સમય સંકેત
ઉનાળો એવો જામ્યો છે કે કાકાસાહેબ કાલેલકરના લલિત નિબંધ 'મધ્યાહ્નનું કાવ્ય'ને ફરી વાંચવાનું મન થઈ જાય
‘શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું: 'કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.' એમણે કહ્યું: 'તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.' મેં કહ્યું: 'ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.' આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, 'હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.' મેં બીતાં બીતાં વિનોદ કર્યો: 'રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય!'
ગરમીનું નામ પડતાં જેઓ રાતાચોળ થઈ જતા હોય, તેમને આ સંવાદ વાંચીને આશ્ચર્ય થઈ શકે, પરંતુ ઉનાળા અને તડકા પર આવો રસિક અને 'કૂલ' સંવાદ થયો હતો કાકાસાહેબ કાલેલકર અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે. કાકાસાહેબે પોતાના વિખ્યાત લલિત નિબંધ 'મધ્યાહ્નનું કાવ્ય'ના અંતે આ પ્રસંગ ટાંકેલો છે.
ઉનાળાનો તાપ-તડકો સહન કરવો આકરો થઈ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે, જે કહેતું હોય કે ઉનાળો મારી સૌથી વધુ ગમતી (ફેવરિટ) ઋતુ છે. ઉનાળાને પસંદ કરનારા લોકો આપણે ત્યાં લઘુમતી નહિ પણ અણુમતીમાં જ હોવાના. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એ વાત ઉનાળાને ચાહવાની બાબતમાં પણ સાચી ઠરે છે. રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિ ગ્રીષ્મને પણ ગળે ન લગાડે તો જ નવાઈ! ઉપરના સંવાદ પરથી બીજી એક વાત પણ બહાર આવે છે કે રવિબાબુ લૂમાં નહાવાનો આનંદ લે છે તો કાકાસાહેબ પણ ઉનાળાનો આનંદ લૂંટે છે!
કાકાસાહેબે માત્ર ઉનાળાનો આનંદ જ નથી લૂંટ્યો, પરંતુ એ આનંદને પોતાના વિખ્યાત નિબંધ 'મધ્યાહ્નનું કાવ્ય' થકી સૌ સાથે વહેંચ્યો પણ છે. આ લલિત નિબંધ વાંચતાં કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિ અને સમજનો પણ અંદાજ આવી શકે છે. કાકાસાહેબે લખ્યું છે, 'સાચે જ તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ.' આગળ બિહારના તળાવમાં બાઝતી નયનરમ્ય લાલ લીલનું ઉદાહરણ આપીને સમજાવે છે, 'માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઊગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળાં ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને તમે ત્રાસદાયક કહો શા હિસાબે?'
ઉનાળાના તકડામાં આપણને ભડકા દેખાતા હોય છે, પરંતુ કાકા તો સાવ જુદું જુએ છે, 'તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા ખાસ જોવા લાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીરરસ કહીએ કે રૌદ્ર? હું તો એને શાંતરસ જ કહું! શાંતરસ શીતળ જ શા માટે હોય? તપ્ત પણ કેમ ન હોય?' સાચી વાત છે, ઉનાળાની બપોરે શહેરોના માર્ગો પર શાંતિરસ જરૂર છવાતો હોય છે!
કાકાસાહેબે નિબંધમાં એક સુંદર ટકોર કરી છે, 'તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તો તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ.'
ચાલો, આપણે પણ લેખ ટૂંકાવીએ. ઉનાળાને પણ માણીએ, ન હોય તો કાકાસાહેબ જેવાઓની સૌંદર્યદૃષ્ટિ ઉધાર લઈને!
divyeshvyas.bhaskar@gmail.com
સૌજન્ય : ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 23 મે 2018
![]()


સુનિતાબહેનનું આ વાક્ય આપણા દિલોદિમાગમાં આરપાર ઊતરી જાય એવું છે. તેમના આ વાક્યની ધાર માટે સત્ય ઉપરાંત તેમનો સ્વાનુભવ પણ એટલો જ જવાબદાર છે. કેરળમાં એક સુખી-સમૃદ્ધ પરિવારમાં 1972માં જન્મેલાં સુનિતાબહેનને નાનપણથી જ સામાજિક કાર્ય કરવાનો શોખ હતો. માત્ર આઠ વર્ષની વયે તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને નૃત્ય શીખવવાનું શરૂ કરેલું.
તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે સાક્ષરતા અભિયાનમાં જોડાઈને દલિત સમાજના લોકોને ભણાવવાનું બીડું ઝડપ્યું. જો કે, સમાજના કેટલાક લોકોથી એ સહન ન થતાં તેમને પાઠ ભણાવવા માટે આઠ પુરુષો દ્વારા તેમના પર ગેંગરેપ કરવામાં આવ્યો. એક તરફ ગેંગરેપનો અસહ્ય આઘાત અને બીજી તરફ સગાંસંબંધીઓ અને સમાજના લોકો દ્વારા સાંત્વનાની જગ્યાએ સલાહ-મારો ભોગવતાં ભોગવતાં પણ સુનિતાબહેને સ્વ કરતાં સર્વનો વિચાર કર્યો. પોતે ભોગવ્યું, એવું કોઈ ન ભોગવે, એવી ભાવનાને કારણે તેમને પોતાનું જીવનકાર્ય જડ્યું.
સુનિતાબહેને નિર્ધાર કર્યો કે મારે પીડિતા બની રહેવું નથી. તેમણે સંઘર્ષ અને સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો. સુનિતાબહેને વિચાર્યું કે આપણા સમાજમાં એક એવી સંસ્થા સ્થાપવાની અત્યંત જરૂર છે, જ્યાં સેક્સ ટ્રાફિકિંગ અને સેક્સ ક્રાઇમનો ભોગ બનતાં બાળકો અને સ્ત્રીઓને આશ્રય મળે. એક એવું રહેઠાણ જ્યાં પીડિતાને ન કોઈ સવાલ કરવામાં આવે, ન સાંત્વનાને નામે દંભી શીખામણો આપવામાં આવે. એવી સંસ્થા જ્યાં પીડિત વ્યક્તિ પોતાના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી શકે અને એટલી શક્તિશાળી અને સાહસિક બની શકે કે પોતાની બાકીની જિંદગી સન્માનપૂર્વક જીવી શકે.
9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મદિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’