હૈયાને દરબાર
એ…એ…એ…
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
એ… એ… જૂનાગઢનાં સીતાફળ
એ… મારા ધોળકાનાં દાડમ
આવ… આવ…
એઈ…
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
વાળ તારા ખંભાતી સૂતરફેણી
ગાલ તારા સુરતની ઘારી
રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી
માવા જેવી માદક જાણે
માવા જેવી માદક જાણે
મોહબ્બતની મિજબાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
એઈ…
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
હોઠ તારા અમદાવાદી
શરબતની દુકાન
એ શરબતનો તરસ્યો છું
હું રંગીલો જુવાન
પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
હોઠોને હેરાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
અરે જા રે નફ્ફટ …
તું વલસાડી હાફૂસ મીઠી
ચોરવાડની કેસર કેરી
ભાવનગરના ગાંઠિયા જેવી
આંગળિયો અનેરી
મોળો માનવી આરોગે તો….અરે
મોળો માનવી આરોગે તો
આવી જાય મર્દાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
એઈ…
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
કતાર ગામની પાપડી જેવી
આંખ્યું આ અણિયાળી
જામનગરનાં ગુલાબજાંબુ જેવી
તું રસવાળી
તુજને ખાવા માટે ના… ના… ના…
તુજને ખાવા માટે ના લેવી
પડતી પરવાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
હટ… જાણે તારા બાપનો માલ છે
અરે નહિતર શું?
જીભ તારી મરચું ગોંડલનું
બોલે બોલે તીખું તમતમ
ભેજું છે નડિયાદી ભૂસું સાવ ખાલીખમ
તું વડોદરાનો લીલો
ચેવડો…ચેવડો…ચેવડો
તું વડોદરાનો લીલો ચેવડો
ખાતાં આવે તાજગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
એઈ….
ઓરી આવે તો તને વાત કહું ખાનગી
તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
… ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
અરે…અરે…
મારી પોરબંદરની ખાજલી
અરે જા…જા…
ઓ મારા ભુજના પકવાન
હેં…હેં..હેં… હાય…હાય…હાય
ફિલ્મ – મોટા ઘરની વહુ • ગીત-સંગીત – અવિનાશ વ્યાસ • સ્વર – કિશોરકુમાર
https://www.youtube.com/watch?v=q5dRdVT-dhw
——————————-
ગરમાગરમ ભજિયાં, આથેલાં મરચાં, કાંદાની સ્લાઈસ ને ખાડાના (અમદાવાદના પ્રખ્યાત) દાળવડાં આરોગવાની આ મોસમમાં છેલ્લા કેટલાક દિવસથી આ ગીત વોટ્સ એપ પર ફર્યા કરે છે અને કિશોરકુમારનાં સર્વશ્રેષ્ઠ ગીત તરીકે લોકો ગૌરવપૂર્વક ફોરવર્ડ કરે છે.
મોંમાં પાણી આવી જાય એવા આ મસ્ત-મજેદાર ગીતના ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગાયનમાં કિશોરકુમારની વર્સેટિલિટી હોય, પછી ગીત સુપરહિટ ન થાય તો જ નવાઈ!
કેટલાં ય વર્ષો સુધી ગીતની કેચી ધૂન અને કિશોરદાના અવાજને જ લક્ષ્યમાં લઈને ગીત સાંભળ્યું હતું અને બહુ મજા પડતી હતી. પરંતુ પછીથી ફિલ્મ ‘મોટા ઘરની વહુ’નાં આ ગીતના શબ્દો ધ્યાનપૂર્વક વાંચ્યા-સાંભળ્યા ત્યારે ખબર પડી કે આ ગીત તો ગલગલિયાં કરાવે એવા સોફ્ટ પોર્ન ટાઈપનું જ છે. સંગીત અને કિશોરકુમારની ગાયનશૈલીના પ્રતાપે આટલું લોકપ્રિય બન્યું. ફિલ્મની સિચ્યુએશન મુજબ જ આ ગીત બન્યું હશે પણ ગીતમાં પુરુષને સ્ત્રી પાછળ લાળ ટપકાવતો જ બતાવ્યો છે. અને સ્ત્રી તો જાણે ફરસાણ-મીઠાઈની હરતી ફરતી દુકાન. એમાં ય વળી ગુજરાતનાં જુદાં જુદાં શહેરની સ્પેિશયાલિટી સાથે સ્ત્રીને સરખાવી છે. ભાવનગરી ગાંઠિયા, જામનગરનાં ગુલાબજાંબુ ને અમદાવાદી શરબતની તો આખેઆખી દુકાન જેવી જ ગળચટ્ટી સ્ત્રી ..!
રસોડું અને રસોઈની બહાર પણ સ્ત્રીની એક દુનિયા છે જેમાં એ એક મજબૂત, કાર્યક્ષમ, બાહોશ અને ખૂબસુરત આદરપાત્ર મહિલા છે એ કોણ જુએ? એમાં અહીં તો ગુજરાતી ફિલ્મની અબૂધ નારીની વાત છે એટલે કહેવું શું? આ ગીત સાંભળીને ૭૦ના દાયકામાં બનતી ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ યાદ આવી ગયો. એ વખતની મોટાભાગની ફિલ્મોનાં સંગીતમાં એક લોકગીત, એક ડ્યુએટ, એક સોલો, એક ગરબો, એક સેડ સોલો અને એક કોમેડી ગીત હોય જ. કોમેડિયન તરીકે મોટેભાગે રમેશ મહેતા મનોરંજન કરતા હોય. ‘મોટા ઘરની વહુ’ ફિલ્મમાં જો કે અસરાની હતા અને ગરમ મસાલેદાર જેવું ખટમીઠું ગીત અસરાની અને રજનીબાલા પર ફિલ્માવાયું છે.
આ સંદર્ભમાં કવિ-ગીતકાર અને ફિલ્મચાહક દિલીપ રાવલે થોડી વિગતે માહિતી આપી, "૭૦ના દાયકાની આ જ ફોર્મ્યુલા હતી. રમેશ મહેતાને કોમેડિયન તરીકે લેવા જ પડે. લોકોની પણ અપેક્ષા હોય કે રમેશ મહેતા ગમે એવી વલ્ગર કોમેડી કરે પણ એ હોય તો લોકો ફિલ્મ જોવા જાય જ. ‘ઘર ઘર કી કહાની’ ફિલ્મ પરથી એક સરસ અર્બન ગુજરાતી ફિલ્મ ‘ઘેર ઘેર માટીના ચૂલા’ આવી હતી. એમાં જલાલ આગા પર ફિલ્માવાયેલું એક ગીત હતું, ઓલું કબૂતરું મને ગમતું, એની પાછળ મન મારું ભમતું …! એ જ પ્રવાહ ‘સંતુ રંગીલી’ સુધી આગળ વધ્યો હતો. આ ફિલ્મના બોલો પ ફ બ ભ મ હોઠ ભીડી … ગીતમાં દ્વિઅર્થી રમૂજ હતી. આ પ્રવાહનાં મૂળ જૂની રંગભૂમિમાં છે. કર્ટનરેઇઝર ગીત તરીકે એકાદ કોમેડી ગીત જૂની રંગભૂમિમાં પણ રહેતું હતું.
અલબત્ત, હિન્દી ફિલ્મો પણ આ ટ્રેન્ડથી ક્યાં બાકાત હતી! મહેમૂદ અને જોની વોકર પર કેટલાં ય સુંદર ગીતો ફિલ્માવાયાં છે ને ફિલ્મમાં એ જ સૌથી વધુ લોકપ્રિય થયાં છે. કિશોરદાનું ચંદા ઓ ચંદા તથા રફી-સુમન કલ્યાણપુરનું બેહદ ખૂબસુરત ગીત અજહૂ ન આયે બાલમા … મહેમૂદ પર તો ફિલ્માવાયાં છે! કિશોરકુમારે ગુજરાતી ફિલ્મોમાં છએક ગીત ગાયાં છે જેમાંથી ચાર કોમેડી ગીતો છે. ગરમ મસાલેદાર ઉપરાંત હું અમદાવાદનો રિક્ષાવાળો અને ફિલ્મ ‘સંતુ રંગીલી’નું મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. આ ગીતો આપણે ગમે એટલી વાર સાંભળીએ તો ય જલસો જ પડે એવાં સદાબહાર. ફિલ્મ ‘લાખો ફૂલાણી’માં કિશોરકુમારનું ગાયેલું નારી નરકની ખાણ છે … ગીતના શબ્દો હતા :
ગાઓ સૌ સાથે તમને બજરંગ બલિની આણ છે
શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે
જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી
જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી …!
આ ગીતમાં તો સરેઆમ નારીનું અપમાન છે. એટલે એ વખતે આ શબ્દોને લીધે ખૂબ હોબાળો મચ્યો હતો અને ગીતને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ થયેલાં આ ગીતની ધૂન આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી …. વંદે માતરમ્ … હિન્દી ગીતને મળતી આવે છે. ગાઈ જોજો. આ સિવાય ફિલ્મ ‘કુળવધૂ’નું બહુ સરસ ગીત કિશોરકુમારે ગાયું છે એ છે : ચાલતો રહેજે, તું ચાલતો રહેજે, જીવનની વાટે, મંઝિલને માટે, વિસામો ન લેજે, ચાલતો રહેજે … ! કલ્યાણજી આણંદજીનું સંગીત અને બરકત વિરાણી ‘બેફામ’ના શબ્દ હોય એટલે ગીતની ઊંચાઈ કલ્પી શકાય. ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી ગીત કિશોરદા પાસે ગવડાવવાનો અદ્ભુત પ્રયોગ અવિનાશ વ્યાસે કર્યો હતો.
કિશોરદાએ તો તરત જ ‘મને ગુજરાતી ન આવડે’ કહીને સાફ ના જ પાડી હતી ગાવાની. પણ અવિનાશભાઈએ કહ્યું કે આ ગીત કિશોરબાબુ સિવાય કોઈ ગાઈ જ ના શકે. પછી એમણે ખૂબ મહેનત કરીને ગીત તૈયાર કર્યું અને, રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી. કિશોરકુમાર એ … એ … એ … કરીને જે ગુજરાતી લહેકાથી ગીતનો આરંભ કરે છે ત્યાં જ એ મેદાન મારી જાય છે. આટલી બધી વાનગીઓનાં નામ ધરાવતું આ એક જ ગીત હશે કદાચ ગુજરાતી ભાષામાં. બાળપણમાં ‘નદી કિનારે ટામેટું, ઘી-ગોળ ખાતું’તું જેવાં જોડકણાં સાંભળ્યાં છે, પરંતુ આખું ગીત વાનગીઓથી સભર હોય એવું તો આ એક જ હોવું જોઈએ. અલબત્ત, ચીલાચાલુ શબ્દોને બદલે સુંદર શબ્દ સામર્થ્ય ધરાવતાં ગીતોની મજા જ અનેરી હોય છે. પહેલી જ પંક્તિમાં કારેલાં જેવી કડવી વાનગીનું નામ આવરી લઈને એક ઉત્તમ કૃતિ રચાઈ છે, ત્યારબાદ આખા ગીતમાં નારી સંવેદનાની અદ્ભુત અભિવ્યક્તિ છે એ વાત આવતા અંકે.
વાનગીના ઉલ્લેખ સાથે ય નારી સંવેદનાની વાત કયા સ્તરે થઇ શકે એની સરખામણી તમે જ કરી લેજો ..
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 જુલાઈ 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=413627