એક તરફ છે લીલી કૂંપળ એક તરફ લોઢાના ખીલા,
કાળી સડકોને ચીરીને ચાલે છે માટીના ચીલા.
હળને કાંધે લઈ દોડતા વૃષભની ખરીઓમાં ખખડી,
ધૂળ થવાનાં બધાં ય ઢેફાં, અને ધૂંસરાં ઢાલાંઢીલાં.
પથરાળી પ્રથમીના જાયા, પરસેવાના પુણ્યે નાહ્યા,
હસતા, ખીલતા મકાઈડોડા રહે નહિ કંઈ મોઢે વીલા.
મણમાંથી મુઠ્ઠીમાં આવે ને મુઠ્ઠીથી મણમાં મ્હાલે,
બીજ સ્વયમ શતરૂપા જેવાં, એનાં તો હર રૂપ રસીલાં.
મેઘાડંબર જોઈ મલપતા મયૂરનો ઘન કલાપ થરકે,
ફેંટામાં અંગડાઈ મરડતાં શ્યામ સલોના ઝુલ્ફ હઠીલાં.
6/2/2021
Picture courtesy : "The Hindu", 04 February 2021