બનવું પડે કંકાળ છે
કાલને ભૂલી જ જા તું, કાલ તો ભૂતકાળ છે.
તું નથી નાદાન બાળક, આજ પણ કંગાળ છે.
રોશની અંધાર આણે, શું કદી એવું બને?
ધ્યેય વિનાની વાત આખર, કાળનો મૃતકાળ છે.
જિંદગી સાગર સમી છે, બનવું મરજીવા પડે,
પ્રેમ સાચો પામવા જાવું તને પાતાળ છે.
રંક તવંગર દોસ્ત દુશ્મન, સૌ ધરા નીચે મળે,
ના દિમાગો ચાલશે, બનવું પડે કંકાળ છે.
સંતની વાતો મજાની, પણ નજર નાપાક છે,
દેખભાળોના બહાને, કાઢતો એ ભાળ છે.
બારસોમાં બે જ જોયાં, જે કને ઈમાન છે,
આસ્થા ધીરજ વિહોણી, કેટલી જંજાળ છે.
અંધવિશ્વાસોની પાછળ, પણ છૂપો વિશ્વાસ છે,
લાલચે ઊંધા પડેલા આજ સૌ કંગાળ છે.
•
હું ક્યાં
વાત દુનિયાની ક્યાં સુધી માનું?
પેટ ખાલી હવે હું ક્યાં માંગું?
આ રઝડપાટ ના સરળ હોયે,
સ્થિર થઈને વિતાવવા ચાહું.
ચલ ઇરાદો જરા બતાવી દે,
જીતવું હો! હું હારવા માંડું.
પ્રેમ ખંજર લઈને દોડું છું,
વાર કરતાં, સફળ થવા ચાહું.
તથ્યની જ્યાં ઉણપ વરતાતી હો,
દૂર રસ્મો રિવાજથી ભાગું
શું કસમ સત્યનો છે પરવાનો?
પરખો તો કહે, અભી આવું.
કેટલા બુડથલો બને જ્ઞાની,
અંધવિશ્વાસમાં મરી જાવું.
કેમ કેમે કરી બચી આયો,
ફેંકવા ચાહતો હતો ત્રાગું.
કારણોને કહો વિના કારણ,
હો જરૂરત, તને હું ક્યાં ભાળું?
••
ઓ હૃદય
ઓ હ્રદય વ્યાકુળ બની ને, બેસવાથી શું મળે?
ચાલ આગળ, ત્રાડ ગમની પાડવાથી શું મળે?
હું જમાનત આપતા તારી જરા ખચકાઉ છું,
સ્વસ્થ રે’જે ઓ હ્રદય તું, હારવાથી શું મળે?
લાખ ટુકડા થાય તો યે ના કદી વિખરાય તું,
વેદનાઓ, તારા ડરથી ભાગવાથી શુ મળે?
શોધજે એવું જ પરિબળ, પ્રોત્સાહન દે તને,
ઓ હ્રદય લટકી જવાને, પ્રેરવાથી શું મળે?
કેટલા કિસ્સા મળે છે, ઓ હ્રદય, તારા વિશે,
કોશિશો કર ને, જિગરને ભાંગવાથી શું મળે?
તું નથી એવો છતાં યે, ડોળ તું કેવો કરે,
સામે હો તોફાન, આંખો મૂંદવાથી શું મળે?
સ્નેહથી તારા હ્રદય ઓ, માનવી હરખાય છે,
ચાલતાં રે’વું જ તારે, થોભવાથી શું મળે?
બાળપણનો સાથ તારો, ગમ્મતો ને યાદ કર,
ઓ હ્રદય, જીવનથી મારા ખેલવાથી શું મળે?
છે કરામત એક માલિકની, હ્રદય બેજોડ છે,
એ વિષયમાં તો વધારે બોલવાથી શું મળે?
ઓ હ્રદય, કર્મો જ ફ્ળના તારા તો હકદાર છે,
જો મળે જન્નત તો આગળ શોધવાથી શું મળે?
માથું જે સપના બતાવે છાવરી દેતા બધાં,
હો ઉણપ તો આ હ્રદયને ઘેરવાથી શું મળે?
મોર પીંછું માથે ખોસી, એ ભલો હરખાય છે,
એ હ્રદયની લાગણી છે, છેડવાથી શું મળે?
પ્રેમ છે વાતો હ્રદયની, ને હ્રદય નાદાન છે,
પ્રેમ છે પાગલ, હ્રદયને, રોકવાથી શું મળે?
e.mail : fdahiwala@yahoo.co.uk