બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલામાં સી.બી.આઇ.ની વિશેષ અદાલતના ચુકાદાએ મારા જીવનના ૨૮ વરસ જૂના એક અધ્યાયને ખતમ કરી દીધો. કાશ, આ ચુકાદો કંઈક જુદી રીતે લખાયો હોત, તો તેણે મને આટલી બધી ઊલઝનોમાં ન નાખ્યો હોત.
એ સમયે હું અંગ્રેજી દૈનિક “ધ પાયોનિયર”નો ફોટો જર્નલિસ્ટ હતો. હું જાણું છું કે પાંચમી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ મેં અયોધ્યામાં શું જોયું. મારો કેમેરા એ રિહર્સલનો સાક્ષી હતો, જેને કારસેવકોએ અંજામ આપ્યો હતો. આટઆટલાં વરસોથી મેં એ તમામ ફોટાની નેગેટિવ્ઝને મારા બાળકની જેમ સાચવીને રાખી હતી. હું એ વાતે ડરતો હતો કે જરાક અમથો ભેજ પોલિથીનમાં લપેટીને રાખેલી આ નેગેટિવ્ઝને ખરાબ ના કરી દે. મારો કૅમેરા તમામ બાબતોનો ગવાહ છે. મારી તસવીરો કોઈ જ સંદેહ વિના એ સાબિત કરતી હતી કે ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી, તે પૂર્વયોજિત, વિચારીને કરાયેલું કામ હતું.
મને આજે પણ એ શિયાળુ દિવસે મારી પત્નીએ મારેલો જોરદાર તમાચો યાદ છે. ચોર અમારા ઘરમાં લૂંટ ચલાવી રહ્યા હતા. મારી પત્ની તેનાં ચોરાઈ ગયેલાં સોનાનાં ઘરેણા માટે બોર બોર આંસુએ રડી રહી હતી. પરંતુ હું જલદીથી ઘરની અંદર ભાગ્યો. એ જોવા માટે કે મારી નેગેટિવ્ઝ તો સલામત છે ને? તેને તો ચોર નથી લઈ ગયાને ? મારા માટે તે આટલી બધી કિમતી હતી.
વરસો સુધી કોર્ટમાં અનેક વાર હાજર રહ્યા બાદ મારા મનમાં એ વાતે ગુંચવાડો, કશ્મકશ અને સવાલ છે કે આખરે સ્પેશ્યલ સી.બી.આઈ. જજ સૂરેન્દ્ર કુમાર યાદવની કોર્ટમાં મારી ગવાહીઓ અને તેમની સાથેની વાતચીતનો શું અર્થ કાઢી શકાય?
મંગળવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના ચુકાદાના આગલા દિવસે હું સવારે સાડા ત્રણ વાગે ઊઠી ગયો. કેમ કે મારે ‘ધ પ્રિન્ટ’નાં સિનિયર આસિસ્ટન્ટ એડિટર અનન્યા ભારદ્વાજ સાથે સવારની લખનૌની ફ્લાઈટ પકડવાની હતી.
લખનૌ પહોંચીને અમે સીધા જજ સૂરેન્દ્ર યાદવને મળવા પહોંચી ગયા. પરંતુ અમને કહેવામાં આવ્યું કે તેમનો ઈન્ટરવ્યૂ કરવો જરા ય શક્ય નથી. તેમના સુરક્ષા અધિકારીઓએ શરૂઆતમાં તો ‘જજસાહેબ ખૂબ જ વ્યસ્ત છે’ એમ કહીને મારું વિઝિટિંગ કાર્ડ પણ તેમને મોકલવાનો ઈન્કાર કરી દીધો. અમને એમ કહેવાયું કે ફોન પર વાત કરવી. કેમ કે, તેમને પરેશાન કરતા પત્રકારો પ્રત્યે ધ્યાન આપવાનો તો ઠીક, તેમનાં પત્ની સાથે વાત કરવાનો પણ સમય નથી ! પરંતુ હું પણ તેમના સિક્યોરિટી સ્ટાફને કમ સે કમ મારું વિઝિટિંગ કાર્ડ તેમના સુધી પહોંચાડવાની જિદ કરતો રહ્યો. આખરે અમને જજસાહેબે અંદર બોલાવ્યા. અમને જોઈને જજ યાદવ ખુશ થયા. અમારા પર મહેરબાની દાખવીને અમને મુલાકાતનો અલગ સમય આપ્યો. તેમણે અમને જણાવ્યું કે કઈ રીતે તેમણે આખી રાત જાગીને આ ભારેભરખમ પુરાવા વાંચવામાં અને ચુકાદો લખવામાં ગાળી છે.
મને ચકિત કરવા માટે તેમણે બે વરસ પહેલાં હું “ઇન્ડિયન એક્સપ્રેસ”માં હતો તે સમયનું મારું બિઝનેસ કાર્ડ પાકિટમાંથી કાઢીને બતાવ્યું. તેમણે મને હજુ યાદ રાખ્યો છે, એ જાણીને મને તેમની વિનમ્રતાનો અહેસાસ થયો. ચુકાદાના દિવસે, ૩૦મી સપ્ટેમ્બરની સવારે, જજ યાદવે અમને અલગથી મળવાનો સમય આપ્યો. કોર્ટમાં જતાં પહેલાં અમને તેમના ઘરે બોલાવ્યા. ઘરે અમે તેમના પરિવારને પણ મળ્યા. તેમણે પણ અમને જજસાહેબ આ કેસ પાછળ કેટલી મહેનત કરે છે તે જણાવ્યું. જ્યારે જજ યાદવને ખબર પડી આજે મારો જન્મદિવસ છે તો એમણે મને લાડુ ખવડાવ્યો. તેમના પરિવારે પણ મને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.
મને તેમના કેટલાક ફોટા લેવાની પણ તક મળી. જ્યારે અમે જજ યાદવની પાછળની કારમાં કોર્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે મારા મનમાં કોર્ટમાં મેં આપેલી હાજરી અને જુબાની તરવરતી હતી. જાણે કે વીત્યો તમામ સમય આંખો સામે જીવંત થઈ રહ્યો હતો. તે સમયે જજ યાદવ જ સુનાવણી કરી રહ્યા હતા. બચાવ પક્ષના વકીલોએ મને બદનામ અને અપમાનિત કરવાની તમામ મર્યાદા વટાવી દીધી હતી. તેમણે મને પૈસા બનાવવા તલપાપડ નકલી ફોટોગ્રાફર ગણાવ્યો હતો.
જજ યાદવ આ તમામ ક્ષણોના સાક્ષી હતા ને તેમના ખિસ્સામાં રહેલું મારું વિઝિટિંગ કાર્ડ મારી પ્રોફેશનલ હેસિયતનું ગવાહ હતું. મને લાગ્યું કે મારું વિઝિટિંગ કાર્ડ તેમણે સાચવી રાખવું, એ જ એક મોટું પ્રમાણ હતું. તેનાથી મારામાં ઘણી આશાઓ જાગી હતી. મને લાગ્યું કે કદાચ આજે ભારત પર લાગેલો એ ડાઘ મટી જશે. જ્યારે એક ખતરનાક રાજકીય અભિયાને આપણા દેશની ગંગાજમની સંસ્કૃતિને છિન્નભિન્ન કરી નાંખી હતી
થોડી મિનિટોમાં તેમણે ચુકાદો સંભળાવી દીધો. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાને પૂર્વયોજિત કાવતરું હોવાનો ઈન્કાર કરતા ચુકાદામાં તેમણે અન્યની જેમ મારી તસવીરોને પણ નક્કર પુરાવો ના માન્યો. તમામ ૩૨ આરોપીઓને નિર્દોષ ઘોષિત કરી દીધા. જજની નજરે મારું કામ સારું નહોતું. આ ચુકાદાએ જેને હું જીવની જેમ સાચવતો હતો તે અમૂલ્ય નેગેટિવ્ઝને ઇતિહાસની કચરા ટોપલીમાં ફેંકી દીધી.
(લેખક ‘ધ પ્રિન્ટ’ના નેશનલ ફોટો એડિટર છે અને બાબરી કેસના મહત્ત્વના સાક્ષી હતા .. સૌજન્ય: ‘ધ પ્રિન્ટ’, અનુવાદ: ચંદુ મહેરિયા)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 06-07