સિત્તેરમા પ્રજાસત્તાક વરસમાં પ્રવેશી રહ્યા છીએ અને ગાંધી શ્રાદ્ધ પર્વ તરતમાં બેસવામાં છે ત્યારે રાષ્ટ્રનું ચિત્ર કેવુંક દીસે છે? નમૂના દાખલ, આ દિવસોની એક જ ઘટના લઉં તો સરદારની સ્વયંઊંચી પ્રતિભાને એક હુકમરાનના તરંગબુટ્ટા પ્રમાણે પ્રતિમાએ કરીને ઊંચકવાની જે ચેષ્ટા થઈ એ સાથે આસપાસના આદિવાસી પંથકની ડૂસકાં અને ડુમાની જે દુઃખલાગણી રોકી રોકાઈ નહીં એ આપણી એટલે કે કથિત મધ્યધારા(અને મુખ્યધારા)ના લોકોની નિસબત જ જાણે કે નથી. નાગપુરના પ્લાન બી મુજબનાં નીતિન ગડકરીનાં ઉચ્ચારણો પહેલે પાને, ઊંચે મથાળે કે આગવી ચોકઠા શૈલીએ સતત સુરખીઓમાં માલૂમ પડે છે, એની સામે આવા કંઈકેટલાં ડુમા અને ડુસકાં નાખી નજરે વણનોંધ્યાં વરતાય છે નહીં કે નીતિન ગડકરીની સંઘચાલ કોઈ ચોંપની બાબત નથી; પરંતુ રાજકારી ગણતરીસરની આ બધી હિલચાલોથી દેશજનતાની મૂળ સમસ્યા દબાઈ જાય તે કેમ ચાલે ?
આ પ્રજાસત્તાક દિવસ, આમ તો, એક ઇતિહાસસુવાસે ભારઝલ્લો છે. જવાહરલાલ નેહરુના પ્રમુખપદે કૉંગ્રેસે મુકમ્મલ આઝાદી કહેતાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કીધો ત્યારે દેશભરમાં ૨૬મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ મનાવવાનું એલાન થયું હતું. ત્યાર પછી, સ્વતંત્રતાની સિદ્ધિ ભણી એક નિર્ણાયક સોપાન રૂપ દાંડીકૂચનું આયોજન આપણી સામે આવ્યું હતું. ગાંધીએ નાતજાતકોમ સંધું વટી જતો જે મુદ્દો હાથમાં લીધો, મીઠાનો, એ આમ આદમીની અહમિયત અને અગ્રતા અંકિત કરતા ઢંઢેરાથી કમ નથી. લોકે પણ લવણ વાસ્તે લડી જાણ્યું અને એ પ્રક્રિયામાં લોકશક્તિનું લાવણ્ય પણ શતદલ કમલ પેઠે ફોરી રહ્યું.
લડાકુ ગાંધીનું લોકગણિત સાદું, બિલકુલ સાફસુથરું હતું : છેલ્લામાં છેલ્લા માણસનાં સુખદુઃખની ફરતે તમારા વિચારો ગોઠવો અને પ્રશ્ન ઉકલી જશે. જતી આવતી રાજવટો ક્યાં ઊભી છે આ કસોટીએ? વરસો પર એક આબાદ કાર્ટૂન જોયું હતું, અમેરિકી લોકશાહી પર બોલતી ટીકા રૂપે, કે સ્વાતંત્ર્યદેવીના પુતળાનો પડછાયો કાળો છે! અશ્વેત અમેરિકીજનોના દુર્દૈવ વાસ્તવ પરની એ એક મર્મવેધી ટિપ્પણી હતી. સરદાર પ્રતિમાનો પડછાયો કેટલા બધા વંચિતોની વિષમ અવસ્થા અંગેની વાસ્તવિકતા ઢાંકીધરબી દેતો હશે, ન જાણે.
જે એક આઈડિયા ઑફ ઇન્ડિયા સ્વરાજલડતની મુખ્યધારા વાટે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં વિકસી બંધારણગત થયો એમાં કાળક્રમે નાનકડા અગ્રવર્ગ સિવાયના કંઈ કેટલા ફિરકા કંઈક સંઘર્ષથી, કંઈક વળતાં સમાવેશી વલણોથી ભળતા ગયા અને એમ કરતે કરતે આપણી બધી મર્યાદાઓ સાથે અને છતાં આપણે એશિયા અને આફ્રિકાની લોકશાહી શાળા રૂપે નિખર્યા છીએ – અથવા, ખરું કહો તો, હજુ નિખરી રહ્યા છીએ. જેમ પ્રેમ તેમ રાષ્ટ્રવત્સલ પ્રજાભાવ અને ઐક્યલાગણી સતત સિધ્ધ અને નવસાધ્ય કરવાપણું છે.
એક સતત ચાલતી પ્રક્રિયા આ તો છે. ઠીક જ કહ્યું હતું આંબેડકરે કે હવે બંધારણ અમલમાં તો આવે છે પણ તે સાથે આપણે એક વિષમ એવા પડકારભર્યા તબક્કામાં પ્રવેશીએ છીએ. રાજકીય અધિકારો તો મળ્યા પણ આર્થિક અને સામાજિક વાસ્તવિકતાનું શું તે સિંહસવાલ છે. અલબત્ત, ગાંધીએ તો આમ આદમીના મીઠાને લડતનો મુદ્દો કીધો તે સાથે એને જડી રહેલ જવાબ સાફ હતો અને છે. મીઠાની લડત, પુણે કરાર, મૂળભૂત અધિકારોનો ઠરાવ ‘૩૦’-૩૧-૩૨નો એ ગાળો એક રીતે પછી આવનારા પ્રજાસત્તાક બંધારણની નાન્દી ઘટના હતી.
સવાલ બંધારણીય ધોરણે આપણા અગ્રવર્ગે બાકી સૌની બાલાશ જાણવાનો અને એમને સારુ હકભેર સમાવેશી મોકળાશ કરવાનો છે. તમે એને નાગરિક રાષ્ટ્રવાદ કહો કે બંધારણીય રાષ્ટ્રવાદ, રસ્તો તો એ અને એ જ છે – નહીં કે વૈકલ્પિક વિમર્શરૂપે છેલ્લાં પંદરવીસ વરસમાં ઉછાળાઈ રહેલ વંશીય (ઍથ્નિક) રાષ્ટ્રવાદ. એ રીતે તીસ જાનેવારીની ઘટના શ્રાદ્ધ પર્વે ચાલવા જોઈતા આત્મમંથન અને વિચારયજ્ઞનું પુણ્યનિમિત્ત બની રહે છે. કવિએ તો એનો મહિમા કીધો કે એ એક સાંજને કેવું વીત્યું હશે જ્યારે એક સાથે બબ્બે સૂરજ આથમ્યા હશે. આ સાચુકલી પણ નકરી સેન્ટી સેન્ટી બની બેસે એવી ઉક્તિથી ઉફરાટે જોઈએ તો શું સમજાય છે? જેની હોંશ તરતના મહિનામાં વિના પાસપોર્ટ પાકિસ્તાનના સંત્રસ્ત બાંધવોની રૂબરૂ ખબર પૂછવા જવાની હતી એનો એક અતિવાદી ગોળીએ ભોગ લીધો. સીમિત અર્થમાં, લઘુમતીની બાલાશ જાણતી પ્રતિભાનો ભોગ લેવાયો – કહો કે, લઘુમતી સારુ રાષ્ટ્રપતિએ પ્રાણ દીધો; જેમ કાળા હમવતનીની દાઝ જાણતે લિંકને જીવ દીધો.
જાન્યુઆરી ૧૯૪૮ અધવચ્ચે ગાંધીએ એના જીવનનાં અંતિમ અનશન કર્યા હતા. આ અનશન પાકિસ્તાનને એના કાયદેસરના હિસ્સાની રકમ આપી દેવા માટે જ માત્ર કરાયા હતા એવી ઉપરચોટિયા સમજે આપણને બહુ પજવ્યા છે. આ ઉપરછલ્લી સમજવશ ગોડસેઘટનાને ઔચિત્યનો માંજો પણ ખાસો પવાતો રહ્યો છે. પણ પાકિસ્તાનને બાકી હિસ્સો આપી દેવાયા પછી પણ અનશન ચાલુ રહ્યા હતા એનું શું. ભાઈ, વાત એમ છે કે ઉપખંડ આખાના અંતરાત્માને ઢંઢોળવા વાસ્તે ગાંધીની આ આત્મબલિદાની ચેષ્ટા હતી. પાક પંજાબની ધારાસભામાં એથી સ્તો કહેવાયું હતું કે ગાંધીએ અમને અમારે ત્યાંની લઘુમતીઓની ચિંતા જાણવા સારુ જગાડ્યા અને ઝંઝેડ્યા છે. બલકે, શહાદતને વળતે દહાડે પાકિસ્તાન ટાઈમ્સે લખેલો એ અગ્રલેખ પણ વાંચવાવાગોળવા જેવો છે કે અમારે મિ. ગાંધીની ટીકા કરવાના પ્રસંગો એકથી વધુ વાર આવ્યા છે, પણ ત્યારે અને અત્યારે અમે એક વાત પર કાયમ છીએ કે આપણી વચ્ચે આ એક માણસ એવો છે (અને હતો) જેને સરહદની બંને બાજુએ એકોએક જણની ચિંતા હતી.
વસ્તુતઃ જે રાષ્ટ્રપિતા હશે તો હશે પણ ‘રાષ્ટ્રવાદી’ નિઃશંક નહોતો એની વિશેષતા એ હતી કે એણે રાષ્ટ્ર અને રાજનીતિને પરંપરાગત કેદચોકઠાની બહાર કાઢી જાણ્યાં. રાષ્ટ્ર નામની અમૂર્ત ખયાલાતને બદલે દરિદ્રનારાયણને એણે કેન્દ્રમાં આણ્યો અને આવા ચક્ષુપ્રત્યક્ષ અભિગમ સાથે એણે રાજનીતિને મહેલાતી કોચલાની બહાર કાઢી લોકમોઝાર આણી.
નવા ચુકાદા વાસ્તે દેશજનતા તરતમાં તડેપેંગડે થશે. (થનગનભૂષણો તો કે’દીના પૈણું પૈણું છે) પણ પ્રશ્ન આ છે : શ્રાદ્ધ પર્વનું આ મંથનભાથું પાધરું સમજાય છે?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2019; પૃ. 01-02