આપણે વર્ષોથી જુદા જુદા પ્રકારના હિંસક કટ્ટરવાદ સામે એક યા બીજી રીતે સંદેશ આપીને તેને નબળો પાડવાના પ્રયાસ કરતા રહીએ છીએ. ઈસ્લામ એ તો શાંતિનો ધર્મ છે, હિંદુ ધર્મ સર્વસમાવેશક છે, અમેરિકા એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે વગેરે. જો કે, આ બધા સંદેશની કટ્ટરપંથીઓ પર નહીંવત્્ અસર થાય છે. પરિણામે, ઉદારમતવાદીઓ અને ઉચ્ચ પ્રકારના રૂઢિવાદીઓ અનેકવાર એવો રાગ આલાપતા સંભળાય છે કે કોઈ જ ફર્ક નથી પડી રહ્યો.
હા, કોઈ જ ફર્ક નથી પડી રહ્યો, કારણ કે કોઈ પણ ધર્મ, સંસ્કૃિત અને રાજકીય લખાણોના સંદેશમાં તેનો ઉકેલ નથી રહ્યો. આ પ્રકારના સંદેશ નહીં પણ વાચનની પ્રક્રિયા જ કટ્ટરવાદનું મારણ છે. તમને આશ્ચર્ય થશે કે હું કયા પ્રકારની પ્રક્રિયાની વાત કરી રહ્યો છું.
વેલ, આપણે પહેલેથી જ શરૂઆત કરીએ. એક સવાલ પૂછું છું. બધા જ કટ્ટરવાદીઓમાં સર્વસામાન્ય ચીજ કઈ છે?
સામેલગીરીનો ઈનકાર : બધા જ ધર્મોના કટ્ટરવાદીઓ એકબીજાનું માથું કાપવા આતુર હોય છે એ હકીકત છે, તેમ છતાં તેમનામાં એક વાત તો સામાન્ય છે. જેમ કે, સ્ત્રીઓને નિયંત્રિત કરવાની બાબતમાં તેઓ એક જેવા જ છે. બીજું, જે તેમના સેક્યુલર સાથીદારોમાં પણ જોવા મળે છે. આ લોકોમાં પોતાના જ ધર્મના પવિત્ર લખાણોનો છેદ ઉડાવી દેવાનું વલણ જોવા મળે છે. ઈસ્લામમાં મુસ્લિમોને પવિત્ર પુસ્તકોની જાહેરમાં ચર્ચા કરવાની મંજૂરી નથી અને હિંદુ કટ્ટરવાદીઓ પણ તેમના પવિત્ર પુસ્તકોનો ચોક્કસ હિસ્સો જ વાંચશે, એ કંઈ યોગાનુયોગ નથી. અરે, એ.કે. રામાનુજને રામાયણ અને મહાભારત પર લખેલા વિદ્વતાપૂર્ણ નિબંધો પર પણ પ્રતિબંધ છે. અમેરિકામાં પણ ખ્રિસ્તી કટ્ટરવાદીઓ છે, જે કોઈ આફ્રિકન સાન્તા ક્લૉઝ બને તો આકુળવ્યાકુળ થઈ જાય છે. ઈશુ ખ્રિસ્ત પૂર્વ એશિયાના યહૂદી હતા એ વાત પણ તેઓ સ્વીકારી શકતા નથી. ઈશુ એક આરબ જેવા જ લાગે છે, નહીં કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા.
કટ્ટરવાદીઓ લખાણો અને દંતકથાઓને ચિંતન-મનન કરીને, આલોચનાત્મક રીતે કે ઐતિહાસિક દૃષ્ટિએ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. તેમનો પવિત્ર પુસ્તકોનો સ્વીકાર પણ મર્યાદિત છે. સેક્યુલર કટ્ટરવાદીઓ પણ આવું જ કરે છે. સામ્યવાદીઓ ભૂતકાળમાં કાર્લ માર્ક્સ કોમ્પ્લેક્સ ધરાવતા હતા, એવું જ વર્તન આજના નવ ઉદારવાદીઓ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સંપત્તિ ઘટી રહી હોય એ આર્થિક નુકસાનનો સંકેત છે એવી જ રીતે, કટ્ટરતાવાદ દેશના આરોગ્યની નિશાની છે.
સેક્યુલર કે ધાર્મિક એ તમામ પ્રકારના કટ્ટરવાદીઓ ભાષા અને જીવનની જટિલ વાસ્તવિકતાઓ સમજે છે, તેમ જ તેને પોતાના માપદંડોને અનુરૂપ કરી દે છે. તેઓ ચોક્કસ લખાણો પર પ્રતિબંધો જ નથી મૂકતા, પરંતુ કાયદેસરના લખાણો પર એક જ પ્રકારનો સંદેશ આપીને પ્રતિબંધ મૂકી દે છે.
વાંચવાનું બીજી વાર શીખો : આ બધું જ સાહિત્ય જે કંઈ કરે છે તે અને સાહિત્યના વિદ્યાર્થીઓને જે કંઈ શીખવવામાં આવે છે, તેની વિરુદ્ધમાં થઈ રહ્યું છે. કોઈ પણ સાહિત્યિક લખાણને ફક્ત એક જ સંદેશથી ના મૂલવી શકાય. એ દૃષ્ટિએ, સાહિત્યિક કૃતિઓને સિમ્પિલસ્ટિક કરવાનો ટ્રેન્ડ ગંભીર છે. જેમ કે, ભારતીય મહાકાવ્યો જેવા પૌરાણિક ગ્રંથોને બહુઆયામી દૃષ્ટિએ મૂલવીએ તો જ તેનો અર્થ સરે છે અને તેમાં પણ એવું જ શીખવવામાં આવ્યું છે. કમનસીબે, કળાનો મૃત્યુઘંટ વાગતા સાહિત્યિક કૃતિ સાથેનું જોડાણ પણ મરી પરવાર્યું છે. આજે તો સાહિત્ય પણ ‘સેલિંગ પોઈન્ટ’ની દૃષ્ટિએ એક જ પ્રકારનો સંદેશ આપવા પીરસાઈ રહ્યું છે.
કટ્ટરવાદ માટે ફળદ્રૂપ ભૂમિ : આપણે આજના સમાજના ટેક્નોક્રેટિક સ્વભાવને થોડો દોષ આપીએ છીએ. એ પણ યોગાનુયોગ નથી કે યુરોપિયન સમાજવાદીઓની જેમ હિંદુત્વના મોટા ભાગના સ્થાપકોએ ટેક્નોલોજીમાં શિક્ષણ લીધું હતું, એટલું જ નહીં, અનેક ઈસ્લામવાદીઓએ પણ ટેક્નોલોજી ક્ષેત્રે શિક્ષણ લીધું છે. ટેક્નોલોજીમાં કળા અને વિજ્ઞાનથી વિપરિત ફક્ત એક જ પ્રકારની શીખ આપવામાં આવે છે. જેમ કે, તમે સ્ક્રૂ ડ્રાઇવરથી સંતરાની છાલ કાઢી શકો છો, પણ તેનું મૂળ કામ સ્ક્રૂ ખોલવાનું છે.
મૂડીવાદના આંકડાકીય તર્ક – બે વત્તા બે એટલે ચાર – એ ટેકનોલોજી પ્રત્યેના લગાવના કારણે આપણામાં વણાઈ ગયા છે અને હાલના ડિજિટલ પંડિતો કટ્ટરતાવાદ માટે ફળદ્રૂપ ભૂમિ તૈયાર કરી રહ્યા છે.
આ કટ્ટરવાદનું મારણ એની સામે બીજો સંદેશ આપવો એ નથી, પરંતુ ફરી એકવાર કેવી રીતે વાંચતા શીખવું, એ છે. આપણા બાળકોને ધર્મગ્રંથોનું વિવરણ કરીને સમજાવવું એ જ કટ્ટરવાદને નાથવાનો સૌથી ઉત્તમ ઉપાય છે.
(સૌજન્ય : “ધ હિન્દુ”, ૧૯ માર્ચ, ૨૦૧૭)
(લેખક ભારતીય મૂળના અંગેજી સાહિત્યકાર છે. ડેન્માર્કની University of Aarhusમાં અંગ્રેજી ભણાવતા આ અધ્યાપક દક્ષિણ એશિયાના ધર્મ અને સંસ્કૃિતના અભ્યાસી છે.)
[અનુવાદ : વિશાલ શાહ]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2017; પૃ. 10 અને 09