હમણાં, મોટી ‘હાઈ લેવલ’ની મિટિંગ થવાની છે આ રૂમમાં. રૂમ ડરેલો છે. મોટો માણસ ક્યારે પણ આવી શકે છે. આવશે તો મિટિંગ શરૂ થશે.
રૂમમાં, જેને ‘કૉન્ફરન્સ હૉલ’ કહે છે, નાના, વચલા અને કેટલાક થોડા મોટા ટાઇપના લોકો બેઠા છે. બધા અગાઉથી આવીને બેઠેલા છે. બધા મોટા માણસની રાહ જોઈ રહ્યા છે.
મોટા માણસનો ભય છે. બધાના ચહેરા પર વાંચી શકાય છે મોટા માણસની મોટી વાતો. અને લાતો તો ભાઈ એવી છે કે જેની ચર્ચા ઑફિસે-ઑફિસે. ક્યારે કોને લગાવી દે, કહેવું મુશ્કેલ. ચેતવણી વગર જ લગાવી દે છે. મોટા માણસની મોટી ખુરશી. તે ખુરશીના પાયા ઊંચા, ટેકો મોટો, તળિયું મજબૂત. મોટા માણસનું માથું મોટું. આટલા મોટા માથા પર સાહેબગીરીના સોજા, સત્તાનું ગૂમડું અને અહમ્ની લાલી. માથું લાગે જાણે પાકેલો ફોલ્લો. સૂજેલો અને ગરમ-મોટા માણસની મોટી વાતો. મોટા માણસ વિશે મોટી-મોટી વાતો.
‘સાહેબે જો એક વાર નક્કી કરી લીધું તો બસ, ડગતા નથી.’ કૉન્ફરન્સ હૉલમાં પાછળ બેઠેલા એક નાના માણસે બીજા નાના માણસને એમ જ કહ્યું છે. જો કે તે એટલા નાના હતા પણ નહીં. પોતાની ઑફિસમાં મોટા છે, પણ અહીંયાં નાના જેટલું ગજું છે.
બીજો માણસ સાથે લાવેલી ફાઇલ ઉથલાવી રહ્યો છે. તેને પ્રેઝન્ટેશન આપવાનું છે. વિચારી રહ્યો છે. મોટો માણસ તેનું પ્રેઝન્ટેશન ગમાડશે કે ઠુકરાવી દેશે. મોટા માણસના મૂડની ખબર નથી પડતી. તેણે પહેલાં માણસની વાત સાંભળી લીધી, પણ પોતાની વાત એવી તોલી-જોખીને કહી કે જાણે સાહેબને સંભળાવવા માટે કહી રહ્યો હોય.
“મોટા સાહેબ ઝડપથી મૂળ મુદ્દાની વાત પકડી લે છે. પ્રેઝન્ટેશનમાં એક જ વાર, એક જ એવી મોટી વાત કહી દે છે કે …” ફાઇલમાંથી નજર હટાવીને બીજાએ કહ્યું.
તે મોટા માણસ વિશે એવી રીતે વાત કરે છે જાણે ડેંકાલીના જંગલી આદિવાસી વેતાલ વિષેની કિંવદંતીઓ સંભળાવી રહ્યા હોય. કૉન્ફરન્સ હૉલમાં એક અદૃશ્ય તાપણું સળગી રહ્યું છે. ટોળે વળીને બેઠેલા લોકો મોટા માણસની પેલી કિંવદંતીઓ સંભળાવી રહ્યા છે, જે ઑફિસોના જંગલમાં ફેલાયેલી છે.
“સાહેબ, એક ઝાટકે શર્માજીને જમીન પર લાવી દીધા. શર્માજી વિચારી રહ્યા હતા કે આપણું પ્રમોશન પાક્કું છે. સીનિયોરિટીમાં સૌની ઉપર, પણ મોટા સાહેબે એક ઝાટકે પાંખો કાપી નાંખી શર્માજીની. છેલ્લી ઘડીએ હરિદ્વારથી અગ્રવાલને લાવી શર્માજીના માથા પર બેસાડી દીધો. દંગ રહી ગયા બધા.” કોઈ કોઈકને ધીમા અવાજમાં મોટા માણસનાં કારનામાં કહી રહ્યો છે કે મોટો માણસ ઓચિંતો ઝાટકો આપવામાં એવો નિષ્ણાત છે કે એવો તો બસ તે જ આપી શકે છે.
ફરી પાછી મોટા માણસની બીજી વાતો. જ્યાં સુધી તે નહીં આવે, તેની જ વાતો થશે.
“પણ સરજી છે બહુ ધાર્મિક પ્રવૃત્તિના. જ્યાં સુધી સવારે ઊઠીને બે કલાક પૂજામાં ના બેસે, મજાલ છે ઘરની બહાર પગ મૂકે.” એકે કહ્યું.
“રોજ સવારે યોગ કરે છે. નાસ્તામાં ફક્ત ચણા-મમરા. ફિટ રહેશો તો જ લોકોને પાછળથી લાત મારવાની તાકાત આવશેને.” કોઈ વચલો કોઈ નાનાને કહી રહ્યો છે.
મોટો માણસ રેડિયો-પ્રસારણની જેમ છવાઈ ગયો છે. કૉન્ફરન્સ હૉલમાં, જો કે તે હજુ પહોંચ્યો નથી.
“જ્યારે સાહેબ વિશાખાપટ્ટનમમાં હતા, તો,” એક જણ બોલ્યો.
‘સાહેબ વિશાખાપટ્ટનમમાં પણ રહ્યા છે? એક જણ આશ્ચર્યથી પૂછે છે.
‘લો સાંભળો, આમને આટલી પણ ખબર નથી. પછી રોતા ફરશે કે પ્રમોશન ના મળ્યું. પાયાની વાતો સુધ્ધાં ખબર નથી અને …’
“ભાઈ, ત્રણ વર્ષ રહ્યા છે. એપ્રિલ ચોર્યાસીથી સત્તાસી સુધી બધા જાણે છે આ વાત. ત્યાં જ તો પેલી ઇન્ક્વાયરી બેસાડી હતી લોકોએ બધાના પ્રયત્નો રહ્યા કે તપાસમાં સાહેબને ઠેકાણે પાડી દઈએ, પણ કોઈ વાળ પણ વાંકો ના કરી શક્યું પઠ્ઠાનો. ભઈસાહેબનું પેપરવર્ક એટલું જોરદાર હોય છે કે આ વાતનાં વખાણ તેમના દુશ્મનો પણ કરે છે. સાહેબે એલ.વનની જગાએ સીધી એલ. ફાઇવને ઊંચી કિંમતે ખરીદવાનો ઑર્ડર આપેલો, પણ પેપર પર એવો ‘સૉલિડ’ કેસ બનાવ્યો હતો કે ઇન્ક્વાયરી કરવાવાળા પણ ભુલાવામાં પડી ગયા સાચ્ચે.” કોઈ વિશાખાપટ્ટનમની ‘વિશ્વવિખ્યાત’ ગણાતી કિંવદંતી સંભળાવી રહ્યું છે. સાંભળવાવાળાઓમાંથી મોટા ભાગના આ કિસ્સો ઘણી વાર સાંભળી-સંભળાવી ચૂક્યા છે. આ રીતે સ્તો કિસ્સો કિંવદંતીમાં પલટાય છે.
“ખૂબ ખાધું, છાતી ઠોકીને ખાધું – પણ મજાલ છે કોઈની કે રોકી શકે! કોઈકે વાત તથા વખાણને પોતાની મરજી મુજબ વધારીને કરી.”
“જો ભાઈ, ખાય તો બધા છે. બધા ખાવા માંગે છે. માણસ ખાશે નહીં તો મોટો કેવી રીતે બનશે? ન ખાય તો એક દિવસ પણ મોટો ન રહી શકે. મહત્ત્વની વાત એ છે કે કોઈ તમારી ગરદનને હાથ ન અડાડી શકે. આપણા મોટા સાહેબની ગરદનની આસપાસ પણ કોઈ ફરકી શકતું હોય તો બતાવો? છે કે નહીં ?” એક વધારાના જણે પ્રશંસાનો પોતાનો એક ટુકડો જોડી દીધો.
મોટો માણસ હજી સુધી નથી આવ્યો પણ કૉન્ફરન્સ હૉલના આત્મામાં સમાયેલાં છે.
તે અહીંયા નથી, છતાં છે. તે અહીં બેઠેલા બધાના ચિત્તમાં હંમેશાં છે, ત્યાંથી ક્યારે ય ગયા જ નથી. મોટા માણસની આ ઓળખ છે. તે તાબેદારોના મનમાં નિરંતર એક વલોણાની જેમ ફર્યા કરે છે. તે હાથ નીચેવાળાઓના વિચાર, વાતચીત, હાસ્ય, ટુચકાઓ, ચિંતાઓ … બધા પર કબજો કરી લે છે. મોટો માણસ જાણી બીજાઓના જીવનમાં એક હક્ક-નાબૂદી અભિયાન સમો છે.
મોટો માણસ હજી આવ્યો પણ નથી, છતાં તેનો એક મોટો ઓળો આખી રૂમ પર છે. કૉન્ફરન્સ હૉલના આંજી દેતા અજવાળા વચ્ચે ડરામણું અંધારું પણ વ્યાપેલું છે. સાહેબના આવ્યા પછી દરેક જણ પોતાની વાત કેવી રીતે મૂકશે, તેનું રિહર્સલ બધાના મનમાં ચાલી રહ્યું છે. સાહેબ પાસે વધુ સ્ટાફ માંગવો જ પડશે. હું તો કહી જ દઈશ કે આટલા ઓછા સ્ટાફથી ટાર્ગેટ અચિવ કરવાનું ઇમ્પૉસિબલ છે. આવું બોલતા જ નહીં. મોટાસાહેબ નવી ભરતીની સખત વિરુદ્ધમાં છે. ચૂપ જ રહેજો. પૂછશે કે કામને ‘ઓફલોડ’ કેમ નથી કરી શકતા ? પ્રાઇવેટ પાર્ટીની સાથે ટાઇ-અપ કેમ નથી કરતા? પૂછશે કે બે કરોડનું મશીન કેમ માંગી રહ્યા છો? આ કામનું ‘ઓફલોડ’ કેમ નહીં. મોટા માણસને ઓફલોડ શબ્દ બહુ પ્રિય છે. તે આ સરકારી વિભાગનાં દરેક કામ પ્રાઈવેટ કંપનીઓને ઓફલોડ કરી દેવા માંગે છે. તેનું ચાલે તો બધાના શ્વાસોને પણ ‘પ્રાઇવેટાઇઝ’ કરી દે. કંઈ પણ માંગશો, તો કહેશે કે તમારાથી નથી થતું તો પ્રાઇવેટ પાર્ટીની સાથે ‘જૉઇન્ટ વેન્ચર’ની પ્રપોઝલ બનાવીને લાવો. હું મંજૂરી આપીશ – પૈસા મંજૂરીમાં છે. રમત જૉઇન્ટ વેન્ચરમાં છે. આ મીટિંગ મૂળમાં આ કામ માટે જ કરશે મોટો માણસ. તેને ખબર છે કે બહુ લાંબો સમય સુધી નથી – પેલી ખુરશી. મોટો માણસ ખૂબ રૂપિયા બનાવવા માટે આવી મીટિંગો કરાવ્યા કરે છે. મીટિંગમાં બધી રજૂઆત તેના કહ્યા પ્રમાણે જ હોવી જોઈએ. ‘પ્રેઝન્ટેશન’, ‘ટુ ધ પૉઇન્ટ’ રાખજો. સાહેબને જરા પણ ‘ડેવિયેશન’ નથી ગમતું, કોઈ કહી રહ્યું છે, કોઈક નવા માણસને. વિવાદ, દલીલો ના કરતા. મોટો માણસ સાંભળતો નથી. એક વાર ઇશારો કરશે. બસ! ઇશારો સમજવાનું તમારું કામ. બધાએ ‘હાં કહેવાની છે. મોટો માણસ દરેક મિટિંગમાં બસ ‘હા’ સાંભળવા જ આવે છે. આજે પણ એની માટે આવી રહ્યો છે. તે બોલશે. બાકી બધાં ‘હા જી’, ‘યસ સર’ કહેશે.
મોટા માણસની વાત ચાલી રહી હતી કે તે આવી જ ગયા.
અચાનક જ તે ચોકીદાર દોડીને આવ્યા. અને બંને એક-એક દરવાજા પકડીને ઊભા રહી ગયા.
રૂમમાં ઉપસ્થિત બધા લોકો, દરવાજા તરફ મોઢું કરી સાદર ઊભા થઈ ગયા.
મોટો માણસ દરવાજામાંથી અંદર આવી ગયો. માણસ આટલો મોટો છે, પણ અટક્યો નહીં. ‘યસ સર’ની કળીઓ જાણે ખીલવા ઉત્સુક છે. હવે મોટો માણસ બહારની જેમ હૉલ પર છવાઈ જશે. કળીઓ ખીલશે, ફૂલો ખીલી ઊઠશે. બધી બાજુ ‘યસ સર’ની ક્યારીઓ ભરાઈ જશે.
મોટો માણસ અસંમતિ કાંટાવાળી ડાળીઓ પહેલાં જ કાપીને જુદી કરી ચૂક્યો છે. મોટો માણસ સરકારી પ્રશાસનના બગીચાનો સિદ્ધહસ્ત માળી છે.
અનુવાદ – દક્ષા પટેલ
E-mail : dakshapatel15@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 13 અને 15