તંત્રીસ્થાનેથી
પૂરા પાંસઠ દિવસ આ એક મજેનો યોગ ચાલ્યો … દૈનિક ડિજિટલ સંસ્કરણનો. માહિતી, ટીકાટિપ્પણ, મુક્તવિચાર-સહવિચાર, બધું તાળેબંધ જેવું હોઈ શકતું હતું એ દિવસોમાં મુખોમુખવત્ મળવાનું આપણું થતું રહ્યું. સામાન્યપણે પ્રિન્ટ મીડિયાના માહેર તંત્રી અને હેવાયા વાચકો માટે તો એક નવલબ્ધિ હતી જ. પણ ખરું તો, એથી, હજારો વાચકોની કદાચ નવી જ પેઢી સાથે સંવાદસંજોગ આ ડિજિટલ રાતદિવસમાં મળી રહ્યો એ બિલકુલ નવું બની આવ્યું.
ડિજિટલ પહેલ જે બે સન્માન્ય સુહૃદોને આભારી હતી અને છે — ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારી — એમણે અવારનવારમાંથી દૈનંદિન વલણ લીધું અને થોડા દિવસોના કાર્યાનુભવ પછી યુવા વાચકોની ભરતીને અનુલક્ષીને મોબાઇલ ફ્રૅન્ડલી લે આઉટ પર પણ વિશેષ લક્ષ આપ્યું. સોશિયલ મીડિયાની શક્તિ અને મર્યાદા બેઉ છેલ્લાં વરસોમાં આપણે ખાસાં જોયાં છે. પણ અત્યારે મહામારીગત મીડિયા દિવસોમાં મુક્તવિચાર અને સહવિચારની દૃષ્ટિએ દિલોદિમાગ બેઉ છેડેની ગૂફ્તગુ માટે મોટાં દઈત અને એ જ માપમાં કેટલીક બાબતોમાં મૂંગામંતર છાપાં વચ્ચે દૈનંદિન ડિજિટલ સંસ્કરણ ઉપયોગી જ નહીં, હૃદ્ય પણ થઈ પડ્યું. નવી દિલ્હીના એક પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહના વેબિનારમાં આ ગુજરાત પહેલનો વિશેષોલ્લેખ સુધ્ધાં થયો, એ પ્રિન્ટ મીડિયાના હેવાયા તંત્રીને સારુ એક સાક્ષાત્કારક ઘટના બની રહી. રૂડા પ્રતાપ ઓરિજિનલ સિનર્સ શી બંધુબેલડીના.
હવે નાનાવિધ પત્રપત્રિકાઓનાં મુદ્રણ અને પ્રકાશન-પોસ્ટિંગની સુવિધા પુનઃસ્થાપિત થઈ રહી છે ત્યારે દૈનંદિન ડિજિટલ સંસ્કરણ સ્વાભાવિક રીતે જ વિરામ માગે છે. અલબત્ત, રોજેરોજનો નહીં પણ પંદર દિવસનો આ પ્રિન્ટાવતાર ગમશે, પણ તે સાથે એક ખાલીપો પણ અનુભવાશે. શકુન્તલા ગઈ તે પછી પ્રિયંવદા અને અનસૂયા પણ આશ્રમમાં કોઈ અણજાણ પગરવ કે અશ્વની હણહણાટી ઝંખતાં સૂનમૂન થઈ ગયાં હતાં દૈનંદિન ડિજિટલાવતારનો વિસારો તંત્રી અને વાચકોને સારુ પણ અકારો થઈ પડશે. વિપુલ કલ્યાણીની અનવરત ઑનલાઇન કુમક અને ડૉ. વણકરની બ્રેકફ્રી બ્લૉગ સેવા ઉપરાંત સેંકડો વાચકો તરફથી શતસહસ્ત્ર ફૉરવર્ડ સેવા (સદ્ભાગ્યે ફાસ્ટ ફૉરવર્ડ નહીં) આ સૌએ એક પ્રઘાત પાકો કર્યો છે. એથી પ્રિન્ટ અને ડિજિટલ વચ્ચે મેળ પાડતી આયોજના વિચારાધીન છે. એ વિશે વધુ આવનારા દિવસોમાં.
જૂન ૫, ૨૦૨૦
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020
 ![]()


સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આપણા પદ્મપુરુષો પૈકી છે અને જાહેર જીવનમાં પોતીકી તરેહથી હાજરી પુરાવતા રહ્યા છે. સાધારણપણે સાધુપ્રતિભાઓમાં એક વર્ગવિશેષ એ પ્રકારનો જોવા મળે છે જેઓ તટસ્થતાની (કે કથિત વાદવિવાદથી પર) મુદ્રા જાળવવાની રીતે પણ સત્તા તરફી સલામતીભેર હંકારે છે. લોકોમાં સાધુપરુષ તરીકેની એક છવિ, સંભ્રાન્ત વર્તુળોમાં પ્રગતિશીલ માનવતાવાદી પ્રવૃત્તિ સાથે સંધાનવત્ ભૂમિકા (જેમ કે સદ્ગુરુનો ‘રેલી ફોર રિવર’ પ્રકલ્પ) અને અંતે અજ્ઞેયે કટોકટીકાળ વિશે કવિતામાં એક માર્મિક અવલોકન કર્યું હતું તેમ, સરકારી સ્તર પર ‘બૌદ્ધિક બુલાયે ગયે’ પૈકી.
હવે થોડા દા’ડા અને આપણા વીરનાયક એમની બીજી રાષ્ટ્રીય પારીનું પહેલું વરસ પૂરું કરશે. સામાન્ય સંજોગોમાં આઠદસ દિવસ અગાઉ તામઝામ ડિમડિમથી માહોલ ગાજી ઊઠ્યો હોત. હજુ પણ એમ બની શકે, સિવાય કે કોરોનાવશ મલાજો જાળવવાનો વિવેક સૂઝ્યો હોય. બલકે, બને કે, કોરોનાસુર નાથ્યાના અવાજો સાથે એન્ટ્રીનો આઇડિયો હોય.