15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો, ત્યારે દેશનાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની એક કલ્પના હતી કે, દેશનાં એક પણ નાગરિકની આંખોમાં આંસુ ન હોય!
દેશનાં નાગરિકોની આંખોમાં આંસું ન હોય તેને માટે સૌપ્રથમ પગલું દેશનાં વડા પ્રધાનની આંખોએ ભરવું પડે. એક એવી વ્યક્તિ કે જેની પાસે દુનિયાની તમામ આફતોની સામે લડવાની તાકાત હોય, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ એ દેશના નાગરિકોને હિંમત આપી રહી હોય!
દેશના વડા પ્રધાનની આંખોમાં આંસુ હોવાં એ દેશના નાગરિકોને રડાવવા સમાન છે. એક ડરપોક અને નબળો માણસ પોતાને ટકાવી રાખવા માટે રડીને દેશના નાગરિકોને ઈમોશનલ બ્લેકમેઇલ કરે છે. દેશની સારી પરિસ્થિતિને પણ નબળી બનાવી દે છે.
ઇતિહાસ હંમેશાં એવી વ્યક્તિઓ સર્જી શકે છે, જેમની પાસે ભવિષ્યમાં દેશ કેવો હશે તેનું ચિત્ર હોય, અને એ વ્યક્તિ પોતાના શબ્દોથી દેશના નાગરિકોને એ ચિત્ર બતાવી શકતી હોય.
જે વ્યક્તિ માત્ર ભૂતકાળનું ચિત્ર બતાવીને દેશના નાગરિકોને ભ્રમિત કર્યાં કરે, અને ભવિષ્યની કલ્પના ન કરાવી શકે એવી વ્યક્તિ દેશની સાથે સાથે દેશના ઇતિહાસને પણ બરબાદ કરી નાખે છે.
વડા પ્રધાન એટલે એક એવી વ્યક્તિ જેની પાસે દૂરનું જોઈ શકવાની ક્ષમતા હોય, એવી આંખો જે આંખોમાં આંસુ નહીં પણ સપનાં આવતાં હોય દેશને દુનિયાના અન્ય દેશો સાથે ચલાવવાના, આગળ વધવાનાં! વડા પ્રધાન એટલે અન્ય દેશની ચાર પૈસાની ધમકીથી ડરીને ડાયપર ભીનું કરનાર વ્યક્તિ નહીં.
વડા પ્રધાન એટલે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજની સમજ ધરાવતી હોય, એવી નાગરિકોનાં શરીર અને મનની કેળવણી માટે મથતી વ્યક્તિ! નાગરિકોને ધર્મ અને અંધશ્રદ્ધામાં ડૂબોળી અંધકારનું સર્જન કરનાર નહીં.
વડા પ્રધાન શબ્દનો અર્થ સમજવા માટે નાગરિકોએ પોતાની જાતને અરીસામાં જોઈને સવાલ કરવો રહ્યો, કે આ આંખોમાં આંસુ લાવે એ વડા પ્રધાન કે, આંખોમાં આંસું ન લાવે તે? વડા પ્રધાન એટલે શું?
(03-09-2025)
સૌજન્ય : તન્મયભાઈ તિમિરની ફેઇસબૂક દીલાથી સાદર