અનેક રાજ્યોના ખેડૂતો સંગઠિત થયા. અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે ૧૯૮૦ના દાયકામાં ટિકૈત, જોશી કે નંજુંદાસ્વામી ક્યારે ય એક મંચ પર આવ્યા નહોતા.
આ વખત બીજું એ બન્યું કે સરકારને ૪૦ મુદ્દાનો લાંબોલચક એજન્ડા આપવાને બદલે આખું આંદોલન માત્ર બે મુદ્દા પર જ કેન્દ્રિત કરવામાં આવ્યું : વાજબી ભાવ અને દેવામાંથી મુક્તિ. આપણા દેશમાં ખેતીક્ષેત્રમાં ઘણી વિવિધતા જોવા મળે છે, તામિલનાડુ અને કેરળમાં કૉફીની ખેતીથી લઈને પંજાબ અને હરિયાણામાં ચોખાની ખેતી. આ પ્રદેશો જાણે બે જુદા જ ખંડોમાં આવેલા છે … છતાં આ આંદોલનમાં સૌને એક સામાન્ય મુદ્દો પકડાયો અને દેશભરના ખેડૂતો એક તાંતણે બંધાયા.
વડા પ્રધાન મોદી સરકારનો બચાવ કરતા કહે છે કે આપણા દેશમાં સાંસ્થાનિક પ્રયાસો તથા માળખાકીય સુવિધાના અભાવને કારણે આવી સ્થિતિ સર્જાઈ, બાકી આમાં સરકાર દ્વારા કશું ખોટું-ખરાબ થયું જ નથી. જો કે, વાસ્તવિકતા એ છે કે મોદી શાસનનાં પહેલાં ત્રણ વર્ષમાં ખેડૂતો તેમના દિમાગમાં જ નહોતા. આને કારણે જ ખેડૂતોને લાગ્યું કે આ સરકારમાં તેમનું સાંભળનાર કોઈ નથી અને તેમની સમસ્યાનાં કાંકરો કાઢી નખાયો છે. આવો ભાવ દૃઢ થયા પછી જ ખેડૂતોએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો.
હવે અણ્ણા હજારેના આંદોલન અને આ વખતના ખેડૂતોના આંદોલન વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓની ચર્ચા કરીએ તો અણ્ણા આંદોલનથી ભા.જ.પ.ને ચોક્કસપણે ફાયદો થયો હતો. જો કે, આખી દુનિયામાં આવું જ થતું હોય છે. સુસંગઠિત વિરોધી પક્ષો સત્તા પક્ષને હરાવીને સત્તા હાંસલ કરવા માટે આવાં આંદોલનોનો ફાયદો ઉઠાવતા આવ્યા છે. વર્ષ ૧૯૭૦ના દાયકાના બિહાર અને ગુજરાતનાં વિદ્યાર્થી આંદોલનોને યાદ કરો.
બંને આંદોલનો વચ્ચેની ભિન્નતાની વાત કરીએ તો અણ્ણાજીનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન એક અર્થમાં મધ્યમ વર્ગનું આંદોલન બની ગયેલું. દેશભરમાં આ આંદોલનને જબરદસ્ત પ્રતિસાદ સાંપડેલો અને માધ્યમોમાં પણ તેની બોલબાલા હતી. આ વખતના ખેડૂત આંદોલને મીડિયાને જે રીતે અને હદે આકર્ષ્યું હતું, એ અભૂતપૂર્વ હતું. અગાઉ ખેડૂત આંદોલનોને આટલો બહોળો પ્રતિસાદ મળતો નહોતો. મીડિયામાં પણ વ્યાપક સ્થાન મળતું નહોતું. આવું કઈ રીતે થઈ શક્યું, એના માટે એક ઉદાહરણ આપું.
ઑક્ટોબર, ૨૦૧૫ના દુષ્કાળના વર્ષમાં અમે કર્ણાટકથી લઈને હરિયાણા સુધી ૪,૭૦૦ કિલોમીટર લાંબી યાત્રા યોજી હતી. મરાઠવાડા અને બુંદેલખંડની હાલત અત્યંત ખરાબ હતી, એટલે અમે ત્યાં પણ પદયાત્રા કરેલી. અમે અનેક લોકોને પત્રો લખ્યા, પત્રકારોને રોજેરોજ બોલાવતા અને તેમની સાથે ચર્ચા કરતા, ખૂબ જ પ્રયાસો કર્યા, પરંતુ અખબારો-ટીવી ચેનલોમાં કવરેજ મળતું નહોતું. કોઈ અમારું કશું છાપતું કે દેખાડતું નહોતું. અને પછી અસાધારણ ઘટના ઘટી. એક ક્રિકેટ મેચ … આઈ.પી.એલ.ની મેચ, જે મુંબઈમાં રમાવાની હતી તે ખેડૂતોના વિરોધને કારણે કૅન્સલ થઈ. એ સાંજે મારા ફોન પર રિંગો અટકવાનું નામ નહોતી લેતી. ફોન કરી કરીને સૌ મને પૂછી રહ્યા હતા કે દુષ્કાળ અંગે આપનું મંતવ્ય શું છે? અને ત્યારે દુષ્કાળનો દસમો મહિનો ચાલતો હતો! અમે યાત્રા પર યાત્રાઓ કાઢેલી, એક એકને સમસ્યાની જાણ કરેલી, પરંતુ જ્યાં સુધી દુષ્કાળને કારણે ભારતની દૈવી રમત, ક્રિકેટ અને આઈ.પી.એલ.ને આંચ ન આવી ત્યાં સુધી આ સમસ્યાનું જાણે કે અસ્તિત્વ જ નહોતું!
આ છેલ્લા વર્ષે જ એવું બન્યું કે પ્રવાહ બદલાયો અને ભારતીય ખેડૂતોની અવદશાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો. બીજું પણ એક ખૂબ મોટું પરિવર્તન આવ્યું. ૧૯૮૦ના દાયકાના ખેડૂતોનાં આંદોલનો શહેર-વિરોધી જ રહ્યાં હતાં. ખેડૂતો જ્યારે દિલ્હી કૂચ કરીને આવતા ત્યારે તેમને કારણે ક્યાં કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે, એની તેઓ પરવા કરતા નહોતા. માહોલ ભારત વિરુદ્ધ ઇન્ડિયાનો બની જતો. પરંતુ તમે જો તાજેતરની ખેડૂતોની મુંબઈમાં નીકળેલી યાત્રા જોઈ હોય તો ખ્યાલ આવ્યો હશે કે ખેડૂત આંદોલનમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. એ યાત્રામાં મોટા ભાગના આદિવાસી ખેડૂતો હતા, તેમણે નક્કી કરેલું કે આપણે કોઈ પણ રીતે મુંબઈ શહેરના લોકોની રોજિંદી જિંદગીને ખલેલ પહોંચાડવી નથી કે તેમની પ્રવૃત્તિમાં વિક્ષેપ પાડવો નથી. શહેરીજનોને પણ આપણા મિત્રો બનાવવા છે. અને એ રીતે મીડિયાનું વલણ પણ બદલાતું ગયું. ૩૦ નવેમ્બર, ૨૦૧૮ની ખેડૂતોની કૂચ દરમિયાન અમારા દ્વારા એક પત્રિકા વહેંચવામાં આવી, જેમાં લખેલું હતું, ‘અમારે કારણે આપને જે અસુવિધા થઈ છે, એ બદલ અમને માફ કરશો, કારણ કે એવું કરવાનો અમારો ઇરાદો નહોતો.’ એફ.એમ. રેડિયો દ્વારા આ વાતને પકડી લેવામાં આવી અને પ્રસારિત કરવામાં આવી. આમ, ખેડૂતોનાં આંદોલનોએ નવી તકનીકો શીખી છે. જો કે અખબાર-ટીવી ચેનલોનું ધ્યાન ખેંચવા અને પ્રસિદ્ધિ-પ્રસારણ માટે હજુ ઘણો લાંબો પથ કાપવાનો છે. હું માધ્યમ વિશે આટલી વિગતે વાત એટલે કરું છું કે સરકાર અને નીતિનિર્માતાઓ માત્ર તો જ સાંભળે છે, જો માધ્યમોમાં તેના વિશે કશું આવે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભા.જ.પ.ને મળેલી હાર પાછળ ખેડૂતોના રોષને જવાબદાર ગણવામાં આવે છે. આ મામલે હું કહીશ કે શરૂઆતમાં તો એવી જ વાતો થયેલી કે ખેડૂતોના ગુસ્સાને કારણે ભા.જ.પ.ને હાર મળી, પરંતુ સ્થિતિ ઘણી જુદી છે. આ ત્રણેય રાજ્યોમાં અનેક સામ્યતાઓ છે, પરંતુ આ રાજ્યોમાં ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો સૌથી વધારે સમસ્યાગ્રસ્ત છે, ત્યાર પછી મધ્યપ્રદેશના અને સાવ છેલ્લે છત્તીસગઢના. સત્તાવિરોધી લહેરની (એન્ટિ ઇન્કમ્બન્સીની) વાત કરીએ તો પણ સૌથી વધારે સત્તાવિરોધી આક્રોશ રાજસ્થાનમાં હતો, પછી મધ્યપ્રદેશમાં અને ત્યાર પછી છત્તીસગઢમાં.
બીજું એક પરિબળ વિકલ્પની ઉપલબ્ધતા અને યથાર્થતાનું હતું. છત્તીસગઢમાં રમણસિંહ સરકારની પ્રતિષ્ઠા સારી હતી કે તેમણે જાહેર વિતરણવ્યવસ્થાને અન્ય રાજ્યોની સરખામણીમાં સુધારી હતી. ખેતપેદાશોના ભાવ પણ સારા અપાતા હતા. એ ઉપરાંત ચોખાના સારા ભાવ આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.
આ જ સમયગાળામાં કૉંગ્રેસે પોતાની પ્રકૃતિથી અલગ જમીની સ્તરની કામગીરી શરૂ કરી હતી અને વિરોધ પ્રદર્શનો, દેખાવો વગેરે યોજ્યાં હતાં. આ ઉપરાંત કૉંગ્રેસે ખાતરી આપી હતી કે અમારી સરકાર આવશે તો ચોખા રૂ. ૨,૫૦૦ના ભાવે ખરીદી કરશે. લોકોને તેમના વચનમાં વિશ્વાસ બેઠો. ખેડૂતોએ ચોખાની ખેતી કરી અને તેમને ખરેખર ઊંચા ભાવ પણ મળ્યા. છત્તીસગઢમાં આ ખૂબ મહત્ત્વપૂર્ણ વાત બની. રાજસ્થાનની વાત કરીએ તો ખેડૂતોના રોષના પ્રમાણમાં ભા.જ.પ.નો સફાયો ન થયો, તેનું કારણ એ હતું કે કૉંગ્રેસના નેતાઓએ કોઈ વચનો આપ્યાં નહોતાં. વળી, ત્યાં ભા.જ.પ.ને હરાવવાને બદલે એકબીજાને હરાવવા વધારે મથ્યા હતા.
તેલંગાણામાં પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળતો હતો, પરંતુ ત્યાંની સરકારે રાયુથુ બંધુ જેવી યોજનાઓ થકી ખેડૂતોની સમસ્યા ઉકેલવા પ્રયાસો કરેલા. રમણસિંહની પણ પ્રારંભિક છબી એવી હતી કે તેઓ ખેડૂતોની વાત સાંભળે છે અને તેમના ભલા માટે સક્રીય છે, એ જ રીતે શિવરાજસિંહ ચૌહાણ પણ ખેડૂતમિત્ર ગણાતા હતા, જ્યારે વસુંધરા રાજે ક્યારે ય ખેડૂત તરફી ગણાયાં નથી. ટૂંકમાં હું માનું છું કે વિરોધ પક્ષ કેટલો સારો – સક્ષમ છે અને તે કેવો વિશ્વસનીય વિકલ્પ આપે છે, એ પરિબળો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, બાકી લોક આક્રોશને મતમાં ફેરવી શકાતો નથી.
આ ચૂંટણીમાં ખેતીક્ષેત્રમાં વ્યાપ્ત આક્રોશ કેવી ભૂમિકા ભજવશે એની વાત કરવી હોય તો હું કહીશ કે ખેતીક્ષેત્રના આક્રોશ કરતાં ગ્રામીણ વિસ્તારનો આક્રોશ કહેવું વધારે યોગ્ય ગણાશે. મારા મતે ગ્રામીણ આક્રોશ આ ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ જરૂર બની શકે, પરંતુ એકમાત્ર પરિબળ નહીં, કારણ કે લોકસભા માટે આપણા દેશમાં ચૂંટણીનાં પરિમાણો અને પરિણામો એકસરખાં રહ્યાં નથી.’ ૮૦ના દાયકામાં લોકો વડા પ્રધાનને પણ એ રીતે ચૂંટતા હતા જે રીતે મુખ્યમંત્રીને ચૂંટતા હતા.’ ૯૦ના દાયકામાં તેઓ મુખ્યમંત્રીને ચૂંટતા હોય એ રીતે વડા પ્રધાનને ચૂંટવાનું શરૂ કર્યું. નવી સદીના પહેલા દાયકામાં પણ આવું જ ચાલ્યું. ૨૦૧૪માં જુદું થયું. લોકોએ દેશના વડા પ્રધાનને જ ચૂંટ્યા. આપણે વાજબી રીતે ધારી શકીએ કે આપણે હવે ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ના મોડલ તરફ પાછા ફરી રહ્યા છીએ. આ મોડલમાં રાજ્ય સ્તરે મુખ્ય પસંદગી કરવામાં આવે છે, અને જ્યારે આવું બને છે ત્યારે ખંડિત જનાદેશ મળતો હોય છે.
ગ્રામીણ વિસ્તારોની સમસ્યા જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી રીતે પરિણામ આપી શકે છે. દાખલા તરીકે તામિલનાડુમાં ગ્રામીણ આક્રોશ જેવો કોઈ મુદ્દો નથી. હાલની સરકારને આ વાત રમૂજી લાગે છે અને લોકો સૌથી પહેલા તેમને જ જવાબ આપશે. કેરળની વાત કરીએ તો અહીંનો માહોલ જોતાં ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય મુદ્દો અહીં ભૂમિકા ભજવશે, એવું લાગે છે.
મારા મતે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આ ચૂંટણીમાં જે ‘હેપનિંગ પ્લેસ’ છે તે હિંદી બેલ્ટ છે. આનું કારણ એ છે કે ભા.જ.પ.ને ૨૦૧૪માં મળેલા વિજયમાં આ પ્રદેશની ચાવીરૂપ ભૂમિકા હતી અને ભા.જ.પે. લગભગ તમામ બેઠકો જીતી હતી. બિહારથી લઈને રાજસ્થાન, હિમાચલ અને હરિયાણા સહિત કુલ ૨૨૬ બેઠકો છે, જેમાંથી ભા.જ.પ. ૧૯૨ બેઠક જીત્યો હતો. સાથીદારો સાથે તેની બેઠકનો આંક ૨૦૩ સુધી પહોંચ્યો હતો. આ તમામ રાજ્યોમાં ગ્રામીણ અસંતોષ વ્યાપેલો છે. આ એકમાત્ર મુદ્દો નથી છતાં મારા મતે એકંદરે ગ્રામીણ અસંતોષ, જેમાં ખેડૂતોના આક્રોશની સાથે સાથે બેરોજગારીનો મુદ્દો પણ ભળેલો છે, એ ભા.જ.પ.ને નુકસાન કરી શકે છે. જો કે આમાં પણ રાજ્યવાર સ્થિતિમાં થોડો ઘણો ફરક હોઈ શકે છે, જેમ કે, ઉત્તર પ્રદેશમાં સ.પા.-બ.સ.પા. ગઠબંધનને કારણે આક્રોશ પરિણામદાયી નીવડી શકે છે. આમ, મારા મતે આ મુદ્દે સમગ્ર હિંદી બેલ્ટમાં ભા.જ.પ.ને નુકસાન વેઠવું પડી શકે છે.
હિંદી બેલ્ટ સિવાયનાં રાજ્યોમાં ભા.જ.પ.ને જે ફાયદો કે નુકસાન થશે તે પરસ્પરની અસર નાબૂદ કરી દેશે. ભા.જ.પ.ને ઓડિશા અને બંગાળમાં ફાયદો થશે, જે તેને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થનારા નુકસાનની ભરપાઈ કરી દેશે. આમ, નિર્ણાયક મુકાબલો તો હિંદી બેલ્ટની ૨૨૬ બેઠકોમાં જ થશે અને અહીં અર્થશાસ્ત્રના મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવશે.
[તા. ૨૧-૩-૨૦૧૯ના ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં યોગેન્દ્ર યાદવની પત્રકાર રવીશ તિવારી અને હરીશ દામોદરન સાથેની મુલાકાત, લેખસ્વરૂપે ભાવાનુવાદ : દિવ્યેશ વ્યાસ]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 06 – 08