જોતીરાવ ફુલેના જન્મ દિવસ નિમિત્તે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવવા જેવી છે
જોતીરાવ ફુલે એટલે મહાત્મા, સમાજસુધારક, ક્રાંતિકારી, દલિતઉદ્ધારક, લેખક, વિચારક, પ્રેરણાપુરુષ … જોતીબા કેટકેટલું હતા, પણ એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. આજકાલ દેશમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં જોતીબાને યાદ કર્યા વિના, તેમના સંઘર્ષ અને રચનામાંથી પ્રેરણા લીધા વિના ચાલે એવું નથી. દસ દિવસ પહેલાં એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટે આપેલા દિશાનિર્દેશોથી નારાજ દલિત સમાજે ભારત બંધ થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ દેશમાં દલિત સંબંધિત મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા.
રાજકારણીઓ તો ચોકો વાગે એવા મોકાની જ તલાશમાં હોય છે, પરંતુ જેમને ખરેખર માનવ સમાજ અને દેશની પરવા હોય તેમણે દલિતના મુદ્દે જરા નિસબતપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું પડે. દલિતના મુદ્દાને નાત-જાતની સંકુચિત દૃષ્ટિએ નહિ, પરંતુ સામાજિક સમાનતા, સમાજસુધારણા અને વ્યાપક માનવ અધિકારોની દૃષ્ટિએ જોવો કે વિચારવો જોઈએ. આવી વ્યાપક દૃષ્ટિ કેળવવાનો સૌથી સરળ માર્ગ છે, મહાત્મા ફુલે, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર જેવા મહામાનવોનાં જીવન અને સંઘર્ષનો પરિચય કેળવવો. આજે જોતીબા ફુલેનો જન્મ દિવસ (11 એપ્રિલ, 1827) છે ત્યારે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવીએ.
માળી સમાજમાં જન્મેલા જોતીબાનો પરિવાર પૂનાના પેશવાનો માનીતો હતો, એટલે સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. જોતીરાવને બાળપણનાં વર્ષોમાં જાતિગત ભેદભાવનો કોઈ અંદાજ નહોતો. ભણવામાં તેજસ્વી જોતીરાવને શાળામાંથી ઉઠાડીને ખેતીમાં જોતરી દેવાયો, તેની પાછળ પણ બ્રાહ્મણવાદી માનસ જ જવાબદાર હતું, જેનો જોતીરાવને એ વખતે ખ્યાલ સુધ્ધાં નહોતો. અલબત્ત, વાંચતા શીખી ગયેલા જોતીરાવનો વાંચનપ્રેમ જોઈને તેમના પાડોશી મુસ્લિમ શિક્ષક અને ખ્રિસ્તી પાદરીએ તેમના પિતાને સમજાવ્યા અને ફરી ભણાવવા બેસાડ્યા હતા. વાંચનપ્રેમી જોતીબાએ થૉમસ પેઇનનું ‘રાઇટ્સ ઑફ મેન’ પુસ્તક વાંચ્યું, જેનો તેમના પર બહુ મોટો પ્રભાવ પડ્યો અને આજીવન રહ્યો હતો. મહિલાઓની સમસ્યા હોય કે દલિતોની, તેમણે દરેક મુદ્દાને માનવ અધિકારની દૃષ્ટિએ જોયો હતો અને એવી રીતે જ ઉકેલ લાવવા મથામણ કરી હતી. દલિતના મુદ્દે આત્મપરિવર્તનની નહિ, પણ અધિકારની દૃષ્ટિએ સમાજસુધારણા કરવી જોઈએ, એવા તેમના અભિગમને કારણે જ કદાચ ડૉ. આંબેડકરે તેમને ગુરુ માન્યા હતા.
એક બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્નપ્રસંગે ગયેલા જોતિરાવને વરઘોડા દરમિયાન ભૂલથી અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેમને દલિત સમસ્યાનો અને બ્રાહ્મણવાદી માનસના વર્ચસ્્નો અંદાજ આવ્યો. આ બનાવે તેમને ઝકઝોરી દીધા અને સમાજક્રાંતિ માટે તેમનો આત્મા પ્રતિબદ્ધ બન્યો. જોતીબાને થયું કે શિક્ષણ થકી જ સામાજિક ચેતના જાગશે અને સમાજસુધારણા શક્ય બનશે. તેમણે એ જ વર્ષે એટલે કે 1848માં શૂદ્રાતિશૂદ્રોની દીકરીઓ માટે શાળા શરૂ કરી. શાળામાં ભણાવે કોણ? તેમણે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં હતાં. અનેક દબાણો અને પડકારો છતાં સાવિત્રીબાઈએ બાળાઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.
જોતીબા વિધવાવિવાહની ચળવળના પણ એક અગ્રણી સમર્થક હતા. તેમણે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરેલું, જેમાં કોઈ વિધવા સમાજથી છુપાવીને સંતાનને જન્મ આપી શકે, એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક વિરોધો અને હુમલાઓ સામે તેમણે બહાદુરીથી ઝીંક ઝીલી હતી.
મજૂરનો પ્રશ્ન હોય કે ખેડૂતનો, વંચિત-શોષિત વર્ગના હિતમાં તેમણે હંમેશાં મોરચો સંભાળ્યો હતો. જોતીરાવે પુસ્તકો લખીને પણ પોતાની વાત સમાજ સુધી પહોંચાડવા મથામણ કરી હતી. જોતીબાની આજે અત્યંત જરૂર છે. બીજા જોતીબા મળવા તો મુુશ્કેલ છે, પણ તેમનાં કાર્યો અને વિચારો આપણા માટે અમર પ્રેરણા બની રહો!
e.mail : divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’, ’કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2018
![]()


ગોલ્ડા માયર, ઇઝરાયેલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન અને વડાપ્રધાન પદ સુધી પહોંચનાર વિશ્વની ત્રીજી મહિલા. વિશ્વ ઇતિહાસમાં ગોલ્ડા માયરનું નામ એક સન્માનનીય નેતા તરીકે સોનેરી અક્ષરે અંકિત થયેલું છે. આવતી કાલે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાશે. યુવતીઓ-મહિલાઓ માટે પ્રેરણાદાયક અને રોલમૉડલ સમી મહિલાઓને યાદ કરવામાં આવશે, જેમાં ગોલ્ડા માયરનું નામ પણ ચોક્કસ લેવાશે. જો કે, આજે તેમને યાદ કરવાનું નિમિત્ત મહિલા દિવસ ઉપરાંત તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ પ્રસંગ પણ છે.
ઈ.સ. 1969માં 7મી માર્ચના રોજ લેબર પાર્ટીની સેન્ટ્રલ કમિટીના 70 સભ્યોએ એક સૂરે ગોલ્ડા માયરને નવા વડાંપ્રધાન તરીકે ચૂંટ્યાં હતાં. ઇઝરાયેલના ત્રીજા વડાપ્રધાન લેવી એસ્કોલના નિધન બાદ સ્થિતિ એવી હતી કે સામાન્ય ચૂંટણીને માત્ર આઠ જ મહિનાની વાર હતી. શાસક પક્ષ માટે વડાપ્રધાન પદ કોને સોંપવું, એ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. વડાપ્રધાન પદના દાવેદારો એકથી વધારે હતા, પરંતુ પક્ષને સત્તાનું સુકાન 71 વર્ષનાં ગોલ્ડા માયરને સોંપવું જ મુનાસિબ લાગ્યું હતું. ગોલ્ડા માયરે 17મી માર્ચ, 1969ના રોજ વિધિવત્ રીતે ઇઝરાયેલનું વડાંપ્રધાન પદ સંભાળ્યું હતું.
વડાપ્રધાન બન્યાં પહેલાં ગોલ્ડા માયર અગાઉની સરકારોમાં શ્રમ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય સંભાળી ચૂક્યાં હતાં, એ તો ખરું જ, પરંતુ ઇઝરાયેલની સ્થાપનામાં તેમની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, એ જાણવા જેવું છે. ઇઝરાયેલની આઝાદીનું જે જાહેરનામું બહાર પડ્યું, તેમાં કુલ 24 લોકોના હસ્તાક્ષર હતા, જેમાં માત્ર બે મહિલા હતી, એમાંનાં એક હતાં ગોલ્ડા માયર. આમ, તેઓ ઇઝરાયેલના અસ્તિત્વ કરતાં પહેલાં પણ એક નેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યાં હતાં.
યુક્રેનમાં (તે વખતે રશિયાના તાબા હેઠળનો પ્રદેશ) 3 મે, 1898ના રોજ જન્મેલાં અને અમેરિકામાં ઉછરેલાં-ભણેલાં ગોલ્ડા માયર 20 વર્ષની વયથી જ જાહેરજીવનમાં સક્રિય બની ગયાં હતાં. કરિયાણાની દુકાન ધરાવતા પિતાની દીકરી તરીકે દુકાન સંભાળનારાં ગોલ્ડા માયરે પોતાના દેશને એટલી સારી રીતે સંભાળેલો કે આજે પણ તેમનું નેતૃત્વ જાહેરજીવનમાં આવનારી દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. દૃઢ મનોબળ ધરાવતાં તથા એક ઘા ને બે કટકામાં માનનારાં આ સ્પષ્ટવક્તા નેતા ઇઝરાયેલનાં ‘આયર્ન લેડી’ તરીકે પણ જાણીતાં છે. ગોલ્ડા માયર પરના લોકોના અતૂટ વિશ્વાસને કારણે તેમના નેતૃત્વમાં તેમનો પક્ષ એક નહિ, બે બે સામાન્ય ચૂંટણીઓ જીતી શક્યો હતો.
