અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ મેદાન પર ખો-ખોની એક ફાઈનલ મેચ જામી હતી. બંને ટીમો અન્ય ઘણી ટીમોને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. એમાં અમારી અમદાવાદની ટીમ ફિલ્ડમાં હતી અને ગાંધીનગરની ટીમનો દાવ હતો. અમારી યજમાન ટીમ આગલા વર્ષે રાજકોટ ખાતે યોજાયેલ પ્રથમ રમતોત્સવમાં પણ સ્ટેટ ચેમ્પિયન રહી હતી. આ બીજો રમતોત્સવ હતો. આગલા વર્ષના સ્ટેટ લેવલના વિજયના કારણે અમારી ટીમ વિજયના કેફમાં હતી. વળી આ બીજા રમતોત્સવની સ્પર્ધાઓમાં પણ ઘણી હરીફ ટીમોને કારમી રીતે હરાવી હતી. પરંતુ આજે ગાંધીનગરની હરીફ ટીમના એક ખેલાડીએ અમારી ટીમના નાકમાં દમ લાવી દીધો હતો. ખો-ખોની મેચમાં એક દાવ નવ મિનિટનો હોય. એમાં કોઈ પણ ખેલાડી બે મિનિટ ખેંચે તો પણ બહુ કહેવાય. એમાં વીજળીની ઝડપ અને ચિત્તાની ચપળતાથી રમતા આ ખેલાડીએ પહેલા રાઉન્ડમાં પણ પાંચ મિનિટ ઉપર ખેંચી નાખી હતી. ફાઈનલ રાઉન્ડમાં થોડી મિનિટો બાકી હતી અને અમારા વિજયનાં સપનાંને એ એકલો ચકનાચૂર કરતો હતો. આખરે સ્થાનિક હોવાનો ફાયદો લઈને અમે રમતની છેલ્લી મિનિટમાં ‘અનંચઈ’ કરી. મારી આંગળી એને અડી ગઈ છે એવી વારંવાર દલીલ કરીને અમે સ્થાનિક રેફરીઓની મદદથી ‘નકલી વિજય’ મેળવ્યો. જો કે આ રસાકરીભરી મેચનો હીરો તો હરીફ ટીમનો એ ખેલાડી બાબુ જ હતો !
બાબુ પરમાર ઉત્તર ગુજરાતના એક નાના ગામડાંથી ગાંધીનગરમાં ભણવા આવેલો. ગાંધીનગરની સમાજકલ્યાણ ખાતા દ્વારા સંચાલિત ‘આંબેડકર હોસ્ટેલ’માં રહીને કોલેજ કરતો હતો. આ બાજુ હું પણ અમદાવાદની ‘નરસિંહ ભગત છાત્રાલય’માં રહીને કોલેજ કરતો હતો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા વર્ષ-2005-06 દરમિયાન રાજ્ય લેવલનો રમતોત્સવ યોજાયો હતો. મેં રાજકોટ ખાતે યોજાયેલ પ્રથમ રમતોત્સવમાં જ મારું હુન્નર દેખાડી દીધું હતું. ચારસો મીટરની દોડમાં બીજા નંબરે આવ્યો હતો અને ખો-ખોમાં પણ અમારી ટીમ ચેમ્પિયન બની હતી. આ ટીમમાં મારી સાથે સતીષ દાલોદ, રવિચંદ્ર રાઠોડ અને રાજેન્દ્ર સોયા જેવા જાબાંજ ખેલાડીઓ હતા. એમાં ય સતીષ પણ બાબુ જેવો રમતવીર હતો. પણ બાબુને ટક્કર આપવા જેટલો કાબેલ નહીં. આ બીજા રમતોત્સવમાં ટીમનું સુકાન મારા હાથમાં હતું. આગલા વર્ષના વિજયને જાળવી રાખવાનું પ્રેશર પણ ખૂબ હતું. કારણ કે અમારી નરસિંહ ભગત છાત્રાલયની કબડ્ડીની ટીમ પણ સતત બીજા વર્ષે ચેમ્પિયન બની હતી. એટલે ગમે તે રીતે અમે વિજય તો મેળવ્યો પણ એ વિજય ફિક્કો હતો.
આ પછીના વર્ષે બાબુ અમદાવાદમાં આવી ગયો એટેલે અમારી ટીમ રાજયની હોસ્ટેલ્સમાં ‘ડ્રીમ ઈલેવન’ જેવી બની ગઈ. ત્રીજા વર્ષે પણ અમે બાબુ જેવા ખેલાડીઓ દ્વારા વિજયની ‘હેટ્રીક’ લગાવી. હવે અમારી ટીમ વધુ સારી રીતે અન્ય જગ્યાએ રમવા જઈ શકે એવી સક્ષમ બની ગઈ હતી. પરંતુ કમનસીબે એ વર્ષથી સમાજકલ્યાણ ખાતના આ ઉજ્જવળ પ્રોજેક્ટનું બાળમરણ થયું અને અમારી હોસ્ટેલના બાબુ જેવા કેટલાં ય ઊગતા ‘ધ્યાનચંદ’ કરમાઈ ગયા.
જો કે આ બધામાં અપવાદ હતો બાબુ ! કદાચ એ ‘ગોડ ગિફટેડ’ હતો ! કોલેજ પછીના થોડાં વર્ષો પછી અમે નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પડી ગયા. બાબુ હવે મારો નજીકો મિત્ર બની ગયો હતો. સરકારી હોસ્ટેલમાંથી અમારા અન્ન-જળ પૂરાં થઈ ગયાં હતાં. પરંતુ અમારે અમદાવાદમાં આશરાની ખૂબ જ જરૂર હતી. એટલે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ‘ઈ-લીગલ’ બનીને રહેવા લાગ્યા. બાબુ યુનિવર્સિટીમાં જ કરાર આધારિત નોકરી કરતો હતો અને સાથે-સાથે સ્પર્ધાત્મક તૈયારી પણ કરતો હતો. સરકારી હોસ્ટેલની સલામત જગ્યા છુટ્યા પછી ખરો સંઘર્ષ શરૂ થયો હતો. એમાં બધાં વધતા-ઓછા અંશે પીસાતા હતા. આમ છતા બાબુ આ સંઘર્ષમાં પણ મોજથી રહેતો હતો. તેનું કારણ એનું હસમુખું વ્યક્તિત્વ હતું. જ્યાં મારા જેવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ થઈને નિરાશ થઈ જતા ત્યાં બાબુ એનાં તકિયા-કલામ જેવા વાક્યથી અમારી નિરાશા દૂર કરવાના પ્રયત્નો કરતો. આકાશ તરફ જોઈને બે હાથની મુઠ્ઠી વાળી પછી જોરથી બોલતો ‘મા ફડાવા જાય બધું, મોજથી રે’વાનું.’ અને અમે એનાં હાસ્યરસથી થોડા ફ્રેશ થઈ જતા.
નોકરી મેળવીને સેટ થઈ જવાના સમયમાં અમારા સંઘર્ષમાં સ્પોર્ટસ તો બિલકુલ ભુલાઈ ગયું હતું. મારા જેવાને તો હવે સો મીટરની દોડમાં પણ છેલ્લે એવા હાલ હતા. ગ્રાઉન્ડથી તો ક્યારનો ય છેડો ફાટી ગયો હતો. પરંતુ એક ઈતેકાફથી મારે ફરીથી ગ્રાઉન્ડ પર જવાનુ શરૂ થયું. વર્ષ 2012માં ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતામાં લગભગ સત્તર હજારની ભરતી આવી. આથી હું મારા કાકાના દીકરા ધીરુને મારી જોડે સ્પર્ધાત્મક તૈયારી કરાવવા ગામડેથી યુનિવર્સિટી હોસ્ટેલમાં લઈ આવ્યો હતો. એની કદ-કાઠી પોલીસને અનુરૂપ હતી, પણ મનોબળ તળિયે હતું. આથી હું એને લઈને સાંજે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર દોડવા જતો. અમારી સાથે બાબુ પણ આવતો. યુનિવર્સિટીના ચારસો મીટરના ટ્રેક પર પોલીસની ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનોએ તેર-ચૌદ રાઉન્ડ નિયત સમયમાં પૂરા કરતા હતા. મારાથી તો હવે ચારથી વધારે રાઉન્ડ વાગતા નહોતા. પરંતુ આ બધા વચ્ચે હજુ બાબુમાં હજુ સ્પોર્ટપર્સન જીવતો હતો. એ સામાન્ય રીતે વીસેક રાઉન્ડ આરામથી લગાવી લેતો હતો. પરંતુ એની તકલીફ પણ મારા જેવી હતી. ઓછી હાઈટના કારણે પોલીસ ભરતીમાં જવું શક્ય નહોતું. છતા એ દોડતો હતો.
આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી મેરેથોન દોડની જાહેરાત થઈ. આમાં દોડવા માટે બાબુએ રજિસ્ટ્રેશન કરાવ્યું. મેરેથોનની પ્રેક્ટીસ માટે બાબુ ગ્રાઉન્ડના સાઈઠ-સાઈઠ જેટલા રાઉન્ડ લગાવવા લાગ્યો. અમારા આશ્ચર્ય વચ્ચે આટલું દોડવા છતા એનામાં થાકનો કંઈ વરતારો નહતો. અમે પણ એને ખૂબ પ્રોત્સાહિત કરવા લાગ્યા. આખરે એ મેરેથોનમાં દોડવા ગયો. અમે વિજય ચાર રસ્તા પાસે એને ચીયર-અપ કરવા પહોંચ્યા ત્યાં તો એ ખૂબ આગળ નીકળી ગયો હતો. બાબુએ 42.195 કિલોમીટરની મરેથોન દોડ 3 કલાક 36 મિનિટ 2 સેકન્ડમાં પૂરી કરી અને લોકલ લેવલનુ ઈનામ પણ લઈ આવ્યો.
ધીરુ એ ગ્રાઉન્ડના બાર રાઉન્ડ માંડ-માંડ પૂરા કરી શકતો હતો. મને એની ઘણી ચિંત્તા હતી. પરંતુ ‘દશેરાએ એનું ઘોડું દોડી ગયું’ અને એ પોલીસ બની ગયો. સ્પર્ધાત્મક તૈયારી કરતા અમે ઘણા-બધા મિત્રો પણ સરકારી નોકરીમાં સેટ થઈ ગયા હતા, એટલે યુનિવર્સિટીની હોસ્ટેલને અલવિદા કરી દીધી હતી. પરંતુ બાબુનો સંઘર્ષ હજુ ચાલુ હતો. એની કરાર આધારિત નોકરી પૂરી થઈ ગઈ હતી. આમ છતા એણે હિંમત હાર્યા વિના નોકરી માટેની તૈયારી ચાલુ રાખી. હોસ્ટેલમાં રહેવાનું બંધ થતા અમદાવાદમાં રહેવા માટે એક પ્રાઈવેટ નોકરી શરૂ કરી અને એક નાનકડી ખોલી ભાડે રાખીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. આ દરમિયાન જ એના લગ્ન થઈ ગયા.
પરંતુ જીવનસાથીએ નાની વાતમાં આવેશમાં આવીને અંતિમ પગલું ભરી લીધું. બાબુ માથે હવે નોકરીની સાથે સાત-આઠ મહિનાના બાળકની જવાબદારી પણ આવી ગઈ. આમ છતા એણે નિરાશ થયા વિના સંઘર્ષ ચાલુ રાખ્યો. એનાં સઘર્ષના પરિણાણરૂમે હાયર સેકન્ડરીની ટાટ પરીક્ષામાં એણે ખૂબ સારો સ્કોર મેળવ્યો. બીજી તૈયારી પણ ખૂબ સારી હતી પરંતુ બીજી સરકારી ભરતીને કોરોના ભરખી ગયો. લોક-ડાઉન થયું ત્યારથી ગામડે જતું રહેવું પડ્યું. ગામડે પણ એનાં સંઘર્ષની ‘મેરેથોન’ અવિરત રીતે ચાલે છે. એવા જ વિશ્વાસથી કે કાલે નવું પરોઢ થશે અને આશાનું એક કિરણ લઈ સુખનો સૂરજ ઊગશે !