
દેવીકા ધ્રુવ
કાનામાત્ર વગરનો આ શબ્દ ‘સમય’. એમાં કેટલું બધું વિસ્મય ભર્યું પડ્યું છે?
સદીઓથી અવિરતપણે એકધારો ચાલે જ જાય છે. ન તો એને કશી તમા છે કે ન પરવા. લયબદ્ધ રીતે એ સતત ચાલે છે. જે કંઈ બદલાય છે તે કુદરતદત્ત અથવા તો માનવસર્જિત સંજોગ બદલાય છે અને છતાં નવાઈની વાત તો એ છે કે આપણે કહીએ છીએ કે, સમય બદલાયો છે. સવાલ તો એ છે કે શું, સમય બદલાય છે? આ વિશે થોડું વધુ વિચારીએ.
આમ જોઈએ તો, પહેલો મુદ્દો તો એ આવે કે, આકાર વગરનો અને અદૄશ્યરૂપે રહેલો આ સમય છે શું? આપણે એને જોઈ શકીએ છીએ? એના સ્વરૂપ કે આકાર વિશે વર્ણવી શકીએ છીએ? આ સમય શું છે? કશુંક નિયમિતપણે ગતિમાં રહે છે. આપણે એને ક્ષણ નામ આપ્યું. પછી એના માપ નક્કી કર્યા. મિનિટોનાં, કલાકોનાં, દિવસ અને મહિનાઓનાં, વર્ષો અને યુગોનાં એમ કાટલાં ખડકી દીધાં. માણસના સમયને નંબરો આપીને ઉંમર નામ આપી દીધું! અવસ્થાઓમાં આવરી લીધું, વિભાગોમાં વહેંચી નાંખ્યું. ને પછી આપણે એને એક મોટું શીર્ષક આપી દીધું ‘સમય’. સાચે જ, આ સિવાય બીજું શું કહી શકાય? કોઈની સાથે વાત થાય તો આપણે બોલી ઊઠી છીએ કે આપણે કેટલાં વર્ષે મળ્યાં? વાર્તા માંડીએ તો પણ ૪૦ વર્ષ પહેલાંની આ વાત .. કહી શરૂ કરીએ. અથવા તો “ઓહોહો .. તમને ૬૫ વર્ષ થયાં? લાગતા નથી હોં!”
આમ, જેના વિશે કશી ખબર નથી એને આપણે ‘સમય’ કહી આગળ વધ્યાં. આ સમયનું સામર્થ્ય પણ કેટલું મોટું છે? કેટલું બળવાન છે? ચૂપચાપ ચાલતો, એકધારો ચાલતો અને એકસરખી રીતે ચાલતો આ સમય કેટલું શીખવાડી જાય છે એ એક મોટામાં મોટું આશ્ચર્ય નથી શું? પોતે કશુંયે ન કહેતો કે કોઈને માટે કશું પણ ન કરતો આ સમય વળી કોઈને માટે ખરાબ બની જાય છે તો કોઈને માટે એકદમ સરસ બની જાય છે. બોલો, એ કેવું? એ સ્થિતિ પણ નક્કી તો પાછો માણસ જ કરે છે! આ તે વિડંબના છે કે વિચિત્રતા?
ખરેખર આ વિષય પર જેટલા ઊંડા ઉતરીને વિચારીશું એટલાં આશ્ચર્યો ઉઘડતાં જશે અને ઉઘડેલાં હશે તો વિસ્તરતાં જશે. મને યાદ છેઃ નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે “આપણે તો ખૂબ જાહોજલાલી હતી. તારા દાદા તો શરાફી પેઢી ચલાવતા ને ઘેર તો ઘોડાગાડીઓ દોડતી. કેટલાં બધાં તો મકાનોયે હતાં. પછી તારા દાદા ગયા ને કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું.” જ્યારે જ્યારે આ સાંભળતી ત્યારે પણ સવાલ તો થતો જ કે, આ બધું કાળે કર્યું? એટલે શું? સમયે કર્યું? પણ પછી વિચારો ત્યાં જ અટકી જતા. પછી તો જેમજેમ મોટાં થતાં ગયાં તેમતેમ એ સવાલો જુદાંજુદાં રૂપે જાગતા ગયા. છેવટે જવાબ તો એ જ મળતો કે, સમય કશું નથી કરતો, એ તો માત્ર ચાલે જ છે. માણસના સંજોગો બદલાય છે અને તે પણ અલગ અલગ રીતે. કોઈના વ્યક્તિગત કારણે, કોઈના સામાજિક તો કોઈના નૈસર્ગિક કારણે અને એના ઉપરથી જ આપણે સમયને સારો કે ખરાબ કહેતાં હોઈએ છીએ.
કોલેજના વખતમાં શબ્દાર્થ-મીમાંસા ભણતી વખતે પણ આ સમય, મારી નજર સામે હંમેશાં આવીને ઊભો જ રહેતો. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓએ કરેલાં અને હેમચંદ્રાચાર્યથી માંડીને અનુઆધુનિક પ્રવાહના સમર્થ સમીક્ષકોએ તારવેલાં જાતજાતનાં અર્થઘટનોની વાત અત્રે કરવી નથી; પણ એક સાદીસીધી સમજણથી વિચારીએ તો પણ લાગ્યા વગર રહેતું નથી કે સમય અદૄશ્ય અને આકારવિહીન હોવા છતાં એના કેટકેટલા સ્પર્શ છે! અનુભૂતિઓ છે! જો ગણવા બેસીએ તો જીવનથી મરણ પર્યંતમાં એની વૈવિધ્યતા છે, સર્વોપરિતા છે. અરે, હજી વધુ વિચારીએ તો પાછલા અને પુનર્જન્મમાં પણ એ લપાઈને, છુપાઈને બેઠેલો જ છે. આમ, જીવન અને જગતના પ્રત્યેક સજીવ અને નિર્જીવ તત્ત્વમાં સમયનું સત્ત્વ છે અને સત્ય છે. શક્તિ છે અને એની ભક્તિ પણ છે. છતાં એ પોતે તો સર્વથા વિરક્ત છે. આ એક આશ્ચર્ય નથી શું?
એનાં ક્રિયાપદો પણ ઘણાં. દા.ત. સમય ચાલે છે, સમય દોડે છે, સમય ઊડે છે. એ વહે છે, સરે છે, ફરે છે. સમય મળે છે, ફળે છે અને એ જાય છે, આવે છે, નડે છે, ઘડે છે, વગેરે વગેરે .. શું શું નથી કરતો એ સવાલ છે. વળી મોટામાં મોટો, નહિ ઉકેલાતો પ્રશ્ન તો એ છે કે, સમયને ઉલટાવી શકાય છે? પાછો વાળી શકાય છે? આ સવાલ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને અન્ય વિજ્ઞાનીઓને પણ થાય છે જ.
આમ, સમયને વ્યાખ્યામાં બાંધવો અને સમજવો મુશ્કેલ છે. ઈટાલિયન લેખક કાર્લો રોવેલ્લીનું એક પુસ્તક છે. The Order of Time (2018) ત્રણ ભાગોમાં વહેંચાયું છે. તેમના કહેવા મુજબ સમય એક ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે. આ વિચારનાં મૂળ તેમને, એક ફ્રેંચ ગણિતશાસ્ત્રી ઍલન કોન્સના Thermal Time Hypothesisમાંથી મળેલા છે તેમ જણાવે છે. ક્યાંક વાંચવામાં તો એમ પણ આવ્યું હતું કે, વાસ્તવિકતા અને ઘટનાઓનું એક જટિલ નેટવર્ક છે, જેના પર આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સિક્વન્સ પ્રોજેક્ટ કરીએ છીએ. આખું બ્રહ્માંડ એક નિશ્ચિત્ત નિયમોનું પાલન કરે છે, જેમાંથી સમય બહાર આવે છે. હવે આ કેટલી મોટી અજાયબી થઈ?
આ સંદર્ભે વીસમી સદીનાં ખૂબ જ મોટા કવિ ટી.એસ. ઍલિયેટની કવિતા “If Time and Space, as sages say, Are things which cannot be પણ યાદ આવી જ જાય છે. તેના અનુવાદક વિવેક ટેલરે સમજૂતી આપતાં સરસ વાત સમજાવી છે કે, “અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયનાં પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે.”કદાચ એટલે જ સમય પર દરેક ભાષાઓમાં ઘણું બધું સુવિચારો રૂપે પણ લખાયું છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.
- Time is the engine of our Universe; nothing is without it.
Time is always right to do what is right —Martin Luther King - Time has the power to heal all the situations. Just give some time to time to change its time!
- Time is a final currency- Not money. Not Power. It is Time —David Crosby.
- મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
હવે સમય મારો છે ને મને સમય નથી. - દોસ્ત, કેટલો ચાલાક હતો તું! ગિફ્ટમાં ‘ઘડિયાળ’ તો આપી ગયો પણ ત્યાર પછી ‘સમય’ આપવાનું ભુલી ગયો!!
- समय पर समय देनेवाला व्यक्ति समय पर मिल जाए तो समय को अच्छा होनेमें समय नही लगता….
- वक़्त दिखाई नहीं देता, पर बहुत कुछ दिखा देता है॥
આ સંદર્ભમાં એક હળવો શેર યાદ આવ્યો..
‘समय’ न लगाओ तय करने में, आप को करना क्या है…?
वरना ‘समय’ तय कर लेगा कि, आप का करना क्या है !!
સમાપનમાં છેલ્લે તો એ જ કહેવું છે કે સમય સુપ્રીમ છે. સમયના સામર્થ્યની વાત સહજ નથી. સમય માત્ર ઘડિયાળના ફરતા કાંટા નથી. એ વીતીને કદી પાછો વળતો નથી કે ભાવિની વીતક કદી કહેતો નથી. સમય તિથિ-વારમાં વહેંચાતો હશે પણ કોઈની મુઠ્ઠીમાં કદી બંધાતો નથી. એ આંસુથીયે રોકાતો નથી ને સ્મિતથી કદી છેતરાતો નથી.
નથી … નથી … નથી ..નો આ સમય અનન્તની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જિરવવો, એ જબરદસ્ત જિગરનું કામ છે. એ તો ક્ષણક્ષણની સમજ છે, ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.
સમય ‘સૂપ્રીમ’ છે. સર્વોપરિ અને સર્વોત્તમ છે.
e.mail : ddhruva1948@yahoo.com