ભારતમાં ક્યારે ય પ્રી–સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. દેશ આખાને આવરી લેતો ભય–આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી?
જન્મ : 21-7-1911 — મૃત્યુ : 19-12-1988
હમણાં જ ઉમાશંકર જયંતી (21 જુલાઈ) ગઈ. થાય છે, એ નિમિત્તે પચાસ વરસ પરના એમના રાજ્યસભાના વક્તવ્યને જરી સંભારી લઉં. કટોકટીની જાહેરાત પછી સંસદ મળી ત્યારે થયેલી ચર્ચા દરમ્યાન એમણે વિચારો વ્યક્ત કરવાની તક 22મી જુલાઈએ ઝડપી હતી. જોગાનુજોગ, 21મીએ જ ચંડીગઢના જેલવાસમાંથી જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી જોગ પત્રમાં પોતાની ભૂમિકા દો ટૂક શબ્દોમાં મૂકી હતી. આ પત્ર અને એ વક્તવ્ય બેઉમાં આર્ત પુકાર અને સ્પષ્ટ કથનનું દર્શન થતું હતું.
કેમ કે તેઓ ઉપલા ગૃહમાં બોલી રહ્યા હતા, ઉમાશંકરે ગૃહમાંના વડેરાઓને ય વિશેષ રૂપે સંબોધવાની તક ઝડપી હતી, પણ એની વાત ઘડીક રહીને. વક્તવ્યના પૂર્વાર્ધમાં એમણે કહ્યું હતું :
‘ભારતમાં ક્યારે ય પ્રી-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય-આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી? … આ છે સત્યનો ભય ને તે એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે. બીજા કશા કરતાં પણ આ બાબતે દુનિયાના દરબારમાં દેશને માથે કાળી ટીલી તાણી છે.’
આ સન્માન્ય ભવન મારફતે મારે પ્રધાન મંત્રીને વિશેષ રૂપે એ વાત પહોંચાડવી છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં આ દેશ જ્યારે ધૂળ સોતો ગરીબીમાંથી ઊઠવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પણ દેશની દુનિયાના દરબારમાં આબરૂ હતી. એનું મસ્તક ઉન્નત હતું. જવાહરલાલે પોતાના પુસ્તક ‘દુનિયાના ઇતિહાસની ઝાંખી’ને અંતે તમામ શુદ લખતી વેળા ટાગોરના નીચેના શબ્દો ટાંક્યા હતા :
‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર …’- જ્યાં મન ભયથી સર્વથા મુક્ત છે … એવા સ્વર્ગમાં હે પ્રભુ મારા દેશને જાગૃત કર!’
વક્તવ્યના ઉત્તરાર્ધમાં ઉમાશંકરે ‘એલ્ડર સ્ટેઈટ્સમેન’ને વ્યાસનાં વચનો સંભારી ઠમઠોર્યા હતા :
‘ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા:,
ન તે વૃદ્ધા: યે ન વદન્તિ ધર્મમ્.’
‘- જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી અને ખરી વાત – ધર્મની વાત ન બોલે તે વૃદ્ધો નથી. હું પૂછું છું કે ભારતની લોકશાહી માટે તમે શું કર્યું? તમે પ્રધાન મંત્રી પાસે ગયા છો ને એમને કહ્યું છે કે અમારું જે થવાનું હોય એ થાય, પણ અમારા આ વિચારો દૃઢ છે …’
‘શાસક પક્ષને અને એમના નેતાને મારી એક જ અપીલ છે : આ લોકતંત્રીય પ્રથમ પ્રજાસત્તાક (ફર્સ્ટ રીપબ્લિક) ઉપર પરદો પાડી દેવાની ઉતાવળ રખે કરી બેસતા!’
રાજ્યસભામાં અપાયેલા આ અંગ્રેજી વક્તવ્યનો ચુનીભાઈ વૈદ્યે કરેલો ગુજરાતી અનુવાદ ત્યારે ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયો હતો અને ‘સમયરંગ’(1978)માં તે સહેજસાજ સુધારા સાથે ઉમાશંકર જોશીએ સમાવ્યો હતો.
ઉમાશંકર અને બીજા બચ્યાખૂચ્યા ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યા હશે એ જ દિવસોમાં, 21મી જુલાઈએ જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. (ચંડીગઢના આ મિસાબંદી વિશે, પાછળથી, નવેમ્બર 1975માં ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં લખ્યું હતું : ‘શ્રી જયપ્રકાશને શું જોઈએ છે? કોઈ પણ પદ માટે એમણે જીવનભરની અનિચ્છા પ્રગટ કરેલી છે. ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો ત્યારે એ પરાણે બહાર આવ્યા. લોકોનું કંઈક કરવા અને ભ્રષ્ટાચાર ટાળવા માટે એમને આકાશ પણ જોવા ન મળે એ રીતે પૂરી દેવાની જરૂર હતી? બુદ્ધ અને મહાવીરની ભૂમિમાંથી પ્રગટેલા આ નિ:સ્પૃહ કરુણાસંપન્ન મહાનુભાવનું સ્વાસ્થ્ય જલદી સુધરે તે માટે પ્રાર્થના કરીએ.’)
હવે થોડું, જયપ્રકાશના 21મી જુલાઈના પત્રમાંથી. સામાન્યપણે ‘પ્રિય ઇન્દુ’ને લખાતો પત્ર ‘પ્રિય વડાં પ્રધાન’ને સંબોધીને લખાયો છે :
‘તમારી વાતચીત અને વક્તવ્યોના હેવાલો અખબારોમાં જોઈ મનને આઘાત પહોંચે છે …’
‘તમે જે વાત સતત રટ્યાં કરો છો તેનું ધ્રુવપદ મારા જાણવા પ્રમાણે આ છે કે સરકારને ખોટકાવી નાંખવા માટે એક કાવતરું ઘડાયું હતું … વાત વાતમાં તમે બીજાં પણ કેટલાંક સૂત્રો ફંગોળતાં રહ્યાં છો. દા.ત. લોકશાહી કરતાં રાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે …’
ના જી. વડાં પ્રધાન, સરકારને ખોટકાવી નાખવાની કોઈ યોજના નહોતી … તા. 25મી જૂને … મારા ભાષણનો જે મુખ્ય સૂર હતો … એ યોજના પ્રમાણે, તમારા કેસનો ચુકાદો આવી જાય ત્યાં સુધીને માટે તમારે પદાધિકાર છોડી દેવો. એની માગણીના ટેકામાં તમારા નિવાસસ્થાનની સામે રોજ કેટલાક લોકો સત્યાગ્રહ કરવાના હતા … અને તે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા સુધી જ … બીજા બધા જ માર્ગો બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં નાગરિક પાસે સવિનય કાનૂનભંગનો અવિચ્છેદ અધિકાર રહે છે. અને કહેવાની જરૂર નથી કે એમ કરવા જતાં સત્યાગ્રહી કાયદેસરની શિક્ષાને જાણી જોઈને પોતા પર નોતરે છે અને સ્વીકારે છે …
‘… તમે જાણો છો કે હું તો પાકેલું પાન છું … ભણતર પૂરું થયા બાદ મેં મારું સમગ્ર જીવન કશા પણ બદલાની આશા વગર રાષ્ટ્રને ચરણે ધર્યું છે. એટલે હવે તમારા રાજછત્રમાં એક કેદી તરીકે મરીશ તોયે મને સંતોષ છે.’
‘આવા એક જણની સલાહ કાને ધરશો? આ રાષ્ટ્રના પિતાએ તથા સાથે તમારા મહાન પિતાએ પણ જે પાયાઓ નાખ્યા છે એનો નાશ ન કરશો …’
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 જુલાઈ 2025