દિવાળીમાં ઘર આંગણે દીવડાં એટલે પ્રગટાવીએ છીએ કે અંધારાં દૂર થાય. દીવડાંનાં અજવાળે આશા, ઉમંગ અને ખુશીનો માહોલ ઊભો થાય.
પરંતુ અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ખુદ ચાર લાખ દીવડાં દીવાળીની રાત્રે પ્રગટાવ્યા. દરેક કોડિયે તેલ-દીવેટના હિસાબે તેનો કુલ ખર્ચો આવ્યો, એક કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા ! એટલે કે એક દીવડાનો ખર્ચ 33.25 રૂપિયા !
વાર તહેવારે ઈલેક્ટ્રીક રોશનીઓ કરવામાં આપણા દેશની તમામ સરકારો કોન્ટ્રાકટરોને ઘી કેળાં કરાવતી જ રહે છે, પણ આટલાં બધાં તેલ અને રૂનો બગાડ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનાં મગજમાં ઉતરે એવો છે ખરો ?
અયોધ્યાની આ દિવાળીની ઝગમગતી રાત પૂરી થઈ. છાપાંઓમાં તેનાં ફોટા છપાયા, ટી.વી. ચેનલો પર તેના વીડિયોએ અજવાળું – અજવાળું કરી નાખ્યું પણ આ દીવા બુઝાતા હતા તેની સાથે સાથે જ તે રાતનાં જે દૃશ્યો સોશ્યલ મીડિયા પર દેખાયાં કર્યાં, તે સૌ કોઈ સંવેદનશીલ દર્શકના મનને ઉચાટમાં મૂકનારા બની ગયાં!
આ દૃશ્યોમાં એક વેધક દૃશ્ય એવું દેખાયું જેમાં એક બાળકી આ બુઝાયેલા કોડિયાંઓમાં વધેલું તેલ એક પછી એક કોડિયા હાથમાં લઈ બોટલમાં ભરી રહી છે.
દૃશ્ય જોઈ દિવાળીની ઉજવણીમાં અજવાળાં માટે પ્રગટેલા દીવડાંનું વધેલું તેલ કેટકેટલાં ભૂખ્યા પેટમાં ખોરાકના ભાગ તરીકે ઉપયોગમાં લેવાશે એવો વિચાર તો આપણને સૌને આવે જ. અસ્વચ્છ કોડિયાંઓમાં વધેલું – બળેલું, ખુલ્લામાં પડી રહેલું અને એ ય મોટે ભાગે ભેળસેળયુક્ત આવું દુષિત તેલ પેટની કેટલી ભૂખ ભાંગશે કે આરોગ્ય સાથે ચેડાં કરશે એવો પૂરક વિચાર પણ સૌને આવે તે ય સ્વાભાવિક છે.
સરકાર પોતે જ ખાદ્યતેલના બગાડમાં સામેલ થાય ત્યારે કોણ કોને ફરિયાદ કરે ? – એ ય સવાલ નોંધવો ઘટે.
આ ખાદ્યતેલનો બગાડ તો અક્ષમ્ય કહેવાય જ પણ તેના કરતાં ય વધુ તો આપણા ગુજરાતમાં રાજધાની ગાંધીનગરથી નજીક જ આવેલા રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રી બાદની રાત્રે લાખો કિલો ઘી-કાદવની નદીઓ ગામની ગલીઓમાં વહેતી જોવા મળે છે.
રૂપાલની પલ્લી દર વર્ષે નીકળે છે. જેમાં ગામના લોકો વિવિધ જાતિ-જ્ઞાતિના ધોરણે પરંપરાગત રીતે નક્કી કરાયેલાં કામો સાથે પલ્લી તૈયાર કરે છે. અને આખા ગામમાં ફરતી માતાજીની આ પલ્લી ગામના દરેક ચાર રસ્તે ઊભી રહે છે જ્યાં લોકો પોતાની માનતા ને શક્તિ મુજબ ઘી તેનાં પર રેડે છે. કોડિયામાં સમાય એટલું ઘી નહીં, પણ આ વર્ષે જ છાપાંઓમાં છપાયેલા અહેવાલો મુજબ 20 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ચઢાવાયું. મોટા મોટા ટાંકાઓમાં આ ઘી લવાય છે અને કહેવાય છે કે આ ભેળસેળમુક્ત ચોખ્ખું ઘી હોય છે.
આ વર્ષે તો ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન ખાતા દ્વારા ચોખ્ખા ઘીની તપાસ માટે ત્યાં વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અને ઘી ના નમૂના ચકાસી જે ભેળસેળ વાળું ઘી હતું તેને પલ્લી ના અભિષેક માં થી નાપાસ જાહેર કરવામાં આવ્યું હતું !
રૂપાલની પલ્લી પર અભિષેક થઈ ઢોળાતું ઘી નીચે રસ્તામાં પડે. રસ્તાઓ પર ઘીની ધૂળ, ગંદવાડ સાથેની નદીઓ વહે તે સ્વાભાવિક છે. આ ઘીભર્યા રસ્તે ચાલવું મુશ્કેલ બની જાય એટલે આ અશુદ્ધ ઘીને ભેગું કરી સફાઈ કરવી એ કામ તો છેવટે ગામના સફાઈ કામદારો, વાલ્મીકિ સમાજના પરિવારોને માથે જ રહે છે.
જેવી માતાજીની પલ્લી રસ્તાઓ પરથી પસાર થાય કે તરત ગામના વાલ્મીકિ સમાજના પરિવારો પોતાના વાસણો, ડબ્બા, ડોલ, પીપ લઈ આ ધૂળ સાથે રગડો બની ગયેલા ઘીને ઉસરડીને ભેગું કરે છે. અને આ ઘીને પોતાના ઘરે લઈ જઈ ચૂલા પર ઉકાળે છે અને ગાળીને ફરીથી તેને ખાવા માટે ઉપયોગ કરે છે યા તો બજારમાં વેચી દઈ, પોતાની ઘીમય મજૂરીનાં નાણાં કમાય છે.
અતિ હાસ્યાસ્પદ વાત એ લાગે છે કે સરકારી ખાતું પલ્લીના અભિષેક માટેનું ઘી શુદ્ધ છે કે નહીં તેની તપાસ કરે છે પણ એ જ ઘી રસ્તે ઢોળાય છે, ગંદું થાય છે ને જે ઘી ખાવા યોગ્ય નથી, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ઘીના નિકાલ માટેનો કોઈ રસ્તો વિચારતું નથી !
આ વાતને આપણે કેવી રીતે જોઈશું ? સરકાર પણ શ્રદ્ધા – અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે અને તે શ્રદ્ધા – અંધશ્રદ્ધાના રસ્તે અખાદ્ય બની ગયેલા, લોકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી શકે તેવા ઘીના નિકાલ માટે ચૂપ રહેવાનું અને વર્ષોથી જે ચીલે ગામને લોકો ચાલ્યા કરે છે તેવા, વર્ણવ્યવસ્થાને મજબૂત કરતા વિધિ વિધાનોને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે.
હજારો કિલો ઘી ઢોળી નાખવાને લઈ લોકોમાં ક્યારે ય ક્યારે ય ઊહાપોહ અને કાનૂની લડતો થઈ છે પણ વર્ષોથી કોઈ પણ સરકાર આ ઢોળાઇ જતાં, વેડફાતા મોંઘાદાટ ઘીને લઈ કોઈ પગલાં લેતાં જોવા મળી નથી અને સંવેદનહીન બની ચૂપ રહી છે એ ય વાસ્તવિકતા છે.
રૂપાલ ગામના લોકો ઘીનો અભિષેક કરી ઘી ઢોળે છે એમ દીવાળીની આગલી રાત્રે એટલે કે કાળી ચૌદશે ઘરનો કકળાટ કાઢવાના નામે, ઘરમાંથી ભૂત-પલિત કાઢવાના નામે ચાર રસ્તે પાણીનાં કુંડાળા કરી અડદની દાળનાં વડાં અને અન્ય ખાદ્ય પદાર્થો નાંખે છે. આ કોઈ એકલ દોકલ ઘટના નથી પરંતુ ગુજરાતના મોટાભાગના શહેર, નગર, ગામોમાં આ પ્રકારની વિધિઓ થતી, રસ્તાઓમાં વડાં મૂકતાં જોવામાં આવે છે.
ભોજનની વાનગી,ખાવા માટે બનાવેલી વસ્તુઓ કોઈનાં પેટમાં ના જાય અને રસ્તા પર નાખી દેવાનું કામ કરવું એને તે આપણે કેવી ધાર્મિક વિધિ ગણીશું ?
દિવાળી પહેલાં આપણે ઘરની સાફસૂફી કરીએ, વાસણો ચમકાવીએ અને દીવાલો ધોળાવીએ, આંગણાં ચોખ્ખાં કરી રંગોળીઓ કરીએ અને ખાવાની વસ્તુને શેરીની, સોસાયટીની બહાર, ચાર રસ્તે નાખીને ગંદકી ફેલાવીએ,ઉકરડા ઊભા કરીએ; એ તે આપણા સ્વચ્છતાના કેવા ખ્યાલ ?
છેવટે સફાઈ કામદારોનું, શેરી-સોસાયટી વાળનારાઓનું જ કામ આપણે વધારીએ છીએ ને ?
વળી મહત્ત્વની વાત તો એ જ છે કે કહેનારા કહે કે 'ફ્ક્ત ચાર પાંચ વડાં ધાર્મિક વિધિમાં રસ્તે મૂકવામાં શું મોટા વાંધા પડે છે ?'
આમ જોવા જઈએ તો એ મોટી વાત નથી પરંતુ આખા ગુજરાતના શહેર, નગર, ગામોમાં, ઘણાં ઘરોમાંથી રસ્તે ફેંકાતા વડાંનો હિસાબ કરવા જઈએ તો કેટલા હજાર કિલો દાળનાં આ વડાં થાય ? કેટલા હજાર લીટર ખાદ્યતેલ એ વડાં તળવા માટે વપરાતું હશે ? આવા હિસાબનો આંકડો તો ચોંકાવી જ દે. અડદની દાળ તો પૌષ્ટિક છે. જેમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન તો મળે જ છે અને અડદની દાળની કિંમત આજની તારીખે કેટલી ? સાઈઠ – સિત્તેર રૂપિયાના ભાવે વેચાતી દાળમાંથી બનાવેલી હજારો કિલો ખાદ્ય વાનગી ધૂળમાં, ગંદવાડમાં ફેંકી દેવાની ?
પક્ષીઓને ચણ નાખવું કે ગાય-કૂતરાને ભોજન આપવું એ તો ખોરાક કોઈનાં જવાની વાત થઈ પરંતુ ખાદ્ય વાનગીને ધૂળ ભેગી કરવી એ તે કેવી વાત ?
આવાં ધાર્મિક વિધિ વિધાનોને દીમાગના દરવાજા બંધ કરીને અંધશ્રદ્ધાનાં બારી બારણાં ખૂલ્લાં કરીને કરવામાં આવતાં કામ જ ગણવા પડે !
કોઈ કહેશે કે તહેવારોની ખુશાલી-ઉજવણીની પરંપરા છે તેમાં અંધશ્રદ્ધાના નામે પંકચર ના પાડો ! અંધશ્રદ્ધાનાં નામે તહેવારોની વિધિઓ બંધ કરવાની નકારાત્મક વાતો નહીં કરવી જોઈએ .. આવા નકારાત્મક અભિગમને વિચારો ઉત્સવો-તહેવારોના આનંદ-ઉલ્લાસ, મઝાને ખતમ કરી નાંખે છે.
તહેવારોની ઉજવણી-આનંદ-ખુશીને ખતમ કરવા કે તેના પર પ્રતિબંધ મૂકવા માટેના મુદ્દા તરીકે આ વાત હું નથી કરતો.
તહેવારો – ઉત્સવો તો ઉજવાવા જ જોઈએ. એ પછી ધાર્મિક હોય, સામાજિક હોય કે પારિવારિક. ઉત્સવો-તહેવારોની પરંપરા તો સમાજના શ્વાસ-ઉચ્છવાસ જેવા હોય છે. આ તહેવારો જ માણસને સહિયારો આનંદ લૂંટવાનો, મુક્ત મને નાચવા, કૂદવા અને ગાવાનો-અભિવ્યક્તિનો ઉત્સાહજનક ઉમળકો પૂરો પાડે છે.
પણ આપણા જેવા ગરીબ દેશમાં જ્યાં દસ કરોડ જેટલા લોકોને બે ટંક પૂરતું ખાવાનું જ ના મળતું હોય ત્યાં આવો દાળ, ઘી, ખાદ્યતેલ, રૂ-કપાસનો વેડફાટ કેટલો યોગ્ય ને ન્યાયી કહેવાય ?
અત્યારે પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં કુપોષણનો સવાલ દેશ માટે ગંભીર પડકાર રૂપ છે. આપણે પાકિસ્તાન સાથે, આતંકવાદીઓ સામે રોજેરોજ યુદ્ધની વાતો છેડી, સીમા પર લાખો જવાનોને ખડેપગે રાખી, કરોડો-અબજો રૂપિયા ખર્ચી દેશને સલામત રાખવાની વાતો કરીએ છીએ, નેતાઓ આ અંગે રોજેરોજ શૂરાતન ભર્યા ભાષણો કરતાં રહે છે, પરંતુ દેશમાં ભીષણ કુપોષણથી પીડાતાં કરોડો બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે; તે કુપોષણ સામે યુદ્ધ છેડવાની વાત ઊંચા અવાજે, મોટાપાયે આપણી સરકારો નથી કરી રહી તે ચિંતા નો વિષય છે. અને તેવા સમયે આ ખાદ્યાન્ન ને ખાદ્યતેલ-ઘીનો વેડફાટ જાણે કે એક ભારે સામાજિક ગુનો બની રહે છે એવું સૌ કોઈ ને લાગવું જોઈએ.
ભૂખથી પીડાતા લોકોમાં આપણા દેશનો નંબર સૌથી આગળના દેશોમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો આપણાથી આ બાબતે પાછળ છે.
અને કુપોષિત બાળકો એટલે કે જેમનું વજન, ઊંચાઈ, શારીરિક બાંધો ઉમ્મરના પ્રમાણમાં નબળાં છે. જેને લઈ પોતાના બાળપણની મજા એટલે કે નાચવું, કૂદવું, હસવું, દોડવું, ભણવું, ગાવું એવી બધી પ્રવૃત્તિઓમાં ઉતરી શકે એમ છે અને પ્રતિકાર શક્તિ નબળી હોવાને લઇ જાતભાતના રોગોનો ઝડપથી શિકાર બની શકે એમ છે અને પાંચમી વર્ષગાંઠ ઉજવે એ પહેલાં જ મૃત્યુ પામવાની સંભાવના ધરાવે છે.
આવાં બાળકો માટે ગામેગામ ચાલતી આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર મળે, સગર્ભા સ્ત્રીઓને પોષક આહાર ને પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી રહે તેની તાતી જરૂર છે.
પણ આપણે તો એમાં ય ધાર્મિક લાગણીઓ દુભવવાની વાત કરી, વિવાદ કરી નફરતનું રાજકારણ ખેલવામાં શૂરા છીએ !
હમણાં મધ્યપ્રદેશમાં ફરીથી નિર્ણય લેવાયો કે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજનમાં ઈંડા અપાશે.
દુનિયાભરમાં એ સર્વસ્વીકૃત બાબત છે કે ઈંડાં એ પ્રોટીનથી ભરપૂર છે અને તે બાળકો માટે પોષક આહાર છે.
આપણા દેશમાં મોટાભાગના લોકોના ખોરાકમાં ઈંડાં ખવાતાં રહ્યાં છે.
મધ્યપ્રદેશમાં પાંચ વર્ષથી નીચેના કુપોષિત બાળકોનું પ્રમાણ 43% જેટલું ઊંચું છે. થોડાં વર્ષો પૂર્વે જ્યારે ત્યાં ભા.જ.પ.ની સરકાર હતી ત્યારે બાળકોને આંગણવાડી અને શાળાનાં મધ્યાહન ભોજનમાં ઈંડા આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ઈંડાં બિનશાકાહારી છે એવો ધાર્મિક વિવાદ ઊભો કરી તે નિર્ણય પર બંધી મૂકાયેલી.
હમણાં ત્યાં કોંગ્રેસની સરકાર આવતાં આ નિર્ણય ફરી લેવાયો છે. પરંતુ વિપક્ષમાં બેઠેલા બી.જે.પી.ના નેતાઓએ તેની સામે હોહા મચાવી છે. બી.જે.પી.ના એક અગ્રણી નેતા અને ભૂતપૂર્વ પ્રધાને તો હમણાં ચાર દિવસ પહેલાં એવું કહી નાખ્યું કે "આજે સરકાર બાળકોને ઈંડાં ખવડાવશે ,કાલે મરઘાં – માંસ ખવડાવશે! અને છેવટે તેને લઈ બાળકો માનવભક્ષી – માણસખાઉં બની જશે ..!"
દેશમાં જ્યારે સિત્તેર ટકાથી વધુ લોકો ઈંડાં, માંસ ,મચ્છી ખાતાં હોય ત્યાં ધાર્મિક લાગણીના નામે માણસખાઉં બની જવાની અંધશ્રદ્ધા ફેલાવનારા રાજકીય નેતાઓને આપણે શું કહીશું ?
દેશની આમજનતાને રોજીરોટી – રોજગારી પૂરી નહીં પાડવી એને સરકારનો મોટો ગુનો ગણવો જોઈએ. દરેક હાથને કામ આપણી સરકારો આપી શકતી નથી એટલે મોટા ભાગની જનતા ગરીબ રહે છે, કુપોષિત રહે છે.
આવી સરકારી નીતિને આપણે 'માણસખાઉં ' ગણીશું કે પછી ઈંડાં ખાનારા ને ?
આ બધાં વિશે વિગતે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 06 નવેમ્બર 2019