પ્રાઇમસ : આપ જાણતા હશો તેમ, રસોઈ માટે ગૅસના આગમન પહેલાં, કેરોસીનથી ચાલતા પ્રાઇમસનું ચલણ હતું. સરળતાથી હેરફેર કરી શકાય તેવું સાધન ઘર ઉપરાંત લારી-ગલ્લાં તથા નાની-મોટી ઑફિસોમાં પણ ચા-નાસ્તો બનાવવા બહોળા પ્રમાણમાં વપરાતું. તેમાં નીચે કેરોસીન ભરવાની ટાંકી અને હવા ભરવાનો પંપ, વચ્ચેના ભાગમાં બર્નર, જેમાં પ્રવાહી તથા તે ગરમ થતાં જ્વલનશીલ વાયુ આવે તેવા છિદ્રોવાળું લવિંગ લગાવેલું રહેતું. ઉપર તપેલી, તાવડી વગેરે મૂકી શકાય, તેવી જાળીની રચના હતી.
હવે આગળ …
પ્ર. રાજકીય સત્તા હાંસલ કરવા માટેની તમારી વ્યૂહરચના તમને કેવી રીતે સૂઝી ?
ન. ચા બનાવવાની મારી સાધના દરમિયાન પ્રાઇમસ સળગાવતાં.
પ્ર. વિગતથી સમજાવશો ?
ન. પ્રાઇમસ ચાલુ કરતાં પહેલાં પંપ મારવો પડે.
પ્ર. બરાબર
ન. પંપ મારી થોડું કેરોસીન બર્નરની વાટકીમાં કાઢવું પડે. પણ લવિંગમાં ભરાયેલો કચરો રુકાવટ કરતો હોય, તો પીન મારી તેને દૂર કરવો પડે.
પ્ર. દાખલા તરીકે ચાલુ સત્તાધીશ કે અન્ય અડચણકર્તા વ્યક્તિઓ.
ન. પછી, વાટકીમાંના કેરોસીનને સળગતી દીવાસળી ચાંપો.
પ્ર. એટલે ભડકો થાય.
ન. બર્નરને ગરમ કરવા તે જરૂરી છે.
પ્ર. સમાજમાં ભડકો એટલે હિંસાખોરી ?
ન. આ તો પ્રક્રિયાના તબક્કા છે. પછી પંપ મારી હવાનું દબાણ વધારી પ્રાઇમસ ભમભમાવો.
પ્ર. એટલે કે લોકોના મનમાં હવા ભરી ભરમાવવા ?
ન. બધી ચોખવટ કરવી જરૂરી નથી.
પ્ર. પ્રાઇમસ તો ભમભમાવ્યો. હવે, ચા બનાવવાની.
ન. હવે, તપેલીમાં દૂધ અને પાણી ભેગાં કરો.
પ્ર. એટલે કે નીરક્ષીરવિવેક જાળવ્યા વિના, સાચા-ખોટાની ભેળસેળ ?
ન. ભાઈ તમે તો બહુ અર્થ તારવો છો.
પ્ર. તેમાં થોડું ગળપણ પણ નાંખવું પડશેને ?
ન. હાસ્તો. લોકોના ગળે ઊતરે તેવું તો કરવું પડેને ?
પ્ર. હવે, શું ઉમેરવાનું ?
ન. થોડો તમતમતો (ભાષણ જેવો) ગરમ મસાલો, ચાની પત્તી કે ભૂકી.
પ્ર. અને, તેને બરાબર ઉકાળવાના (ઉશ્કેરવાના).
ન. કડક ચા બને પણ કડવી ના થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે.
પ્ર. ક્યારેક પ્રાઇમસ ભભકભભક થતો હોય છે.
ન. હા, શક્તિના સ્રોત જેવા કેરોસીનમાં કચરો કે પાણી જેવાં ઉધમાતિયાં કે અળવીતરાં તત્ત્વોને કારણે એવું બને. તેમના બકવાસને સહી લેવા પડે.
પ્ર. ચા ઊકળ્યા પછી ?
ન. તપેલી ઉતારતાં આપણા ઉપર ના પડે તેનું પણ ધ્યાન રાખવું પડે. પછી, ચાને ગાળી લેવાની.
પ્ર. ચા ગાળતાં વધેલા કૂચા –
ન. રસકસ નિતારી લીધા પછી તેને કચરાપેટીમાં જ પધરાવવાના હોયને.
પ્ર. હવે કામના ના રહેલા સાથીઓ માફક.
ન. તેમને વેંઢારવાનો કોઈ અર્થ ખરો ?
પ્ર. પ્રાઇમસમાં હવા ભરવાનો પંપ ક્યારેક લપટો પડી જતો હોય છે.
ન. ત્યારે વાઇસર, બદલવું પડે.
પ્ર. એટલે કે કોઈ ઘસાઈ ગયેલા ઢીલાપોચા નેતાને દૂર કરવા પડે.
ન. હં.
પ્ર. તમારો પ્રાઇમસ અમુક ભાગમાં સળગતો નથી.
ન. તેના રિપૅરિંગની જવાબદારી એક નિષ્ણાંત વ્યક્તિને સોંપી છે.
પ્ર. તમારા પ્રાઇમસમાં હવાનું દબાણ ઘડાટવાની ચાકી દેખાતી નથી. પરિણામે, બહુ હવા ભરતાં પ્રાઇમસ ફાટે ખરો ?
ન. ક્યારેક એવું પણ બને.
સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 20
![]()


નરેન્દ્ર મોદી કિશોરવયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને પ્રવૃત્તિથી આકર્ષાયા હતા. કુટુંબ, પત્નીને ત્યજી સંઘના કાર્યને સમર્પિત થયા. સમય જતાં સંઘના કાર્યકરો અને યુવકોમાં તેમણે પોતાનું સ્થાન જમાવ્યું. પોતાની શૈક્ષણિક લાયકાતો સુધારવા તેમણે અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં હું શિક્ષક હોવાથી તેઓ મારા સંપર્કમાં આવ્યા.નવનિર્માણ આંદોલન, તથા દસાડાની બેઠક પરથી ચૂંટણી લડતા જનતા મોરચાના ઉમેદવાર ભીમાભાઈની ચૂંટણીનું સંચાલન હું કરતો હતો, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને તેમાં મદદરૂપ થવા તેમણે પોતાની વગનો ઉપયોગ કર્યો હતો. ઈન્દિરાઈ કટોકટી દરમિયાન શરૂઆતમાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. દાઢી વધારી સરદારજી જેવો દેખાવ બનાવ્યો. આ દરમિયાન ક્યારેક તેઓ મારા ઘેર પણ આવતા.