સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ : મુખ્ય ધારાનાં આંદોલનોથી એકંદરે ઉફરો ચાલી આજે નવી દિલ્હીમાં સત્તારૂઢ થઈ રહ્યો છે
સોમવારે નવી દિલ્હીમાં નમો મંત્રીમંડળ શપથ લેશે તે સાથે દેશની સંસદીય તવારીખ એક કરવટ લેશે : સ્વતંત્ર ભારતમાં પહેલી જ વાર કોંગ્રેસ સિવાયનો કોઈ પક્ષ પેલા જાદુઈ આંકડાને વટી જઈ સત્તારૂઢ થઈ રહેલ છે. આ કરવટ અગર મોડનું ચોક્કસ ઇતિહાસમૂલ્ય એ વાતે પણ છે કે સામાન્ય રીતે કોંગ્રેસ અથવા કોંગ્રેસકુળની ધારામાં આવતીજતી સરકારો કરતાં એનું ગોત્ર જુદું છે. મોરારજી દેસાઈ જનતા પક્ષના નેતા છતાં એ હાડના તો હતા કોંગ્રેસમેન જ. બિલકુલ વલ્લભભાઈની પેઠે. બલકે, વાજપેયીની એન.ડી.એ. સરકાર પણ ઠીક ઠીક પ્રમાણમાં લોહિયા-જેપી લાભાર્થીને નાતે રાષ્ટ્રીય ચળવળના પ્લેટફોર્મરૂપ કોંગ્રેસ ધારામાં જ હતી. એ રીતે નમો સરકાર એક નવઘટના છે.
સંઘ પરિવારનાં પોતીકાં અખિલ હિંદ પત્રો “ઓર્ગેનાઈઝર” અને “પાંચજન્ય”ના તાજા અંકો જોતાં આ મુદ્દો એકદમ જ ઊઘડી આવે છે. “ઓર્ગેનાઈઝરે” એના પ્રમુખ વૃત્તાંત ઉર્ફે કવર સ્ટોરીમાં નિરૂપ્યું છે કે 'સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના સુદૃઢ પાયા ઉપર સામથ્ર્યશાળી અને સમૃદ્ધ રાષ્ટ્રીય પુનર્ઘટન’ના આશયથી આ ચૂંટણીમાં સંઘે પૂરું જોર લગાવ્યું હતું. જેમ યુ.પી.એ.નું રિમોટ કન્ટ્રોલ ૧૦ જનપથ કહેવાતું રહ્યું છે તેમ ભા.જ.પ.-એન.ડી.એ.નું રિમોટ કન્ટ્રોલ નાગપુર હોવા વિશે આ દિવસોમાં ટીકાટિપ્પણ થતાં રહ્યાં છે. “પાંચજન્ય”ના એક લેખમાં આ મુદ્દાની ચર્ચા અને ખુલાસો જોવા મળે છે. ભારતીય જનતા પક્ષના સૌ ચૂંટાયેલા સાંસદોનું ત્રિવિધ દાયિત્વ અથવા ઉત્તરદાયિત્વ બને છે. એક તો, સંસદ પરત્વે. બીજું, પ્રજાની અપેક્ષાઓ પરત્વે. અને ત્રીજું દાયિત્વ રાષ્ટ્ર પરત્વે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વસ્તુત: રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. એ અર્થમાં, ભા.જ.પ.ના સૌ સાંસદોનું સંઘ પરત્વે ચોક્કસ ઉત્તરદાયિત્વ છે.
“ઓર્ગેનાઈઝર” અને “પાંચજન્ય”ની આ ટિપ્પણીઓ સ્વયંસ્પષ્ટ છતાં કેટલીક ચર્ચા જરૂર માગી લે છે. પરંતુ, એમાં જઈએ તે પહેલાં બંને પત્રોમાં સંઘના સિદ્ધાંતકોવિદ મા.ગો. વૈદ્યના લેખમાં થયેલી ચર્ચા પણ જરી ઉતાવળે જોઈ જવા જોગ છે. એમણે કહ્યું છે કે અમે (સંઘ પરિવાર) વીરપૂજામાં – કોઈ એક વ્યક્તિની પ્રશસ્તિ પરત્વે કુંડાળું બાંધવામાં – નથી માનતા. એ જ રીતે અમારે ત્યાં કોઈ રિમોટ કન્ટ્રોલને પણ સ્થાન નથી. બધું નમો પરત્વે કેન્દ્રિત હોવાની અને નાગપુરની સીધી હિસ્સેદારી બલકે લગામ હોવાની જે છાપ આ દિવસોમાં ઉપસી છે એની વચ્ચે વૈદ્યનો પ્રસ્તુત લેખ એક જુદી કોશિશ જરૂર દાખવે છે. પણ, બીજી બાજુ, સંઘ એટલે જાણે રાષ્ટ્ર એવો જે ભાવ અલબત્ત છૂટ લઈને આ જ પાનાંઓમાં પ્રગટ થયો છે અને એ અર્થમાં એના 'રિમોટ કન્ટ્રોલ’ની સંભવિત ભૂમિકા આગળ કરાઈ છે તે પણ સાચું છે.
તો, સંઘની નાભિનાતાપૂર્વકની ભૂમિકા અને 'સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ’ એ બે એવાં વાનાં છે જે આગલી સરકારો કરતાં આ સરકારને વિચારધારાગત જુદી બુનિયાદ પર મૂકી આપે છે. નમોના નેતૃત્વ અને વ્યક્તિત્વનો મુદ્દો પણ બેલાશક છે જ. જ્યારે આ રીતે જોઈએ ત્યારે આખી ચર્ચા નકરાં કોંગ્રેસ-ભા.જ.પ.થી હટીને એક ઓર વિશાળ ફલક પર મુકાય છે. ખબર નથી, કેટલાં ગરવા ગુર્જરોને અંદાજે અહેસાસ ('ફાઈન ફીલ’ તો દૂરની વાત થઈ) હશે એ વાતનો કે નવી સરકાર રચાશે એના આગલા દિવસે (રવિવાર, ૨પ મેના રોજ) ગાંધીએ અમદાવાદ સ્થાપેલ આશ્રમ નવ્વાણું વરસ પૂરાં કરી સોમા વરસમાં પ્રવેશશે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન જે મુખ્ય ધારા ઊભરી એના પ્રકર્ષરૂપ ગાંધીઘટના હતી. કથિત સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ એને સમાંતર વિકસી, મુખ્ય ધારાનાં આંદોલનોથી તેમ ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીનાં પ્રધાન સંચલનોથી એકંદરે ઉફરો ચાલી આજે નવી દિલ્હીમાં સત્તારૂઢ થઈ રહ્યો છે.
વીસમી સદીનો પહેલો દસકો ઊતરતે, દક્ષિણ આફ્રિકાની લડતના નેતા મો.ક. ગાંધી અને ક્રાંતિકારી તેમ હિંદુત્વચિંતક વિ.દા. સાવરકાર વચ્ચે લંડનમાં મુલાકાત થઈ તે સાથે કેમ જાણે બે અલગ અભિગમ આપણી સામે આવ્યા છે. એક અભિગમ ગાંધીનો છે, જેની દક્ષિણ આફ્રિકી લડતને બુઢ્ઢા ટોલ્સટોયે એમ કહીને બિરદાવી છે કે ખૂણે પડેલા એક અંધારા મુલકને તમારી લડતે નવી દુનિયાના કેન્દ્રમાં મૂકી આપ્યો છે. ૧૯૦૬માં સત્યાગ્રહ વિચારના સૂત્રપાત સાથે આગળ ચાલી ગયેલા ગાંધીનો સંદર્ભ વિશ્વમાનવતાનો છે. સાવરકર રાષ્ટ્ર-રાજ્યમાં બદ્ધ અને જૂના સશસ્ત્રવાદના આચાર્ય છે.
બીજી પાસ, તમે વિકાસની વિચારણા અને અવધારણા લો. રંજ અને રમૂજ પ્રેરતું ચિત્ર એ છે કે નરસિંહરાવ અને મનમોહનસિંઘની નવી આર્થિક નીતિના લાભાર્થીઓ હાલનાં નવાં વરઘોડિયાંના જાનૈયા થઈ મહાલે છે ભગવતીનો તો સવાલ જ નથી. એમના મુકાબલે શિક્ષણ અને સ્વાસ્થ્ય આદિ સેવાઓ થકી નાગરિકની ક્ષમતાઓ વિકસાવવા માટેનો અમર્ત્ય સેનનો આગ્રહ જરૂર આગળ જાય છે. પણ દેશના સમાજવાદી આંદોલને ગાંધીવિચાર અને લોકશાહી સમાજવાદના સાર્થક સંધાનરૂપે વિકસાવેલો પંચમઢી અભિગમ કદાચ આજના દિવસોમાં વધુ જરૂરી છે. લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે નવી દિલ્હીમાં થયેલા સત્તાપલટા નિમિત્તે દ્વિપક્ષ પ્રથા કે કોંગ્રેસનો અવેજ એવી ચાલુ ચર્ચાએ નહીં ગંઠાતાં વધુ ઊંડાણથી વિચારવું જોઈશે.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 24 મે 2014)
![]()


પહેલ ઘણું કરીને નર્મદનગરી સુરતે કરી, અને હવે તો દલપતનગરી અમદાવાદ પણ એ દિશામાં ઉદ્યુક્ત દીસે છે : મ્યુિનસિપલ ર્કોપોરેશન વરસોવરસ રાષ્ટ્રીયસ્તરના પુસ્તકમેળાનું આયોજન કરે છે અને એ દિવસો સાહિત્યિક કાર્યક્રમોથી ય ભરેલા હોય છે. કવિઓના સ્વર અને ખાણીપીણીનાં વ્યંજનની જુગલબંદી પણ જનસાધારણની દૃષ્ટિએ ઠીક જ હોય છે. અમદાવાદે ગયે વરસે જો મુનશીને વિશેષરૂપે સંભાર્યા હતા તો ઓણ પુસ્તકમેળાનું વિશેષ વસ્તુ આપણા સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર અને સર્જક મનુભાઈ પંચોળી-દર્શકનું છે. ગયું વરસ જો કનૈયાલાલ મુનશીની સવા શતાબ્દીનું હતું તો ચાલુ વરસ દર્શકની શતાબ્દીનું છે.