
ભરત કુમાર
જ્ઞાનવિજ્ઞાનના સામયિકની ઓળખ બની રહેલા ‘સફારી’એ એકમેવ અને અદ્વિતીય ઢબે ગુજરાતી ભાષામાં એક નવો ચીલો ચાતર્યો હતો. બુદ્ધિશાળી બાળકોનાં સામયિક તરીકેની શરૂઆત બાદ બુદ્ધિશાળી વાચકોનું સામયિક – સુધીની સફારીની સફર શાનદાર રહી. સફારીએ વિજ્ઞાનના લેખોને સહેલીસટ ભાષામાં કઈ રીતે સમજાવી શકાય તે ઉદાહરણ સહિત સમજાવ્યું. વિષય અઘરા કે કઠિન નથી હોતા, તે વિષયની રજૂઆત કરનાર પર નિર્ભર રહે છે, આ વાત ‘સફારી’ના વાચનથી સમજ્યો. વિજ્ઞાનના લેખો ઇતિહાસના અવનવા બનાવો, કનુ – મનુ અને ટીનુ ટેણીના જોક્સ, કોયડાઓ – બધુ સરસ પેકેજિંગમાં આપનાર ‘સફારી’ ગુજરાતના લાખો વાચકોનો પ્રેમ અને સ્વીકૃતિ મેળવવામાં જબ્બર સફળ થયું.
‘સફારી’ના શરૂઆતના અંક લેવામાં મેં મારી આખા મહિનાની પોકેટમની વાપરી કાઢેલી. કહું? તો પણ ‘સફારી’ની શરૂઆતની નજીવી કિંમત પણ મને પોષાતી નહીં, એટલે હું બે કે ત્રણ મહિના પછી થોડા ડિસ્કાઉન્ટ સાથે ‘સફારી’ના જૂના અંકો ખરીદતો અને વાંચતો. વિષયની રીતે ‘સફારી’ના અંક કદી વાસી ન લાગતાં. પ્રકાશિત થયાના બે કે ત્રણ મહિના પછી પણ ‘સફારી’ વંચાય છે એ મારે મન મોટી વાત હતી. તેની સાથે જિંદગી જિંદગી, શેરખાન, કપિના પરાક્રમો, હાથીના ટોળામાં અને વિશ્વયુદ્ધની સાહસ કથાઓ જેવા ‘સફારી’ પુસ્તકો પણ ઓછી કિંમતે ખરીદીને વસાવેલા. ‘સફારી’ની અંદર મને તેના નવીન વિષય તો ગમતા પણ સૌથી વધુ ગમતી તેની ભાષા. દિગંબર વ્યાસ, કેપ્ટન બી.એમ. પુરોહિત, બી.એમ. કૌશિક અને નગેન્દ્ર વિજય – આ બધા લેખકો મારા હીરો હતા. અલબત્ત, પછીથી ખબર પડી કે આ બધાને લેખકોમાં એક સામ્યતા એ હતી કે આ બધા નામો એ નગેન્દ્ર વિજયની અલગ અલગ ઓળખ હતી. નગેન્દ્ર વિજય વન મેન આર્મી બનીને ‘સફારી’ લખતા અને ચલાવતા હતા. અમારા મગજ વિકસિત થઈ રહ્યા હતા ત્યારે વિજ્ઞાનવિષયક સૂઝ અને ભાષાઘડતરમાં ‘સફારી’નો મોટો ફાળો હતો. તેના માટે આભાર નહીં પણ વંદન શબ્દ જ યોગ્ય લાગે.
પણ …
પણ ‘સફારી’ના આ બહુ મોટા સાંસ્કૃતિક યોગદાનની સાથે જ ગુજરાતમાં નાનાનાના નિર્દોષ બાળકો અને બાળબુદ્ધિ વાચકોને જમણેરી વિચારધારામાં પલોટવાનું પાપ પણ ‘સફારી’ના ખાતે જ નોંધાયું. વિજ્ઞાનના રસાળ લેખોની આડમાં પોતાને બુદ્ધિશાળી માનતા હજારો લોકોને નેહરુ અને ગાંધી પરત્વે રીતસરનો અભાવ (ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ઘૃણા કે નફરત) જન્મે તેવી ભૂમિકા ‘સફારી’એ બખૂબી ભજવી. નહેરુ કે ગાંધીની ભૂમિકા ચકાસતા પહેલા તે સમયનો કાળખંડ, તે સમયના સંજોગો – આ બધાનું પોસ્ટમોર્ટમ એક કુશળ તબીબની જેમ ‘સફારી’એ કરવું જોઈતું હતું. પણ ‘સફારી’એ ઇચ્છિત ચશ્માં પહેરીને જોવું હતું તેટલું જ જોયું અને મળેલું અધૂરું કચાશ ભર્યું ચિત્ર બરાબરનું ઘૂંટીઘૂંટીને ઘેરી રંગપૂરણી સાથે ગુજરાતી વાચકો સામે મુક્યું. ઇતિહાસના વિશાળ ફલકમાંથી એકાદ ટુકડો ઉઠાવીને તેને જ સંપૂર્ણ ચિત્ર તરીકે રજૂ કરવાની બેઇમાની ‘સફારી’એ કરી.
સફારી એ તેના લેખોમાં કાશ્મીર અને શેખ અબ્દુલ્લા વિશે જે સમજ આપી તેને હું યથાર્થ માનતો હતો પણ પછીથી અશોક કુમાર પાંડેયનાં કાશ્મીર વિષયક પુસ્તકો વાંચ્યા ત્યારે ખબર પડી કે ‘સફારી’એ મને એવો ભ્રમિત કરેલો. ‘સફારી’ના લલચામણા મોહક વર્તુળમાંથી બહાર નીકળીને નહેરુ અને ગાંધી વિશે પછી તો અનેક પુસ્તકો વાંચ્યાં ત્યારે મારી ઇતિહાસ વિષયકદૃષ્ટિ વ્યાપક બની. ‘સફારી’એ ઇતિહાસની જે ધૂળ મારા દિમાગમાં ભરી હતી તેને સાફ કરવામાં ઘણો સમય લાગ્યો. પણ છેવટે હું ‘સફારી’ની ભભકમાંથી મુક્ત થયો. પણ જે ‘સફારી’મય બની જવામાં જ સાર્થકતા અનુભવતા હોય, તેવા અસંખ્ય લોકોને ગુમરાહ કરવામાં ‘સફારી’ના ફાળાને કઈ રીતે નકારી શકાય?
‘સફારી’ના અંક નંબર 369 સાથે તેના પ્રકાશન પર પરદો પાડવાની જાહેરાત નગેન્દ્ર વિજયે કરી, તેની સાથે જ આલાપ-વિલાપ-પ્રલાપ અને રુદન શરૂ થઈ ગયાં છે, ત્યારે થયું કે ‘સફારી’ની આ તમસ બાજુ પર પણ કોઈકે પ્રકાશ ફેંકવો જોઈએે. ગણ્યાગાંઠ્યા મિત્રોએ ‘સફારી’ની અધૂરપ વિશે કહ્યું , તેમાં મેં વાંચેલી કૉમેન્ટમાં સૌથી યાદગાર અને કાયમી ધોરણે મનમાં સંગ્રહવા કોમેન્ટ ચંદુભાઈ મહેરિયાની વાંચી. તેમણે લખ્યું કે – અવનવું વાંચવાની ટેવ છતાં ‘સફારી’ માટે કદી આકર્ષણ ન થયું, એટલું જ નહીં, તેના પ્રચંડ પ્રભાવથી અળગો રહ્યો – તેનું આશ્ચર્ય પણ નથી થતું. આ કોમેન્ટ ચંદુભાઈનું સ્તર બતાવે છે. ગુજરાતી લખતા બહુ ઓછા લોકોમાં આ હદની સ્પષ્ટતા જોવા મળે છે. બાકી તો મોટાભાગના લોકોએ મરણપોક મૂકી, અને બાકીનાઓ તેની ચેપી અસરમાં તણાયા.
‘સફારી’એ લોકમાનસમાં વિજ્ઞાન માટેનો રસ ઊભો કર્યો, વિજ્ઞાન માટે રુચિ જન્માવી – તેના માટે બે હાથે સલામ કરીને ય કહેવું જોઈએ કે આ જ ‘સફારી’એ આપણા નાયકો પર ધૂળ ફેંકવાની, નાયકોને ખલનાયક અને ખલનાયકોને નાયક બનાવવાની કુચેષ્ટા પણ કરી જ છે.
આદર કે અહોભાવનાં ચશ્માં પહેરીને ‘સફારી’માં ડૂબી જનારને કદાચ આ બધું નહીં પચે, પણ જમા અને ઉધાર – બેઉ પાસાં સાથે રાખીને જોઈએ તો જ ‘સફારી’નું ખરું અને વાસ્તવિક ચિત્ર મળે.
‘સફારી’ની સફર પૂરી થયાની જાહેરાતે કશુંક ગમતું અટક્યાની લાગણી જન્માવી, તો સાથે જ જમણેરી વિચારધારાની વિષભરી ભૂરકી છંટકાવાનો ક્રમ અટક્યાની હાશ પણ અનુભવાઈ.
વિજ્ઞાન સામયિક ગણાતા ‘સફારી’ના ચગડોળમાંથી હું બહુ વહેલો જ ઉતરી ગયેલો. આ પુખ્તતા અને સમજ – મને બુદ્ધિશાળી વાચકના ટેગ કરતા વધુ મહત્ત્વની લાગી.
‘સફારી’એ એક બોધપાઠ શીખવ્યો કે – અહોભાવના ચક્કરમાં આવીને કદી પણ કોઈની ય બાળાગોળીઓ નહીં ગળવાની. કોઈના ધિક્કારમય વિચારોની ખેતી માટે આપણું દિમાગ રેઢું મળી રહે, એટલા નિશ્ચિંત અને આળસુ કે બુદ્ધિશાળી નહીં બની જવાનું.
બુદ્ધિશાળી હોવું સારી વાત છે, પણ એક પ્રેમાળ અને ધિક્કારરહિત માણસ બનવું વધુ જરૂરી છે.
ખૂબ વાંચીએ, સમજીએ અને એવા મિત્રો બનાવીએ કે જે આપણને કોઈ પણ કુંડાળામાં કદી ફસાવા ન દે.
વિદાય લઈ રહેલા ‘સફારી’ને તેના જ્ઞાનભર્યા પ્રદાન માટે સલામ અને નહીં શીખવવા જેવા પાઠો ઘૂંટતા રહેવાની દાનત પરત્વે તીવ્ર ખટકા છતાં માફ કરું છું.
આપણા સૌ માટે ‘સફારી’ એક કેસ-સ્ટડી છે, જે શીખવે છે કે સમતોલ અને વ્યાપક દૃષ્ટિ સાબૂત રાખીને જ વાંચવું. વાંચતી વખતે સુસંગત ફિલ્ટર કાયમી ધોરણે વાપરવું. આપણું દિમાગ કદી કોઈને ત્યાં ગીરવે ન મૂકવું.
સૌજન્ય : ભરત કુમારની ફેઇસબૂક દીવાલેથી સાદર