સ્ત્રી કોણ છે તેનો કોઈએ વિચાર કર્યો છે ? સાક્ષાત્ દેવી છે, એટલે કે, ત્યાગમૂર્તિ છે. સ્ત્રીઓમાં એવી અદ્દભુત શક્તિ છે કે, જો તેઓ કામ કરવા ધારે અને તેને ખંતપૂર્વક કરે છે તો એક પહાડને પણ હલાવી શકવાની તાકાત ધરાવે છે એટલી શક્તિ ભરી છે.
સ્ત્રીઓ પુરુષોની ગુલામ કે દાસી નથી પણ અર્ધાંગિની છે, સહધર્મિણી છે. એટલે પુરુષોએ સ્ત્રીઓને પોતાની મિત્ર સમજવી જોઈએ. એને અબળા કહીને આપણે દેવીઓનું અપમાન કરીએ છીએ. આપણે ત્યાં ઘેર ઘેર લક્ષ્મીપૂજન કરવામાં આવે છે, દેવીઓના તહેવારો મનાવવામાં આવે છે. બંગાળમાં તો ખાસ ‘પૂજાદિન’ કહેવાય છે. પણ એ દેવીઓની પૂજા સાચા અર્થમાં કરતાં નથી, તેથી સુખી થતાં નથી. તમારાં ઘરોમાં જે સ્ત્રીઓ છે તેને દેવીના રૂપમાં જોવી જોઈએ. દેવીમાં શક્તિ ભરેલી છે તેનો સદુપયોગ કરીએ. આપણા પૂર્વજોએ દેવીઓની સેવા, પૂજા કરાવવાનો જે રિવાજ ધાર્મિક વિધિ સહિત આપણા રોજિંદા જીવનમાં દાખલ કર્યો, તેમાં મૂળ રહસ્ય આ જ ભર્યું છે કે, સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન આપો. સ્ત્રીઓનો આત્મત્યાગ જુઓ !
પોતાના એક બચ્ચાને મોટું કરવા માટે એક સ્ત્રી કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ! નૈતિક હિંમતમાં તો પુરુષો કરતાં સ્ત્રીઓ અનેક રીતે ચઢી જાય છે. સ્ત્રીઓ અહિંસા, ધૈર્ય, સહનશીલતા અને ધર્મની સાક્ષાત્ મૂર્તિ છે.
પણ આજે ? આજે તો એવી દેવીઓની કતલ કરીએ છીએ ! એવી દેવીઓની આબરૂ લઈએ છીએ ! આ બધું કયાં ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, એ તો મને કોઈ બતાવો ! પણ યાદ રાખજો કે, જે ઘરમાં, જે સમાજમાં અને જે દેશમાં સ્ત્રીઓનું સન્માન નથી કરાતું, તે ઘર, તે સમાજ અને તે દેશ બરબાદ થઈ જશે, એ નિ:શંક વાત છે.
[29-06-1947]
સૌજન્ય : મનુબહેન ગાંધીની ડાયરી (પુનર્મુદ્રણ – જૂન 2013) : ‘બિહાર પછી દિલ્હી’; પૃ. 229
![]()



છતાં એટલું તો કહું કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું. બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હું વધારે જાણું તો બેમાં કોને પહેલાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું. ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછું છે એમ કહીએ તો ચાલે. એમનાં જે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાં ય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હું હિંસક હતો; હિંસા પર મને શ્રદ્ધા હતી, અને અહિંસા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરેકની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છું.
જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂરી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂરીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.