હાલ ખાસ કરીને ગુજરાતી મધ્યમ વર્ગમાં, આશરે પાંચ વર્ષ ઉપરની, બાલિકઓને ગૌરી વ્રત કરાવવામાં આવે છે. તે બાલિકોને ઘાઘરી પોલકું પહેરીને દોડતી દોડતી નીરખવી તે જ મારા મત મુજબ એક અનેરો લહાવો છે. હકીકતમાં તે એક વ્રત કરતાં બાલિકાઓ માટે સામાજિક રીતે આનંદપ્રમોદનો તહેવાર બની ગયો છે.
આ વ્રત કરાવવાની પાછળ એક અંધશ્રદ્ધા છે. આ વ્રત કરવાથી સારો વર મળશે તેવી બિલકુલ વાહિયાત માનસિકતા આ ઉંમરથી પેલી બાળકીના મનમાં થોપી દેવામાં આવે છે. જે અસહ્ય અને ગુનાહિત ગણાવવી જોઇએ.
ચાલો, આપણે વિચારીએ કે આ બાળકી જ્યારે ૨૦– ૨૫ વર્ષની ઉંમરની થશે, ત્યારે સને ૨૦૪૦ની આસપાસનું તેનું મનોજગત કેવું હશે.
(1) મારે વર જ શા માટે જોઇએ? જો મારે લગ્નની ઝંઝંટમાં જ ન પડવું હોય તો?
(2) શું પુખ્ત ઉંમરનાં સ્ત્રી–પુરુષ લગ્નના બંધન સિવાય, જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી, સાથે રહે તેમાં મારા–તમારા બાપનો કોઇ ગરાશ તો લુંટાઇ જવાનો નથી ને!
(3) મારે સ્ત્રી તરીકે ગર્ભધારણથી માંડીને પ્રસવની વેદના સુધીના સમયનો લહાવો ન જ માણવો હોય તો તે મારી સ્વતંત્રતા ખરી કે નહીં?
(4) મારી કારકિર્દીનો ભોગ આપ્યા સિવાય, અમને બાળકને ઉછેરવાનું મન થશે તો અમે દત્તક તો ચોક્ક્સ લઇ શકીશું. પણ તેનો હેતુ મારો વંશવેલો ટકાવી રાખવા નહીં, તેમ જ પિતૃ તર્પણ કરવા તો ક્યારે ય નહીં.
(5) સાથે રહેવાની સાથે, મારી અદમ્ય ઇચ્છા છે કે મારા ઘરમાં રસોડું જ ન જોઇએ. સ્ત્રીની સાચી મુક્તિ બિલકુલ રસોડા મુક્તિ સાથે સંકળાયેલી છે.
(6) સ્ત્રી તરીકે અમારા હાથ રસોઇ કરવા નિર્માણ થયેલા નથી. જે દિવસે મારા હાથમાં તપેલી પકડવાની સાણસીને બદલે મસ્ત ખુશ્બૂવાળા રેડફ્રેન્ચ વાઇનની પ્યાલી હશે, તે દિવસ માનવજાતના ઇતિહાસમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો પ્રથમ દિવસ ગણાશે.
(7) વો સુબહ કભી તો આયેગી.
e.mail : shroffbipin@gmail.com