સરસંઘચાલક મોહન ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો પછી, ભલે કેવિયટનુમા અંદાજમાં પણ, એક આશાઅપેક્ષા જરૂર જાગી હતી કે સંઘ પરિવાર પોતાની વૈચારિક ભૂમિકા વિશે કંઈક નવેસર જોશે. જો કે, એ વ્યાખ્યાનોમાં પણ એક પા જો ગોળવલકરના વિચારો પણ કાલબાહ્ય હોઈ શકે એવા અહેસાસની અનુમોદના હતી તો બીજી પા રવીન્દ્રનાથ કૃત ‘સ્વદેશી સમાજ’ સરખા પ્રબંધમાંથી સમર્થન ઘટાવવાની કંઈ નહીં તો દૂરાકૃષ્ટ એવી ચેષ્ટા સુદ્ધાં હતી : ગમે તેમ પણ, આ વ્યાખ્યાનો પછી એવા અનુમાનને અવશ્ય અવકાશ હતો કે સંઘ પરિવારના પત્રોમાં પણ એની ચર્ચા ચાલશે અને એકાદ મહિનામાં અંદરબહારની સર્વ ચર્ચાને અંતે વિજ્યાદશમી વ્યાખ્યાનમાં અધિકૃત એવી પુનર્વિચાર ટિપ્પણી મળશે. એક રીતે, વિવેકાનંદના શિકાગો વ્યાખ્યાનની એકસો પચીસી નિમિત્તે અમેરિકામાં સંઘ આયોજન, એ પૂર્વે પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નાગપુર મુલાકાતમાં કરેલી માંડણી અને વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો, સઘળું સમેટાઈ નવે ટપ્પે જવું હોય તો તે માટેની સંધિ વિજ્યાદશમી વ્યાખ્યાનમાં મળી રહેશે એવી અપેક્ષા હતી.
અહીં મોહન ભાગવતના વિજ્યાદશમી ઉદ્દબોધનના સળેસળ તપાસવામાં નહીં જતાં સાર રૂપે એટલું જ કહીશું કે બાબરીધ્વંસથી ખુલ્લી થયેલી ભૂમિ પર ભવ્ય રામમંદિરનો પથ જરૂરી કાયદાથી પ્રશસ્ત કરવાની એમની તાકીદ, સમગ્ર વિજ્ઞાન ભવન વ્યાયામને બેમતલબ બનાવી મેલે છે. વસ્તુતઃ અયોધ્યામાં એક ચોક્કસ ચુકાદો આવેલો છે, અને એને અંગે અપીલ પર ૨૯મી ઑક્ટોબરથી કારવાઈ શરૂ થઈ રહેલ છે. તે વખતે અબી હાલ નવા કાયદાની આ જિદ, મે ૨૦૧૯ના માંડ છ મહિના પહેલાં થાય તે શું સૂચવે છે? દેખીતી રીતે જ, ૨૦૧૪ પછી વિજ્યાદશમી વ્યાખ્યાનમાં જે વિષયને સ્પર્શ નહોતો કરાયો તેને ૨૦૧૯ની પૂર્વસંધ્યાએ સહસા ઉગામવામાં આવ્યો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મોદી મંત્ર ખાલી ખખડતો માલૂમ પડે છે ત્યારે, વિકલ્પે, કોમી તનાવ અને ધ્રુવીકરણની જુગજૂની ફોર્મ્યુલા અજમાવી સરસંઘસંચાલક ભીષ્મવત્ ચેષ્ટાપૂર્વક ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય વાસ્તે કન્યાહરણના ધર્મકૃત્યથી પ્રેરાઈ રહ્યા જણાય છે. સરસંઘચાલક રામ મંદિરનો મુદ્દો આ ક્ષણે ઉછાળે તે સાથે એક કાંકરે બે પંખી પર નિશાન સધાય છે : ભા.જ.પ. સાથે વ્યૂહાત્મક વિરોધઅંતર દર્શાવવા સારુ શિવસેના જેવા સાથીઓ મંદિરમુદ્દાને આગળ કરવાની કોશિશમાં હોય ત્યારે એમની હવા નીકળી જાય, અને બીજી બાજુ સમાંતર હિંદુ સત્તા તરીકે ઊભરી શકતા પ્રવીણ તોગડિયા વગેરે પાસે પણ કોઈ આગવું વજૂદ રહે નહીં.
પક્ષપરિવાર સાથે સંકળાયેલ પત્રકાર સ્વપન દાસગુપ્તાએ વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો પછી એક ઉદાત્ત હિંદુ એકંદરમતીની સંભાવનાઓ જોઈ હતી, તો તવલીન સિંહે સંઘ પરિવારને મુસ્લિમદ્વેષ બાબતે કળ વળે તે વિશે અનુભવપુત આશંકા વ્યક્ત કરતે છતે પરચક્ર દરમ્યાન જે સંસ્થાનવાદી (કોલોનાઈઝ્ડ) માનસ બન્યું તેને સ્થાને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં નવપરિવર્તનની ભાગવત હિમાયતનું સમર્થન કરવાપણું જોયું હતું.
પણ વિજ્યાદશમી ઉદ્દબોધન સાથે જે સમજાઈ રહે છે તે તો એ કે હમણાં તો વિજ્ઞાન ભવન પહેલ એક પ્રયુક્તિગત મર્યાદામાં જ બદ્ધ છે. ખરું જોતાં, જે આમૂલ પુનર્વિચારની પ્રક્રિયા આ પક્ષપરિવારમાં દાયકાઓથી અવરૂદ્ધ છે તે શરૂ થવાના સંકેતો અપેક્ષિત હતા. પણ હાફ પેન્ટમાંથી ફુલ પેન્ટમાં સમુત્ક્રાન્ત થવા સિવાય કોઈ બીજો સંકેત મળતાં મળશે.
છતાં, પડ્યું ગુણ દે એ પરંપરાગત કોઠાસૂઝને અનુસરીને એક-બે મુદ્દા કલ્યાણકૃત કશું પણ દુર્ગતિ પામતું નથી તે ગીતાવચનના જોરે જરૂર કરવા ઇચ્છું છું. તવલીન જ્યારે સાંસ્થાનિક શિક્ષણથી ઊંચે ઊઠવાની વાત કરે છે ત્યારે એમના ખયાલમાં એટલો એક સાદો મુદ્દો અવશ્ય આવવો જોઈએ કે આ દિશામાંના પક્ષપરિવારના પ્રયાસો અને પ્રયોગો દીનાનાથ બત્રાની વસ્તુતઃ અનારંભ સરખી અને તત્ત્વતઃ પ્રતિગામી ચેષ્ટાથી આગળ વધી શકતા નથી. ઇતિહાસમાં કે બીજી સમાજવિદ્યાઓમાં સમ ખાવા સરખો એક ‘પિયર રિવ્યૂ’ પણ ન ખમી શકે એવી ઉચ્ચસ્તરીય નિયુક્તિઓ તવલીનની ઝીણી નજરમાંથી સોયનાકામાંથી ઊંટ પેઠે પસાર થઈ જાય અને વણજોઈ રહે તે શક્ય ન હોવું જોઈએ.
જો કે, ખરું જોતાં સાંસ્થાનિક માનસની ચર્ચા આવાં છબછબિયાંથી વધુ અંદર ઊતરીને તપાસ માંગી લે છે. રાષ્ટ્રની અને રાષ્ટ્ર-રાજ્યની જે વિભાવના સંઘ પરિવારે અંગીકાર કરેલ છે તે કેવળ અને કેવળ યુરોપીય ભેટ છે. ‘સ્વદેશી સમાજ’ના રવીન્દ્રનાથે અને ‘હિંદ સ્વરાજ’ના ગાંધીએ વિશ્વમાનવતામાં રોપાઈને રાષ્ટ્ર વિશે જે દેશજ અભિગમ વિકસાવ્યો છે એની આ પક્ષપરિવારને કદાચ સુધબુધ જ નથી. ૧૯મી સદીમાં મેઝિનીની બોલબાલા હતી, અને એક છેડે સાવરકર તો બીજે છેડે ગાંધી બેઉએ એની આદરપૂર્વક ચર્ચા કરેલી છે. સાવરકરે એમાંથી જે અતિવાદ ઊંચક્યો તેમાંથી ઊઠતી બૂ હિટલરના જર્મનીની અને મુસોલિનીના ઈટલીની છે. ગાંધીએ મેઝિનીનો ઉલ્લેખ ‘હિંદ સ્વરાજ’માં સમાદરપૂર્વક પણ સંમાર્જનની કાળજી સાથે કરેલો છે.
અહીં લાંબી દાસ્તાંમાં નહીં જતાં દોડતી કલમે ટૂંકમાં એટલું જ કહેવું બસ થશે કે મેઝિનીએ મનુષ્યમાત્રના કર્તવ્ય (ડ્યુટીઝ ઑફ મેન) પર જે ભાર મૂક્યો એને સાવરકરે એક પ્રજા તરીકે (હિંદુઓ તરીકે) કોઈ ‘ધ અધર’ (મુસ્લિમ) પર વિજીગીષુ વૃત્તિ બલકે ‘કિલર ઇંન્સ્ટિંકટ’થી તૂટી પડવા અને સંગઠિત થવા રૂપે ઘટાવ્યું. આંદામાન દિવસોમાં જેલ લાઇબ્રેરીમાંથી મેઝિનીના સમગ્ર સાહિત્યને ઘૂંટીઘૂંટીને વિકસેલી આ સમજ પછીથી રત્નાગીરીમાં નજરબંધ ગાળામાં રચાયેલ ‘હિંદુત્વ’ પ્રબંધમાં ગ્રથિત થયેલી છે. આ પ્રબંધ વીસમી સદીના ત્રીજા દસકાના પૂર્વાર્ધમાં પાકો થયો. એથી ઊલટું, ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ લખતી વેળાએ ગાંધીએ મેઝિનીએ મનુષ્યમાત્રના કર્તવ્ય પર મૂકેલ ભારને, જણે જણે પોતપોતાના પર સંયમપૂર્વક સ્વરાજ સિદ્ધ કરવા રૂપે ઘટાવ્યો.
વાચક જોશે કે સાવરકર (સંઘના પુરોગામી સિદ્ધાંતકોવિદ) આક્રમક ને વિદ્વેષી એવાં સેમિટિક વલણોના હિમાયતી લેખે કોળે છે. વિવેકાનંદને પશ્ચિમમાંથી જે સમર્થ શિષ્યા ને સહકારી મળી રહ્યાં – ભગિની નિવેદિતા – એમણે પશ્ચિમમાં પાંગરેલ ખ્રિસ્તમતની સેમિટિક સંભાવનાઓ નિઃસંકોચ બોલી બતાવી છે. સ્વતંત્ર વિચારક બ્રુનોને ત્યાં બાળી મુકાયો હતો, પણ હિંદુ ધર્મે પોતાના બ્રુનો સાથે આવો કોઈ વ્યવહાર ન કર્યો હોત એમ એમણે અપૂર્વ આત્મીયતાથી કહ્યું છે. નિવેદિતાનાં આ વચનોને આપણે અત્યારનાં મૉબ લિન્ચિંગની સામે મૂકીને ભલે ન તપાસીએ, પણ એક તાત્ત્વિક વાનું લક્ષમાં આવવું જોઈએ ને? તમે જે ક્ષણે હિંદુ ધર્મને હિંદુત્વ નામની રાજકીય વિચારધારામાં ફેરવી નાખી રાષ્ટ્રની વ્યાખ્યા કરો છો તે જ ક્ષણે તમે રાષ્ટ્રની એક સેમિટિક સમજના બંદી બનો છો. તમારો રાષ્ટ્રવાદ આ રીતે યુરોપીય મર્યાદાઓ થકી કોલોનાઈઝ્ડ બની રહે છે. એને સારું પછી (સાવરકરના શબ્દોમાં) ગાંધી એક ‘ક્રેઝી લ્યુનેિટક’ બની રહે છે જે ‘કરુણા અને ક્ષમા જેવા મિથ્યા જલ્પન’માં રાચે છે.
ખરું જોતાં મેઝિનીની ચર્ચા, તિલકની અર્થીને ગાંધીના ખભા સાથે બદલાતી સમજ બાબતે પાછા પડતા તિલકવાદીઓ અને એમના ઓછા ઊતરતા અનુગામી જેવા આરંભિક સંઘ પરિવારીઓ વિશે નવ દાયકા પાછળ જઈને વિગતે ચર્ચા કરવાપણું છે. નમૂના દાખલ, સંઘે દલિત ચળવળ સાથે કદમ પાડતાં તિલકવાદ ખંખેરી નાખ્યો અને ફૂલે-આંબેડકર પ્રબોધન પરંપરાની જરૂરત જોઈ : આ વાસ્તવિકતા એના પુનર્વિચારમાં કેમ પૂરા કદનું સંસ્કારક સ્થાન પામતી નથી? ઊલટું, જે જોવા મળે છે તે તો એ કે સહસરકાર્યવાહ મનમોહન વૈદ્ય સંઘની પોતાની સેમેટિક તાસીર સમજ્યા વગર એવી ટિપ્પણી કરે છે કે અમે કંઈ ગુરુજી ગોળવલકરને નકારી કાઢ્યા નથી અને ગ્લાસનોસ્ત ને પેરેસ્ત્રોઈકા જેવા પરદેશી પ્રયોગો તો સેમિટિક સંદર્ભમાં બંધ બેસે, અમારી બાબતમાં તે વાપરવા બરાબર નથી.
પણ હમણાં તો મોહન ભાગવતે સત્તારમત અને સત્તાગણિતને અગ્રતાવશ ચોક્કસ પવિત્રા લેવામાં સલામતી અને ડહાપણ જોયાં છે : વિજ્ઞાન ભવન ચેષ્ટા એટલા સારુ કે ઉદાર સમર્થન મળી રહે, અને નાગપુર વ્યાયામ એ વાસ્તે કે કોમી દૃઢીકરણ બલકે સુદૃઢીકરણ બરકરાર રહે.
ઑક્ટોબર ૨૮, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 02-03
કાર્ટૂન સૌજન્ય : નિર્મીશભાઈ ઠાકર