યથા પરજા તથા રાજા છે લોકશાહીમાં,
અદૃશ્ય આજાનુભુજા છે લોકશાહીમાં!
સભા, સિંહાસનો, સુભટોના વેશ જુદા છે,
છદ્મવેશે અલગ દરજા છે લોકશાહીમાં!
નચિકેતાને અતિપ્રશ્નો જ જ્ઞાન આપે છે,
નરી આસ્થા કમળપૂજા છે લોકશાહીમાં!
રથો તાણી જતી જગન્નાથના વિના હસ્તે,
અરવ વિસ્ફોટની ઊર્જા છે લોકશાહીમાં!
ભલે પરખાય નહિ, પરિવર્તનો થતાં રહે છે,
પ્રસવપીડા અયોનિજા છે લોકશાહીમાં!
૨૪/૪/૨૦૧૯
આજાનુભુજા: આ (સુધી) + જાનુ (ઢીંચણ) + ભુજા (હાથ) – હાથ ઢીંચણ સુધી પહોંચતા હોય તેવું (અર્જુન)
નચિકેતા: કઠ ઉપનિષદમાંનો યમરાજ પાસેથી બ્રહ્મવિદ્યા શીખી લાવનાર ઉદ્દાલક આરુણિ ઋષિનો પુત્ર,
કમળપૂજા: ઇષ્ટદેવને પ્રસન્ન કરવા માનવામાં આવતી ભક્તની પોતાને હાથે પોતાનું માથું કાપી ઇષ્ટદેવને ધરવાની ગણાતી એક ધાર્મિક ક્રિયા
અયોનિજાઃ યોનિ દ્વારા ન જન્મેલી – સીતા, લક્ષ્મી, દ્રોપદી
"જગન્નાથજી તથા બળરામની હાલની મૂર્તિઓમાં પગ બિલકુલ હોતા નથી અને હાથ પંજા વગરના હોય છે. સુભદ્રાની મૂર્તિમાં નથી હાથ હોતા કે નથી પગ હોતા”
Email: spancham@yahoo.com