ગઈકાલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન એક કૉલેજના એક અધ્યાપક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસક્રમમાં કરાયેલ ફેરફાર મુજબ BA સંસ્કૃત SEM.-4માં એક પેપર મનુસ્મૃતિનું રાખવામાં આવ્યું છે. મને આઘાત તો લાગ્યો પણ આશ્ચર્ય ન થયું. સવાલ એ છે કે VALUE ADDED COURSEના નામે આ?
હમણાં હમણાં એક શબ્દ પ્રયોગનું ચલણ વધ્યું છે INDIAN KNOWLEDGE SYSTEM (ભારતીય જ્ઞાન પદ્ધતિ). અલ્યા, તમને જૂનામાંથી જડી જડીને મનુસ્મૃતિ જ જડી!
હિન્દુઓમાં કોણ કોની જોડે લગ્ન કરી શકે / ન કરી શકેથી માંડીને સમાજ જીવનને લગતી ઘણી બધી બાબતોનું એમાં માર્ગદર્શન આપેલું છે. હવે અત્યારના બંધારણ પ્રમાણે જોઈએ તો એમ કહેવાય કે મોટેભાગે ગેરમાર્ગે દોરેલા છે. માણસ માણસ વચ્ચે ભેદ કરે એ શાસ્ત્ર …?! ફલાણા પ્રસંગે બ્રાહ્મણોને આ જમાડશો તો આટલું પુણ્ય મળશે અને ઢીંકણા પ્રસંગે બ્રાહ્મણોને આ ભેટ આપશો તો તેટલું પુણ્ય મળશેના ખોટેખોટા હિસાબો આપેલા છે. સ્ત્રીઓ અંગે પણ ઘણું વિવાદાસ્પદ વર્ણન છે. તમે જાતે વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં લખેલું મોટાભાગનું અત્યારે અપ્રસ્તુત છે. નીચલા ત્રણેય વર્ગોએ બ્રાહ્મણોની સેવા કરીને પુણ્ય કમાવું એ મતલબનું લખાણ ડગલે ને પગલે જોવા મળશે. પુણ્યની વાત તો જવા દો, ભારતમાં શૂદ્ર વર્ગ (OBC) હજારો વર્ષોથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરતો આવ્યો છે અને એને સેવાના બદલામાં અપમાન જ વધારે મળ્યાં છે. (SCમાં સમાવેલ દલિતોને વર્ણાશ્રમ વ્યવસ્થાની બહાર ગણવામાં આવે છે, એમના માટે અતિશૂદ્ર / પાંચમો વર્ણ શબ્દ પણ વપરાય છે અને ST તરીકે ઓળખાતા આદિવાસી વર્ણવ્યવસ્થાનો ભાગ નથી. તેઓ મૂળનિવાસી ગણાય છે.)
આપણે જાણીએ છીએ કે 1927માં (અત્યારના મહારાષ્ટ્રમાં આવેલા) ચવદાર તળાવમાંથી દલિતો પાણી પી શકે એ માટે થયેલા મહાડ સત્યાગ્રહમાં ડૉ. આંબેડકરે દમનકારી અને વર્ણવાદી શિક્ષણ આપતા ગ્રંથ મનુસ્મૃતિનું જાહેરમાં દહન કરીને અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારથી આ ચોપડી વિશેષ ચર્ચામાં રહી છે અને એમાં ય ખાસ કરીને વર્ણને આધારે ભેદ પાડવામાં આવે ત્યારે એનો ખાસ ઉલ્લેખ થાય છે. આખી મનુસ્મૃતિ તો મેં નથી વાંચી પણ એના અધ્યાય 3 અંગે ગૂગલ પર જે જોયું એ પરથી ખ્યાલ આવ્યો કે મૂળે આ પુસ્તક ચાર વર્ણો(બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર)નો ભેદ પાડી બ્રાહ્મણોની સર્વોપરિતાનો દાવો કરે છે. અલ્યા સર્વોપરી તો સ્વામિનારાયણ પણ નથી ને …?!
ભાઈ, માણસ તરીકે જન્મ્યા એટલે બધા સરખા. માણસ જાતિ, બીજું શું! હવે માણસો વચ્ચે વર્ણની દીવાલો ઊભી કરીને નીચલી ગણાતી જ્ઞાતિઓનું શોષણ કરવા પ્રેરણા આપનાર આ પુસ્તકને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવવાની જરૂર ખરી? ફોટામાં જોશો તો ખબર પડશે કે કોર્સનું નામ આપ્યું છે मनुस्मृति अ.3 समीक्षात्मक अध्ययन. અને નીચે લખેલા Outcome (અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ) વાંચશો તો ખ્યાલ આવશે કે સમીક્ષા નથી કરવાની એમાંથી મૂલ્ય શિક્ષણ / નૈતિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે.
Programe Outcomeનું ગૂગલ ટ્રાન્સલેશન નીચે મુજબ છે.
૧. પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને સમાજમાં તેના નૈતિક યોગદાનને સ્વીકારવાની ક્ષમતા.
૨. પ્રાચીન સંસ્કૃત સાહિત્યનું મહત્ત્વ અને માનવતામાં તેના નૈતિક / સાંસ્કૃતિક યોગદાનનું પ્રદર્શન કરવાની ક્ષમતા
૩.ભારતશાસ્ત્રના મહત્ત્વ પ્રત્યે જાગૃતિ.
૪. સામાન્ય રીતે માનવ જીવનમાં નૈતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ.
૫. ભાષાકીય ક્ષમતા પ્રાચીન સંસ્કૃત સાહિત્ય દ્વારા પ્રાપ્ત થશે.
Course Outcomeનું ગૂગલ ટ્રાન્સલેશન નીચે મુજબ છે:
૧.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્યની રૂપરેખાથી પરિચિત કરાવવાનો છે
જેમાં સ્મૃતિ સાહિત્યનો પણ સમાવેશ થાય છે.
૨. સંસ્કૃત સાહિત્યમાં વિવિધ સ્મૃતિઓથી શીખનારાઓને વાકેફ કરવા.
૩. સંસ્કૃત સાહિત્યની સ્મૃતિઓની ઉત્પત્તિ અને વિકાસથી શીખનારાઓને વાકેફ કરવા.
૪.મનુસ્મૃતિ અધ્યાય-3 દ્વારા નૈતિક મૂલ્યોને આત્મસાત કરવા.
બૌદ્ધિકો યુનિવર્સિટીના આ કૃત્યને બંધારણની મૂળ ભાવનાનો ભંગ કહે કે પછી કથિત હિન્દુરાષ્ટ્ર તરફનું એક કદમ, તો એવા આક્ષેપોનો સામનો કરવા સરકારે તૈયાર રહેવું રહ્યું. અને બૌદ્ધિકોએ દેશદ્રોહીના લેબલ માટે પણ …!
કોઈક એમ કહેશે કે આ જ મનુસ્મૃતિમાં લખ્યું છે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता, પણ પેટા સવાલ એ છે કે એમાં પછાત ગણાતી / દલિત / આદિવાસી નારીનો સમાવેશ થાય છે ખરો? હકીકત તો એ છે કે કથિત ઉચ્ચ વર્ગ પોતાની સ્ત્રીઓને પણ સન્માનની નજરે નથી જોતો ત્યાં બીજી સ્ત્રીઓની તો ક્યાં વાત કરવી!
શાળા-કૉલેજોમાં ગીતા ભણાવવાની વાત આવી ત્યાં સુધી તો એમ માન્યું કે (કેટલીક મર્યાદાઓ છતાં) ઠીક છે, ભાઈ! સત્ત્વ, રજસ, તમસની વિભાવના, સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો થકી જીવનદર્શન પ્રાપ્ત થશે. (ખરેખર મૂલ્યશિક્ષણની જ વાત હોય તો જગતના તમામ ધર્મોમાં રહેલી સારી-સારી બાબતો રજૂ કરવી જોઈએ.) પણ નૈતિક શિક્ષણ માટે કંઈ નહીં ને મનુસ્મૃતિ?!
જ્યારે આંબેડકરે મનુસ્મૃતિની નિંદા કરી હતી, ત્યારે મહાત્મા ગાંધીએ પુસ્તક બાળવાનો વિરોધ કર્યો હતો. બાદમાં તેમણે જણાવ્યું હતું કે જાતિ ભેદભાવ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે, પરંતુ તેનો હિન્દુ ધર્મ અને મનુસ્મૃતિ જેવા તેના ગ્રંથો સાથે કોઈ સંબંધ નથી. ગાંધીએ દલીલ કરી હતી કે આ ગ્રંથ વિવિધ આહવાન અને વ્યવસાયોને ઓળખે છે, વ્યક્તિના અધિકારોને નહીં પરંતુ તેની ફરજોને વ્યાખ્યાયિત કરે છે, શિક્ષકથી લઈને ચોકીદાર સુધીના બધા કાર્ય સમાન રીતે જરૂરી અને સમાન દરજ્જાના છે. ગાંધી માનતા હતા કે મનુસ્મૃતિમાં ઉચ્ચ ઉપદેશોનો સમાવેશ થાય છે પરંતુ અસંગતતા અને વિરોધાભાસ ધરાવતો ગ્રંથ છે, જેનો મૂળ ગ્રંથ કોઈના કબજામાં નથી. તેમણે ભલામણ કરી હતી કે વ્યક્તિએ આખું લખાણ વાંચવું જોઈએ, મનુસ્મૃતિના તે ભાગોને સ્વીકારવા જોઈએ જે “સત્ય અને અહિંસા” સાથે સુસંગત છે અને અન્ય ભાગોનો અસ્વીકાર કરવો જોઈએ. (વિકિપીડિયા)
પણ અત્યારે ગાંધીજી જેવો વિવેક ક્યાં?
ગાંધી અને આંબેડકરની વાત પરથી તો આપણે ઇતિહાસબોધ લઈશું પણ આપણે નજર રાખવાની છે વર્તમાન અને ભવિષ્ય તરફ. નવી પેઢીને આપણે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને ન્યાય જેવાં બંધારણીય મૂલ્યો આપીશું કે ભેદભાવ અને અન્યાય?! હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ, આપસ મેં સબ ભાઈ-ભાઈ તો ખરું જ, પણ કૌંસમાં આ પણ ખરું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઔર શૂદ્ર, કરેંગે નહીં કભી લડાઈ.
કહે છે ને કે ગાંધીજી પોતાના જીવન દરમિયાન અસ્પૃશ્યતાને સંપૂર્ણપણે દૂર ન કરી શક્યા પણ એમણે અસ્પૃશ્યતાને અપ્રતિષ્ઠિત જરૂર બનાવી મૂકી. એમ ડૉ. આંબેડકરના મહાડ સત્યાગ્રહ બાદ અપ્રતિષ્ઠિત થયેલ મનુસ્મૃતિ નામક ગ્રંથને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મુકવાની ભૂલ કરવા જેવી નહોતી.
વર્ષો પહેલાં આ જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં હતો ઉમાશંકર જોશીનો એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’. એમાં કરવામાં આવેલ એક નાટક “ઢેડના ઢેડ ભંગી”નો એટલો બધો વિરોધ થયેલો કે એને દૂર કરવું પડેલું. જો કે એમાં કવિની ભાવના તો દલિતોની અંદરોઅંદરના ભેદભાવ સામે આંગળી ચીંધવાની જ હતી પણ હશે … કવિ તો એમનું કવિકર્મ કરીને ચાલ્યા ગયા અને હજુ આપણે ભેદ મિટાવી શક્યા નથી.
પસંદગી આપણે કરવાની છે કે ભેદ ભારત કે વેદ ભારત કે અદ્વૈત ભારત!
વિદ્યાર્થીઓની એક બેચ (2024-25) તો ભોગ બની ચુકી છે ત્યારે યુનિવર્સિટી પોતાની ભૂલ સુધારી સમાનતાના પંથે આગળ વધે એવી અપેક્ષા. HNGU – PATAN
સાંભળ્યું છે કે દિલ્લી યુનિવર્સિટીના કોઈક અભ્યાસક્રમમાં આ પુસ્તકને Recommended Book તરીકે રાખવામાં આવેલી, એમાં ય છેવટે દૂર કરેલ એટલે આપણે પારોટનાં પગલાં લેવામાં નાનમ અનુભવવી નહિ.
*અહીં પુસ્તકમાં ઉલ્લેખ છે એ મુજબ વર્ણ/જાતિનો ઉલ્લેખ કરેલ છે, (બ્રાહ્મણો સહિત) કોઈને ઉતારી પાડવાનો ઈરાદો નથી. અને આમ પણ પૂર્વજોએ કરેલ ભૂલની સજા અત્યારની પેઢીને ક્યાંથી અપાય, એમના ભાગે તો પ્રાયશ્ચિત જ આવે ને!
શીર્ષક સહયોગ: Hemant Rajvankar Sayara
e.mail : pradhyotpriyadarshi@gmail.com
પુરવણી :