
પ્રકાશ ન. શાહ
જે.પી. આંદોલન અને કટોકટીની પચાસીના આ દોરમાં બિપિન શ્રોફ અને અશ્વિન કારીઆ આદિ સાથીઓની પહેલથી જસ્ટિસ વિ.મ. તારકુંડે કૃત ‘રેડિકલ હ્યુમેનિઝમઃ સ્વાતંત્ર્ય અને લોકશાહીની ફિલસૂફી’નું નવસંસ્કરણ પ્રાપ્ત થઈ રહ્યું છે, એ સુભગ જોગાનુજોગ છે. જોગાનુજોગ તો, એમ તો, એ પણ છે કે મૂળે આ ગુજરાતી અનુવાદ અમે ચંદ્રકાન્ત દરુ ટ્રસ્ટ મારફતે રમતો મૂક્યો હતો અને અનુવાદક હતા દિનેશ શુક્લ.
કટોકટી સામેના લડવૈયાઓમાં ખાસ કરીને બંધારણીય નૈતિકતા અને નાગરિક સ્વાતંત્ર્યના મુદ્દે તારકુંડેનું નામ અગ્રહરોળમાં લેવાતું રહ્યું છે. કટોકટી સામેની લડતની વૈચારિક ચાલના એમને જે ભૂમિકાએથી મળી હશે એનો ઓછો ખયાલ એમના આ પુસ્તક વાટે મળી રહે છે. એ વર્ષોમાં દિલ્હી સ્થિત તારકુંડે અને અમદાવાદ સ્થિત દરુની ધરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના સંઘર્ષ માટે ભારત આખામાં ધ્યાનાર્હ બની રહી હતી, જેમ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ એ બે તનુકાય પત્રો પણ મસમોટાં છાપાં કરતાં સવિશેષ પ્રભાવક બની રહ્યાં હતાં. સેન્સરશિપની ઇંદિરાઈ જાહેરાતને અંગે તારકુંડેએ તૈયાર કરેલી નોંધ, આ મર્યાદાઓમાં રહીને પણ કેટલું કેટલું છાપી શકાય છે તે દર્શાવતી હતી. જો કે, છાપાંને એનો ખાસ ખપ નયે હોય … અને હા, સરકારી તંત્ર પણ પોતાના હુકમની મર્યાદામાં રહેવા સારુ ત્યારે ક્યાં બંધાયેલું હતું?

વિ.મ. તારકુંડે
આ લખતાં સાંભરે છે કે બરાબર એપ્રિલ 1974માં જ જયપ્રકાશ નારાયણની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં જનતંત્ર સમાજ(સિટિઝન્સ ફોર ડેમોક્રસી- સી.એફ.ડી.)નું સ્થાપના સંમેલન મળ્યું હતું અને લોકશાહી મૂલ્યો ને પ્રક્રિયાનાં સંગોપન ને સંવર્ધનની ચિંતા ફરતે ચર્ચા કરી હતી.
દેશના જાહેર જીવનની રીતે 1974માં એક નિર્ણાયક મોડ પરની એ બીના હતી. 1974નાં આરંભનાં અઠવાડિયાં નવનિર્માણનાં હતાં. પરિવર્તનની રાજનીતિમાં ખાસી સ્થગિતતા અનુભવતા જયપ્રકાશને યુવા ચેતનામાં કંઈક પ્રકાશ વરતાયો ન વરતાયો ત્યાં તો બિહારમાં છાત્ર ઉદ્રેક પરત્વે દમનરાજના સંદર્ભમાં એમણે સીધી જવાબદારી લેવાની આવી. ‘આફ્ટર નેહરુ, હુ?’ આ પ્રશ્નના ઉત્તરમાં વખતોવખત સંભારાતા રહેલા જયપ્રકાશે સત્તાના સીધા રાજકારણથી કિનારો કરી લોકકારણમાં ઝંપલાવ્યું હતું, અને દેશમાં સંઘર્ષને બદલ કોન્સેન્સસ કહેતાં એકંદરમતી માટેની કોશિશમાં સાર્થકતા જોઈ હતી.
ગુજરાતના છાત્રોને અને સર્વોદયના સાથીઓને મળ્યા પછી પટણા પાછા ફરતાં પૂર્વે પણ એમણે દિલ્હીમાં વડા પ્રધાન ઇંદિરા ગાંધી સાથે ઠીક સમય ગાળ્યો હતો, એકંદરમતીભર્યા ઉકેલની ખોજમાં … પણ, દરમ્યાન, માર્ચમાં પટણા જે રીતે ભડકે બળ્યું, સમીકરણનું બદલાવું કદાચ દુર્નિવાર હતું.
જો કે વાત આપણે એપ્રિલ 1974ની કરતા હતા. જનતંત્ર સમાજના સંમેલનમાં ભાગ લઈ દરુ પાછા ફર્યા કે તરત અમે એમને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્રમાં, રસ ધરાવતા સૌને સંબોધવા તેડ્યા. ફેબ્રુઆરીની જે.પી. મુલાકાત પછી શાંતિ પ્રતિષ્ઠાન ત્યારે એક નર્વ સેન્ટર તરીકે ઉભરી રહ્યું હતું. બીજી પાસ, સંઘર્ષને અનિવાર્ય લેખવા માંડેલા અમે લોકો જનતંત્ર સમાજ તરેહની પ્રવૃત્તિને વકાલતી વ્યાયામની જેમ જોતા અને તે અમને આકર્ષતી નહીં. દરુ સાથેની ચર્ચાથી સમજાયું કે આ કોઈ સ્કિન-સેવિંગ મંડળી નથી, પણ લાંબી લડતના અનુસંધાનમાં નાગરિક અધિકારોની ઉપયોગિતા અને કાનૂની કવચની રીતે પરિવર્તનની રાજનીતિમાં માનનારી મંડળી છે.
કરવટ લઉં લઉં તવારીખમાં એક મોટો અવરોધ એ હતો કે ઇંદિરાજી 1974ના માર્ચની 15મીએ ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું તે પછી ક્યાં ય સુધી ચૂંટણી ટાળતાં જ રહ્યાં. ખાસું એક વરસ રાહ જોઈ મોરારજીભાઈએ અનશન પર જવાનું નક્કી કર્યું. અને એમની વય ને તબિયતનો ખયાલ રાખી વડા પ્રધાને ગૃહ પ્રધાન ઉમાશંકર દીક્ષિત ને મોરારજી દેસાઈની મુલાકાત યોજી ગુજરાતમાં જૂનમાં ચૂંટણી આપવાનું સ્વીકાર્યું તેમ મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ (એમ.આઈ.એસ.એ. કહેતાં મિસા)નો રાજકીય ઉપયોગ નહીં કરવાની બાંહેધરી પણ આપી.
દરમ્યાન, પક્ષ-અપક્ષ સૌ મળીને જે.પી. આંદોલનની આબોહવામાં લોકસંઘર્ષ સમિતિ રચાઈ ચૂકી હતી અને એના ઠરાવ સાથે જનતા મોરચો અસ્તિત્વમાં આવ્યો હતો. 1977માં રચાનારી જનતા પાર્ટીનો એ અગ્ર સંકેત હતો, અને કહેવું હોય તો કહી શકાય કે સ્વરાજપૂર્વ કાઁગ્રેસ શો એ સુખાભાસ પણ હતો.
બારમી જૂને ગુજરાત વિધાનસભાનાં પરિણામોમાં જનતા મોરચો, કંઈક મોચવાતો પણ આગળ હતો. એ જ તારીખે અલાહાબાદ હાઈકોર્ટનો એ શકવર્તી ચુકાદો પણ આવી પડ્યો કે ચૂંટણીમાં ગેરરીતિ સબબ ઇંદિરાજી સાસંદ તરીકે ગેરલાયક ઠરે છે. આનો પ્રતિભાવ શો, ક્યારેક વિગતે વાત કરીશું. અત્યારે તો એટલું જ કહેવું બસ થશે કે ‘ઇંદિરાજી ઈઝ ઇન્ડિયા’ જેવા એકાધિકારશાહી સ્તુતિગાન વચ્ચે સત્તા-સમીકરણવશ ઇંદિરાજીએ આ વરસમાં જાહેર કરવામાં ઉગાર જોયો. પચાસીના આ વરસમાં વખતોવખત, પ્રસંગોપાત એની વિગતોમાં જઈશું, જરૂર જઈશું. પણ અહીં એટલું જ સંભારીએ કે ત્યારે ગુજરાત અને તમિલનાડુ (અનુક્રમે બાબુભાઈ જશભાઈ અને કરુણાનિધિના નેતૃત્વમાં) સ્વાધીનતાના ટાપુ બની રહ્યાં.
કવચિત અને સંકલન સમિતિરૂપે બાબુભાઈના ગાંધીનગરના નિવાસસ્થાને મળતા – શો જોગાનુજોગ! નિવાસમાં પ્રવેશતાં જ અશ્વમેધના ઘોડાને રોકતા લવકુશ નજરે પડતાઃ અમને એમાં બાબુભાઈ ને કરુણાનિધિ, ગુજરાત ને તામિલનાડુ દેખાતા.
જૂન 1975 પછી આવી એક બેઠકમાં, દરુએ બાબુભાઈને કહ્યું તારકુંડેએ અમદાવાદમાં રાષ્ટ્રીય સ્તરની નાગરિક સ્વાધીનતા પરિષદ યોજવા પુછાવ્યું છે. એ અવશ્ય હોય જ, આપણે ત્યાં જ હોય, આ નિર્ણય પર આવતા બાબુભાઈની આગેવાનીમાં અમે ત્રીસ જ સેકંડ માત્ર લીધી હતી.
ઓક્ટોબર 1975ની એ પરિષદને ગુજરાત ઓક્ટોબર 2025માં સંભારશે?
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઍપ્રિલ 2025