નેહા શાહ
૨૦૦૧માં ગોલ્ડમેન સેશ (પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ બેંક) અર્થશાસ્ત્રી જીમ ઓ’નીલે વિશ્વના ઉભરતા અર્થતંત્રમાંથી, સૌથી ઝડપથી વિકસતા દેશો તરીકે, બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા અને ચીનને જુદા તારવી ‘બ્રિક’ નામ આપ્યું અને ૨૦૫૦ સુધી આ દેશોનું વિશ્વના અર્થતંત્ર પર પ્રભુત્વ હશે એવી આગાહી કરી. ત્યારે એમની ગણતરી તો આ દેશોમાં નિવેશ કરવાની હતી. ચાર-પાંચ વર્ષ સુધી ગોલ્ડમેન સાશના વિશ્લેષકો આ ચાર દેશોના અર્થ તંત્રનું અવલોકન કરતા રહ્યા અને આ દેશોના નવા ખુલેલા મૂડી બજારમાં રોકાણ કરતા રહ્યા કારણ કે ઝડપથી વિકસતા અર્થતંત્રના મૂડી બજારમાં વળતર પણ ઝડપથી મળતું હતું. તે સમયે કોણે વિચાર્યું હતું કે આ દેશો પરસ્પર આર્થિક -રાજકીય સહકાર માટે જોડાણ કરશે જે એકાદ દાયકામાં જ વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા ઊભી કરવા સુધી પહોંચી જશે! ૨૦૦૬માં આ ચાર દેશો વચ્ચે જોડાણનો વિચાર રજૂ થયો અને ૨૦૦૯માં રશિયાની પહેલ પર, પ્રથમ બ્રિક શિખર સંમેલનનું આયોજન થયું. એક જ વર્ષમાં સાઉથ આફ્રિકા જોડાયું, બ્રિકમાંથી બ્રિકસ બન્યું અને પાંચ સભ્યો થયા. ૨૦૨૪માં પાંચમાંથી દસ થયા – ઈજીપ્ત, ઈરાન, ઈથોપિયા, સાઉદી અરેબિયા અને યુ.એ.ઈ. જોડાયા. આ વર્ષે ઇન્ડોનેશિયા જોડાયું. બીજા ત્રીસ દેશો બ્રિકસના સભ્ય બનવા ઈચ્છે છે. હવે આ જૂથ બ્રિકસ પ્લસ તરીકે ઓળખાય છે. આ જૂથના રાષ્ટ્રો અનૌપચારિક સંઘ તરીકે કામ કરે છે. દર વર્ષે બ્રિક્સ સંમેલન ગોઠવે છે, જ્યાં સભ્ય રાજ્યોના વડાઓ આર્થિક સહકારનું નિર્માણ કરવાની દિશામાં કામ કરે છે.
આ બધા વિકાસશીલ દેશો છે જે વૈશ્વિક વેપારમાં પશ્ચિમી દેશોના પ્રભુત્વનો વિકલ્પ શોધી રહ્યા છે, જેમાં તેમને પરસ્પરનો સહકાર જરૂરી છે. સોળ વર્ષના ઇતિહાસમાં બ્રિકસના પ્રયત્ને કેટલાક મહત્ત્વના બદલાવ ઊભા થયા છે. સૌથી નોંધપાત્ર છે ન્યુ ડેવેલપમેન્ટ બેંક. વિકાસશીલ દેશોમાં નાણાંકીય કટોકટી વખતે કે પછી મોટી માળખાંકીય સવલત ઊભી કરવા માટે વિદેશી નાણાંની મદદની જરૂર પણ રહેતી હોય છે, જેને માટે જ વિશ્વ બેંક અને વિશ્વ નાણાંકીય કોશ (આઈ.એમ.એફ.) જેવી સંસ્થા છે, પણ તેની કડક શરતો મોટે ભાગે અમેરિકા કે યુરોપના દેશોના હિતને અનુલક્ષીને ઘડવામાં આવે છે. એટલે વૈકલ્પિક બેંક ઊભી કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨ની બ્રિકસનાં સંમેલનમાં રજૂ થયો. તે સમયના પાંચેય સભ્યોએ નાણાંકીય ફાળો આપ્યો અને ૨૦૧૫માં ૧૦૦ બિલિયન ડોલરના મૂડી ભંડોળ સાથે ન્યુ ડેવેલોપમેન્ટ બેંક(એન.ડી.બી.)ના નામે કામ કરવાનું શરૂ કરી દીધું, જે સભ્ય દેશો ઉપરાંત અન્ય વિકાસશીલ દેશોને ટકાઉ વિકાસનાં કામ માટે નાણાંકીય સહાય આપે છે. આ ઉપરાંત બ્રિકસ – પે નામની આંતરરાષ્ટ્રીય નાણાં ચુકવણીની વ્યવસ્થા ઊભી થઈ છે, જે બ્રિકસના સભ્યો વચ્ચે વેપારની સરળતા ઊભી કરે છે. સભ્ય દેશો અંદરોઅંદરના વેપારમાં પોતાના ચલણ સ્વીકારવાનું શરૂ કર્યું છે, જેથી ડોલરની જરૂર ના પડે. દા.ત. ૨૦૨૨માં યુકેન સાથેના સંઘર્ષ પછી રશિયા પર અમેરિકાએ લાદેલા પ્રતિબંધો પછી ભારત રશિયા પાસેથી જે પેટ્રોલ ખરીદે છે તેની ચુકવણી ભારતીય રૂપિયામાં અથવા ચાઇનીઝ યુઆનમાં કરે છે. બહુપક્ષીય વેપારમાં સરળતા ઊભી કરવા માટે જ બ્રિકનું પોતાનું અલગ ચલણ ઊભું કરવાની વાત ચર્ચાઈ હતી. જો એમ થાય તો સ્વાભાવિક રીતે ડોલરની આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે માંગ પર અસર થવાની અને ડોલર નબળો પડવાની શક્યતા ઊભી થવાની. વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકાનું પ્રભુત્વ ટકાવી રાખવામાં ડોલરનું આંતરરાષ્ટ્રીય ચલણ તરીકેની સ્વીકૃતિનો બહુ મોટો ફાળો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિકસ એટલે જ ‘અમેરિકા વિરોધી’ લાગે છે. એટલે જ તેઓ આ જૂથના સભ્ય દેશો પર વધારાની ૧૦ ટકા જકાત લાદવાની ધમકી આપે છે.
 જો કે, બ્રિકસ દેશો માટે નવું ચલણ ઊભું કરવું અને અમેરિકાની ધમકીઓ સામે ટકી રહેવું સહેલું નથી. એક તરફ શક્તિશાળી અમેરિકા છે તો બીજી તરફ શક્તિ વધારવા સતત પ્રયત્નશીલ ચીન અને રશિયા છે. ચીન તો ઘણા દેશોને આર્થિક મદદ કરી તેમના પર સીધું નિયંત્રણ વધારી રહ્યું છે. બ્રિકસના માધ્યમથી પણ એ પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પણ તો એક પ્રકારનો સામ્રાજ્યવાદ જ છે. ભારત જેવા દેશની હાલત કફોડી છે. એક તરફ ઉભરતા અર્થતંત્ર તરીકે પશ્ચિમી દેશોના વર્ચસ્વ ટકવા બ્રિકસનાં સભ્યો સાથેનો સહકાર આવશ્યક છે, તો બીજી બાજુ ચીનથી લશ્કરી ખતરો ઊભો થયો છે, ચીન સાથે વ્યાપાર ઘટાડવા માટેની ઝુંબેશ ઊઠી છે, જે માટે લોકમત પણ ઊભો થઇ રહ્યો છે. વ્યૂહાત્મક રીતે પણ જો ચીન પાકિસ્તાનને ટેકો કરી રહ્યું હોય તો અમેરિકા સાથે દોસ્તી ટકાવવી આવશ્યક બની જાય છે. ભારતનું આ વ્યૂહાત્મક વલણ બ્રિકસનાં હેતુ સાથે વિરોધાભાસ ઊભો કરે છે. એવી જ કાંઇક પરિસ્થિતિ મધ્ય એશિયાના દેશોની છે. ઈરાનની ન્યુક્લીઅર તાકાત સામે સાઉદી અરેબિયા કે યુ.એ.ઈ. જેવા દેશો અમેરિકા સાથેની દોસ્તીને જોખમમાં મૂકી શકે એમ નથી.

હાલમાં તો વૈકલ્પિક ચલણ વિકસાવવાની કોઈ યોજના નથી, એવું બ્રિકસનાં મંચ પરથી જાહેર થઇ ચુક્યું છે. પણ, વર્તમાન વૈશ્વિક વ્યવસ્થાને બદલવામાં વિકાસશીલ દેશોના જૂથની ભૂમિકા મહત્ત્વની રહેશે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર