1.
વાંક વિસાર્યાનું ગીત
ફત્તાના વાંકમાં આવ્યું ફત્તાપર તો ય
ફત્તો કે’ ફત્તાપર મૂકી ક્યાં જઈએ?!
અહીં હાળા તરસોને વાગે વાંભ ઊંડા ઝાટકા તે
એકાદી નદીને બરકી લાવીએ …
નદી હોય ત્યાં લેવટાં ને ઝીંગાં
ને હોડીની હોંશે ખારવાં હરખાય,
દરબારગઢ આખો માથાબોળ ન્હાય
ને ધૂબાકા સરખું તો થાય
દેખતમાં દરબારગઢ બેટ થઈ જાય તો
કોનો રે પાળિયો ડુબાડીએ?
ઉપરવાસે છાંટો પાણી પડે ને નાળાં છળીને ઘોડાપુર લાવે,
ઘેરગુંબ પાણીના લોઢમાં ફત્તાને ડહોળાવું ના ફાવે
ફત્તો કે’- નદિયન! હોડીભેર પાછા વળી જાઓ
અમે દેખ્યો વાંક વિસરીએ.
•
2.
આમ ફત્તુને …..
આમ ફત્તોજી શિવાજી છાપ બીડી જેવો ને
આમ કપાસ છાપ બાકસના જેવો,
બન્ને મળીને જાણે છે એટલું કે
ફત્તાને અગનિ હોઠે ના દેવો.
ફૂંકાતા ધૂમાડે ફત્તુભા પાડે છે મસમોટું કૂંડાળુ
કૂંડાળે ક્યાંકથી ગોટાતા આવે છે એક બે વિચારો
તે મગજ સાલ્લું થૈ ગયું છે એકદમ આળું !
દમ લૈ ખાટલે પડેલ તકદીરની અંતવારે ગત સવળી નૈં થએલી
– સબબ ફત્તાની બીડી બાકસની ટેવો …
ઠોંસાતી રાતે ફત્તાને વિચાર દમે કે
ખાંસી ખાંસીને અંધારે ગોબા નથી પાડવા,
ખાટલા હેઠેથી બાકસ મળી જાય તો
છાતીના પાટીયાં નથી સંતાડવા!
આમ ફત્તુને રહી રહીને ભડભડતાં છાતીના પાટિયાંનો
વિચાર આવ્યો’તો એવો…
•
3.
ફતુના વરાપનું ગીત
ખુદનો ખેડી નાંખ્યો ખૂણે ખૂણો તે ફત્તામાં વરાપ સ્હેજ આયો
ને ફત્તોજી ડોલચામાં દરિયો ભરી લાયો
એનદેન શાપિત ચોઘડિયે કોઈ ફત્તાને દોમદોમ ઉલેચી ગયેલું
ત્યારથી તળિયા ઝાટક ફત્તુને સાનભાન ના રહેલું
ભાનના ફજેત ફાળકાનો મહિમા ફત્તાએ પાતાળ લગ ગાયો,
તે ફત્તોજી ડોલચામાં દરિયો ભરી લાયો …..
ફત્તાની એક હાક ભેગું ફાંહી પડે કનકકેળનું થડિયું
લ્યા દરિયાને બાંધે શું બુડબુડિયું?
ભાથી ફત્તો વેઠે નૈંઅડબડિયું!
છંટાતે વેશે ને લંઘાતે લેંઘે ફત્તો છળ ખાબડાંની અડફેટે આયો
ખુદનો ખેડી નાંખ્યો ખૂણે ખૂણો તે ફત્તામાં વરાપ સ્હેજ આયો!
•
4.
ફત્તુભાનું ખમ્મા ગીત
તૂટી માળાનો પારો? હોપારો?
એથી આગળ
ડમરી ધારો કે ઝંઝા ધારો
ફત્તાને કૈં પણ ધારો
એનો રખિયા ચોળીને પોઢી ગયેલો
જાગી ગયો અંગારો …..
વિચારની લાટ પર રંગ ઘૂંટ્યા ને
ફાટ ફાટ ફોરમને ફૂટયા ફૂલફગરીયા તોરા
એવાં વાસંતિ વેતર આયા
તે એનઘેન મહેંકના ફાંસે લટકતા આવે છે ફતુરાયા
ફત્તાના રાજમાં ફત્તાને ખુદ આંબી ગયો ખુદનો ભલકારો
ખમ્મા તૂટી માળાનો પારો! ખમ્મા હોપારો!
પાનખરને આશરે ઊભા હોય તો ય
ભાથી લીલો વગડો થઇ ઢોળાય,
ખરખરતું વન એનાં ફૂલપાન ઝાડવે આવી આવીને ટોળાય
થયું ના થયું સઘળું ભૂંસી નાંખશે કહી ચકમકનો ચમકારો !
એવો તૂટી માળાનો પારો,હોપારો ….
•
5.
એક અણકથી વારતા
ઠેબાં ને ઉચાળા
ફતુની ચોગમ અમળાતા
સળવળતા રસ્તા
પગથી ના પકડાતા
ફત્તુભા કોને જઈ કહે કે થાક્યા?
તેથી પગલાં સરસર સરે છે રેત ઢાંક્યા
ઢૂવા રણની છાતીએ દોમદોમ પાક્યા
ભાની આંખે ઊંટડિયા ઓછાયા
ચક્કર ચક્કર ચકરાતા,
ઠેબાં ને ઉચાળા …..
ઝાંઝવાની કામળી ઓઢીને
આવ્યું રૂપાળું હરણું
ભાઈડાએ જો ધાર્યું હોત તો
થઈ જાત લીલુંછમ તરણું
ભાથી શેખચલ્લીની દેને હિજરાતા,
ઠેબાં ને ઉચાળા
ફતુની ચોગમ અમળાતા!
—
13.10.25.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com