જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?
૧૯૭૦માં આવેલી ફિલ્મ હમજોલી, ૧૯૭૬માં આવેલી બૈરાગ, ૧૯૮૩માં આવેલી મહાન, ૧૯૮૪માં આવેલી જોન જાની જનાર્દન, ૧૯૯૬માં આવેલી ઇંગલિશ બાબુ દેશી મેમ, ૨૦૦૮માં આવેલી ઓયે લકી! લકી ઓયે! અને નાણાવટી મર્ડર કેસ વચ્ચે કઈ બાબત સરખી છે? ના. આમાંની એકે ફિલ્મ આ કેસ પરથી બની નથી. તો? આ બધી ફિલ્મોમાં એક જ એક્ટરે એક નહિ, બે નહિ, પણ ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ એક્ટરો તે અનુક્રમે મેહમૂદ, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, અને પરેશ રાવળ. આ બધાએ ત્રણ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં. પણ નાણાવટી ખૂન કેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ તો વાસ્તવિક જીવનમાં ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ વ્યક્તિ તે કાર્લ જમશેદ ખંડાલાવાલા.
રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટ કાર્લ ખંડાલાવાલા
૧૯૦૪ના માર્ચની ૧૬મીએ જન્મ. ૧૯૯૫ના ડિસેમ્બરની ૨૩મી તારીખે બેહસ્તનશીન થયા. તેમણે પહેલી ભૂમિકા ભજવી તે રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટની. ખંડાલાવાલાએ અગાઉ સિવિલ ફ્લાઈંગ (પાઈલટ તરીકેનું) લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રોયલ ઇન્ડિયન એર ફોર્સને પાઈલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઓગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઈલટની ભરતી કરી. આવા કુલ ૭૨ પાઈલટને રોયલ ઇન્ડિયન એરફોર્સમાં દાખલ કરવામાં આવ્યા. ખંડાલાવાલા તેમાંના એક. આ બધાને વધુ ટ્રેનિંગ માટે લાહોર મોકલવામાં આવ્યા. ખંડાલાવાલા પણ ગયા. પણ પછી, કારણ તો જાણવા મળતું નથી, પણ એ જ વરસના નવેમ્બરની ૩૦મી તારીખથી ખંડાલાવાલા રોયલ ઇન્ડિયન એર ફોર્સમાંથી છૂટા થયા.
ભારતીય કલાઓના અભ્યાસી અને સંગ્રાહક કાર્લ ખંડાલાવાલા
જીવનભર ભજવેલી બીજી અને ત્રીજી ભૂમિકા વિષે ખંડાલાવાલા ઘણી વાર કહેતા : “કલા એ મારો વ્યવસાય છે. કાયદો એ તો એક શોખ છે.” કલાસમીક્ષા અને કાયદો, બંને ક્ષેત્રે તેઓ લગભગ જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ચિત્રો, મૂર્તિઓ, ચીજ વસ્તુઓનો તેમનો વિશાળ સંગ્રહ જેટલો પૈસાને આધારે નહિ, તેટલો જ્ઞાન અને સમજણને આધારે ઊભો થયો હતો. તેમના એક નજીકના સગા બરજોર ટ્રેસુરવાલા પાસે મિનિયેચર પેઇનટિંગનો મોટો સંગ્રહ. છેક ૧૯૨૧થી એ સંગ્રહનો અભ્યાસ કરવાની ખંડાલાવાલાને તક મળી. પછીનાં સોળ વરસમાં એક બાજુ વકીલોનું કાશી-કરબલા ગણાતા મિડલ ટેમ્પલ, ઇન્સ ઓફ કોર્ટ, લંડનમાંથી બાર-એટ-લો બન્યા. તો બીજી બાજુ ભારતીય કલાકૃતિઓના અભ્યાસ અને સંગ્રહ માટે આખા હિન્દુસ્તાનમાં ફરી વળ્યા. ૧૯૩૭થી પોતાનો અંગત કલાસંગ્રહ ઊભો કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦માં દિલ્હીના નેશનલ મ્યુઝિયમની ‘આર્ટ પરચેઝ કમિટિ’ના સભ્ય નિમાયા એ સાથે અંગત સંગ્રહ માટેને ખરીદી બંધ કરી. જેથી conflict of interestને નામે કોઈ તેમની સામે આંગળી ચિંધી ન શકે. પણ સાથોસાથ ભારતીય કલા વિશેનાં પુસ્તકોનો અંગત સંગ્રહ કરવાનું શરૂ કર્યું. વખત જતાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ બન્યા. પોતાનો ખૂબ મૂલ્યવાન કલા-સંગ્રહ તેમણે આ મ્યુઝિયમને ભેટ આપી દીધો. આ સંગ્રહને માટે ખાસ એક અલાયદી ગેલેરી ઊભી કરીને મ્યુઝિયમે તેને નામ આપ્યું ‘કાર્લ અને મેહરબાઈ ખંડાલાવાલા ગેલેરી’. ૨૦૧૨ના એપ્રિલની દસમી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. ભારતીય કલા વિશેનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં, દેશ-વિદેશમાં પ્રવચનો આપ્યાં. ૧૯૭૦માં તેમને પદ્મશ્રીનું બહુમાન ભારત સરકાર તરફથી મળ્યું અને ૧૯૮૦માં દિલ્હીની લલિત કલા અકાદમીના ફેલો બન્યા.
પણ હવે કલાની હદ ઓળંગીને પાછા જઈએ કાયદાની સરહદમાં.
અદાલત ફરી મળી ત્યારે ઇન્ડિયન નેવીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર માઈકલ બેન્જામીન સેમ્યુઅલને જુબાની માટે બોલાવવામાં આવ્યા.
જજ મહેતા : ૨૭ એપ્રિલની બપોરે શું થયું હતું એ વિગતે જણાવો.
કમાન્ડર સેમ્યુઅલ : ન્યૂ ક્વીન્સ રોડ પર આવેલા ‘મૂન લાઈટ’ નામના મકાનમાં ભોંય તળિયે આવેલા ફ્લેટમાં હું રહું છું. મારા સ્ટડી રૂમની બારી બરાબર રસ્તા પર ખૂલે છે. તે દિવસે બપોરે હું બારીમાં ઊભો હતો. મેં એક માણસને મારા ઘર તરફ આવતો જોયો. જરા પાસે આવતાં મેં તેને ઓળખ્યો. એ હતા કમાન્ડર નાણાવટી. તેઓ હાંફળા ફાંફળા જણાતા હતા. તેઓ બારી પાસે આવ્યા અને મને કહ્યું : Something very terrible has happened.
સેમ્યુઅલ : પણ થયું છે શું એ તો કહો.
નાણાવટી : મને પૂરેપૂરી ખાતરી નથી પણ મોટે ભાગે મેં મારી પિસ્તોલમાંથી ચલાવેલી ગોળીને કારણે એક માણસ મરાયો છે.
સેમ્યુઅલ : પણ આવું બન્યું કઈ રીતે?
નાણાવટી : એ માણસે મારી પત્નીને ભોળવી હતી. બંને વચ્ચે લફરું ચાલતું હતું. અને આવું હું કોઈ રીતે સાંખી ન શકું.
સેમ્યુઅલ : એ રિવોલ્વર ક્યાં છે?
નાણાવટી : મારી મોટરમાં.
સેમ્યુઅલ : તમે ઘરમાં આવો. અને મને વિગતવાર કહો કે શું થયું છે.
નાણાવટી : ના. થેંક યુ. મારે જવું જોઈએ. મને એ કહો કે મારે આ બાબત કોને જણાવવી જોઈએ?
સેમ્યુઅલ : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને.
નાણાવટી : પ્લીઝ, તમે તેમને ફોન કરીને કહેશો કે હું તેમને મળવા આવું છું.
સેમ્યુઅલ: હા, જરૂર.
સેમ્યુઅલ : પછી નાણાવટી તેમની મોટર તરફ ચાલવા લાગ્યા. પણ થોડુંક ચાલીને પાછા આવ્યા.
નાણાવટી : મારું એક કામ કરશો? ઘરની ચાવીઓનો આ ઝૂડો મારી પત્ની સિલ્વિયાને પહોંચાડશો?
સેમ્યુઅલ : મેં હા પાડી. પછી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને ફોન કરીને કહ્યું કે કમાન્ડર નાણાવટી તમને મળવા આવે છે. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક માણસ પર ગોળી ચલાવી છે. આ બનાવ રિપોર્ટ કરવા તે તમારી પાસે આવે છે. તેઓ પોતાની કાર જાતે ચલાવીને આવે છે.
પછી તમે ચાવીઓ મિસિસ નાણાવટીને પહોંચાડી?
ના, જી. કારણ હું તેમનો કોનટેક કરી શક્યો નહિ. સાંજે એક સી.આઈ.ડી. ઓફિસર મારી પાસે આવ્યા અને ચાવીઓ સોંપી દેવા મને જણાવ્યું એટલે મેં એ ચાવીઓ તેમને સોંપી દીધી.
રામ જેઠમલાની : શું તમે નાણાવટીના ઉપરી છો?
સેમ્યુઅલ : ના, જી. અમારી બંનેની રેન્ક સરખી છે. પણ નોકરીનાં વરસોની બાબતમાં તેઓ મારા સિનિયર છે.
રામ જેઠમલાની : શું તમે એમ કહેવા માગો છો કે આ બધી વાત તમને પૂરી સ્વસ્થતાથી કરી હતી?
સેમ્યુઅલ : ના, જી. તેઓ બિલકુલ અસંબદ્ધ બોલતા હતા. વચમાં વચમાં અચકાતા હતા. પહેલાં તો તેઓ શું કહેવા માગે છે એ હું સમજી શક્યો નહોતો.
*
ઘટનાસ્થળે શું બન્યું હશે તેની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર
આ કેસ શરૂ થયો ત્યાં સુધીમાં ડેપ્યુટી કમિશનર લોબોની બદલી અમદાવાદના સિનિયર જિલ્લા સુપરિનટેન્ડટ ઓફ પોલીસ તરીકે થઈ ચૂકી હતી. તેમને જુબાની માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું :
લોબો : બનાવને દિવસે હું બોમ્બે પોલિસની ક્રાઈમ બ્રાંચમાં ડેપ્યુટી પોલિસ કમિશનર તરીકે ફરજ પર હતો. સાંજે પોણા પાંચના સુમારે મને કમાન્ડર સેમ્યુઅલનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે મારી સલાહ પ્રમાણે કમાન્ડર નાણાવટી તમારી પાસે સરન્ડર કરવા આવે છે.
લોબો : કમાન્ડર નાણાવટી સાથે બીજું કોઈ છે? ડ્રાઈવર, કે એસ્કોર્ટ?
સેમ્યુઅલ : ના. તેઓ જાતે પોતાની ગાડી ચલાવીને આવે છે.
લોબો : પછી મેં ક્રાઈમ બ્રાન્ચના સુપરિન્ટેન્ડન્ટ કોરડે અને ઇન્સ્પેક્ટર મોકાશેને બોલાવ્યા. થોડી વાર પછી બહાર કોઈકના બોલવાનો અવાજ સંભળાયો : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોની ઓફિસ ક્યાં છે? મેં એ માણસને અંદર બોલાવ્યો. અંદર આવીને કમાન્ડર નાણાવટી મારી સામેની ખુરસીમાં બેસી ગયા. અને જે કાંઈ બન્યું હતું તે જણાવ્યું. એ વખતે કોરડે અને મોકાશે બંને હાજર હતા. સ્ટેટમેન્ટ નોંધાવ્યા પછી કમાન્ડર નાણાવટીએ કહ્યું કે સર્વિસ રિવોલ્વર અને વધેલી ગોળીઓ મારી મોટરમાં છે. મેં નાણાવટીને તાબામાં લેવા મોકાશેને કહ્યું અને નાણાવટીને સાથે લઈ જઈને પંચનામું કરીને તેમની મોટરમાંથી રિવોલ્વર અને ગોળીઓ જપ્ત કરવા જણાવ્યું.
પછીના સાક્ષી હતા ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સપેકટર ગૌતમ. તેમણે જણાવ્યું કે બનાવના દિવસે હું મારબાવડી ખાતેના મારા ઘરે હતો ત્યારે સાંજે લગભગ સાડા પાંચ વાગે મને મારા ગામદેવી પોલીસ સ્ટેશન પર ડ્યૂટી માટે તાબડતોબ હાજર થવા જણાવાયું હતું. સેતલવડ રોડ પરના એક મકાનમાં ગોળીબારની ઘટના બની છે એમ મને કહેવામાં આવ્યું. લગભગ ૫.૩૫ કલાકે હું જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચ્યો. ત્યારે આહુજાનું મોત થઈ ચૂક્યું હતું.
‘તમે ત્યાં પહોંચ્યા પછી શું કર્યું?
‘કાયદા પ્રમાણે પંચનામાની વિધિ કરી. મરનારના શરીર પર એક માત્ર લાલ ટુવાલ વીટાળેલો હતો.
‘જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય, અથવા મરનારે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હોય, તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?’
‘સાધારણ રીતે નહિ.’
‘અચ્છા. તમે બીજું શું શું જોયું?’
મરનારની છાતીના વચલા ભાગમાં, માથાની ડાબી બાજુએ અને ડાબા હાથની હથેળી પર ટચલી આંગળી નજીક ઘાનાં નિશાન હતાં. બેડ રૂમમાનું બધું જ ફર્નિચર વ્યવસ્થિત હતું. બેડ રૂમની અંદર આવેલા બાથ રૂમની બારીના કાચનો ઉપલો ભાગ તૂટી ગયો હતો. તેના ટુકડા નીચે જમીન પર પડ્યા હતા. બનાવના સ્થળેથી બે વપરાયેલી કારતૂસ, એક જોડ ચશ્માં, અને એક ચંપલ મળી આવ્યાં હતાં. જ્યારે બીજું ચંપલ બેડ રૂમમાં આવેલા પલંગ નજીકથી મળી આવ્યું હતું. બાથ રૂમની પશ્ચિમ બાજુની દીવાલ પર લોહીના ડાઘ હતા. બાથ રૂમના બારણા પર અને તેના હેન્ડલ પર પણ લોહીના ડાઘ હતા. બેડ રૂમમાં આવેલા કબાટના એક ખાનામાંથી મને ૨૬ પત્રો અને બે ફોટોગ્રાફ મળી આવ્યા હતા. એક મોટા કવરમાં એ મૂકેલા હતા. આ ઉપરાંત, જુદા જુદા પ્રકારનો દારુ ભરેલી બાટલીઓ તથા કેટલીક ખાલી બાટલી મળી આવી હતી. બેડ રૂમમાં આવેલા કબાટ ઉપર રાખેલી એક સૂટ કેસમાં આ બધી બાટલીઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત પીળા રંગના કાગળનું એક મોટું કવર મળી આવ્યું હતું જેના પર લખ્યું હતું : લેફ્ટનન્ટ કમાન્ડર કે.એમ. નાણાવટી. પંચનામું કરીને મેં આ બધી વસ્તુઓ તાબામાં લીધી હતી. આ બનાવ અંગે વધુ તપાસ કરવાનું કામ મેં ઇન્સ્પેક્ટર મોકાશીને સોંપ્યું હતું.
વકીલ : તમે કહ્યું કે બાથ રૂમની બારીનો એક કાચ તૂટેલો હતો અને તેના ટુકડા બાથ રૂમની ભોંય પર પડ્યા હતા.
તો તમે એ ટુકડા તાબામાં લીધેલા કે નહિ?
ના, જી.
કેમ?
પંચનામામાં તેની નોંધ લેવાનું મને જરૂરી લાગ્યું નહોતું, એટલે. મને જરૂરી લાગી તેટલી વસ્તુઓની જ મેં પંચનામામાં નોંધ લીધી હતી.
તમે આખા ઘરની તલાશી લીધી હતી?
ના, જી. મેં માત્ર બેડ રૂમ અને તેમાં આવેલા બાથ રૂમની જ તલાશી લીધી હતી.
અચ્છા. તો બેડ રૂમ અને બાથ રૂમની દીવાલો પર ક્યાં ય ગોળીનાં નિશાન હતાં?
ના, જી. જો મેં જોયાં હોત તો પંચનામામાં નોંધાવ્યાં હોત.
આહુજાના મોત માટે જવાબદાર ગણી શકાય એવી કોઈ વસ્તુ કે હથિયાર તમને બનાવવાળી જગ્યાએથી મળી આવ્યાં હતાં?
ના, જી. મળી આવ્યાં હોત તો મેં પંચનામામાં નોંધ કરાવી હોત.
આ તબક્કે પંચનામામાં નોંધાયેલી વસ્તુઓ અદાલતમાં રજૂ કરવામાં આવી જે ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ગૌતમે ઓળખી બતાવી હતી.
અદાલતની કારવાઈ પૂરી થાય તે પહેલાં જજ મહેતાએ જાહેરાત કરી કે આવતી કાલે અદાલત, તેના કેટલાક કર્મચારીઓ, તથા લાગતાવળગતા વકીલો જીવન જ્યોત બિલ્ડિંગમાં આવેલા ઘટના સ્થળની મુલાકાત લેશે એટલે અદાલતમાંની આગળની કારવાઈ તે પછીના દિવસ પર મુલતવી રાખવામાં આવે છે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 જુલાઈ 2025