૮૦થી વધુ ઉંમરે હું ઘણી વાર ભૂતકાળની છાયાઓમાં ડોકિયું કરું છું. ક્યારેક પ્રકાશમાં પાછી ફરવાની હિંમત પણ કરું છું. મારી જિંદગી આગળ વધી છે અને પુનરાવર્તન કરી રહી છું. હું મારી જાતનું જ પુનરાવર્તન કરી રહી છું. જે બન્યું, જે છે અને જે બની શક્યું હોત, તે આપ સૌના માટે વાગોળી રહી છું. વૃક્ષ, વન અને પાકથી લહેરાતાં હરિયાળાં ખેતરો, સૂર્યપ્રકાશમાં ચમકી રહેલું ઝરણું વગેરે જુઓ. ટપકાં/ચાંદલાવાળું હરણ કૂદી રહ્યું છે અને જંગલમાં ભાગી રહ્યું છે. માતાઓ બાળકોને તેડીને ઝરણાંમાંથી પાણીનાં મટકાં ભરી રહી છે, તે જુઓ. તેઓ તેમનાં ઘરો છોડીને આવી છે. તે પણ જુઓ. સૂર્ય પૃથ્વીનું દર્શન કરવા નીચે ઢળી રહ્યો છે. કિસાનો તેમનાં ખેતરો ખેડી રહ્યા છે. વનનો કેવો રળિયામણો વિસ્તાર છે! ટેકરીઓ કેવી લીલીછમ્મ છે!
સ્વપ્ન કઈ રીતે જોવું તે તમે ન જાણો, ન સમજો ત્યાં સુધી કશું ય બનતું નથી. તંત્ર રિમોટની મદદથી વિનાશ કરવા બેઠું છે. તેમ છતાં મગજના તમામ કોશો શમણાં સેવે છે. પરંતુ કેટલાંક સપનાં હાથ તાળી દઈ જાય છે, છટકી જાય છે. જેલમાંથી ભાગી ગયેલાં શમણાંઓની પાછળ હું પડી છું. સ્વપ્ન સેવવાનો અધિકાર જ માનવને ટકાવી રાખે છે. સમગ્ર વિશ્વ અને દરેક વ્યક્તિ માની રહી છે એવા આ અધિકારનો અંત આણો તો તમે વિશ્વનો અંત જ આણો છો. વિનાશ જ નોતરો છો. સ્વપ્ન સેવવાનો અધિકાર પ્રથમ મૂળભૂત – પાયાનો અધિકાર હોવો જોઈએ. સ્વપ્ન જોવાનો અધિકાર!
* * *
૧૯૮૦થી આપણા સૌથી વધુ સીમાંત અને શોષિત વર્ગ-આદિવાસીઓ, ભૂમિહીન ગ્રામીણો, જેઓ ભટકતા મજૂરો બની ગયા છે અથવા તો શહેરની ફૂટપાથો પર પડી રહ્યા છે, તેમના રોજિંદા અન્યાય અને શોષણને વ્યક્ત કરી રહી છું. વર્તમાનપત્રોના અહેવાલોમાં, પિટિશનોમાં, કોર્ટના દાવાઓમાં, સત્તાત્રોના પત્રોમાં, કર્મશીલોના મંડળોની પ્રવૃત્તિઓ અને સમર્થના કરવામાં સહભાગી થઈને, પાયાની પત્રિકા ‘બોરટિકા’ કે જેમાં વંચિતો તેમની સચ્ચાઈ રજૂ કરે છે એના સંપાદન દ્વારા અને મારી સાહિત્ય કૃતિઓમાં ભારતના ઉપેક્ષિત વર્ગની નક્કર વાસ્તવિકતા દેશના ધ્યાન પર લાવવા કોશિશ કરું છું. રાષ્ટ્રની સત્તાવાર તવારીખમાં તેમના વિસ્મૃત અને અદૃશ્ય ઇતિહાસનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહી છું. મેં વારંવાર કહ્યું છે કે આપણી આઝાદી, આપણી સ્વતંત્રતા ભ્રામક છે. તેમાં વંચિતો માટે કોઈ સ્વતંત્ર નથી. તેઓ મોટા ભાગના મૂળભૂત અધિકારોથી વંચિત છે.
આવા સંજોગોમાં કોઈ પોતાની સંસ્કૃિત કઈ રીતે બચાવી શકે? આપણે કઈ સંસ્કૃિતને બચાવીએ છીએ? અને એકવીસમી સદીમાં આપણે ભારતીય સંસ્કૃિતની વાત કરીએ છીએ ત્યારે આપણો મતલબ શું છે? કઈ સંસ્કૃિત? ક્યું ભારત? મહામુશ્કેલીથી મેળવેલી આઝાદીનાં પચાસ વર્ષ પછી પણ ખાદીની સાડી અને મિનિસ્કર્ટ અને બેકલેસ ચોળી એ જ ભારત છે. ભારત એટલે બળદગાડું અને અતિ આધુનિક ટોયેટો અને મર્સીડિઝ ગાડી. નિરક્ષરતા આપણો પીછો કરે છે ત્યારે એ જ ભારત ઔષધ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રે કેવાં સ્ત્રીપુરુષો પેદા કરે છે! આઠ વર્ષનાં બાળકો અકલ્પનીય પરિસ્થિતિમાં અથાક મહેનત કરે છે અને બાળમજૂરો તરીકે ગાળો ખાય છે, એ ભારત છે. બીજી બાજુ, આઠ વર્ષની ઉંમરનાં બાળકો જે વાતાનુકૂલિત વર્ગખંડોમાં તેમનો સમય પસાર કરે છે અને વિશ્રાંતિના સમયમાં મોબાઈલ ફોનથી વાતો કરે છે, એ પણ ભારત છે. સત્યમ્, શિવમ્, સુંદરમ્, ચોલી કે પીછે કયા હૈ એ પણ ભારત છે. મલ્ટિપ્લેક્સ અને મેગામોલ પણ ભારત છે. મદારીઓ અને મહર્ષિઓ પણ ભારત છે.
* * *
અને આ સંસ્કૃિત ભલા કોની છે? તમારી? મારી? તેમની? મારી જન્મભૂમિમાં રોજિંદી ઘટમાળમાં ટકી રહેવા માટે કઠોર જમીન સિવાય કંઈ ન હોય એવો એક વર્ગ છે, એવા અસંખ્ય લોકો છે, તેમની ? આપણે જેના માટે લડ્યા છીએ તે વંચિતો આઝાદીના છ દાયકાથી આપણી સાથે રહ્યા છે. તેઓ બધા ઝૂઝ્યા છે. શોષિતોની સંસ્કૃિત વિશે અન્યત્ર મેં લખ્યું છે એવો દાવો મેં કર્યો છે. આ દાવો કેટલો સાચો છે એ કહેવામાં હું સંકોચ અનુભવું છું. હું ક્ષમા ચાહું છું. આપણી સંસ્કૃિત જેટલી જૂની અને પ્રાચીન સંસ્કૃિત સમયના પ્રવાહમાં જળવાઈ રહી હોય તો તેના પાયમાં સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત, હાર્દરૂપ ખ્યાલ – માનવતા છે. એકબીજાના હક્કો/અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો એમાં માનવતા સમાયેલી છે.
મારા જીવન અને સાહિત્યમાં માનવ હોવું એટલે એકબીજાના હક્કો/અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો. આ મારી લડાઈ છે. આ મારું સ્વપ્ન છે.
કર્મશીલ લેખિકા મહાશ્વેતા દેવીની ચિરવિદાય (28-07-2016) નિમિત્તે …
ફ્રેન્કફર્ટ પુસ્તક મેળો – 2006માં તેમણે આપેલા વક્તવ્યના અંશો [સંપાદિત], એન.પી. થાનકી અને ‘રીડગુજરાતી.કોમ’માંથી સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 01