કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’
ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨,૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી.
આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે: ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે: ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે: “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે: “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.”
‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે: “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”
હવે જુઓ આ જ પુસ્તકના આ જ ભાગની ૧૯૩૪માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ. અહીં કવિ નાનાલાલની પ્રસ્તાવના તો નથી જ, પણ તેમની એક પણ કૃતિ પુસ્તકમાં જોવા મળતી નથી. સંપાદકે પ્રસ્તાવના ન છાપવા અંગે કશો ખુલાસો કર્યો નથી, પણ પહેલી આવૃત્તિમાં નાનાલાલની ૨૮ કૃતિઓ હતી અને આ બીજી આવૃત્તિમાં એક પણ કૃતિ નથી તે અંગે પ્રસ્તાવનામાં એક ફૂટનોટમાં આટલું જ કહ્યું છે: “મહાકવિ શ્રી ન્હાનાલાલના રાસો એમની રજા ન મળવાથી આ આવૃત્તિમાં લઇ શકાયા નથી.” (પા. ૫૧)
૧૯૨૮થી ૧૯૩૪ વચ્ચેના છ વર્ષમાં એવું તે શું બન્યું હશે કે નાનાલાલ આ સંપાદકથી અને તેમની ‘રાસકુંજ’થી આટલી હદે વિમુખ થઇ ગયા હશે? ચોક્કસ જવાબ મળવો અઘરો છે, પણ એક અનુમાન થઇ શકે. રાસકુંજના સંપાદક શાન્તિબહેન અને તેમના પતિ ચૂનીલાલ બરફીવાળા બંને તે વખતની મુંબઈની કૉન્ગ્રેસની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા હતા. (મુંબઈના અંધેરી પરામાં જે રસ્તા પર ‘બરફીવાળા લોજ’ નામના મકાનમાં તેઓ રહેતાં એ રસ્તાને પાછળથી ‘ચૂનીલાલ બરફીવાળા રોડ’ નામ અપાયું છે.) ૧૯૬૩માં પ્રગટ થયેલા રાસકુંજના બીજા ભાગની પ્રસ્તાવનામાં શાન્તિબહેન લખે છે: “રાસકુંજની બીજી આવૃત્તિ છેક ૧૯૩૪માં પ્રગટ થઇ શકી. કારણ કે રાષ્ટ્ર ચળવળમાં અંધેરીમાં અને પાર્લાની છાવણીમાં કૈંક આગળ પડતો ભાગ લીધો. તેની અસર તબિયત પર થઇ; વળી જેલયાત્રા કરી, તેથી તબિયત વધારે બગડી.” એટલે કે ૧૯૩૦ની ચળવળ વખતે શાન્તિબહેન ગાંધી રંગે પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. એ પહેલાં ગાંધીજી અને નાનાલાલ વચ્ચે ‘દૂઝણી ગાય’વાળો પ્રસંગ બની ગયો હતો અને નાનાલાલ માત્ર ગાંધીજીના જ નહિ, ‘ગાંધીવાળાઓ’થી પણ વિમુખ થઇ ગયા હતા. એવી મનોદશામાં ગાંધી રંગે રંગાયેલાં શાંતિબહેનને પોતાનાં પ્રસ્તાવના અને કૃતિઓ છાપવા માટે નાનાલાલે પરવાનગી ન આપી હોય તેમ બને?
આ સંદર્ભમાં બીજી એક વાત પણ સૂચક બને તેવી છે. રાસકુંજના પહેલા ભાગની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખવા માટે સંપાદકે પસંદગી કરી છે ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપેલું તે ઝવેરચંદ મેઘાણીની. ‘રાસકુંજ’ની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ તેની સાથે જ તેનું જોડિયું પુસ્તક ‘રાસકુંજની સરિગમ’ પણ પ્રગટ થયું હતું. તેમાં બધાં જ ગીતોનાં નોટેશન્સ આપવામાં આવેલાં. હવે, ‘રાસકુંજની સરિગમ’ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે નરસિંહરાવ દીવેટિયાએ. શાસ્ત્રીય સંગીતની તેમની જાણકારી જોતાં તેમની પસંદગી યોગ્ય જ ગણાય, પણ તેમાંના કેટલાક વિચારો નાનાલાલના વિચારોનો વિરોધ કરનારા છે. આ વાતથી નાનાલાલ નારાજ થયા હોય એમ બને? રાસકુંજની બીજી આવૃત્તિમાં મેઘાણીની પ્રસ્તાવના ઉપરાંત ‘આશીર્વાદ’ શીર્ષકથી નરસિંહરાવભાઈનું લખાણ પણ છપાયું છે. તેમાં તો તેમણે નાનાલાલનો સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે. લખે છે: “ગુજરાતના ગરબાને ‘રાસ’ સંજ્ઞા કાંઇક અર્ધદર્શનથી જ અપાઈ છે, અને તે પણ ગુજરાતી સાહિત્યમાં તો પાછલાં થોડાં વર્ષોથી જ. રા. ન્હાનાલાલ કવિયે પોતાના ગરબીસંગ્રહ ‘ન્હાના ન્હાના રાસ’ એ સંજ્ઞાથી પ્રથમ છપાવ્યા તે પૂર્વે રાસગરબો અથવા ગરબી એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં જાણવામાં આવ્યું નહોતું.”
રાસકુંજના પહેલા ભાગની ૧૯૫૪મા પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાંથી મેઘાણીની પ્રસ્તાવના કાઢી નાખવામાં આવી છે, પણ તેમની દસ કૃતિઓ પુસ્તકમાં સમાવી છે. એ આવૃત્તિની પ્રસ્તાવના મંજુલાલ મજમુદારે લખી છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા બીજા ભાગની પ્રસ્તાવના પણ તેમણે જ લખી છે. પુસ્તકના બંને ભાગમાં મળીને કુલ ૬૪૫ કૃતિઓ સમાવવામાં આવી છે. નાનાલાલ, નરસિંહરાવ, મેઘાણી જેવા સાક્ષરો તો આ પુસ્તકને આવકારે, પણ અગેય અને વિચારપ્રધાન કવિતાના પ્રખર પુરસ્કર્તા બલવન્તરાય ઠાકોરે પણ તેને આ શબ્દોમાં આવકાર આપ્યો હતો: ”સૌ. શાન્તિબહેન બરફીવાળાએ જે જાતની કવિતાઓ સંગ્રહી છે તે એ જાતમાંની ઉત્તમ કવિતાઓ. ભાગ્યે કોઈ એ જાતની ખરેખર સારી કવિતા રહી ગઈ હોય એટલો મોટો સંગ્રહ એમણે કર્યો છે.”
e.mail : deepakbmehta@gmail.com
![]()


કુલ ભાષા ૨૯ (તેમાંની ૧૬ દેશની, ૧૩ પરદેશની). ૯૦ લેખકોએ લખેલાં ૮૭ પુસ્તકો વિશેના ૭૮ સમીક્ષકોએ લખેલા લેખો. (‘સંપાદકનું કથન’માં ૮૬નો આંકડો લખ્યો છે, પણ અંતે આપેલી ‘ગ્રંથસૂચિ’માં ૮૭ પુસ્તકો નોંધાયાં છે.) અને આ પુસ્તકો તે માત્ર સાહિત્યનાં જ નહિ. સાહિત્ય ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસવિચાર, કળાવિચાર, ચરિત્ર, ડાયરી, ફિલ્મવિચાર, ભાષાશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને સંસ્કૃિતવિચારનાં પુસ્તકો પણ ખરાં. સાહિત્યમાં સૌથી વધુ (૧૫) પુસ્તકો નવલકથાનાં. ઉપરાંત કવિતા (૧૪), આત્મકથા (૧૩), વાર્તા (૭) અને વિવેચન(૬)નાં પુસ્તકો. અને આ બધાં જ પુસ્તકો બાવા આદમના જમાનાનાં નહિ, છેલ્લા એક દાયકા દરમ્યાન પ્રગટ થયેલાં – તેમાં ય ૬૦ પુસ્તકો તો છેલ્લાં ચારેક વર્ષમાં પ્રગટ થયેલાં. પણ આ આંકડા રાંકડા લાગે એવો સૂઝ ભર્યો શ્રમ સંપાદકે કર્યો છે. તેમણે લખનારાઓ પર કે પોતાના પર કૃત્રિમ બંધનો નથી લાદ્યાં, મોકળાશ રાખી છે. અમુક શબ્દોમાં જ લખો, અમુક પ્રકારનાં પુસ્તકો વિષે જ લખો, અમુક રીતે જ લખો – કે ન લખો – એવી લક્ષ્મણરેખા લખનારાઓ ફરતી નથી દોરી. તો એક લેખક એક લેખ, અમુક ભાષા, વિષય કે પ્રકારનાં પુસ્તકો અમુક સંખ્યામાં જ, રજૂઆતની અમુક જ પદ્ધતિ, એવાં બંધનોથી નથી પોતાની જાતને બાંધી. આનો અર્થ એવો નથી કે અહીં સંપાદન-કર્મ નથી. છે. પૂરેપૂરું છે, ચીવટ અને ઝીણવટભર્યું છે. જ્યાં ગુજરાતીમાં લખાયેલા લેખ ન મળ્યા ત્યાં બીજી ભાષામાં લખાવી તેના અનુવાદ કર્યા-કરાવ્યા છે. કોઈ અવલોકનમાં કશુંક ખૂટતું લાગે તો બીજા કોઈ પાસેથી પૂરક સામગ્રી મેળવીને મૂકી છે. કેટલાક લેખોને અંતે વધતી કોરી જગ્યામાં મૂકવા માટે મહેનત કરીને સુયોગ્ય અવકાશપૂરકો એકઠાં કર્યાં છે. (અને તેની અલગ અનુક્રમણિકા પણ આપી છે.) સાધારણ રીતે ગુજરાતીમાં લખવાથી ન ટેવાયેલા લેખકોના લખાણમાં તો સારી એવી જહેમત સંપાદકને લેવી પડી હોય.