સ્મરણાંજલિ
શોષણયંત્રણા સામે મજબૂત અવાજ
અગ્રવર્ગની ધરાર હિસ્સેદારીથી નિરપેક્ષપણે કથિત ભ્રષ્ટાચારી કારકિર્દી આવે વખતે ધસમસતી સાંભરી આવે છે, પણ ખૂનામરકીની રાજનીતિથી ઉફરાટે લોકશાહી પ્રક્રિયામાં ભળી શકવાની સ્વરાજસંક્રાંતિ ભદ્રવર્ગને પલ્લે પડતી નથી.

પ્રકાશ ન. શાહ
ઝારખંડ જોધ્ધા શિબૂ સોરેનને જોહાર પાઠવવાની ક્ષણે કમબખ્ત પહેલા જેવી જે યાદ ઊભરી આવી તે 1993માં નરસિંહ રાવની લઘુમતી સરકારને બચાવવા સબબ થયેલી લેતીદેતીની હતી. નહીં કે આ યાદ ખોટી હતી, પણ અણી વેળાએ એનું આગળ પડતું ઊબરી આવવું, ઇતિહાસની પ્રક્રિયા અને મુખ્ય પ્રવાહની રીતે જોતાં બેલાશક માત્ર બહારનું હતું.
એની બધી મર્યાદાઓ સાથે શિબૂ લડ્યા ને ઝૂઝ્યા હતા એ તો આદિવાસીને સારુ ન્યાયને વાસ્તેઃ ઝારખંડનું રાજ્ય બની આવ્યું એની પૂંઠે, એક રીતે, સ્વરાજની બાકી ને ચાલુ લડાઈનો આવડ્યો એવો ધક્કો હતો. નવમી ઑગસ્ટને સામાન્યપણે આપણે સન બયાલીસના ક્રાંતિ દિવસ તરીકે યાદ કરીએ છીએ, અને એક પ્રેરક ઇતિહાસવિગત તરીકે એ ખોટું પણ નથી. પણ હમણેનાં વરસોમાં આ દિવસ આદિવાસી દિવસ તરીકે વ્યાપકપણે ઉજવાતો થયો છે. બે નવમી ઑગસ્ટની આ જોડકતા, કંઈક અજોડ છે, કેમ કે ‘ક્વિટ ઇન્ડિયા’ની અનુઘટના સ્વરાજ નીચે લગી ઝમે તે સ્તો હોવી જોઈએ.

શિબૂ સોરેન
આ પ્રક્રિયા સર્વસરલ ને સહજ સંભવ તો ક્યાંથી હોય? ઝારખંડને, વેડછી પંથકને જેમ ગાંધીસરકાર પ્રતાપે જુગતરામ મળ્યા એવું તો સૌના નસીબમાં નયે હોય. છતે સ્વરાજે મહાજની પ્રથા તળે ને શાહુકારી-સરકારી સહિયારાં તલે દબાતાંજીતવાં ‘જીવતર વચાળે ન્યાયનો રસ્તો કદાચ હિંસક જ હોઇ શકતો હતો. સોરેન ને સાથીઓ તે રીતે લડ્યા ઝગડ્યા અને સ્થાપિત કાયદાની દૃષ્ટિએ બેલાશક તેઓ ગુનાઇત પૈકી ઠર્યા. પણ એમના પંથકને કે.બી. સક્સેના, કિચિંગ્યા અને લક્ષ્મણ શુકલ જેવા અધિકારીઓ મળી રહ્યા જેમણે સામાન્ય સંજોગોમાં જે પ્રાયોજિત એન્કાઉન્ટરનું કથિત કાનૂની સુખ અને મુક્તિ પામ્યા હોત એ શિબૂ સોરેનને ગુનો કબૂલ કરી તાબે આવવા સારુ પ્રેર્યા ને શીર્ષ સત્તાસ્થાનેથી તે માટે સહુલિયત કરી આપી. આદિવાસી ઇલાકાને જમીન પરના તળ અધિકારી સહિતની સોઈ મળી રહે તે માટે સંઘર્ષ સારુ સુવાણની આથી ‘એક ભૂમિકા બની રહી. ઇંદિરા ગાંધીનો કાર્યકાળ એને અંગે ઇતિહાસનિમિત બન્યો અને આગળ ચાલતાં ઝારખંડનું અલગ રાજ્ય શક્ય બન્યું.
ઝારખંડ મુક્તિ મોરચાની ચળવળ, એમાં જેમ એક છેડેથી સોરેનનું અર્પણ તેમ બીજે છેડેથી ધનબાદના કોલસા કામદારોના યુનિયને ખ્યાત, માર્કસીય મૂળના એ.કે. રોય તો આ જ વિસ્તારના બિનઆદિવાસી એવા કુર્મી વંચિતો વચ્ચેની બિનોદ બિહારી મહતો સરખાની કામગીરી પણ સંભાળશે.
આવું સમગ્ર ચિત્ર લક્ષમાં લેતાં શુ સમજાય છે? કોરીધાકોડ તપસીલ વાંચીએ શિબૂ હસ્તકની કથિત હત્યાઓની કે નાગરિક શાંતિનો ભંગ કરતી હિંસક હિલચાલોની, તો એક ભારતીય નાગરિક તરીકે આપણને ભાગ્યે જ કળ વળે. પણ જ્યારે સમજાય કે વાસ્તવિક અન્યાય, હાડમાં પે’ધેલ ગેરબરાબરી, આજન્મ શોષણયંત્રણા સામે લડવાની વાજબી કોશિશ માથાં ભાંગવાની જૂની પરંપરાથી ઊંચે ઊઠી, વંડી ઠેકી ‘એક માથું – એક મત’ની શાંતિમય પ્રક્રિયાના સ્વરાજ પ્રવાહમાં પ્રવેશી રહી છે. ત્યારે કેવું મોટું ગુણાત્મક પરિવર્તન આકાર લઈ રહ્યું છે એ પકડાય.
કબૂલ કે પરિવર્તનના આ ઝંડાબરદારોને નામે ખૂનો બોલે છે, પણ ઊલટ પક્ષે રાજ્ય પોતે સ્થાપિત સંસ્થીકૃત હિંસા હોઈ શકે એ સંજોગોમાં આવું બધું કદાચ દુર્નિવાર પણ હોવાનું. જંગલમાંથી આવે તે જંગલી એવી આપણી ‘નાગરી’ સમજને આ બધું ઝટ પમાતું નથી એટલે ચાલુ પ્રવાહમાં આવ્યા પછી એમના ભ્રષ્ટાચારો આપણને ટીકા વાસ્તે ઝટ જડે છે. ભાઈ, એમના ભ્રષ્ટાચારો આપણે જે નાગરી સ્થાપિતો, એમની હિસ્સેદારીમાં સ્તો હોય છે.
વારુ. શિબૂને જોહાર પાઠવતી વેળાએ આ લગરીક પણ ઇતિહાસવિવેક કેળવી શકીએ તો બને કે સ્વરાજે નવમી ઑગસ્ટ(1942)થી આરંભી પંદરમી ઑગસ્ટ (1947) એ ય નહીં અટકતાં છવ્વીસમી જાન્યુઆરી(1950)ની સીમાઘટનાને લાંઘી હજુ જે લાંબો પંથ કાપવાનો છે એને માટે સંબલ મળી રહેશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ઑગસ્ટ 2025