“તા. ૧૫મી એપ્રિલ ૧૮૮૭ને વાર સુકરે અમો અમારા મીત્ર ભાઈ પીરોજશાહ મેહેરવાનજી જીજીભાઈ સાથે સ્ટીમર ‘નીઝામ’માં સાંજના સાડા પાંચ કલાકે પાલવા બંદર ઉપરથી મીત્રમંડળની મુબારકબાદી વચ્ચે ઉપડ્યા હતા. તા. ૧લી ડીસેમ્બર સને ૧૮૮૭ની બપોરના કલાક ૧.૩૦ મીનીટે મુંબઈના બારામાં દાખલ થયા હતા. અને કલાક બેએ પાલવા બંદર સામે અમારી સ્ટીમરે લંગર નાખ્યું હતું, અને આસરે ત્રીસ હજાર માઈલની મુસાફરી જેમાં વીસ હજાર માઈલ દરિયાની અને દસ હજાર માઈલ રેલવેની પૂરી કરીને અમારા કુટુંબને પાછા મળવાથી અમોને બેહદ આનંદ ઉપજ્યો હતો.” (જોડણી મૂળ પ્રમાણે) ૧૨૭ વર્ષ પહેલાં ત્રીસ હજાર માઈલની મુસાફરી કરી, પૃથ્વીની પ્રદક્ષિણા કરી, અનેક દેશોની મુલાકાત લેનાર હતા ફરામજી દીનશાજી પીટીટ.
૨૨૯ દિવસે સ્વદેશ પાછા ફર્યા પછી ‘ફક્ત મિત્ર મંડળની વાકેફીને સારું’ ૬૨૩ પાનાંનું પુસ્તક છપાવ્યું હતું. ‘યૂરોપ, અમેરિકા, જાપાન અને ચીન તરફની મુસાફરીની નોંધ’ એવું મુસાફરી જેવું જ લાંબુ લચક નામ ધરાવતું આ પુસ્તક મુંબઈના જામે જમશેદ સ્ટીમ પ્રેસમાં છપાઈને ૧૮૮૯માં પ્રગટ થયું હતું. અને આ કાંઈ એમની પહેલી મુસાફરી નહોતી, કે નહોતું આ તેમનું પહેલું પુસ્તક. અગાઉ ૧૮૮૧માં તેમણે યુરપની મુસાફરી કરેલી અને તે અંગેનું પુસ્તક પ્રગટ કરેલું. એ પુસ્તક એટલું તો લોકપ્રિય થયેલું કે એક વરસમાં તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવી પડેલી.
ક્યાં ક્યાં ફર્યા હતા આ બે પારસી મિત્રો? મુંબઈથી એડન, માલ્ટા, અલ્જીિરયા, મલાગા, ગ્રેનેડા, કોરડોવા, સેવિલ, લિસ્બન, માદ્રીદ, પેરિસ, લંડન, ન્યૂ કાસલ, એડીનબરા, ગ્લાસગો, હેલનબરા, લીવરપુલ, માન્ચેસ્ટર, સાઉથ પોર્ટ, ન્યૂ યોર્ક, નાયગરા, બોસ્ટન, ફિલાડેલ્ફિયા, વોશિંગટન, શિકાગો, સાન ફ્રાંસિસ્કો, ટોક્યો, ઓસાકા, નાગાસાકી, શાંઘાઈ, હોંગકોંગ, મકાઉ, સિંગાપુર, કોલંબો. આટલી લાંબી મુસાફરીનું વર્ણન ડાયરીની રીતે, તારીખ, વાર, સમય સાથે વિગતવાર કર્યું છે. એટલે મુસાફરી દરમ્યાન બંનેએ વિસ્તૃત નોંધો રાખી હશે. એન્ગ્રેવિંગ પધ્ધતિએ છાપેલાં બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રો પુસ્તકમાં મૂક્યાં છે, પણ એ કોની પાસે તૈયાર કરાવ્યાં તે પુસ્તકના એક પાનાના ‘દીબાચા’માં જણાવ્યું નથી. ચિત્રો જોતાં સ્ટોક ઇલસટ્રેશન્સ ખરીદીને મૂકી દીધાં હોય એવું લાગતું નથી. જો કે એક કરતાં વધારે ચિત્રકાર પાસે કરાવ્યાં હોય એવું લાગે છે. હા, એક વાતનું દુ:ખ થાય છે કે પુસ્તક જરા હલકી જાતના કાગળ પર છાપાયું છે એટલે આજે આટલાં વર્ષો પછી પુસ્તકની હાલત બહુ સારી નથી.
મુસાફરી દરમ્યાન બંને મિત્રોએ સંસ્કૃતના પ્રકાંડ પંડિત સર મોનિયર વિલિયમ્સને ઘરે ‘એટ હોમ’માં હાજરી આપી હતી, જ્યાં એક હોલકરને બાદ કરતાં હિન્દુસ્તાનના ઘણા રાજવીઓ પણ હાજર હતા. પણ હિન્દુસ્તાનના રાજવીઓ સાગમટે ઇન્ગ્લન્ડમાં હાજર કેવી રીતે હોય? કારણ, રાણી વિક્ટોરિયાના જ્યુબીલી સમાંરભમાં હાજરી આપવા એ બધા ત્યાં ગયા હતા. અને આપણા આ બે પારસી મિત્રોની મુસાફરીનું નિમિત્ત પણ રાણીની જ્યુબીલી જ હતું. રેલવે સ્ટેશન કે એર પોર્ટ પર આવતા અજાણ્યા મુસાફરોને માત્ર આપણા દેશમાં જ ટેક્સીવાળાઓ લૂંટે છે એવું નથી. એ જમાનાના ન્યૂ યોર્કમાં પણ એવું થતું. એટલે તો ન્યૂ યોર્ક બંદરે ઉતર્યા પછી હોફમેન હાઉસ નામની હોટેલ પર જવા માટે બંને મિત્રોએ ઘોડાગાડીવાળા સાથે અગાઉથી ભાડું ઠરાવ્યું હતું, અઢી ડોલર. હા, એ જૂદી વાત કે એ વખતે એક ડોલરનો ભાવ હતો ત્રણ રૂપિયા! લેખકોના કહેવા પ્રમાણે એ વખતે ન્યૂ યોર્કમાં આ સૌથી સારી હોટેલ ગણાતી હતી. પણ તેનું ભાડું કેટલું હતું તેની તેમને ખબર નહોતી, કારણ બંને પારસી મિત્રો મુંબઈવાળા દાદાભાઈ બ્રધર્સના મહેમાન તરીકે ત્યાં રહ્યા હતા, એટલે ભાડું યજમાને ચૂકવ્યું હતું.
ન્યૂ યોર્કની સ્થિતિ આવી હતી તો ટોકિયોની કેવી હતી? બંનેની સ્ટીમર ટોકિયો પહોંચી ત્યારે તેમણે શું જોયું? ભાડે ફેરવવાની જાપાનીસ બોટોથી સ્ટીમર ચારે બાજુએથી ઘેરાઈ ગઈ હતી. બોટવાળાઓ સ્ટીમર પર ચડી આવવા લાગ્યા. પણ ત્યાંના દાદર પર એક અમલદારને ઊભો રાખ્યો હતો, જે થોડાઓને આવવા દેતો હતો, અને થોડાઓને અટકાવતો હતો. અને ના કહેવા છતાં જો બોટવાળા ઉપર આવવા જાય તો તેમને લાત મારીને પાછા કાઢતો હતો. પછી તેમનું ધ્યાન ગયું કે જે બોટવાળા એ અમલદારના હાથમાં ‘દક્ષિણા’ મૂકતા હતા તેમને લાત ખાવી પડતી નહોતી, અને સ્ટીમર પર આવવા મળતું હતું. ચીનમાં બનેલી વસ્તુઓની હલકી ક્વોલિટી અંગે આજે પણ અવારનવાર હોબાળો મચે છે. લેખકોના કહેવા પ્રમાણે એ વખતે ચીનની ચા યુરપના દેશોમાં નિકાસ થતી હતી. પણ તેની હલકી ક્વોલિટીને કારણે એ દેશોએ આયાત બંધ કરી એટલે ચાના ભાવ બેસી જતાં ચીનને ભારે નુકસાન થયું હતું.
બંને મિત્રોએ શાંઘાઈથી હોંગકોંગની મુસાફરી જર્મનીની પ્રખ્યાત લોઈડ કંપનીની ‘શેશન’ નામની સ્ટીમરમાં કરી હતી. એ સ્ટીમર મૂળ તો ૨૭મી ઓક્ટોબરે ઉપડવાની હતી, પણ ચીની સરકારનો એક એલચી તેમાં મુસાફરી કરવાનો હતો અને મુસાફરી માટે એ દિવસ શુકનિયાળ નહોતો એટલે તેના કહેવાથી સ્ટીમર ૩૦મી તારીખે ઊપડી હતી! આ માટે ચીનમાંના જર્મન એલચીએ તાર કરી સ્વદેશથી ખાસ પરવાનગી મગાવી હતી! વીવીઆઈપીને કારણે ફ્લાઈટ થોડા કલાક મોડી થાય તો આપણાં સમૂહ માધ્યમો કકળાટ કરી મૂકે છે, આજે. આ બે દોસ્તો આખી દુનિયા ફર્યા, ઘણું જોયું, ઘણું જાણ્યું, પણ આખા પુસ્તકમાં ‘અમોને બેહદ આનંદ ઊપજ્યો’ એમ માત્ર એક જ વાર લખ્યું છે, જ્યારે મુસાફરીને અંતે તેમણે મુંબઈની ધરતી પર પગ મૂક્યો ત્યારે.
XXX XXX XXX
સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 05 અૉક્ટોબર 2014
![]()


ઓગણીસમી સદીમાં મુંબઈ ઈલાકામાં ગુજરાતી મુદ્રણનો આરંભ થયો ત્યારે છાપખાનાનું બધું કામ હાથ વડે કરવું પડતું. હાથ વડે ચાલતા યંત્ર પર એક કલાકમાં ૨૪૦ થી ૪૮૦ નકલ છાપી શકાતી, કાગળની એક બાજુએ. આ નકલો પરની શાહી સૂકાઈ જાય પછી જ કાગળની બીજી બાજુ પર છાપકામ થઈ શકતું. યુરોપ અને બ્રિટનમાં પણ ૧૮૧૨ સુધી હાથ વડે ચાલતા મશીન પર જ છાપકામ થતું. ૧૮૧૨ના અરસામાં તેને બદલે સ્ટીમ પ્રેસ પ્રચલિત બનવા લાગ્યાં. જેમાં મશીન શરૂઆતમાં કલાકની ૮૦૦ નકલ છાપી શકતાં પણ ૧૮૧૮ સુધીમાં તે ઝડપ વધીને ૨૪૦૦ પાનાં જેટલી થઈ. આ જ અરસામાં અગાઉ વપરાતાં ફલેટબેડ મશીનને બદલે રોટરી સિલિન્ડરવાળાં મશીન કામ કરતાં થયાં. તેના પર કાગળની બંને બાજુ એક સાથે છાપી શકાતું. જો કે આવાં મશીન અખબારો છાપવા માટે જ વપરાતાં. પુસ્તકો છાપવા માટે તો ફલેટબેડ કે પછીથી આવેલાં પગથી ચલાવાતાં ટ્રેડલ મશીન જ વપરાતાં. જો કે મુંબઈ ઈલાકામાં સ્ટીમ પ્રેસ, રોટરી સિલિન્ડર પ્રેસ, ટ્રેડલ મશીન કયારથી વપરાતાં થયાં તેની માહિતી મળતી નથી. પણ ૧૯મી સદીની છેલ્લી પચીસીમાં આ પ્રકારનાં કેટલાંક છાપખાનાં મુંબઈ શહેરમાં તો હતાં જ. ૧૯૧૧થી મુંબઇ શહેરમાં વીજળીનો ઔદ્યોગિક વપરાશ શરૂ થયો. પણ શરૂઆતમાં તો સુતરાઉ કાપડની મિલ જેવા મોટા ઉદ્યોગો જ વીજળી વાપરતા થયા. મુદ્રણ જેવા લઘુ ઉદ્યોગોમાં તો વીજળીનો વપરાશ ઘણો મોડો શરૂ થયો.
(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)