૧૯૩૩થી ૨૦૨૧ : પૂરાં ૮૭-૮૮ વરસનું પૂર્ણાયુષ ભોગવી આપણા અપ્તરંગી વિદ્યાવ્યાસંગી ધીરુ પરીખ ગયા. ચમકદમક અને તડક-ભડક વગર અધ્યાપન-લેખન-સંપાદન, નંદાદીપની ધૃતિપૂર્વક એમણે આજીવન કર્યાં.
તુલનાત્મક સાહિત્યમાં એમની ગતિ, વિશ્વસાહિત્યમાં એમનો પ્રવેશ. આમ તો, કવિ તરીકે સુપ્રતિષ્ઠ, કુમાર ચંદ્રકે પુરસ્કૃત અને ‘કવિલોક’નું દાયિત્વ વહન કરનાર. પરંપરિત માત્રામેળ રચનાઓથી જાણીતા થવા લાગેલા એ સાચું, પણ એમનો પ્રવેશ વાર્તાસંગ્રહથી થયેલો એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરુપણ’ પર ડૉક્ટરેટ કરનાર ધીરુભાઈ તમને નિષ્કુળાનંદથી માંડી એલિયટની સૃષ્ટિ સુધી આંગળી ઝાલી ફેરવી શકે. ઠાવકા અલબત્ત, પણ અખાની ઢબે અકેકું અંગ લઈ છપ્પે ચડે ત્યારે તમને એમની સર્જકતા અને મિજાજનો એક જુદો જ પરિચય થઈ આવે.
‘પરમેશ્વરને મારી પછી પથ્થર સ્થાપ્યો’ જેવી, શું કહીશું-જ્વલંત? – પંક્તિ આપનાર ધીરુભાઈએ એમના સેવ્ય વિષયોને અનુષંગે પોતીકી તરેહની કર્મશીલતા પણ સતત દાખવી. ૧૯૯૦થી એમણે ‘કુમાર’ના પુનર્જીવનનું કાર્ય ઉપાડ્યું (લગભગ એ જ અરસામાં આ લખનારને શિરે ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારનું દાયિત્વ આવ્યું.) અને હા, ખાસ વાત. બચુભાઈ રાવતના અવતારકાર્ય સમી જે બુધસભા, એ સાહિત્ય પરિષદને સોંપાઈ તેનું દાયિત્વ એમણે પ્રતિબદ્ધપણે આજીવન સંભાળ્યું.
સચ્ચિદાનંદ સન્માન, રણજિતરામ સુવર્ણચંદ્રક બધું ખરું પણ આ ક્ષણે, મને લાગે છે, એમની છેલ્લી ઈનિંગ્ઝનો – એક અર્થમાં ‘સેકન્ડ કમિંગ’નો મારે વિશેષોલ્લેખ કરવો જોઈએ. ૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગાંધીનગર અધિવેશનમાં સ્વાયત્તતાનો પ્રસ્તાવ પારિત કર્યો ત્યારે હજુ આશાનું એક અંજીરપાંદ તો હતું; કેમ કે અકાદમી આગળ ચાલતાં ચુંટાયેલા પ્રમુખ હસ્તક કાર્યરત થશે એવી અપેક્ષા ઊભી હતી. પણ ૨૦૧૫ના એપ્રિલમાં સરકારે પેરેશુટ પ્રમુખનો રાહ લીધો અને બંધારણીય પ્રક્રિયાને સરેઆમ રૂખસદ આપી ત્યારે લગભગ કોઠે પડી ગયેલી એવી એક અનવસ્થા ગુજરાતના સાહિત્યપ્રતિષ્ઠાનમાં હતી. એની વચ્ચે, સ્વતંત્રપણે જો કે સ્વાયત્તતા માટેનો અવાજ નહોતો એમ નથી. પણ આ અવાજનું ૨૦૧૫ના એ નિર્ણાયક ગાળામાં પરિષદના અધ્યક્ષ તરીકે ધીરુભાઈએ પ્રગટ સમર્થન કર્યું એમાં એમનું જે વિત્ત પ્રગટ થયું તે લાંબો સમય યાદ રહેશે. આ વાનું જેમ ઇતિહાસદર્જ છે તેમ એમાં સાથેનાઓ અને પછીનાઓ માટે દાયિત્વબોધ પણ રહેલો છે.
અલવિદા ધીરુભાઈ !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16