
જુગતરામ દવે
પુણ્યશ્લોક બાપુજીના 10મા નિર્વાણદિને આવો, આપણે તે રાષ્ટ્રપિતાનું સ્મૃતિશ્રાદ્ધ કરીએ.
મૃત્યુ સંબંધમાં બાપુએ ત્રણ જુદા જુદા પ્રસંગે ત્રણ જાતની આશાઓ પ્રગટ કરી હતી. એક વાર એવી આશા દર્શાવેલી કે એક હાથમાં પૂણી રહી ગઈ હોય, બીજા હાથમાં રેંટિયાનો હાથો હોય ને પ્રાણપંખીડું ઊડી જાય. બીજી વાર આશા બતાવેલી કે મારાં કર્મ બાકી રહી ગયાં હોય અને ઈશ્વર મને પુનર્જન્મ આપે જ, તો મારે જન્મ કોઇ દલિતને ઘેર થજો. આનો અનુવાદ હું એમ કરું કે મારો પ્રાણ કોઈ હરિજનની સેવા કરતાં કરતાં તેની ઝૂંપડીમાં જજો. ત્રીજી વાર એમણે ઈશ્વરને પ્રાર્થના કરેલી કે મુખ પર રામનામ હોય ને મારી આંખ મીંચાઈ જાય. આ ત્રણમાંથી તેમની છેલ્લી આશા ફળી.
આપણે સૌએ તેમનો સર્વોદયનો મંત્ર પૂર્ણપણે ઝીલ્યો હોત અને રચનાત્મક કામોથી આપણાં ઘરો અને ગામોમાં સર્વોદયનો ગુંજારવ ચાલુ કરી દીધો હોત, તો બાપુજીને એક સુખી સંતોષી પિતા તરીકે કંતાતે રેંટિયે મરણ મળ્યું હોત.
આપણે અસ્પૃશ્યતા સહિતના બધા ભેદભાવો પૂરા દિલથી ટાળ્યા હોત તો બાપુજી પોતાની દત્તક પુત્રી લક્ષ્મીના ખોળામાં છેલ્લો શ્વાસ મૂકી શક્યા હોત.
પરંતુ ઈશ્વરે એવું સરજ્યું હતું કે તેમને ત્રીજું એટલે કે એક રામનામના આધારનું મૃત્યુ વરે. આપણે સૌ પોતપોતાનાં કારણોસર તેમને તજી બેસવામાં આપણું ડહાપણ માનતા થયાં હતાં. રાજદ્વારી ક્ષેત્રે આપણે તેમના વારસોએ તેમને છોડીને રાજદ્વારી સ્વરાજ્ય મેળવી લેવામાં મુત્સદ્દીગીરી માની હતી. અર્થક્ષેત્રે તેમના વારસોએ સ્વાવલંબન, ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીને ગૌણ બનાવી પૈસાના મૃગજળ પાછળ દોડવામા વ્યવહારકુશળતા માની હતી. સમાજક્ષેત્રે આપણે મનમાંથી ન્યાત જાત, ધર્મ, ભાષા, પ્રાન્ત આદિના ભેદ અંદરખાનેથી સાચવી રાખ્યા હતા.
આમ આપણે તેમના દેશબંધુઓ ખોટા નીવડ્યા. બાપુએ આખી જિંદગી રામનામના આધારને જાપ કર્યો હતો, એટલે બધા આધારો ખસી જતાં અંતકાળે તે પરમ કૃપાળુએ તેમને આધાર આપ્યો.
બાપુજીમાં રહેલી અનેક વિભૂતિઓને કારણે લોકોએ તેમને મહાત્માનું પદ આપ્યુ હતું.
આ વિભૂતિઓમાં સત્યરત્નની વિભૂતિ બાપુજીને સ્વાભાવિક મળી હતી.
તેમના જીવનમાં પ્રગટેલી બીજી બધી વિભૂતિઓ તેઓએ ટીપે ટીપે અને ઈંચે ઈંચે મહાપ્રયત્ન કરીને મેળવી હતી. તેવી સિદ્ધિઓમાં મુખ્ય આ ગણાવી શકાય –
૧. અહિંસા અથવા પ્રેમ.
૨. બ્રહ્મચર્ય.
૩. વીરતા.
અહિંસા અથવા પ્રેમ પોતાના જીવનમાં કેળવવા માટે બાપુજીએ શું શું કર્યું???
અંગ્રેજ સાથે ક્ષણે ક્ષણે લડવાનું હતું. લડવા છતાં તેમને પ્રેમ કરવાનો હતો. તેથી જેટલા સજ્જન ભલા અંગ્રેજો મળ્યા તેમની સાથે બાપુએ અંગત મૈત્રી બાંધી. દીનબંધુ એન્ડ્રૂઝને બાપુએ સગા ભાઇથી અધિક બનાવ્યા હતા. આફ્રિકાના દિવસોમાં પણ તેમણે હેન્રી પોલાક, રેવરન્ડ ડોક, જનરલ સ્મટ્સ વગેરેની ગાઢ મૈત્રી સાધી હતી. આફ્રિકામાં મિસ સોન્યા શ્લેશીન અને હિંદમાં મિસ મેડેલિન સ્લેડ(મીરાં)ને સગી દીકરીઓ બનાવી હતી. લંડનમાં ગયા ત્યાં ઈસ્ટ એન્ડ એટલે ગરીબોના લત્તામા વસીને તેમ જ માન્ચેસ્ટર-લેન્કેશાયરના મિલમજૂરોમાં ફરી તેમનો પ્રેમ સંપાદન કર્યો હતો. કોઈ વિલિંગ્ડન કે ચર્ચિલ જેવા કાળમીંઢો એ પ્રેમથી પલળ્યા નહીં એ જુદી વાત છે.
આપણી પ્રજાએ હિન્દુ મુસલમાન સંબધો અંગે સારો સ્વભાવ બતાવ્યો નથી. તેથી મુસલમાનોની મિત્રતા મેળવવા બાપુએ ચાહી ચાલીને પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ઈમામ સાહેબને આફ્રિકામાં ભાઈ બનાવ્યા અને બન્ને ભાઈઓ સાબરમતી આશ્રમમાં સાથે રહ્યા. પોતાના અન્ય મુસ્લિમ મિત્રોનાં વૃદ્ધ અમ્માજાન, એમનાં બીબીઓ અને બેટાબેટીઓનાં હૃદય સુધી તેમણે પ્રવેશ કર્યો હતો. હકીમ સાહેબ અજમલખાન, ડૉ. અંસારી, મૌલાના આઝાદ, અને બીજા સેંકડો મુસલમાનોને તેમણે માનવંતા મિત્રો બનાવ્યા હતા. સરહદના ગાંધી બાદશાહ ખાન અને તેમના ભાઈ ડૉ. ખાન સાહેબ સાથે તો તેમણે એવો બધો એકાત્મ ભાવ સાધ્યો હતો કે સરહદ પ્રાંતમાં આશ્રમ કાઢીને વસવાનો પણ મનસૂબો એક વાર બાપુએ કર્યો હતો. મુસ્લિમ નેતાઓની જ નહિ, સામાન્ય માણસોની મહોબત મેળવવા માટે પણ તેમણે છેક નાનપણથી પ્રયત્ન કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં ખોજા મેમણ વેપારીઓ સાથે તેમ જ મીર આલમ જેવા પઠાણો સાથે પણ તેમણે ઘરોબાનો નાતો બાંધ્યો હતો. કોઈ ઝીણા જેવાના દિલને પિગળાવામાં તેઓ ફતેહમંદ ન નિવડ્યા, પણ એમાં બાપુના પ્રયત્નની ખામી કાઢી શકાય તેમ નથી.
અસ્પૃશ્યો પ્રત્યે હિન્દુઓએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ બાપુજીએ તનતોડ પ્રયત્ન કર્યો હતો. હરિજન કુટુંબને આશ્રમમાં વસાવ્યું. હરિજન બાળાને પોતાની પુત્રી બનાવી. હરિજનોને શાળા સભામાં એકાકાર કરવા માટે, ખાનપાનમાં એક આરે કરવા માટે, અને છેવટે તેમને માટે દેવમંદિરોના બારણા ખોલાવવા પણ બાપુએ કેટલી બધી મહેનત કરી ? તેમ કરવા જતાં સગી બહેન તેમને ત્યજી ગયાં. આશ્રમને એક વાર આવતા ટંકની પણ ફિકર ઊભી થઈ. લાઠી અને બોમ્બ પણ પડ્યા. અને બ્રિટિશ સરકારે જ્યારે અસ્પૃશ્યોને અલગ પાડવાનું કાવતરું રચ્યું ત્યારે બાપુ આમરણ ઉપવાસ કરી બલિદાન આપવા તૈયાર થયા. આ ક્ષેત્રમાં પણ આંબેડકર જેવાનો પ્રેમ બાપુજી કદાચ પ્રાપ્ત કરી ન શક્યા; પણ તેમાં બાપુના પ્રયત્નની ખામી નહોતી. સવર્ણોના અંતરમાંથી ઝેર પૂરું ગયું નહીં એ જ કારણ હતું.
બચપણમાં મોહનને અંધારાની બીક લાગતી. રંભાબાઈ પાસેથી રામનામનો મંત્ર મળતાં કેટલી ભક્તિપૂર્વક એ મહાન બાળક તેનો જાપ કરતો હતો એની કલ્પના આપણે કરી શકીએ છીએ.
ભણવા માટે ઇંગ્લેન્ડ જતાં માતાએ માંસ, મદિરા અને મદનના ત્યાગની પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. ગાંધીજીએ ભક્તિપૂર્વક તેનું પાલન કર્યું હતું. પરંતુ અતિ ભારે પ્રયત્ન વડે અને પ્રભુની કૃપા વડે જ તેઓ તેમ કરી શક્યા હતા એ બાપુનાં લખાણો ઉપરથી જાણી શકીએ છીએ.
મોટાભાઈના વિચારો સામે, પત્નીના વિચારો સામે, પોતાના મોટા પુત્રના વિચારો સામે બાપુજીને સત્યાગ્રહનું બળ વખતોવખત બતાવવું પડ્યું છે. જ્ઞાતિ પણ એ જમાનામાં હજુ નબળી પડી ન હતી. તેણે પણ બાપુના સત્યાગ્રહની ઠીક કસોટી કરી હતી.
રાજ્યની સામે લડાઈ માંડવી એ આકરી વસ્તુ ગણાય. તેમાં પણ પરાધીન પ્રજાને વિદેશી રાજ્યસત્તા સામે શિર ઉઠાવવાનું હોય તે તો આકરામાં આકરી લડત નીવડે. દક્ષિણ આફ્રિકામાં અને પાછળથી હિન્દુસ્તાનમાં વિદેશી સરકારોએ બાપુજીના સત્યાગ્રહને કેવી આકરી કસોટી ઉપર ચડાવ્યો હતો તેની કથા સર્વવિદિત છે. જેમ કસોટીનો પારો ચડતો ગયો તેમ તેમ બાપુજીની પ્રભુપ્રાર્થનાની ઉત્કટતા પણ વધતી ગઈ અને દરેક પ્રસંગે એમનું સત્યાગ્રહબળ વધારે ને વધારે તેજ થતું ગયું.
પરંતુ વિદેશી સરકારના કરતાં પણ બાપુજીના સત્યાગ્રહને પડકારનારા તો પોતીકાઓ જ સાબિત થયા છે. ઘરના ક્ષેત્રમાં તેવો પડકાર આપનાર તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી હતા. જાહેર ક્ષેત્રમા તેવો પડકાર આપનારા સનાતનીઓ હતા.
હરિલાલ ગાંધીએ વખતો વખત આશા આપી આપીને છેવટે બાપુના સત્યાગ્રહને સફળ થવા ન જ દીધો. છતા બાપુના પ્રેમના અને આશાવાદના ઝરાને તે સૂકવી ન શકેલા.
સનાતનીપણાની સામે તો બાપુજીને લોહીનું અંતિમ બલિદાન આપવું પડ્યું. બાપુની પોતાની જાત પૂરતો તો એમના સત્યાગ્રહનો વિજય થઈ ગયો. પરંતુ તે સનાતનીપણું જીતાયું નથી. તે કોમવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ આદિ નવા નવા રૂપે દેખા દેતું જ રહ્યું છે.
પરંતુ હું આશા રાખું છું કે આ પરમ પવિત્ર બલિદાન ધીમી ગતિએ પણ અચૂકપણે કામ કરી રહ્યું છે. પ્રજાના અણુ અણુને તે નવું બનાવશે.
રાષ્ટ્રપિતાનો જય!
સત્ય-અહિંસાનો જય!
સત્યાગ્રહનો જય!
(સમાપ્ત)
23 − 26 ઍપ્રિલ 2025
[પૂ. બાપુના દસમા નિર્વાણ દિને વડોદરા આકાશવાણી પર આપેલા વક્તવ્ય પરથી.]
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 293, 294, 295 તેમ જ 296