યુગો પૂર્વે લુપ્ત થયેલી પ્રજાતિઓના યજમાન રહેલાં
એક ખડક, એક નદી, એક વૃક્ષ,
આપણાં ગ્રહની ભોંય પર રોકાણ દરમ્યાન
સુકાયેલાં ચિહ્નો મૂકી ગયેલા
મૅસ્ટૅડૉન, ડાયનાસોરના સાક્ષી
જેમના ઝડપી અંત અંગેની કોઈ પણ બૂમાબૂમ
ધૂળ અને યુગોની તમસમાં ગરકાવ થઈ જાય છે.
પરંતુ આજે, ખડક પોકારે છે આપણને, મોટા મક્કમ સાદે,
આવો, મારી પીઠ પર ઊભા રહીને
તમારી ભાવિ તકદીરનો સામનો કરવાની છૂટ,
પરંતુ મારા પડછાયામાં વિસામો શોધશો મા.
સંતાવવાની જગા નહીં આપું તમને અહીં.
ફરિશ્તા કરતાં સહેજ જ નીચા સર્જાયેલા તમે
ઘણાં લાંબા સમયથી બરછટ અંધકારમાં
કોકડું વળી બેઠા છો
ઘણાં લાંબા સમયથી અજ્ઞાનતામાં
નીચા મોઢે સૂતેલાં છો.
કતલ માટે સક્ષમ શબ્દો
તમારા મોઢેથી ઊભરાતા રહે છે.
ખડક પોકારે છે આપણને આજે, મારી ઉપર ઊભા રહી શકો છો
પરંતુ મુખ તમારું છુપાવશો નહીં.
વિશ્વની દીવાલ ફરતે એક નદી
ગાય છે સુંદર ગીત. એ કહે છે,
આવો, મારે પડખે પોરો ખાવ.
તમે પ્રત્યેક, સીમાબદ્ધ દેશ છો,
નાજુક અને વિલક્ષણ ઢબે ગર્વિષ્ટ બનાવાયેલા,
તેમ છતાં ઘેરાવા સામે સતત આક્રમક.
નફા માટેના તમારા સશસ્ત્ર સંઘર્ષોએ
મારા કિનારા પર કચરાના પટ્ટા,
મારી છાતી પર કાટમાળનો પ્રવાહ ખડક્યો છે.
આમ છતાં બોલાવું છું તમને આજે મારે કિનારે,
જો યુદ્ધનો અભ્યાસ ત્યજી દેવાના હોવ તો આવો,
શાંતિના વાઘામાં, અને હું ગાઈશ
સર્જનહારે મને આપેલાં ગીતો
જ્યારે હું અને વૃક્ષ અને ખડક એક હતાં.
માનવદ્વેષ તમારા ભવાં આડે લોહિયાળ ડામ હતો તે પૂર્વે
અને જ્યારે તમે બરાબર જાણતાં હતાં કે
તમે કંઈ જ જાણતા નથી.
નદી ગાતી હતી અને હજુ ય ગાય છે.
ગાતી નદી અને જ્ઞાની ખડકને
પ્રતિભાવ આપવાની ખરી તાલાવેલી છે.
એશિયાઈ, લૅટિન અમૅરિકન, યહૂદી,
આફ્રિકન, અમૅરિકન આદિવાસી, સૂ,
કૅથલિક, મુસ્લિમ, ફ્રૅન્ચ, ગ્રીક,
આઈરીશ, રાબાઈ, પાદરી, શેખ,
સમલૈંગિક, વિષમલિંગી, ઉપદેશક,
વિશેષાધિકૃત, ઘરવિહોણાં, શિક્ષક,
આ તમામ એવું કહે છે.
સાંભળે છે, આ બધાં સાંભળે છે
વૃક્ષની વાણી.
દરેક વૃક્ષનું પ્રથમ અને અંતિમ કથન આ સૌ સાંભળે છે
માનવજાત સાથે વાત કરો આજે. આવો મારી પાસે, અહીં નદીને પડખે.
નદીની કોરે મૂળિયાં નાખો.
પસાર થઈ ચુકેલા કોઈ ને કોઈ મુસાફરના તમે વંશજ છો,
તમ પ્રત્યેકને ચુકવણું થઈ ગયેલું છે.
તમે મને મારું પ્રથમ નામ આપ્યું,
તમે — પૉની, અપાચી, સૅનૅકા, ચૅરકી રાષ્ટ્ર,
મારી સાથે વિશ્રામ કર્યા બાદ
લોહિયાળ પગે
નફા માટે મરણિયા થયાં, સોના માટે વલખા માર્યા ને
મને અન્ય શોધનારાઓની ચાકરી સોંપી.
તમે — ટર્ક, આરબ, સ્વીડ, જર્મન, ઍસ્કિમો, સ્કૉટ,
તમે — અશાન્ટી, યૉરબા, ક્રૂ,
ખરીદાયેલા, વેચાયેલા, દુ:સ્વપ્ન જેવું તમારું આગમન,
સ્વપ્ન માટે પ્રાર્થના કરતા તમે,
અહીં, મારી પડખે નાખો મૂળિયાં.
નદી કિનારે વાવેલું
એ અચલ વૃક્ષ હું છું.
હું —ખડક, હું — નદી, હું — વૃક્ષ,
અમે તમારા છીએ — તમારા સ્થળાંતરનું ચુકવણું થઈ ગયેલું છે.
તમારા ચહેરા ઊંચા કરો, તમારે માટે ઊગેલા
આ ઊજળા પ્રભાતની તમને તીવ્ર જરૂર છે.
ઇતિહાસને, તેની અસહ્ય વેદના છતાં, રદબાતલ કરી શકાતો નથી,
પરંતુ જો હિમ્મતથી સામનો કરવામાં આવે,
તો ફરી જીવવો પણ પડતો નથી.
તમારે માટે ઊગતું પ્રભાત નિહાળવા
તમારી આંખો ઊંચી કરો.
સ્વપ્નને પુન:જન્મ આપો.
સ્ત્રીઓ, બાળકો, પુરુષો,
લો એને તમારી હથેળીમાં
અને તમારી સૌથી અંગત જરૂરિયાતના આકારમાં
તેને ઢાળો.
તમારી સૌથી જાહેર ઓળખ મુજબ
એને ઘડો.
તમારા હૃદયો ઊંચા કરો
પ્રત્યેક નવા કલાકમાં નવી શરૂઆત માટે
નવી તક સમાયેલી છે.
ન થાવ ભયને વશ હંમેશાં
ન જોતરાયેલા રહો હેવાનિયતને સદા.
આગળ નમીને ક્ષિતિજ
પરિવર્તનના નવા ડગ માંડવા જગા કરે છે તમારે માટે.
અહીં, આ સુંદર દિવસના ધબકાર થકી
ખડક, નદી, વૃક્ષ — અમારી પર, તમારા દેશ પર
ઊંચુ જોઈને લાંબી-પહોળી નજર કરવાની
હિમ્મત તમને હોય કદાચ.
ફકીર જેટલી જ માઈડસને.
ત્યારે મૅસ્ટૅડૉન જેટલી જ તમને અત્યારે.
અહીં, નવા દિવસના ધબકાર થકી
તમારી બહેનની આંખોમાં અને તમારા
ભાઈના ચહેરા પર, તમારા દેશ પર
લાંબી-પહોળી નજર કરવાનો તમે અનુગ્રહ દાખવી શકો
અને સહજ રીતે કહી શકો
સાવ સહજ રીતે
આશા સહિત —
સુપ્રભાત.
e.mail: rupaleeburke@yahoo.co.in
મૂળ અંગ્રેજી કવિતા :
https://poets.org/poem/pulse-morning