િગજુભાઈ બધેકા.
આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લગાવ અને લાગણી ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને લક્ષ્યમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.
આજે (15 નવેમ્બર,1885) ગિજુભાઈનો જન્મદિવસ છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે વિરલ અને વિરાટ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની સ્થિતિ કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કોઈ કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ભાગ્યે વિચાર કરવામાં આવે છે.
યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળીને માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજીખુશીથી વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.
ગિજુભાઈએ બાળ કેળવણી-સાહિત્યનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી ચિંતન કર્યું અને એક દર્શન (વિઝન) વિકસાવ્યું, જે આજે પણ માર્ગદર્શક-ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું પુસ્તક દરેક શિક્ષકે, એમાં ય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે અને અનુસરાશે તો ગિજુભાઈનું સપનું જરૂર પૂરું થઈ શકશે.
e.mail : divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 15 નવેમ્બર 2017
![]()


‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા મૂળ જાપાનના કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે. તેમનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો.
માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે મજૂરોના શોષણ અને અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની વાત કરી છે, એમાં કંઈ ખોટું છે? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના … અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869) પણ નહોતા!