પકડ ઝાડુ
કેહેતાવેંત તૂટી
પડ્યા સવર્ણો
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 15
પકડ ઝાડુ
કેહેતાવેંત તૂટી
પડ્યા સવર્ણો
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 15
જ્યારે કલા કલા નહીં જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે
અલગારી ગઝલકાર મરીઝ સાહિત્યજગતની એક દુર્લભ જણસ છે. અત્યંત સરળ બાનીમાં ઉચ્ચ કક્ષાની શાયરી કરવાનો હુન્નર મરીઝને ગઝલસાહિત્યમાં સર્વોચ્ચ શિખરે બેસાડે છે. એક વ્યક્તિ તરીકે અત્યંત લૉ પ્રોફાઇલ રહેલા અબ્બાસ અબ્દુલઅલી વાસી ઉર્ફે ‘મરીઝ’ની આજે [22 ફેબ્રુઆરી 2017] 100મી જયંતી નિમિત્તે મરીઝના ઊંડા અભ્યાસુ અને અઠંગ ચાહક એવા જિજ્ઞેશ મેવાણીની કલમે ગઝલના ‘ગળતા જામ’ને ફરી મરીઝની ‘મદિરા’થી છલકાવીએ છીએ …
આજે 22 ફેબ્રુઆરીના રોજ મરીઝ નામની ઘટનાના અસ્તિત્વને પૂરાં સો વર્ષ થયાં. બેમિસાલ કવિતાનો આ જાદુઈ સર્જક ભલે ઓળખાતો ‘ગુજરાતના ગાલિબ’ તરીકે હોય, પણ એની પ્રતિભા ગાલિબથી એક અણુ ઓછી નથી. બલકે, રઈસ મણિયારના શબ્દોમાં કહીએ તો અભિવ્યક્તિની સરળતા-સહજતામાં મરીઝ એ ગાલિબ કરતાં એકાદ માર્ક વધારે સ્કોર કરે છે.
માનવહૃદયમાં જન્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવને મરીઝે જે સરળતા, સહજતા અને કારીગરીથી વ્યક્ત કર્યા છે તે કોઈ જિનિયસ જ કરી શકે. મરીઝની કમાલ એ છે કે તમે કલા સાહિત્યના કોઈ પણ સ્વરૂપ કે એસ્થેિટક્સ વિશે વાત કરવા લેશમાત્ર ઓથોરિટી ન હોવ, છતાં ચાની કીટલી પર કે મિત્રોની મહેફિલોમાં પૂરેપૂરી તીવ્રતા અને આક્રમકતા સાથે તમને એવો દાવો કરવાનું મન થાય કે બોસ, જગતમાં મરીઝની તોલે કોઈ ન આવે, એ અદ્વિતીય છે.
મંત્રમુગ્ધ કરી નાખનારી કવિતાનો આ સર્જક યુરોપના કોઈ દેશમાં જન્મ્યો હોત તો એણે જન્મશતાબ્દી વર્ષ દરમિયાન આખા દેશને હિલોળે લીધો હોત અને ત્યાંના સાહિત્યકારો-સરકારોએ ભેગાં મળી એની સ્મૃિતમાં મેગેઝિનોના વિશેષાંકો, ડોક્યુમેન્ટરી ફિલ્મો, મુશાયરા, કલાપર્વો, આર્કાઇવ્ઝ ન જાણે શુંનું શું કર્યું હોત. ખેર, ફૈઝ અહેમદ ફૈઝની જન્મ શતાબ્દી ઊજવવાનું પણ જેને સૂઝ્યું નહીં, એવી ગુજરાતી સાહિત્યની અકાદમીઓ અને પરિષદોની વૈચારિક દારિદ્રતા તેમને મુબારક, પણ આજે મરીઝના ગઝલસંગ્રહ – ‘આગમન’ની આઠ આવૃત્તિઓ થયા બાદ તેની એક પણ કોપી બજારમાં ઉપલબ્ધ નથી એ મારા જેવા મરીઝના ચાહકો માટે સૌથી મોટું આશ્વાસન છે.
મરીઝનો જાદુ ચારેકોર ફેલાયેલો છે. મરીઝના ચાહકો, આશિકો, દીવાનાઓને મરીઝ એમની કવિતાના નશામાં એવા તો ડુબાડી દે છે કે જીવનભર એમને હેંગ ઓવર રહે અને આ ચાહકો દ્વારા મરીઝની મોહિની દિન દુગની રાત ચોગુની ફેલાયા જ કરવાની છે. મરીઝને પણ એ વાતની ખાતરી હતી, એટલે જ તો એ લખે છે –
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો ય જાય ના.
આપણા સરકારી સાહેબોને જેનામાં ગુજરાતની અસ્મિતા અને ગૌરવનાં દર્શન થયાં નથી એવા સુરતના દાઉદી વ્હોરા પરિવારમાં જન્મેલા આ શાયરનો અભ્યાસ ફક્ત ગુજરાતી બે ચોપડી અને એ પછી મરીઝ જે શીખ્યા હશે તે 14 વર્ષની ઉંમરે મુંબઈમાં રબરની ફેક્ટરીમાં, મુંબઈના મહમદ અલી રોડ વિસ્તારની લાચાર-બેબશ ગલીઓમાં, દેશી દારૂનાં પીઠાંઓમાં, મિત્રોની મહેફિલોમાં અને નિષ્ફળ પ્રણયમાં. સાહિત્યજગતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ખેવનાથી સદંતર વિપરીત, મુશાયરામાં દાદ મળે તો ય શરમાઈ-સંકોચાઈ જવાની માસૂમ પ્રકૃતિ ધરાવતા આ કવિ ભારે રસપ્રદ છે.
શાયરો વિશેની લોકોના મનમાં જે ટિપિકલ ઇમેજ હોય છે એમાં મરીઝ એકદમ ફિટ બેસે. જેમ કે, માણસ પ્રેમમાં પડે, પ્રેમમાં વાત બને નહીં એટલે પ્રેમિકાના ગમમાં ઝૂરે, પછી શાયરી કરતો થાય, દર્દે દિલ ભુલાવવા શરાબની લતે ચઢે, દુનિયાદારીથી બેપરવા બની જાય, એની કલાની, એની હયાતીમાં કદર ન થાય. મુફલિસીમાં જીવે, મર્યા પછી મોટું નામ થાય. આ બધાં લક્ષણો મરીઝમાં મોજૂદ. ઉપરાંત, આઠ આનામાં ગઝલો વેચવી, ચાર-મિનાર સિગારેટનાં ખોખાં ઉપર શેરો ટપકાવવા, મુલ્લાઓની સામે પીને લથડિયાં મારવાં, મયખાનામાં લોકોને ઇસ્લામની બારીકીઓ સમજાવવી.
મુશાયરાઓમાં નબળા પઠનને કારણે ફ્લોપ જવું ને શેરીઓમાં શેરો સંભળાવી લોકોને ફ્લેટ કરી દેવા, એક એવી ગઝલ લખવી જેના પ્રત્યેક શેરમાં પ્રેમિકા રબાબનું નામ વણાયેલું હોય, મુશાયરામાં લાસ્ટ મોમેન્ટ પર સૌના જોતાં ઇન્સ્ટન્ટ ગઝલ લખી નાખવી. આવા વ્યક્તિત્વને કારણે સામાન્ય રીતે મુશાયરામાં ફ્લોપ જતાં મરીઝ ગલીને નાકે ટોળે વળીને સાંભળવા લોકો તલપાપડ રહેતા. મુંબઈના ભીંડી બજાર, ભાયખલ્લા, મહમદ અલી રોડ, ડોંગરી આ બધા વિસ્તારોમાં ગલીએ ગલીએ મરીઝના ચાહકો પડ્યા હોય, આજે ય છે.
મરીઝ આવા સ્ટ્રીટ-મુશાયરામાં ભારે ખીલતા અને ચાર મિનાર સિગારેટના કસ ઉપર કસ ખેંચે જાય અને અનીસ, દબીર, મીર, મોમીન ગાલિબ અને પોતાના શેરો અને મરશિયાઓ પણ કલાકો સુધી સંભળાવી શકે. એમને કહે કે મરીઝ સાહબ આપકે કુછ તાજા કલામ હો જાયે, ત્યારે મરીઝ પોતાના મસ્ત-મૌલા હ્યુમરસ અંદાજમાં કહેતા, પહલે કુછ તાજા શરાબ હો જાય. પીવાની લતને ખાતર તેઓ આઠ આના માગવાનું ચૂકતા નહીં. જો કે, આઠ આનાથી વધુ માગે પણ નહીં. મરીઝના નાના ભાઈ તાહેરવાસીએ આ લખનારને એક મુલાકાત દરમિયાન કહેલું કે એમની દીકરીનાં લગ્ન દરમિયાન લોકો ગિફ્ટ, ચાંદલો લખાવવા જે કવર આપતા તે કવર સાચવવાનું કામ મેં મરીઝને સોંપ્યું.
મરીઝની શરાબની લતથી વાકેફ એક વ્હોરા સજ્જને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, તમે આ કવર સાચવવાનું કામ મરીઝને ક્યાં સોંપ્યું? ત્યારે મેં એમને કહેલું, ચિંતાનું કોઈ કારણ એટલા માટે નથી કે કવરમાં કોઈ આઠ આના મૂકવાનું નથી. જો કોઈ આઠ આના મૂકવાનું હોય તો જ જોખમ બાકી નહીં. શરાબની લતને કારણે સાવ સસ્તા દામમાં મરીઝે ચંદ્રશેખર ઠક્કુર તબીબને આખો ગઝલસંગ્રહ રેડી કરી આપેલો, જે શૂન્ય પાલનપુરીને જાણ થતાં તેમણે રોકાવી દીધેલો એ જાણીતી વાત છે. જીવનભર માંડ બે-પાંચ રૂપિયામાં તેઓ ગઝલો વેચતા રહ્યા, તેઓ લખે છે –
દુનિયાના લોકમાં ગજું ના દીઠું મરીઝ,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
શરાબની આ લતના કારણે એમની ભારે બદનામી અને બરબાદી થઈ. જો મરીઝને આ લત ન હોત તો ગુજરાતી સાહિત્યના ખોળામાં ‘આગમન’ જેવા બીજા બે-ચાર બેનમૂન ગઝલસંગ્રહો હોત. જો કે, મરીઝે પોતાની શરાબખોરીને ક્યારે ય છુપાવી નથી કે નથી પોતાની લાચારીની કોઈ ફરિયાદો કરી. ઊલટું તેઓ લખે છે-
કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરા પર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે,
દુ:ખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખો.
આ નિખાલસતા એ મરીઝની કવિતાનો સર્વોચ્ચ ગુણ છે. મરીઝે પોતાને પોતે હતા એવા જ પ્રગટ કર્યા છે. મેં પોતે જ મારા સંજોગોને મારું મુકદ્દર બનાવી દીધું એવો ભાવ તેઓ ખૂબ નિખાલસતાપૂર્વક કવિતામાં પ્રગટ કરે છે. કોઈ ફરિયાદો નહીં, કોઈ રોદણાં નહીં, માત્ર સહજતા, સરળતા, નિખાલસતા અને એ પણ કલાની ઉત્કૃષ્ટ, બેમિસાલ અભિવ્યક્તિ સાથે. આ જ છે મરીઝ. જો શેક્સપિયર, ગાલિબ કે ફૈઝને ગુજરાતી આવડતું હોત અને તેમણે મરીઝ વાંચ્યા હોત તો મરીઝનો કમાલ જોઈ ઝૂમી ઊઠ્યા હોત.
મરીઝની દુર્લભ કાવ્યપ્રતિભા વિશે તેમના બીજા અને છેલ્લા ગઝલસંગ્રહ ‘નકશા’ની પ્રસ્તાવનામાં સિતાંયુ યશશ્વંદ્ર લખે છે –
‘જેમ એક સમયે સોનેટ કાવ્ય સ્વરૂપ પર કવિઓના દરોડા પડતા, તેમ આજે હાઈકુ, ગીત અને ગઝલ પર પડે છે. તેમાં ય ગઝલ પર તો કંઈક વધારે જ. કાવ્યત્વને ન સમજતા મનોરંજકો, ઇશ્કીઓ, કીર્તિલોલુપ ધનપતિઓ અને કમઅક્કલ કિશોરનું એક વિચિત્ર ટોળું જેના પર સામૂહિક અત્યાચાર ગુજારી ચૂક્યું હોય એવી સ્ત્રીને તેનું શિયળ પાછું અપાવવાનું કામ સાચા ગઝલકાર-કવિએ કરવાનું છે. આ કવિકર્મ દુષ્કર છે. જે ગણ્યાગાંઠ્યા શાયરોએ ભારતભરમાં આ દુષ્કર કવિકર્મ કર્યું છે તેમાં મરીઝનું સ્થાન છે.’
મરીઝ એટલે નર્યું સુખ. મરીઝે પોતાના સર્જનમાં ‘હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ’ ઉમેર્યાં છે. આશા રાખીએ કે યુગયુગાંતર સુધી લોકો એમની આ લાજવાબ અભિવ્યક્તિનો આસ્વાદ માણે. ચિઅર્સ મરીઝ સાહેબ.
(મરીઝ ઉપર તલસ્પર્શી સંશોધન કરનાર યુવા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ‘દિવ્ય ભાસ્કર’ના વિશેષ આમંત્રણને માન આપીને વાચકો માટે આ સ્પેિશયલ પેજ પર તેમના સંશોધનનો નિચોડ રજૂ કર્યો છે.)
મરીઝના અમર શેર
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
િમલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યા રબ,
મરણનો ઘૂંટ પી લે, એનું લોહી ચૂસનારાઓ.
જિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
મહોબતના દુ:ખની આ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
મરીઝ શાયરીનો ઉત્તમ વારસો આપણને સોંપી ગયા છે એ અનંત કાળ સુધી લોકહૈયે જડાયેલો રહેશે. એનો પ્રત્યેક શેર અમર છે અને એ પોકારી પોકારીને કહેશે – મરીઝ હયાત છે અને યાવતચંદ્રૌદિવાકરો હયાત જ રહેવાનો. સૂરાની ભાષામાં કહીએ તો-
‘આખું સૂરા જગત છે ઉપાસક મરીઝનું,
પ્રત્યેક ખાલી જામ છે સ્મારક મરીઝનો.’
— શૂન્ય પાલનપુરી
ફેક્ટસ
મરીઝના મિત્ર અને ગુરુ અમીન આઝાદે ઉર્દૂના જે શેર પરથી મરીઝને તખલ્લુસ આપ્યું તે શેર છે:
‘મરીઝ ઇશ્ક પર રહેમત ખુદા કી,
મર્ઝ બઢતા ગયા જૂ જૂ દવા કી.’
•
સૈફ પાલનપુરીએ મરીઝને યુગમૂર્તિ ગઝલકાર તરીકે નવાજેલા અને મરીઝના સમકાલીન એ.ટી. અમીરીએ મરીઝને પહેલી વાર એક મુશાયરામાં ‘ગુજરાતના ગાલિબ’ તરીકે સંબોધેલા.
•
મરીઝનો મુશાયરા-પ્રવેશ આસિમ રાંદેરીના કારણે મુંબઈ ખાતે આકાશવાણીના રેડિયો મુશાયરામાં થયો હતો, તારીખ હતી -20-12-1936
•
મલ્લિકા-એ-ગઝલ બેગમ અખ્તરે બે ગુજરાતી ગઝલો ગાઈ હતી. (બંને પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવી હતી) તેમાંની એક મરીઝની ‘મેં તજી તારી તમન્ના’ ખૂબ જાણીતી ગઝલ છે. મરીઝની એકમાત્ર ઉપલબ્ધ ઉર્દૂ ગઝલ ‘બે ઘડી મોજ’માં પ્રગટ થઈ હતી.
મરીઝના જીવનના યાદગાર કિસ્સા
1. મરીઝ તેમની ભુલક્કડ વૃત્તિને કારણે ખાસ જાણીતા હતા. એક વાર જલન માતરી અને મરીઝનો ભીંડીબજારમાં ભેટો થઈ ગયો. જલન માતરીએ મરીઝને શેર સંભળાવ્યો. મરીઝ તો જલન માતરીને દાદ દેવા મંડ્યા, ‘વાહ! જલન, તને લખતા આવડી ગયું હોં!’ એટલે જલન માતરીએ મરીઝને યાદ અપાવતાં કહ્યું, ‘મરીઝ સાહેબ, આ મારો નહીં, તમારો પોતાનો શેર છે.’ મરીઝ કહે, ‘એમ! ઊભો રહે, હું હમણાં જ કાગળમાં ટપકાવી દઉં, નહીંતર પાછો ભૂલી જઈશ.’
2. એક વાર મરીઝને કોઈકે પૂછ્યું કે – ‘તમે જેને ગઝલો વેચો છો એની પાસે એનું પોતાનું કંઈ મૌલિક છે ખરું?’ ત્યારે મરીઝે કહેલું, ‘હા, છેને. એને બે બાળકો છેને.’
3. નઝીર ભાતરી નામના શાયર ઉપર એવું આળ છે કે તેમણે પણ મરીઝ પાસે ગઝલો લખાવેલી. હકીકત સદંતર વિપરીત છે. મરીઝે માત્ર નઝીર ભાતરીની ગઝલોની ઇસ્લાહ કરેલી અને મરીઝને નઝીર સાથે િદલોજાનની મૈત્રી હતી. મરીઝના કારણે જ નઝીરને કિશોર વયમાં શાયરીનો ચસ્કો લાગેલો. મરીઝની સાથે એ મુશાયરામાં જાય. સૈફ પાલનપુરી, અમીરી, અમીન આઝાદ, આસિમ રાંદેરી વગેરેની જોડે બેસે-ઊઠે.
એમ કરતાં એ શાયરી કરતા થઈ ગયા. શરૂઆતમાં મરીઝે તેમને મદદ કરેલી, પણ પછી તો એ જાતે જ લખતા. રાત્રે મોડે સુધી લખતા. ‘વતન’માં તેમની શાયરી છપાતી થઈ એટલે લોકોને ખ્યાલ આવ્યો કે આ બહુ સરસ શાયરી કરે છે. મુશાયરામાં તેમને માન મળવા લાગ્યું. મુશાયરામાં નઝીરની તારીફ જોઈને મરીઝે કહ્યું હતું કે આ છોકરો એક દિવસ બહુ આગળ જશે, પણ તેમને 26માં વર્ષે કેન્સર થયું. આ બીમારીની જાણ થતાં મરીઝ અને પરિવારજનોના જાણે પગ જ ભાંગી ગયા. નઝીરના ખાટલા પાસે રાત-દિવસ મરીઝ બેસી રહેતા. છેલ્લા ચાર દિવસ મરીઝ એમની પડખેથી ખસ્યા નહોતા. મરીઝે તેમનું મેલું પણ સાફ કરેલું. નઝીર જે કંઈ માગે તે તરત હાજર કરતા.
નઝીરનો ‘સમય’ જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ મરીઝ વધુ ઢીલા પડતા ગયા. તેમના ચહેરા પરનું નૂર ઊડી ગયેલું. આખરે નઝીરે ચોથા દિવસે દમ તોડ્યો. શરાબ વિના જેને કલાક પણ ચાલે નહીં એ મરીઝે નઝીરના છેલ્લા ચાર દિવસ સુધી શરાબને હાથ સુધ્ધાં નહોતો લગાડ્યો. કદાચ જિંદગીમાં પહેલી વાર એવું બન્યું હશે કે એમણે ચાર દિવસ સુધી શરાબને હાથ ન લગાડ્યો હોય, પણ નઝીરને દફનાવ્યા પછી મરીઝે નઝીરના ગમમાં હદ બહારનું પીવાનું ચાલુ કરી દીધું હતું. પરિવારજનોએ અને બીજા કેટલા ય લોકોએ મરીઝને દારૂ પીધેલી હાલતમાં પોક મૂકીને રડતા જોયેલા અને મરીઝે નઝીરની શાનમાં એક અંજલિ લેખ પણ લખ્યો હતો.
સૌજન્ય : ‘મરીઝ નામની ઘટનાની 100મી જયંતી’, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 ફેબ્રુઆરી 2017
————————————————————
શૈલેન્દ્ર વાઘેલા, ‘ફેઇસબુક’ને જરિયે 22 ફેબ્રુઆરી 2017ના લખતા હતા :
મરીઝ પરના સ્પેિશયલ પેજ પાછળની વાત
“દિવ્ય ભાસ્કર”ના પૂર્તિ વિભાગની ટીમ મિટિંગમાં નક્કી થયું કે મરીઝની 100મી જન્મજયંતી પર વિશેષ પેજ કરવું, એટલે સૌ પહેલાં જિજ્ઞેશ મેવાણીના નામનો જ વિચાર આવ્યો.
ગુજરાતમાં ઉનાકાંડ પછી તે દલિત નેતા તરીકે પ્રકાશમાં આવ્યો છે, પણ મૂળભૂત રીતે તે પત્રકાર અને પત્રકાર તરીકેના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ખૂબ જ રઝળપાટ કરીને મરીઝ વિશે તેણે સંશોધન કર્યું હતું તેનો મને ખ્યાલ હતો.
મરીઝ પર પેજ કરવા માટે જ્યારે તેનો સંપર્ક કર્યો, ત્યારે તે નાગપુરમાં હતો અને કહ્યું કે આપણે એ કરીએ જ છીએ અને નાગપુરથી આવું એટલે તરત આપણે મળીએ. મેં કહ્યું કે સ્યોર પણ આ માટે તારે “દિવ્ય ભાસ્કર”ની ઓફિસ પર આવવું પડશે તો એ સંમત પણ થઈ ગયો.
નાગપુરથી આવ્યા બાદ તે આવ્યો પણ ખરો અને ઉત્સાહપૂર્વક આખા ટાસ્કમાં સામેલ થવાની તૈયારી દર્શાવી. મેગેઝિન એડિટર કૃષ્ણકાંતભાઈ અને મેં મરીઝ વિશે વાચકોને શું આપવું તેની રૂપરેખા બનાવી રાખી હતી, તે તેને દર્શાવી. તેણે તેના સંશોધનની કેટલીક વાતો કરી. તેમાંથી શું લેવું અને શું ના લેવું તે નક્કી થયું.
પછી મિટિંગ પૂરી થયા બાદ, કેન્ટિનમાં ચા-પાણીના દોર વખતે અચાનક જ તેણે કહ્યું કે તું અત્યારે જ ઘરે ચાલ, અને મારી પાસે જે મટિરિયલ છે તે આપું. કાલની રાહ નથી જોવી, કારણ કે કાલે સવારે હું બેંગલોર જવાનો છું.
હું તેના ઘરે ગયો. મરીઝ વિશે તેણે કરેલું કામ જોયું. તેમાંથી કેટલાંક કામની પ્રિન્ટઆઉટ્સ મેં લીધી અને કલાકેક બાદ છૂટા પડ્યા.
બીજા દિવસે તેનો ફોન આવ્યો કે બીજી પણ રસપ્રદ વસ્તુઓ મળી છે તે હું બેંગલોરથી આવું એટલે લેતો આવીશ. મેં કહ્યું ઓકે. તે બંેગલોરથી આવ્યો ત્યારે મારા સહકાર્યકર મીરાં ત્રિવેદીએ મરીઝ પર કેટલુંક કન્ટેન્ટ તૈયાર કરી રાખ્યું હતું. તે તેણે જોયું અને સંતોષ વ્યક્ત કર્યો. મરીઝપ્રેમના લીધે “દિવ્ય ભાસ્કર”ની ઓફિસ પર તેણે એક આખો દિવસ વિતાવ્યો અને મોડી રાત્રે “દિવ્ય ભાસ્કર”ના ક્રિએટિવ હેડ નરેશ ખીંચીએ ડિઝાઈન કરેલું મરીઝ પરનું પેજ જોઈ તે ખુશ થઈ ગયો. મરીઝ વિશેની અપ્રાપ્ય માહિતી તો જિજ્ઞેશ પાસેથી મળી જ, પણ મરીઝના હસ્તાક્ષરમાં લખાયેલો અલભ્ય શેર પણ તેની પાસેથી મળ્યો અને તેણે હોંશે-હોંશે તે બધું “દિવ્ય ભાસ્કર”ને સોંપ્યું તે માટે જિજ્ઞેશ મેવાણીને બિગ થેંક્સ.
સૌજન્ય : https://www.facebook.com/shailendra.vaghela.10
અખિલ જિંદગી જેણે પીડ પરાઈ જાણી હોય એવા ભેખધારી ગાંધીવાદી વૈષ્ણવજનો, દલિતોની કલેજા ચીરતી ભયકથાઓ ટાણે અડીખમ ઊભેલા આંબેડકરવાદીઓ અને જેનું જીવનલક્ષ્ય 'દુનિયા કે મજદૂર એક હો'ના નારાને બુલંદ કરવામાં વીત્યું એવા ડાબેરી સંઘર્ષવીરો – આવા અનેક કર્મશીલો દેશ આઝાદ થયાના છ દાયકા દરમિયાન ગુજરાતને મળ્યા અને પોતપોતાની વિચારધારા મુજબ લડયા. પણ, આઝાદીના આ અધૂરા જંગમાં, જેણે પોતાની કર્મશીલતા થકી પોતાને માટે એવું જોખમ ઊભું કર્યું હોય કે ગુજરાતની રાજસત્તા ગમે ત્યારે જાનથી મારી શકે અને એ જોખમની વચ્ચે પણ એ વ્યક્તિ અણનમ માથું બનીને સતત લડતી રહી હોય તો કદાચ એ એક જ 'જન સંઘર્ષ મંચ'ના જોરાવર કર્મશીલ ડો. મુકુલ સિંહા. નરેન્દ્ર મોદી સામે લડનારો સૌથી મહત્ત્વનો યોદ્ધો. ફેફસાંના કેન્સરની બીમારી સામે ઝઝૂમીને ૧૨ મે ૨૦૧૪ના રોજ આપણા આ બાહોશ સાથીનું અવસાન થયું. રાજસત્તાને હચમચાવી નાખવાનું ગજુ ધરાવતો આ માણસ મૂળ છત્તીસગઢના બિલાસપુરનો, પણ જીવ્યો સવાયો ગુજરાતી બનીને. જિંદગીના ૩૦ વરસ સુધી ડો. મુકુલ સિંહાએ જે રીતે ગુજરાતનાં વંચિતો, શોષિતો, પીડિતો માટે અવિરત સંઘર્ષ કર્યો, તેનો જોટો જડવો મુશ્કેલ છે.
ટાંટિયા ઊંચા હોય અને મોં સંડાસના મરઘામાં હોય એવી મુદ્રામાં નિર્દોષ મુસ્લિમ યુવકોને બર્બર રીતે મારનારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કોઈ હિન્દુ પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરની લપેટથી બચવા દરગાહ પર જઈ દુઆ કરવાનો વારો આવે એવી સ્થિતિનું નિર્માણ કરવું એ મુકુલ સિંહાનું યોગદાન. મુકુલભાઈ અને 'જન સંઘર્ષ મંચ' ૨૦૦૨થી ૨૦૧૪માં આવો જડબેસલાક ફેર પાડી શક્યા છે. નરોડા પાટિયા હત્યાકાંડ, નરોડા ગામ હત્યાકાંડ, નાણાવટી કમિશનમાં મોદીની ઉલટતપાસની માગણી, પોટાના કેસો, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર, તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર, ઈશરત જહાં એન્કાઉન્ટર, સાદિક જમાલ એન્કાઉન્ટર – આ તમામ લડતોના કેન્દ્રમાં અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે ત્રણ મહિના જેલમાં કાઢવા પડયા એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક 'જન સંઘર્ષ મંચ' અને મુકુલ સિંહા છે.
કાનપુર આઈ.આઈ.ટી.માંથી ૧૯૭૧માં ગોલ્ડમેડલ જીતી, ગ્રેજ્યુએટ થયેલ મુકુલ સિન્હા ૧૯૭૩માં અમદાવાદની પી.આર.એલ.(ફિઝિકલ રિચર્સ લેબોરેટરી)માં ભૌતિકશાસ્ત્રી તરીકે જોડાયા અને પ્લાઝ્મા ફિઝિક્સ પર ડોક્ટરેટ કર્યું. એ ભૌતિકશાસ્ત્રીમાંથી એક્ટિવિસ્ટ અને પછીથી એડવોકેટ બન્યા, એના મૂળમાં પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડની રોજીરોટીનો સવાલ. પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડે પોતાના અધિકારો માટે યુનિયન બનાવ્યું એ જોઈને સંસ્થાએ તમામ કર્મચારીઓ પાસેથી એવું લેખિત લેવાનું ચાલુ કર્યું કે તેઓ ક્યારે ય યુનિયનમાં નહીં જોડાય. મુકુલભાઈએ ધરાર કહી દીધું, યુનિયનમાં નહીં જ જોડાઉં એવી બાંહેધરી ના આપું. પરિણામસ્વરૂપ પી.આર.એલ.માંથી એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. બસ એ જ ક્ષણથી કર્મચારીઓ-કામદારોના યુનિયન એ એમની જિંદગીનું અભિન્ન અંગ બની ગયા. પી.આર.એલ.માં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનું યુનિયન બનાવી એમણે ટ્રેડ યુનિયનિસ્ટ તરીકે પદાર્પણ કર્યું અને બીજી તરફ કોર્ટમાં પોતાનો કેસ દાખલ કર્યોં. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ મુકુલભાઈનો કેસ લડે. ૯ વરસ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ. સુપ્રીમના જજે મુકુલભાઈને પૂછેલું – વોટ અ સાયન્ટિસ્ટ હેઝ ટૂ ડૂ વીથ લેબર યુનિયન (વિજ્ઞાનીને લેબર યુનિયન સાથે શું લેવા દેવા). મુકુલભાઈ ઘણીવાર અમને કહેતા કે પી.આર.એલ.નો કોઈ સાયન્ટિસ્ટ ઈન્કલાબ ઝિંદાબાદ કે લાલ સલામ બોલે એ વાત જ પેલા જજને હજમ થતી નહોતી … એ પછી મુકુલભાઈ પોતે વકીલ બની ગયા. એ વાતને આજે અઢી દાયકા થયા. આ અઢી દાયકા દરમિયાન મુકુલભાઈએ ઘણી કંપનીઓ, સંસ્થાઓ, મિલો-કારખાનાઓના માલિકો સામે યુનિયન બનાવીને લડત આપી. હજ્જારો ઝૂંપડાવાસીઓ માટે ઝઝૂમ્યા. માનવાધિકાર ભંગના સેંકડો કેસો ઉપાડયા. અનેક જાહેર હિતની અરજીઓ કરી.
પ્રત્યેક કેસમાં સેંકડોથી લઈને હજ્જારો શ્રમજીવીઓ અને સામાન્ય માણસના અસ્તિત્ત્વ અને રોજી-રોટીનો સવાલ જોડાયેલો હોય. પણ, એક ટ્રેડ યુનિયનિસ્ટ અને સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકેની અઢી દાયકાની આટલી સજ્જડ કર્મશીલતા પછી પણ એમના વિરોધીઓ એમને 'મિંયાઓના વકીલ' તરીકે ઓળખાવે છે, એના પરથી જ સમજી શકાય કે ૨૦૦૨થી ૨૦૧૪ દરમિયાન નરેન્દ્ર મોદીની કોમવાદી રાજનીતિ સામે એમણે કેવી જડબેસલાક ફાઈટ આપી છે.
૨૦૦૨ના મુદ્દે, મુકુલભાઈના કામની શરૂઆત આ રીતે થઈ ઃ કેટલાંક વરસ પહેલાં, મુકુલભાઈ “ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” એમ્પ્લોઈઝ યુનિયનનો કેસ લડતા. આ યુનિયનના એક મેમ્બર – સલીમભાઈએ ૨૮ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ મુકુલભાઈને ફોન પર જાણ કરી કે, બાપુનગરમાં લોકોના જાનને ખતરો છે. વી.એચ.પી. જ્યારે જ્યારે બંધ કોલ આપે ત્યારે કંઈક ધમાલ તો થતી જ હોય – એ અનુભવને લીધે મુકુલભાઈનાં પત્ની અને જન સંઘર્ષ મંચના કર્મશીલ નિર્ઝરીબહેને તાબડતોબ સલીમભાઈ જોડે અમદાવાદના પોલીસ કમિશનર પર મેઈલ કરાવ્યો. સલીમભાઈને મેઈલ કરતાં આવડે નહીં, તો મુકુલભાઈ અને નિર્ઝરીબહેને ટેલિફોન પર મેઈલ કરતાં શીખવાડયું અને એ રીતે અમદાવાદ પોલીસ કમિશનરને વાતની જાણ કરી, જેમાં બાપુનગરમાં ઊભી થઈ રહેલી ભયજનક સ્થિતિની વાત હતી. જાહેરજીવનમાં સક્રિય લોકો શહેરમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિથી વાકેફ થાય એ માટે જન સંઘર્ષ મંચ દ્વારા આ ઈ-મેઈલ બધે સરક્યુલેટ કરવામાં આવ્યો. અસરગ્રસ્ત વિસ્તારના કોઈ વ્યક્તિ દ્વારા સરક્યુલેટ થયેલો એ પ્રથમ ઈમેઈલ હતો. મુકુલભાઈના કામની શરૂઆત અહીંથી જ થઈ – રાઈટ ફ્રોમ ધી ડે વન. ૨૮ ફેબ્રુઆરીના રોજ ગોમતીપુર વિસ્તારના સલાટ નગરની ઝૂંપડપટ્ટીમાંથી મુકુલભાઈ પર ફોન ઉપર ફોન આવવા માંડયા, ત્યાંના મુસ્લિમોના જાનને ખતરો હતો. એ દિવસોમાં જન સંઘર્ષ મંચ સલાટનગરની ઝૂંપડપટ્ટી ન તૂટે એ માટે લડત આપી રહ્યું હતું. માહોલ ભયંકર હતો. વી.એચ.પી.ના કેટલાક કાર્યકરો પોલીસની ગાડીમાંથી પેટ્રોલ કાઢી, તમામ ઝૂંપડા ફૂંકી મારવાની તૈયારીમાં હતા. આ યોજનાની જાણ થઈ કે તરત જન સંઘર્ષ મંચના મોહન બુંદેલા અને સાયરાબહેન નામનાં બે કાર્યકરોને મુકુલભાઈએ ત્યાં મોકલ્યા અને એમણે તાબડતોબ આખી વસ્તી ખાલી કરાવી બધાને રેલ્વેલાઈન ફરતે દોડાવી મૂક્યા. આખી વસ્તી જીવ બચાવીને નાઠી અને રેલવે લાઈનની પેરેલલ દોડતાં રહીને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી, ત્યાં રાત કાઢી. ઝૂંપડપટ્ટીના રહીશો રેલવે સ્ટેશન પર ભાગી ગયા બાદ, ભગવાબ્રિગેડે સલાટનગરની આખી ઝૂંપડપટ્ટીને આગ ચાંપી દીધેલી. જો, જન સંઘર્ષ મંચના કાર્યકરો દોડીને ન ગયા હોત તો કદાચ નરોડા પાટિયા જેવી મોટી હોનારત બની ગઈ હોત.
મુકુલભાઈ કહેતા – આમ પહેલા બે-ત્રણ દિવસ તો ફાયર-બ્રિગેડની જેમ જ કામ કર્યું, જ્યાં જેના ફોન આવ્યા ત્યાં દોડયા. પણ આ બધાની વચ્ચે મુખ્યમંત્રીનું પેલું નિવેદન – એકશનનું રિએક્શન તો આવે જ ને – અમારા મનમાં ચાલ્યા કરતું હતું. મોદીએ જેવું કીધું કે આ તો એક કોમ દ્વારા બીજી કોમ પર એક પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપ થયેલો આતંકવાદી હુમલો છે, આ તો એક્શનનું રિએક્શન છે – ત્યારથી જ અમને મોદીની રાજનીતિ સમજાવા માંડી હતી. અમને સમજાયું કે બે કોમ વચ્ચે ઊભા થઈ રહેલા આ વિભાજનના મૂળમાં જે રાજનીતિ છે, એની સામે તો લડી જ લેવું પડે.
સૌથી પહેલાં જરૂર હતી ગોધરાની ઘટના કેમ બની એ જાણવાની. ફેક્ટ-ફાઈન્ડીંગ માટે જન સંઘર્ષ મંચના ચાર સભ્યો – મુકુલ સિંહા, નિર્ઝરી સિંહા, અમરીષ પટેલ અને વિષ્ણુભાઈ કદમે એપ્રિલમાં ગોધરાની મુલાકાત લીધી. એટલે ગોધરા પહોંચી તેમણે એસ-૬ કોચ જોયો, આખું ઘટનાસ્થળ જોયું, સિગ્નલ ફળિયા અને આસપાસના વિસ્તારના સ્થાનિક લોકોને મળ્યા, કેટલાક એક્ટિવિસ્ટોને મળ્યા અને ખાસ તો મૌલવી ઉમરજી – જેમને મુખ્ય સૂત્રધાર ઘોષિત કરી જેલમાં નાખી દેવામાં આવેલા – એમના પરિવારની મુલાકાત લીધી. ત્યાં સુધીમાં નાણાવટી-શાહ કમિશનની રચના થઈ ચૂકી હતી. એટલે મુકુલભાઈએ નક્કી કર્યું કે જન સંઘર્ષ મંચ એમાં હાજર થશે. એ વખતે એન.જી.ઓ.ના કેટલાક લોકો એમને સમજાવવા ગયેલા કે તમે તો જાણો જ છો કે આવા કમિશનોની રચના કેમ થતી હોય છે, તો પછી શું કામ એમાં હાજર થવાનું વિચારો છો, તમે એમાં ભાગ ન લેતા .. પણ મુકુલભાઈ કહેતા – હું બહુ ક્લિઅર હતો કે આ બુઠ્ઠી ડેમોક્રેસીમાં જે કોઈ માધ્યમ મળે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ગોધરાનું સત્ય બહાર લાવવું જોઈએ અને એમાં રાજ્ય સરકારની શી ભૂમિકા હતી એનો શક્ય એટલો પર્દાફાશ કરવો જોઈએ. એટલે, જન સંઘર્ષ મંચના એડવોકેટ અમરીષ પટેલ દ્વારા નાણાવટી-શાહ કમિશનમાં ગુજરાતમાં સર્વપ્રથમ સોગંદનામુ કરવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે ઉપલબ્ધ રેકોર્ડ, નોંધાયેલા તમામ નિવેદનો અને પ્રાથમિક પોલીસ-તપાસમાં ક્યાં ય એવું જણાતું નથી કે આ ઘટના કોઈ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપ બની છે, અને એટલે જ આ ઘટનાનું સંપૂર્ણ સત્ય બહાર આવવું જોઈએ. ત્યારથી લઈને આજ દિન સુધીમાં નાણાવટી કમિશનમાં એક પછી એક હકીકતો રેકોર્ડ પર લાવી, કમિશનના તારણોને પડકારી, સાક્ષીઓ અને આરોપીઓનું ક્રોસ એક્ઝામિનેશન કરી મુકુલભાઈ દ્વારા આખી ઘટનામાં મુખ્યમંત્રી અને એમના સાગરિતોની શી ભૂમિકા હતી તે, અને ગોધરાની ટ્રેન કોઈ ર્પૂ્વ આયોજિત આતંકવાદી કાવતરાના ભાગરૂપ નથી સળગાવવામાં આવી એનું એક કોમ્પ્રિહેન્સિવ (વ્યાપક) ચિત્ર બહાર લાવવામાં આવ્યું છે. મુકુલભાઈ દ્વારા 'જન સંઘર્ષ મંચ'વતી નાણાવટી -કમિશનમાં ભાગ લેવામાં આવ્યો ન હોત, તો રાજ્ય સરકારની આ ભૂમિકા આ હદે બેનકાબ ક્યારે ય ન થઈ શકી હોત.
મુકુલભાઈ મુસ્લિમ સમાજનો ખૂબ પ્રેમ જીતી શક્યા એના મૂળમાં રમખાણો અને એન્કાઉન્ટરના કેસો ઉપરાંત પોટાના કાળા કાયદા સામે તેમણે આપેલી લડતનો પણ ખૂબ મોટો ફાળો છે. લાશોની રાજનીતિ રમીને સત્તા પર આવેલા મુખ્યમંત્રીએ ૨૦૦૩ની આસપાસ પોતાની વિકૃત રાજનીતિને આગળ ધપાવવા એક તરફ વિકાસના ગુબ્બારા છોડવાનું ચાલુ કર્યું અને બીજી તરફ પોટાના કાળા કાયદાનો ઉપયોગ કરી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજમાં દહેશતનો માહોલ ફેલાવવાનું ચાલુ કર્યું. મુસ્લિમ મહોલ્લામાં ઠેરઠેર આતંકવાદીઓ છે અને જ્યાં સુધી હું હિન્દુ હૃદય સમ્રાટ સત્તા પર છું ત્યાં સુધી જ તમે સુરક્ષિત છો – એવી રાજનીતિના ભાગરૂપ નિર્દોષ મુસ્લિમ યુવકોને પકડી પકડીને પોટાના કાયદા નીચે જેલમાં નાખી દેવાનું ચાલુ થયું. મોદીના ઈશારે કામ કરતાં દાઢીમાં હાથ નાખવાનો શોખ ધરાવતા પોલીસવાળાઓની એક સિન્ડીકેટ દ્વારા નાનામોટા ગુનાઓમાં સંડોવાયેલા અને ક્યારેક તો સદંતર નિર્દોષ હોય એવા મુસ્લિમોને પોટાના કાળા કાયદા નીચે અંદર કરી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં એમની ખાલ ઉધેડી, એમની પાસેથી કન્ફેશનલ સ્ટેટમેન્ટ લેવાનું ચાલુ થયું, જેમાં એમણે થર્ડ ડિગ્રી ટોર્ચરમાં કબૂલાત કરી હોય કે – હા, હું આતંકવાદી છું. કાલુપુરમાં પટ્ટા વેચતા કોઈ મુસ્લિમ છોકરાને અચાનક એક દિવસ ક્રાઈમ બ્રાન્ચવાળા ઊંચકીને લઈ જાય અને અઠવાડિયા પછી જાહેર કરવામાં આવે કે ફલાણી જગ્યાએથી આતંકવાદી પકડાયો. ક્રાઈમ બ્રાન્ચે પાળેલા બાતમીદારોની એક આખી ફોજ પોટામાં પકડાયેલા મુસ્લિમોના પરિવારજનો પર વોચ રાખતી. એ દિવસોમાં મુસ્લિમ સમાજમાં એટલો ખૌફ હતો કે કાલુપુર-દરિયાપુરમાંથી જેને ઉઠાવી ગયા હોય એવા મુસ્લિમ યુવાનનું ઘર બતાવવા એના આડોશી-પાડોશી પણ તૈયાર નહોતા થતા. રાતના અઢી વાગ્યે જઈને પોલીસવાળા ઘરની સાંકડો ખખડાવીને બૂમ મારતા – એ મિંયાઓ ઘરમાં કોઈ આતંકવાદી તો નથી ને. હાથ-પગના આંગળા છૂંદવા, નખ ઉખાડી નાખવાનો પ્રયત્ન કરવો, નગ્ન કરીને મારવા, ઈલેક્ટ્રીક શોક આપવા, ગુપ્તાંગો પર લાતો મારવી, સંડાસના મરઘામાં મોં ઘાલીને ફટકારવા – આવી વૈવિધ્યપૂર્ણ બર્બર-કલાઓ અજમાવવામાં આવતી. આતંકના આ દોરમાં જન સંઘર્ષ મંચ અને મુકુલભાઈ એમની પડખે અડીખમ રહ્યાં. અમદાવાદના મુસ્લિમ સમાજને એ દિવસોમાં એટલી તો ખબર હતી કે ક્રાઈમ બ્રાન્ચવાળા ઘરમાંથી કોઈને લઈ જાય તો વી.એસ. હોસ્પિટલ જોડે ૧૦૪-મહારાણા કોમ્પલેક્ષ પહોંચી જવું, ત્યાં મુકુલ સિંહા નામનો એક માણસ છે, એ અને એમની ટીમ તમારા માટે લડશે.
૨૦૦૭-૦૮માં હું પહેલવહેલા મુકુલભાઈના સંપર્કમાં આવ્યો અને 'જન સંઘર્ષ મંચ'ની અમારી ઓફિસની મુલાકાત લીધી ત્યારે કરીમીચાચા અને બીજા પોટાના પીડિત પરિવારોની જે કથની સાંભળેલી એ દ્રશ્ય આજે ય મને ભૂલાતું નથી, તમને કાફ્કાસ ચેમ્બર(કાફ્કાની કોટડી)માંથી બહાર આવ્યા હોય એવી ધોંસ અનુભવાતી .. જેની પોટામાં ધરપકડ થઈ હોય એનું ઘર બતાવવા પાડોશી પણ તૈયાર નહોતા એવી સ્થિતિમાં જન સંઘર્ષ મંચના કાર્યકર અને રિલાયન્સના કામદારોના યુનિયન લીડર ભરતસિંહ ઝાલાએ છાતી દેખાડી. આ લખનારે પોટાના એ પીડિત પરિવારોને એમ કહેતા સાંભળ્યા છે કે ભરતસિંહ ઝાલા સિવાય કોઈના બાપમાં તાકાત નહોતી કે એ દિવસોમાં અમારી જોડે ખભેથી ખભો મિલાવીને લડે, અમારાં નજીકનાં સગાં પણ અમારા મહોલ્લામાં આવતાં ફફડતાં હતાં. જન સંઘર્ષ મંચે એમની લડત ઉપાડી. કાયદાકીય મદદ કરવાથી લઈને ભા.જ.પ. અને કોંગ્રેસ બંને સામે રેલીઓ અને ધરણાં કરવા સુધી, જેના પગલે પોટા રિવ્યુ કમિટિની રચના કરવામાં આવી અને આગળ જતાં આ કાળો કાયદો રદ કરવામાં આવ્યો. સ્ટેટ- સ્પોન્સર્ડ ટેરરીઝમ (રાજ્યપ્રેરિત આતંકવાદ ) ટાણે સ્ટેટ સામે એના જ કાયદાથી લડવું એટલે શું એનો વાસ્તવિક ખ્યાલ ત્યારે જ આવે જ્યારે જન સંઘર્ષ મંચ, ભરતસિંહ ઝાલા અને મુકુલ સિંહાના સહકાર વિશે પોટાના પીડિત-પરિવારો પાસેથી એમની આપવીતી સાંભળી હોય. માણસના મેટલની કસોટી આવા વખતે જ થતી હોય છે. આવી કસોટીઓમાં જન સંઘર્ષ મંચની ટીમ પાર ઊતરી છે, થેંક્સ ટૂ મુકુલ સિંહા ..
આવા ભરતસિંહ ઝાલાઓ તૈયાર કર્યા એ મુકુલ સિંહાનું યોગદાન. ભરતભાઈ કહે છે – મુકુલભાઈ ના હોત તો હું કાં રિલાયન્સના કોઈક મેનેજરને ચપ્પુ મારીને જેલમાં ગયો હોત કાં રિલાયન્સમાં મજૂરી કરતો હોત … આ જ રીતે ૧૯૯૮માં પૂર્વ અમદાવાદના મેમ્કો વિસ્તારમાં આવેલી લુબિ ઈલેકટ્રિકલ કંપનીમાં લઘુતમ વેતનની માગણીને લઈને પડેલી હડતાલમાં કામદારો પર ફેક્ટરીના મેનેજર અને તેના સાગરિતો દ્વારા ફાઈરીંગ કરવામાં આવ્યું, જેમાં રસ્તે જનારા એક રાહદારીનું મોત થયું. પણ આ સંઘર્ષમાંથી રમેશ શ્રીવાસ્તવ નામનો કર્મશીલ નીકળ્યો .. લુબિના મજૂરિયામાંથી રમેશ શ્રીવાસ્તવનું એક કર્મશીલ તરીકે એટલું ઘડતર થયું છે કે રમેશભાઈએ ઈંટભઠ્ઠાના ઓછામાં ઓછા એકાદ લાખ મજૂરોને લઘુતમ વેતન અપાવ્યું હશે … આવા રમેશ શ્રીવાસ્તવો તૈયાર કર્યાં એ મુકુલ સિંહાનું યોગદાન .. ગ્રોફેટ કંપનીની લડાઈમાંથી મળ્યા એડવોકેટ રાજેશ માંકડ અને ગુજરાત સ્ટીલ ટયૂબની લડાઈમાંથી મળ્યા વિષ્ણુ કદમ .. પણ મુકુલભાઈએ તૈયાર કરેલો સૌથી મજબૂત સાથી એટલે અમરિષ પટેલ. ગુજરાતમાં મજદૂરોનો એમના જેવો કાબેલ વકીલ આજની તારીખે મળે એમ નથી. મુકુલભાઈ નથી, પણ જન સંઘર્ષ મંચ નામની વિરાસત મૂકતા ગયા છે, લડતનો સ્પિરિટ મૂકતા ગયા છે એ પણ એક મોટું આશ્વાસન છે.
દેશમાં મુકુલભાઈ કરતાં પણ વધારે હોનહાર વકીલો હશે, પણ એવું કયું પરિબળ છે કે સરકાર જ્યારે રાહુલ શર્મા અને રજનીશ રાયની બોચી પકડે છે ત્યારે તેઓ પણ પોતાનો કેસ લઈને કોઈ જેઠમલાણીને બદલે મુકુલ સિન્હા પાસે જાય છે. આ પરિબળ છે – જે પણ મુદ્દો હાથ પર લઈએ એને એના તાર્કિક અંજામ સુધી લઈ જવાની નેમ અને એ માટે ક્યારે ય માલિકવર્ગ કે રાજસત્તા સાથે સમાધાન નહીં કરવાની અડીખમ ઈન્ટેગ્રીટી અને જવલ્લે જ જોવા મળે એવો ફાઈટીંગ સ્પિરિટ. આજે જન સંઘર્ષ મંચનું જે ઘડતર થયું છે, એનો શ્રેય મુકુલભાઈએ આપેલી આ વેલ્યુને જાય છે.
૨૦૦૨માં છાપાના જે પત્રકારો મોદીને બુચર ઓફ ગુજરાત કહેતા હતા એમાંથી કેટલાક આજે મોદીને ફ્યુચર ઓફ ગુજરાત કહેતા થયા છે, કોંગ્રેસે અસંખ્ય વખત ભા.જ.પ. સાથે મિલીભગતો કરી છે, સી.બી.આઈ.એ સેટીંગો પાડયા છે, સરકારી બાબુઓ મૌન રહ્યા છે, સિવિલ સોસાયટી અનેક વેળા સુષુપ્ત રહી છે, પણ આ બધાની વચ્ચે મુકુલભાઈનો ફાઈટીંગ સ્પિરિટ અકબંધ રહેલો .. આ ફાઈટીંગ સ્પિરિટ ને લીધે જ, તમામ જગ્યાએ ધમપછાડા માર્યા પછી પણ જો વાત ન બનતી હોય ત્યારે ગુજરાતના ખૂણેખાંચરેથી લોકો મુકુલભાઈ પાસે આવતા .. બધાને એવું હતું કે આ એક માણસ છે, જે મોદી સામેની ગમે તેવી મેટર હશે, એમાં પડશે અને છેક સુધી લડશે … આ જ વિશ્વાસને કારણે પાલનપુરના સાથી ઈશાક મરડિયા પુરુષોત્તમ સોલંકીના ૪૦૦ કરોડના ફીશરીઝ સ્કેમનો કેસ લઈને મુકુલભાઈ પાસે આવેલા .. આ કેસમાં પણ મુકુલભાઈ પુરુષોત્તમ સોલંકીના માથે લટકતી તલવાર મૂકતા ગયા છે.
રમખાણો અને એન્કાઉન્ટરોના કેસોની અદાલતી લડાઈ ઉપરાંત, ૨૦૦૨ના દિવસોમાં ભા.જ.પ.ના ગઢ સમા મહેસાણામાં મુસ્લિમો અને પટેલોની એક જાહેરસભા યોજવી, હમ સબ એક હૈ – આ નારા સાથે ૨૦૦૨માં મે-દિવસ નિમિત્તે બંને કોમના શ્રમજીવીઓની એક જંગી રેલી કાઢવી, નેશનલ કોન્ફરન્સ અગેઈન્સ્ટ ફાસિઝમનું આયોજન કરવું, દેશના જુદા જુદા રાજ્યોમાં કોમવાદ અને ફાસીવાદ સામે થયેલા કાર્યક્રમો અને કોન્ફરન્સિસમાં ભાગ લેવો, ૨૦૦૨ની ઘટનાના પાંચ વરસ નિમિત્તે પાંચ હજાર માણસની એક જંગી રેલી કાઢવી, હિન્દુ-મુસ્લિમ એકતાના સંનિષ્ઠ પ્રયત્નો કરવા, અમેરિકાની મેસોચ્યૂટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના આમંત્રણને પગલે ગ્રુપ વાયોલન્સ, ટેરરીઝમ એન્ડ ઈમ્પ્યુનિટી ઃ ચેલેન્જીસ ટૂ સેક્યુલરિઝમ એન્ડ રુલ ઓફ લો – આ વિષય પર પેપર રજૂ કરવું, મોદીની સદ્દભાવના – નૌટંકી સામે રમખાણ પીડિતોની એક સાચી સદ્દભાવના સભા યોજવી, સંગઠનની ધાક વાપરી ક્રાઈમ બ્રાન્ચમાં ખોટી રીતે ઊઠાવી ગયેલા કોઈ મુસ્લિમ યુવકને છોડાવી લાવવો એવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પરંતુ આ જ મુસ્લિમ સમાજે ચૂંટણીના રાજકારણમાં મુકુલભાઈને જાકારો આપ્યો એ બાદ પણ એમના સ્પિરિટને જરીકે અસર થઈ નહોતી. મુકુલભાઈએ એન.એન. પટેલ અને પોતાના સાથીઓ સાથે મળીને ઊભી કરેલી 'ન્યૂ સોશ્યિાલિસ્ટ મૂવમેન્ટ' (નવી સમાજવાદી ચળવળ) પાર્ટી તરફથી ૨૦૦૪ની વિધાનસભા ચૂંટણીમાં શાહપુરમાંથી ઝંપલાવ્યું અને તેમને અઢીસો વોટ મળ્યા તો પણ ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં સાબરમતી મતક્ષેત્રમાંથી લડતા તેમને જરીકે સંકોચ થતો નહોતો.
તેમની ફિલસૂફી સાફ હતી – આપણે તો વિચારધારાની વાત કરવા ચૂંટણી લડીએ છીએ, વોટની પરવા શું લેવા કરવી .. મરતે મરતે ગુજરાત મેં લેફ્ટ આઈડીયોલોજિ કા એક પૌંધા તો લગાતા જાઉં – આ વાક્ય તેઓ ઘણીવાર કહેતા. તેઓ કહેતા – ફાસીવાદી તાકતો કે ખિલાફ યદી સચ મુચ કોઈ લડ શકતા હૈ તો વહ હૈ સર્વહારા, મજદૂર વર્ગ. આજના વૈશ્વિકીકરણના દોરમાં જ્યારે મજદૂર યુનિયન પ્રવત્તિ સૌથી તેજ થવી જોઈતી હતી તેના બદલે સાવ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી છે ત્યારે મુકુલભાઈએ સાથી એન.એન. પટેલ સાથે મળીને ઊભા કરેલા 'ગુજરાત મજદૂર સભા' અને 'ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ' એક ખૂણો પકડીને પ્રતિબદ્ધતા સાથે મજદૂર વર્ગ માટે લડતા રહ્યા છે એ નાનીસૂની વાત નથી. એક પણ વરસની ગાપચી માર્યા વગર, છેક ૧૯૮૧થી ૨૦૧૪ સુધી, આ ટ્રેડ યુનિયનો દ્વારા મે દિવસની રેલીઓ કાઢવામાં આવી છે અને સર્વહારા ઝિંદાબાદના નારાને બુલંદ રાખવામાં આવ્યો છે. અમદાવાદના નરોડા, ઓઢવ, વટવા કે બાવળાના ચાંગોદર જી.આઈ.ડી.સી. યુનિટ્સમાં મુકુલ સિંહાનું નામ સાંભળ્યું હોય એવા કામદારો નીકળે, નીકળે ને નીકળે જ .. એકવાર મારા ઘરે કન્સ્ટ્રક્શનનું નાનુ મોટું કામ ચાલતું હતું. એક મજૂર સળિયા વાળતો બેઠો હતો. મેં એનું બેકગ્રાઉન્ડ પૂછયું તેણે જણાવ્યું કે એક કંપનીમાં કામ કરતો હતો, યુનિયન બનાવેલું પછી માલિકે કાઢી મૂક્યા, હજુ કોરટ-કચેરીમાં કેસ ચાલે છે. મેં કહ્યું વકીલની જરૂર હોય તો કહેજો, અમે લોકો પણ યુનિયન ચલાવીએ છીએ .. તેણે કહ્યું – અમારે વકીલની કોઈ જરૂર નથી, અમારી જોડે મુકુલ સિંહા નામના એક જોરદાર વકીલ છે … હું હસી પડયો .. લુબી કંપનીનો એ કામદાર હતો..
કેન્સરનું નિદાન થયું એ પૂર્વે તેમણે જે ખૂબ મોટું કામ કર્યું તે એ કે મણિપુરમાં આફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેિશયલ પાવર્સ એક્ટ) નામના કાળા કાયદા હેઠળ જે નિર્દોષોને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવેલા તેમની વિધવા પત્નીઓના એસોસિયેશન વતી મુકુલભાઈ મણિપુરની કોર્ટમાં જઈને એક અઠવાડિયું બરાબરની ઊલટ તપાસ કરી આવેલા, જેના પરિણામે મિલીટરીના કર્નલ કક્ષાના ડઝનબંધ અધિકારીઓ બનાવટી એન્કાઉન્ટરના મામલામાં જેલ ભેગા થવાના છે. મુકુલભાઈએ પણ કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ થઈ અને કોર્ટમાં જવાનું બંધ થયું ત્યારથી છેલ્લો શ્વાસ લીધો ત્યાં સુધી વાઈબ્રન્ટ ગુજરાતની કોમવાદી-ફાસીવાદી રાજનીતિ અને વિકાસના પોકળ દાવાઓનો પર્દાફાશ કરતી 'ટ્રૂથ ઓફ ગુજરાત' નામની વેબસાઈટ માટે દોઢસો આર્ટિકલ લખ્યા .. એક બાજુ કેમોથેરાપિની ડ્રગ્સ બોડીમાં જતી હોય અને બીજી બાજુ છાતી પર લેપટોપ મૂકીને મુકુલભાઈ લખ્યે જતા હોય, આ સિલસિલો લગભગ આખરી દિવસો સુધી ચાલ્યો.
ચારેક વરસના મારા સંપર્ક દરમિયાન અનેક રેલીઓ, ધરણામાં અમે જોડે ભાગ લીધો, એના આયોજનો કર્યાં, સાથે સંબોધનો કર્યાં, પણ એમના હાથની મચ્છી ખાવાની રહી ગઈ. ઉત્તમ કક્ષાની ચા અને મચ્છી એ મોદી સામે લડવા જેટલા જ એમના રસના વિષય હતા. રાત્રે કોઈકવાર મોડા સુધી એમના ઘરે રોકાયા હોઈએ તો ઉઘાડી છાતી અને નીચે લૂંગી વિંટાળી આપણને ચા બનાવી પીવડાવે … મેં એકવાર પૂછયું કે – કાકા, લેનિનને ક્યા કહા થા ….. તેમણે પોતાના મજાકિયા સ્વભાવ મુજબ કહ્યું – સબસે ઈમ્પોર્ટન્ટ બાદ જો લેનિનને કહી વો યે કી ધેર કાન્ટ બી રેવોલ્યુશન વિધાઉટ વોડકા … વોડકા દારુ પીધા વગર ક્રાંતિ ન થઈ શકે. બોલ ક્યા ખયાલ હૈ ..
જૂનાં ગીતોના શોખીન હતા એટલું જ નહીં, પોતે ક્યારેક કવિતાઓ પણ લખી નાખતા .. ૧૯૯૩માં વિનય-ચારુલ સાથે મળીને તેમણે લખેલું ગીત – ચાહે ગીતા કહો, ચાહે કહ લો કુરાન, અપના જીવન સંભાલ, અપના દુ:ખ પહચાન – અનેક કાર્યક્રમોમાં ગવાતું રહ્યું છે … "શ્રમની કૂખે જનમ લીધો છે મજદૂર છે એનું નામ, શોષણની બેડીને તોડી રહ્યો છે મજદૂર છે એનું નામ" એ પણ મુકુલભાઈ લખેલું સુંદર કાવ્ય છે .. મૂળ અંગ્રેજીમાં આ કવિતા લખ્યા બાદ પત્ની નિર્ઝરીબહેનને ભર ઊંઘમાંથી અડધી રાતે ઊઠાડી એનો ગુજરાતી અનુવાદ કરાવેલો એવું નિર્ઝરીબહેન મુકુલભાઈની શ્રદ્ધાંજલિ સભાના આયોજન માટે અમારો જન સંઘર્ષ મંચનો પરિવાર મળેલો ત્યારે અમને કહેલું. મજદૂર વર્ગ માટેનાં બે ગીતો – 'એક ઓર જહાં મુમકિન હૈ' અને પાકિસ્તાની સીંગરનું – 'મેં ભી એક ઈન્સાન હૂં' એમના પ્રિય ગીતો હતાં. અમરિષભાઈ કહે છે – અવસાનના ચાર દિવસ પહેલાં મુકુલભાઈ, હું, નિર્ઝરી કાકી અને (મુકુલભાઈનો પુત્ર) પ્રતિક – 'જીવન સે ભરી તેરી આંખે, મદહોશ કરે જીને કે લિએ …' સાથે ગાતાં હતાં .. છેલ્લા ૨ દિવસ મુકુલભાઈ વેન્ટિલેટર પર હતા, પણ ૧૨મી બપોરે ૨ વાગે તેમણે અમરિષભાઈને નજીક બોલાવીને કહી દીધું કે વેન્ટિલેટર હટાવી લો … આખરે ૪-૩૦ વાગ્યે કોમરેડે વિદાય લીધી. અગાઉથી નક્કી કર્યાં મુજબ મુકુલભાઈએ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટને પોતાનું શરીર દાન કર્યું ..
કર્મશીલ મુકુલભાઈ સિંહા, લેખક જિજ્ઞેશ મેવાણી અને સાથીદારો
મારા કેટલાક મિત્રો મને ઘણીવાર કહેતા હોય છે ઃ તું તો મુકુલ સિંહાનો માણસ છે .. આ ટેગ મારા માટે ગૌરવનો વિષય છે. મને લડતા તો આ માણસે જ શીખવ્યું.. મંચ પર બોલતા આ માણસે જ કર્યો.. રાજનૈતિક કાર્યકર તો આ માણસે જ બનાવ્યો.. મારો દાવો છે કે ગુજરાતમાં મારી ઉંમરનો બીજો એકપણ યુવાન નથી જેણે મોદીને એના નામ સાથે ખુલેઆમ મારા જેટલી ગાળો ખાનપુરના ભા.જ.પ. કાર્યાલયની બહાર ઊભા રહીને અને બીજે અનેક ઠેકાણે જાહેરમંચ પરથી, રેલીઓમાં, ધરણાંઓમાં આપી હોય, એના અનેક વિડીયો રેકોર્ડિગ્સ પોલીસ પાસે ઉપલબ્ધ છે … હું આ ડેરીંગ કરી શકતો એના મૂળમાં ક્યાંક એવો અડીખમ વિશ્વાસ હતો કે કંઈક થશે, તો મુકુલકાકા ફોડી લેશે .. મારી જવાનીનો શ્રેષ્ઠ સમય મુકુલભાઈ સાથે મળીને રાજસત્તા સામે જનહિતમાં સંઘર્ષ કરવામાં વીત્યો એ મારી જિંદગીની મોંઘેરી મૂડી છે. ગૌરવ છે એ વાતનું કે મોદી સામે મુકુલભાઈએ છેડેલા સંઘર્ષમાં તણખલા જેવી તો તણખલા જેવી પણ આપણી બી ભૂમિકા રહી .. ૧૨મીની સવારે હું અરવિંદ કેજરીવાલનો પ્રચાર સમેટી વારાસણીથી અમદાવાદ આવી રહ્યો હતો, ત્યારે આગ્રાથી ભરત ઝાલા જોડે મુકુલભાઈની તબિયતની વાત થઈ રહી હતી. હું એમને કહી રહ્યો હતો કે કાકાએ આપણને કેવા તૈયાર કર્યાં છે, નહીં ?આજે ગુજરાતના મોડલ વિશે અને ગુજરાતની કોમવાદી રાજનીતિ વિશે આપણે અધિકારપૂર્વક દેશના કોઈપણ ખૂણે જઈને અડધો કલાક ભાષણ આપી શકીએ એ કેળવણી તો મુકુલ કાકાએ જ આપીને … ? આ વાત પતી અને માંડ પાંચ-છ કલાક થયા હશે અને સમાચાર મળ્યા કે કોમરેડ આપણી વચ્ચે નથી રહ્યા .. મુકુલ સિંહા સિવાયની ગુજરાતની રાજનીતિની કલ્પના, મુકુલ સિંહા સિવાયના સંઘર્ષની કલ્પના, અમારા માટે વ્યક્તિગત રીતે પણ બહુ પીડાદાયક છે …. મુકુલભાઈના અંતિમ દર્શન પણ ન કરી શક્યો. મુકુલ સિંહાને છેલ્લે છેલ્લે લાલ સલામ પણ ન કહી શક્યો .. ચૂંટણી પહેલાં ખાનપુર, જે.પી. ચોકમાં બૂમો પાડી પાડીને મેં ભાષણ કરેલું ત્યારે મુકુલભાઈએ ખુરશીમાં બેઠા બેઠા મને ઇશારો કરીને પોતાના અંદાઝમાં લાલ સલામ પાઠવેલી .. આજે હું કહું છું – જહાંપનાહ તુ સી ગ્રેટ થે, લાલ-સલામ કુબૂલ કરો …
ક્રાંતિકારી શિવવર્મા પોતાના સાથી ભગતસિંહને યાદ કરતાં ત્યારે એક શેર એમના ગળામાં રુંધાઈ જતો, એ શેર અત્યારે આ લખી રહ્યો છું ત્યારે યાદ આવે છે ઃ
વો સુરતે ઈલાહી કિસ દેશ બસતીયાં હૈ,
દેખને કો જિન્હે આંખે તરસતીયાં હૈ
મુકુલભાઈને નજદીકથી ઓળખનારા સાથીઓની લાગણી મુજબ કહું તો વાઘ જેવો માણસ જતો રહ્યો …. મોદીના ગળાનો ગાળિયો તૈયાર કરનારો ગયો. ફાસીવાદી-કોમવાદી પરિબળો આ દેશમાં ફરી એકવાર સત્તાસ્થાને આવી ચડયા છે ત્યારે મુકુલભાઈનો પ્રિય નારો અચૂક યાદ આવે છે – કાલે બાદલ છાયે હૈ, સંઘર્ષ કે દિન આયે હૈ …. અનેક મિત્રોની લાગણી છે કે બહુ ખોટા સમયે આ માણસ જતો રહ્યો, મુકુલભાઈની ખોટ નહીં પૂરાય .. અવસાનના ચાર દિવસ પહેલાં પણ અમિત શાહને ઈશરત એન્કાઉન્ટરમાં સી.બી.આઈ.એ જે ક્લિન ચીટ આપી, તેની સામે સી.બી.આઈ. કોર્ટમાં કેસ દાખલ કરવાની ચર્ચાઓ કરતા … મોદી જેલમાં જાય અને ભા.જ.પ.ની કોમવાદી રાજનીતિનો અંત આવે અને આ દેશમાં વર્ગ સંઘર્ષ તેજ થાય, નવો સેક્યુલર, સમતાવાદી સમાજ રચાય, એ જ એમનો જીવનરસ રહ્યો, આખરી શ્વાસ સુધી.
આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના …
મરીઝનો આ શેર મુકુલભાઈના જીવનકર્મને કેટલો બંધ બેસે છે !
11 July 2014 at 15:28
https://www.facebook.com/notes/mehul-mangubahen/મુકુલ-સિંહાની-વિદાય-સંઘર્ષના-સાથી-ગયા-સવાયા-ગુજરાતી-ગયા_-જિજ્ઞેશ-મેવાણી/10152358382569902